મેટિની

યે હવા યે રાત યે ચાંદની, તેરી એક અદા પે નિસાર હૈ

ફ્લેશ બેક – હેન્રી શાસ્ત્રી

મખમલી અને લાગણીઓથી તરબતર અવાજના ધણી તલત મેહમૂદની ગઝલ રોમેન્સના સાતમા આસમાનમાં વિહાર કરાવી દે કે પછી ભગ્ન હૃદયને ગજબની સાંત્વના આપવાનું કૌવત પણ ધરાવે છે

લતા દીદી સાથે રોમેન્ટિક યુગલ ગીત

  • ઈતના ના મુજસે તૂ પ્યાર બઢા: છાયા
  • આહા રિમઝિમ કે યે પ્યારે પ્યારે ગીત લિએ: ઉસને કહા થા
  • યે નયી નયી પ્રીત હૈ, તૂ હી તો મેરા મીત હૈ: પોકેટ માર
  • બાગોં મેં ખીલતે હૈં ફૂલ, કસમ તેરી ખાતીર: સુહાગ સિંદૂર

* ગયા અંધેરા હુઆ ઉજાલા, ચમકા ચમકા સુબહ કા તારા: સુબહ કા તારા

ગઝલ એટલે હુસ્ન – ઈશ્ક, પ્રેમ – વિરહ, શરાબ – શબાબ તેમજ સૂફીવાદ – આધ્યાત્મનો અક્ષરદેહ. આ જ ગઝલ જ્યારે તરન્નુમમાં પેશ થાય છે ત્યારે બધી લાગણીઓનો સાક્ષાત્કાર થાય છે. મખમલી અને કંપન ધરાવતા અવાજના ધણી તલત મેહમૂદ સાબના અલાયદા અવાજમાં રજૂ થતી ગઝલ જલતે હૈં જિસકે લિએ' ંએ ંએ પ્રેમનો એહસાસ કરાવે છે તોતસવીર બનાતા હૂં, તસવીર નહીં બનતી, તદબીર નહીં બનતી’ સ્મરણ દીવડા પ્રગટાવે છે તો જાએ તો જાએ કહાં' ગજબની સાંત્વના આપે છે તોઅય મેરે દિલ કહીં ઔર ચલ, ગમ કી દુનિયા સે દિલ ભર ગયા, ઢૂંઢ લે અબ કોઈ ઘર નયા’ આધ્યાત્મનું દર્શન કરાવે છે. બરાડા યુગમાં હળવાશ – કુમાશ દબાઈ જાય પણ ધરબાઈ ન જાય. અરિજિત સિંહ એન્ડ કંપનીના તાર સ્વરના લાઉડ લવ સોંગ્સ સાંભળ્યા પછી થોડો સમય મંદ સપ્તકના ગઝલ સમ્રાટ તલત મેહમૂદના મુલાયમ સ્વરમાં રોમેન્ટિક ગીતો સાંભળી જોજો, ગજબનું સુકૂન મળશે. તલત સાહેબે દેવ આનંદ, રાજ કપૂર, સુનિલ દત્ત, ભારત ભૂષણ જેવા વરાયટી અભિનેતાઓને પ્લેબેક આપ્યું છે, પણ તેમની પેહચાન બની દિલીપ કુમાર માટે ગાયેલાં ગીતોથી. તરાના'નુંસીને મેં સુલગતે હૈં અરમાન’ હોય કે સંગદિલ'નુંયે હવા યે રાત યે ચાંદની’ હોય તલતજીનો સ્વર બે લાગણીઓ હૂબહૂ તમારી સામે પ્રગટ કરે છે. આશરે 800 ગીત પેશ કરનારા શહેનશાહ – એ – ગઝલના અનેક ગીત અવિસ્મરણીય છે. આજે પણ સાંભળવાથી હળવાશનો જમાનો યાદ આવી જાય છે. ગાયક – સંગીતકારની દુનિયામાં એક લટાર મારીએ.

