મેટિની

ફ્લોપ હીરો, હિટ વિલન

બે વાર રાજ કપૂરના પિતાનો રોલ કરનારા કાકા કમલ કપૂરે ગેંગસ્ટર તેમજ પોલીસઓફિસર અને નવાબ તેમજ બિઝનેસમેનના નાના રોલમાં પણ મોટો પ્રભાવ પાડ્યો હતો.

હેન્રી શાસ્ત્રી

હીરોના દિવસો (ડાબે) અને ‘પાકીઝા’ના નવાબ

‘પાકીઝા’ એટલે મીના કુમારી અને મીના કુમારી એટલે ‘પાકીઝા’ એ નિર્વિવાદ સત્ય હોવા છતાં દિગ્દર્શક કમાલ અમરોહીનીકમાલ છે કે આંખો મટકું મારવાનું ભૂલી જાય એવી એની છબીકલા, એના કર્ણમધુર – હૃદયસ્પર્શી ગીત- સંગીત અને થોડી થોડી હાજરી પુરાવતા પાત્રો પણ દર્શકોના સ્મરણપટ પર કાયમ માટે અંકિત થઈ ગયા છે. પછી એ અશોક કુમાર હોય કે રાજકુમાર કે પછી વીણા હોય કે કમલ કપૂર…
ફિલ્મ શરૂ થયાની ૩૫ મિનિટ પછી કોઠા પર નવાબ ઝફર અલી ખાન (કમલ કપૂર)ની એન્ટ્રી થાય છે. શરીરની શક્તિ થોડી ક્ષીણ થઈ છે, પણ દિમાગની તુમાખીમાં કોઈ નરમાઈ નથી. ‘ઠાડે રહિયો ઓ બાંકે યાર રે..’ ગીત શરૂ થાય છે અને મીના કુમારી – સેટિંગ્સ અને ગીત – સંગીત દર્શકના મગજ પર છવાઈ જાય છે, પણ એ દરમિયાન રંગમાં ભંગ પડે છે. મીના કુમારીના સૌંદર્ય અને નજાકતને કેદ કરતો કેમેરા નવાબની તુમાખી પર ફોકસ થાય છે અને જરા પણ લાઉડ થયા વિના કમલ કપૂર પ્રભાવ પાડી જાય છે.

‘લોગોં ને આપ કી જાન કા સદકા તો ઉતારા, લેકિન કિસી ને ‘આપ કી નઝર ભી ઉતારી?’ ડાયલોગ બોલતી વખતે કમલકપૂર તંતોતંત લખનઉના ઈશ્કી નવાબ લાગે છે. ‘દિલ કેહતા હૈ કી તુમ ચુરાઈ હુઈ ચીઝ હો જિસે ખરીદના જુલ્મ હૈ’ ડાયલોગમાં કમલ કપૂર નવાબી સ્ટાઈલનો અફસોસ આબાદ વ્યક્ત કરી શક્યા છે.

‘ડોન’માં પણ અમિતાભના રાઈટ હેન્ડ તરીકે અને ‘દીવાર’માં સત્યેન કપ્પુના હાથ પર ‘મેરા બાપ ચોર હૈ’ ટેટૂ માટે નિમિત્ત બનેલા માલિક બદરી પ્રસાદ, ‘મર્દ’માં બ્રિટિશ જનરલ ડાયર… અને બીજા એવા કેટલાક રોલમાં ભૂરી અને ધારદાર આંખોના ધણી કમલ કપૂર દર્શકોના ભાવ વિશ્ર્વમાં પ્રભાવ પાડવામાં સફળ રહ્યા. ગેંગસ્ટર હોય કે પોલીસ ઓફિસર, નવાબ હોય કે બિઝનેસમેન, કમલ કપૂર પાત્રમાં એકરૂપ થઈ જતા હતા એમાં કારકિર્દીના પ્રારંભમાં મળેલો રંગભૂમિનો અનુભવ મદદરૂપ થયો હશે.

