મેટિનીસ્પેશિયલ ફિચર્સ

‘માં’ સે સિનેમા તક!

સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ

નાતાલનો સમય પાસે આવે કે સૌને સાન્તા ક્લોઝ યાદ આવે, પણ નાતાલ સાથે બીજું પણ એક વ્હાલું પાત્ર જોડાયેલું છે: મધર મેરી. પ્રભુ ઈશુ ખ્રિસ્તને જન્મ આપનાર માતા.

આપણી ભારતીય પરંપરા હોય કે પાશ્ચાત્ય સંસ્કૃતિ, બધે જ મધર-માતા- મા- મમ્મીનું મહત્વ અને સન્માન હંમેશા રહ્યું છે ને રહેશે. આમ તો ‘સિનેમા’ શબ્દમાં જ મા’ શબ્દ સમાયેલો છે! વળી ‘ડ્રામા’ શબ્દમાં પણ ‘મા’ છે!

એમાંયે આ બધા વચ્ચે આપણાં હિંદી સિનેમામાં માનો જેટલો અગત્યનો રોલ હોય છે એટલો ભાગ્યે જ વિશ્ર્વ સિનેમામાં ક્યાંયે હશે માટે જ મા-કસમ, મા-સિનેમાના કિસ્સાઓની મજા જ અલગ છે.

હિંદી ફિલ્મોની માતાઓએ હીરો લોકો માટે જેટલા ટન ગાજરના હલવા બનાવ્યા છે એટલી તો આખા જગતમાં ગાજરની પેદાશ પણ નહીં હોય! એક જમાનામાં હીરો લોકો વર્લ્ડ કપ જીતી આવ્યા હોય એમ હરખાઇને માતાના પગે પડીને હંમેશ કહેતા: ‘માં,માં, મૈં બી.એ. પાસ હો ગયા!’ ને પછી વિધવા માતા તરત જ સજળ નેત્રે મૃત પતિની તસ્વીર સામે લવારા કરવા માંડતી.

હિંદી ફિલ્મોમાં પ્રેમાળ માતાઓ ઘણી આવી, પણ વિધવા અને ગરીબ માતાની વાત જ કૈંક ઓર છે. આઝાદી બાદ ૮૦ના દાયકા સુધી જેવી માતાઓએ વિધવા માતા તરીકે રાજ કરેલું. એમાંયે મનમોહન દેસાઇ જેવા ફિલ્મમેકરની ‘અમર અકબર એંથની’ કે ‘પરવરિશ’ જેવી મિલના-બિછડના ઉર્ફ ‘લોસ્ટ એંડ ફાઉંડ’ની ફોર્મ્યુલાવાળી ફિલ્મોમાં નિરૂપમા રોય તો દરેક ફિલ્મોમાં છોકરાંવને મેળામાં કે ટ્રેનમાં ખોવાડી નાખતી! કદાચ વિશ્વની સૌથી ‘બેદરકાર માતા’નો એવોર્ડ આપવાનો હોય તો એ નિરૂપા રોયને આપી શકાય!

નિરૂપાજી ( જે મૂળ વલસાડનાં ગુજરાતી મહિલા હતા અને સાચું નામ કોકિલાબહેન બલસારા હતું) હંમેશાં અમિતાભની માતા બનતાં ને ફિલ્મો ચાલી જતી માટે એમને ‘લકી માતા’ પણ ગણવામાં આવતી! એ સમયે જીતેંદ્ર, ધર્મેંદ્ર કે રાજેશ ખન્ના સૌની એક એક ફેવરિટ માતાઓ હતી.

પછી સલમાન અને શાહરૂખ ખાનની માતા તરીકે સ્વ. રીમા લાગુ, રાખી અને ફરીદા જલાલે રાજ કર્યું! જોકે હિંદી સિનેમામાં ઘણીવાર તો એક જ સમયે એક ફિલ્મમાં જે અભિનેત્રી કોઇ એક હીરોની માતા બની હોય તે વળી બીજી ફિલ્મામાં એમની હીરોઇનનો રોલ કરતી હોય એવુંયે બનતું… જેમ કે, વહિદા રહેમાનજી ‘ત્રિશૂલ’ ફિલ્મમાં અમિતાભની માતાની ભૂમિકામાં હતા અને ‘અદાલત’માં હીરોઇન! એ જ રીતે રાખી, ‘કભી કભી’ અને ‘બેમિસાલ’માં પ્રેમિકા કે પત્ની હતા પણ ‘શક્તિ’માં માતા!

માતા અંગે ધર્મેંદ્રનો એક કિસ્સો મજાનો છે. મદ્રાસમાં એક સાંજે ધર્મેંદ્રની જૂની હીરોઇન એમને હોટેલમાં મળી. બેઉએ જૂની યાદોમાં સરી જઇને સાથે સાંજ ગાળી. બીજે દિવસે સેટ પર એ જ અભિનેત્રી ધર્મેંદ્રની માતાના રોલમાં વાળ ધોળા કરીને હાજર! ધર્મેંદ્રે તરત જ કહ્યું, આની સાથે દીકરાની ભૂમિકા કેવી રીતે ભજવું? હજી કાલે તો આની સાથે મેં રોમાંસ કર્યો છે! પછી તરત જ મુંબઇથી નવી માતાને હાજર કરવી પડેલી !