સંગીતકાર અનિલ વિશ્વાસ
તલતજીના યાદગાર ગીત – ગઝલમાં શુક્રિયા, અય પ્યાર તેરા શુક્રિયા' વિશેષ જાણીતી નથી, પણ એની પાછળના એક અફલાતૂન કિસ્સાને કારણે એનાથી પ્રારંભ કરવાનું ઉચિત લાગ્યું છે. આ વાત ખુદ સંગીતકાર અનિલ વિશ્વાસે એક ઈન્ટરવ્યૂમાં કહી હતી તેનો સારાંશ અહીં રજૂ કર્યો છે. 1946 પછી હિન્દી ફિલ્મોમાં મુકેશને સૌથી વધુ પૈસા લેતા ગાયકનું લેબલ લાગી ગયું હતું. નિર્માતા - દિગ્દર્શક ડી ડી કશ્યપ (જેમણે પ્રાણને હીરો તરીકે ચમકાવીહલાકુ’ બનાવી હતી) દેવ આનંદ, મધુબાલા અને પ્રેમનાથને લઈ આરામ' ફિલ્મ બનાવી રહ્યા હતા. મુકેશના અવાજમાં સોલો સોંગ રેકોર્ડ થઈ ગયું હતું અને અગ્રણી અભિનેતાઓ માટે પુષના સ્વરમાં બીજું કોઈ ગીત નક્કી પણ નહોતું કરવામાં આવ્યું. તલત તો એક ગીત ગાશે જ એવો આગ્રહ અનિલદાએ રાખ્યો. હા ના હા ના કરતા કશ્યપ રાજી થયા. ગીતનો આગ્રહ રાખવાની સાથે અનિલદાએ મુકેશ જેટલા જ પૈસા તલતને ચુકવવામાં આવે એમ ભારપૂર્વક જણાવ્યું. જોકે, નિર્માતાને આ વાત ચિ નહીં. અનિલદાએ એનો તોડ એમ કાઢ્યો કે ગીત તલત ગાશે અને ફિલ્મમાં એ ગીત પાર્ટીમાં પેશ કરવાનું હોવાથી પડદા પર પણ તલત મહેમૂદ જ એ ગીત (શુક્રિયા, શુક્રિયા અય પ્યાર તેરા શુક્રિયા) પરફોર્મ કરશે. શરત એટલી જ કે માગ્યા એટલા પૈસા આપવાના. ફિલ્મ સફળ ન થાય એટલે એના ગીત પણ બહુ જલદી ગુમનામીમાં ધકેલાઈ જાય એવા અનેક પ્રસંગ ભૂતકાળમાં બન્યા છે જેમાં આનો પણ સમાવેશ છે. તલત સાબના અવાજે એ સમયે અનેક લોકોના કાન સરવા કર્યા હશે એ ચોક્કસ. સાહિર લુધિયાનવીએદોરાહા’ માટે લખેલું ગીત `મોહબ્બત તર્ક કી મૈંને, ગરેબાં સી લિયા મૈંને, ઝમાને અબ તો ખુશ હો, ઝહર યે ભી પી લિયા મૈંને’ અનિલ વિશ્વાસ – તલત મેહમૂદનું યાદગાર ગીત છે.

સંગીતકાર ગુલામ મોહમ્મદ
શ્રી સોહરાબ મોદીએ દંતકથા બની ગયેલા મિર્ઝા ગાલિબ પર ફિલ્મ બનાવવાની કોશિશ કરી ત્યારે ગાલિબની ગઝલોને શ્રેષ્ઠ ન્યાય તો ગુલામ મોહમ્મદ જ આપી શકશે એ તેઓ જાણતા હતા. ફિલ્મની પ્રત્યેક ગઝલ હૈયે કોતરાઈ ગઈ. તલત – સુરૈયાનું યુગલ ગીત દિલ - એ - નાદાં તુજે હુઆ ક્યા હૈ, આખિર ઈસ દર્દ કી દવા ક્યા હૈ' પ્રેમના મહાસાગરનો અનુભવ કરાવે છે.દિલ – એ – નાદાન’ ફિલ્મનું જિંદગી દેનેવાલે સુન, તેરી દુનિયા સે દિલ ભર ગયા, મૈં યહાં જીતે જી મર ગયા' પ્રેમીની હતાશાના પ્રતિબિંબ જેવી છે. આ સિવાયનાઝનીન’નું સોલો સોંગ ચાંદની રાતોં મેં જિસ દમ યાદ આ જાતે હો તુમ' અનેમાલિક’નું સુરૈયા સાથેનું ડ્યુએટ `મન ધીરે ધીરે ગાએ રે, માલૂમ નહીં કયૂં’ એના સમયના યાદગાર ગીત છે.