સગપણમાં કમલ કપૂર અને પૃથ્વીરાજ કપૂર માસિયાઈભાઈ થાય. શિક્ષણપૂરું કરી ૨૪ વર્ષની ઉંમરે કમલજી ૧૯૪૪માં મુંબઈ પૃથ્વીરાજજી પાસે આવ્યા. જોગાનુજોગ એ જ વર્ષે ‘પાપાજી’એ પૃથ્વી થિયેટર્સની સ્થાપના કરી હતી. પૃથ્વીરાજજીએ ભાઈને મુંબઈમાં સ્થિર થવામાં અને અભિનયના રસ્તે આગળવધવામાં બનતી મદદ કરી. પૃથ્વી થિયેટર્સના ‘દીવાર’ નામના નાટકમાં કમલ કપૂરે બ્રિટિશ ઓફિસરનું પાત્ર ભજવી અભિનયનો એકડો ઘૂંટ્યો. પૃથ્વીરાજ કપૂર સાથેની નિકટતાને કારણે ફિલ્મ વર્તુળ સાથે સતત સંપર્કમાં રહેવાનું બનતુંહતું. પ્રભાવી વ્યક્તિત્વ અને એને છાજે એવો અવાજ અને એક્ટિંગની આવડતને કારણે બહુ જલદી પહેલી ફિલ્મ ‘દૂર ચલેં’ મળી જેના હીરો – હીરોઈન હતા બલરાજ સાહની અને નસીમ બાનો. ફિલ્મ ખાસ ચાલી નહીં, પણ કમલ કપૂરની નોંધ જરૂર લેવાઈ. અભિનય કૌશલ અને પ્રભાવી વ્યક્તિત્વને કારણે ૧૯૫૫ સુધી વીસેક ફિલ્મમાં હીરો તરીકે ચમક્યા. એમની હીરોઈનોમાં શ્યામા, વનમાલા, ગીતાબાલી વગેરેનો સમાવેશ હતો. જોકે, એકાદ બે અપવાદને બાદ કરતાં બધી ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળથઈ અને પરિણામે જે ઝડપથી દરવાજો ખુલ્યો હતો એટલી જ ઝડપથી બંધ પણ થઈ ગયો. ફિલ્મ નિર્માણ પર પણ હાથ અજમાવી જોયો, પણ પ્રોડ્યુસ કરેલી ‘કશ્મીર’ અને ‘ખૈબર’એ એવી પછડાટ ખવડાવી કે મિલકત વેચી દેવું ભરપાઈ કરવુંપડ્યું. હીરોના રોલ તો દૂરની વાત હતી, સહાયક અભિનેતા તરીકે પણ કોઈ લેવા તૈયાર નહોતું એવા માઠા દિવસો આવ્યા.

હા, ૧૯૫૯માં આવેલી ‘આખરી દાવ’ (‘તુજે ક્યા સુનાઉં મૈં દિલરુબા, તેરે સામને મેરા હાલ હૈ, તેરી એક નિગાહ કી બાત હૈ મેરી જિંદગી કા સવાલ હૈ’ ગીત સાંભળ્યું હશે તો ભૂલ્યા નહીં હો) માં પહેલી વાર વિલનનો રોલ કર્યો હતો. વચ્ચે વચ્ચે કોઈ ફિલ્મમાં નાનકડી ભૂમિકા મળી જતી હતી, પણ એકંદરે બેકારી હતી.