છેલ્લાં અનેક દાયકાઓથી મુંબઇની ‘ઇપ્ટા’ નામની નાટ્યસંસ્થા દ્વારા હિંદી એકાંકી નાટકોની આંતરકોલેજ હરીફાઇ યોજાય છે, જેમાંથી ભાગ લઇને અમજદ ખાન, રાજેશ ખન્નાથી લઇને પરેશ રાવલ, શાહિદ કપૂર, વિવેક ઓબેરોય કે આમિર ખાન જેવા અનેક કલાકારો ફિલ્મોમાં આગળ આવ્યા છે. એ હરીફાઇમાં ૧૯૭૦ના દાયકામાં હંમેશાં ગરીબ વિધવા માતા અને બેરોજગાર દીકરાના સંઘર્ષની દુ:ખી વાર્તાવાળા નાટકો ઇનામ જીતતાં.

એવાં નાટકોમાં ગરીબ વિધવા મા, ચૂલો ફૂંકતી હોય, બેકાર દીકરો ઘરે આવીને માટલામાંથી પાણી પીને ખાટલા પર હતાશ થઇને બેસી પડે એવો સીન હોય જ હોય! આવાં નાટકોની ફોર્મ્યુલાનું લોકોએ નામ પાડેલું: ‘મા – માટલા ને ખાટલા’..

ફિલ્મોમાં પણ ત્યારે શહેર આવેલો ગામડાનો હીરો હંમેશા કહેતો, ‘ક્યા કરું? ગાંવમેં માં કા ઇલાજ કરવાના હૈ ઔર બહન કી શાદી!’ એકવાર તો રાજેંદ્ર કુમારે એક શૂટિંગમાં ભૂલથી એમ કહી દીધેલું કે ‘માં કી શાદી કરવાની હૈ ઔર બહન કા ઇલાજ!’ ત્યાર પછી એમના પર ઘણાં બધા જોક બનેલા!

૭૦-૮૦ના દાયકામાં, હીરો લોકો મા સામે અચાનક હીરોઇનને લાવીને બહુ સહેલાઇથી કહે નાખતા કે-‘માં, માં,દેખ મૈં તેરે લિયે ઘર કી બહુ લાયા હું!’ જાણે નવું ટી.વી. કે ફ્રિજ ના લાવ્યો હોય! પાછી માતા પણ નામ-ઠામ કે ઘર-પરિવાર કે અભ્યાસ વગેર કશુંયે પૂછ્યા વિના ઇન્સટન્ટલી તરત જ હીરોઇનને માથે હાથ ફેરવીને આશીર્વાદ આપવા માંડે ને કટ ટુ-ગાજરનો હલવો બનાવવા ફૌરન રસોડા તરફ હાલતી પકડે! આવા દ્રશ્યો ‘માં કા ઇમોશન’ કે ‘મધર ઇંડિયા ઇફેક્ટ’ તરીકે ફિલ્મલાઇનમાં પંકાતા..
જોકે, હદ તો ત્યારે થઇ કે ૧૯૮૯ની ફિલ્મમાં હીરો ગોવિંદા સફેદ સૂટ, બૂટ અને હાથમાં ગન સાથે ઘરમાં પ્રવેશીને, માતાના ચરણ સ્પર્શ કરીને કહે છે: ‘માં માં, મૈં ડોન બન ગયા અબ સારા શહેર મુઝ સે ડરેગા!’ ને પાછી પેલી માતા ગોવિંદાને આશીર્વાદ પણ આપે છે ! બોલો? કેટલી ભોળી અને ભાવુક મા હશે જે દીકરાને ખૂંખાર ડોન બનતો જોઇને પણ હરખાઇ શકે!

Also Read – હેં..રાજ કપૂરનેય લાફા પડ્યા હતા?!

જોકે સમય વીતતા આવી રડમસ ભોળી અબૂધ માતાઓ ફિલ્મોમાં આવવાની સાવ બંધ થઇ ગઇ અને હિંદી ફિલ્મોનો ડ્રામા જાણે સાવ અનાથ થઇ ગયો. પછી તો ૯૦ના દાયકામાં ગ્લોબલાઇઝેશનના જમાનામાં ખુશ ખુશ શણગારેલી માતાઓ આવવા માંડી, જે હીરો અને હીરોઇનો સાથે લગ્નના ગીતોમાં નાચવા પણ માંડી અને હિંદી ફિલ્મોની પેલી પ્રેમાળ માતૃત્વસભર માતાનું સાવ મોત જ થઇ ગયું. વળી જ્યારથી ૨૦૦૦ની સાલ બાદ સાસ-બહુની સિરિયલોમાં જુવાન માતાઓ આવવા માંડી ત્યારે તો સાવ ૨૩-૨૪ વરસની અભિનેત્રીઓ એમની જ ઉમ્મરના હીરો સામે કાળા વાળમા ગજરા લટકાવીને માતા બનવા માંડી, પછી તો કોણ હીરોઇન છે ને કોણ મા? એ નરી આંખે આપણને સમજાય જ નહીં એવા હાલ થયા..
આમ છતાં મા કસમ, ક્યારેક થાય છે કે પહેલાની ફિલ્મો જેવી ઇમોશનલ ઇન્નોસન્ટ ક્યૂટ માતાઓ ફરી ક્યારે જોવા મળશે?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button