સંગીતકાર સી. રામચંદ્ર
ગાયક પોતાની ધૂનને યોગ્ય ન્યાય નહીં આપી શકે એ માન્યતાને કારણે સી. રામચંદ્ર ચિતલકરના નામે ગીત ગાતા. પરછાંઈ' બની રહી હતી ત્યારે નૂર લખનવીની ગઝલમોહબ્બત હી ના જો સમજે વો જાલિમ પ્યાર ક્યા જાને’ સી. રામચંદ્ર પોતે ગાવા માગતા હતા. જોકે, ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક વી. શાંતારામને રિહર્સલમાં એ રામચંદ્રના અવાજમાં મરાઠી છાંટવાળું લાગ્યું. આ ગીત બીજું કોઈ નહીં પણ તલત મેહમૂદ જ ગાશે એવો તેમણે હઠાગ્રહ રાખ્યો અને તિજોરીમાં ખણખણતી વધુ એક ગઝલનો ઉમેરો થયો. સી. રામચંદ્રએ જ કંપોઝ કરેલું ફિલ્મ યાસ્મીન'નું જાં નિસાર અખ્તર લિખિતબેચેન નઝર, બેતાબ જીગર, યે દિલ હૈ કિસી કા દીવાના’ સાંભળશો તો યુવાનીના દિવસો આંખ સામે તરવરવા લાગશે. દિલીપ કુમારની આઝાદ'નું ખુશનુમા યુગલ ગીતકિતના હસીં હૈ મૌસમ કિતના હસીં સફર હૈ, સાથી હો ખૂબસૂરત યે મૌસમ કો ભી ખબર હૈ’ લતા – તલતનું યુગલગીત હોવાની ગેરસમજ છે. વાત એમ છે કે આ ગીત તલતજી જ ગાવાના હતા અને તેમણે રિહર્સલ પણ કર્યા હતા. પિતાશ્રીનું અવસાન થતા તલતજીને લખનઊ જવું પડ્યું અને ધાર્યા કરતાં વધુ સમય રોકાવું પડ્યું. રેકોર્ડિંગના સમયે મુંબઈ પહોંચી શકે એમ ન હોવાથી સી. રામચંદ્રએ જ તલતજીની શૈલી અપનાવી પોતાના સ્વરમાં ગીત રેકોર્ડ કરાવી લીધું હતું.

સંગીતકાર રોશન
અનિલ વિશ્વાસના શિષ્ય ગણાતા સંગીતકાર રોશને કારકિર્દીના પ્રારંભમાં તલતજીના ગળાનો ખાસ્સો ઉપયોગ કર્યો છે. મુકેશની સ્થાપના વોઇસ ઓફ રાજ કપૂર' તરીકે થઈ , ખાસ તો આર. કે. ફિલ્મ્સના ચિત્રપટમાં, પણ રાજ કપૂરનું નિર્માણ ન હોય એવા પિક્ચરોમાં અન્ય ગાયકોનો ઉપયોગ થયો છે ખરો. તલત મેહમૂદે રાજ કપૂરને પ્લેબેક આપ્યું હોય એવા કેટલાંક ગીત આજે પણ રસિકો ગણગણતા હશે. સૌપ્રથમ સાંભરે ખ્વાજા અહમદ અબ્બાસનીઅનહોની’ ફિલ્મનું `મૈં દિલ હૂં એક અરમાન ભરા, તૂ આ કે મુજે પેહચાન જરા’. આ ગીત રોશને સ્વરબદ્ધ કર્યું હતું. તલતજીનો અવાજ ભાવવાહી કેમ કહેવાતો હતો એ જાણવું હોય તો આ ગીત જરૂર સાંભળજો. (અન્ય સંગીતકારો સાથેનાં યાદગાર ગીતો વિશે આવતા સપ્તાહે – (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…