આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આજે સર્વત્ર બોલબાલા છે. દરેક ક્ષેત્રમાં તેણે પ્રવેશ કરી લીધો છે. સિનેમામાં પણ આ ટૅક્નિક પરિવર્તન લાવશે. આ ટૅક્નિકથી સમયની સાથે પૈસાની પણ બચત થશે. માનવ સર્જનાત્મકતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વચ્ચેનો સહયોગ સ્ટોરી કહેવાના અને સિનેમેટિક શ્રેષ્ઠતાના નવા યુગની શરૂઆત કરવા માટે તૈયાર છે.
ફિલ્મમેકર સુધીર મિશ્રાનું કહેવુ છે કે આ નવી ટૅક્નોલોેજીને અપનાવવી જરૂરી છે. સુધીર મિશ્રાએ ‘ઈસ રાત કી સુબહ નહીં’, ‘ન્યાય’, ‘ચમેલી’, ‘અફવા’ અને ‘હઝારોં ખ્વાહીશે ઐસી’ જેવી અનેક ફિલ્મો બનાવી છે.
હાલમાં તેમની વેબ-સિરીઝ ‘તનાવ ૨’ ચર્ચામાં છે. તેઓ ચાર દાયકાથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. એવામાં ફિલ્મો સિંગલ સ્ક્રીનથી મલ્ટિપ્લેક્સમાં બદલાઈ ગઈ છે. એવામાં આ પરિવર્તનને પણ તેમણે અપનાવ્યું છે.
એ વિશે સુધીર મિશ્રાએ કહ્યું કે, ‘હું એક મૅથેમેટિશ્યનનો દીકરો છું અને મારો ઉછેર જ એવી રીતે થયો છે કે હું દરેક બાબતમાં શક્યતા જોઉં છું. ક્યારે પણ કાંઈપણ થઈ શકે છે. નવી-નવી વસ્તુઓ આવતી રહેશે. શિક્ષીત હોવાનો ફાયદો એ થાય છે કે ભવિષ્યમાં નવું શું આવશે એનો તમને અંદાજ હોય છે. ઉદાહરણ તરીકે વિશ્ર્વ આજે અઈં એટલેે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વર્ચસ્વ ખૂબ વધી ગયું છે.
આગામી પાંચ-દસ વર્ષમાં એઆઇ ખળભળાટ મચાવશે. એને કારણે સિનેમા જ રી-ઇન્વેન્ટ થઈ જશે. દુનિયાના કોઇપણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ ફિલ્મ બનાવશે અને સીધી કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં પહોંચી જશે, કેમ કે ત્યાં બેસીને તે દુનિયા સાથે કનેક્ટેડ રહેશે.
આવો બદલાવ આવશે અને તમારે ટકી રહેવું હોય તો એની સાથે કદમ મિલાવીને ચાલવું પડશે. હું ટકી રહેવા માગું છું. હું સતત ફિલ્મો બનાવવા માગું છું. હું રિટાયર્ડ નથી થવા માગતો.’