એવામાં એક એવી ફિલ્મ મળી જેણે કમલ કપૂરની સેક્ધડ ઈનિંગ્સનો દમદાર પ્રારંભ કર્યો અને બીજા ૨૫ વર્ષ સુધી એ પડદા પર દેખાતા રહ્યા. બન્યું એવું કે આઈ. એસ. જોહર ‘જોહર મેહમૂદ ઈન ગોવા’ નામની ફિલ્મ માટે અંગ્રેજ વ્યક્તિનાપાત્રમાં શોભી ઉઠે એવા કલાકારની શોધમાં હતા. નિર્માતા યશ જોહર એ સમયે પ્રોડક્શન કંટ્રોલરનું કામ કરતા હતા. યશ જોહરે ‘દીવાર’ નાટક જોયું હતું અને એમાં કમલ કપૂરનો બ્રિટિશ ઓફિસરનોરોલ એમનેગમી ગયો હોવાથી યાદ રહી ગયો હતો. એમણે કમલ કપૂરનું નામ આઈ. એસ. જોહરને સૂચવ્યું અને ૧૯૬૫માં ‘જોહર મેહમૂદ ઈનગોવા’ રિલીઝ થઈ. ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મળી અને પોલીસ સુપરિટેન્ડેન્ટ અલ્બુ કર્કના પાત્ર સાથે અભિનેતાના ‘ખરાબ દિવસો’ ખતમ થયા. ફિલ્મ મેકરોએ ભુલાઈ ગયેલું સરનામું ગોતી કાઢ્યુંઅને કમલ કપૂરના બારણે ટકોરા પડવાલાગ્યા. ‘જોહર ઈન બોમ્બે’, ‘જોહર મેહમૂદ ઈન હોંગકોંગ’, ‘જબ જબ ફૂલ ખિલે’, ‘રાજા ઔર રંક’, ‘દસ્તક’, ‘પાકીઝા’, ‘દીવાર’, ‘ખેલ ખેલ મેં’, ‘નમકહલાલ’, ‘ડોન’, ‘મર્દ’, ‘સનમ તેરી કસમ’, ‘ચોર મચાયે શોર’… વેરાન રણ પ્રદેશમાંથી લીલુડી ધરતી પર આવી ગયા કમલ કપૂર.

એ જ વર્ષે આવેલી ‘જબ જબ ફૂલ ખિલે’ (નંદાના પિતાશ્રી રે બહાદુર ચુનીલાલ) સુપરહિટ થઈ અને ‘ખૈબર’ના નિર્માણ વખતે વેચી નાખવી પડેલી કાર ફરી ખરીદી શકાય એવો દિવસ ફરી ઉગ્યો. રાજ કપૂર સાથે કેટલીક ફિલ્મમાં કમલ કપૂર ચમક્યા હતા. એમાંથી બે ફિલ્મનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. બંને વચ્ચે ૧૯ વર્ષનું અંતર હોવા છતાં ગજબનું સામ્ય છે. નિર્માતા – દિગ્દર્શક તરીકે રાજ કપૂરની પહેલી ફિલ્મ ‘આગ’ (૧૯૪૮)માં કમલ કપૂરે રાજ કપૂરના પિતાનો રોલ કર્યો હતો. ત્યારબાદ ૧૯૬૭માં આવેલી ‘દીવાના’માં પણ કમલ કપૂર જ રાજ કપૂરના પિતાની ભૂમિકામાં હતા. વાસ્તવિક જીવનના કાકા – ભત્રીજા પડદા પર બાપ – બેટા બન્યા. અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના સાથે પણ ફિલ્મો કરી અને નાનકડું પાત્ર હોવા છતાં એમની નોંધ લેવાઈ એ બહુ મોટી સિદ્ધિ કહેવાય. એકંદરે વિલનનાં પાત્રોને વધુ લોકપ્રિયતા મળી. નરેન્દ્ર બેદી દિગ્દર્શિત ‘આખરી સંઘર્ષ’ એમની આખરી ફિલ્મ હતી. ત્યારબાદ સ્વેચ્છાએ જ કામ કરવાનું બંધ કરી દીધું હતું. લગભગ પાંચ દાયકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વ્યસ્ત રહેલા કમલ કપૂરનું અવસાન બીજી ઓગસ્ટ ૨૦૧૦ના દિવસે થયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…