ફ્લૅશ બૅક : પ્રદીપ કુમાર ઓછી પ્રતિભા, મોટી પ્રતિમા
-હેન્રી શાસ્ત્રી
પડદા પાછળના કસબી તરીકે પ્રારંભ કરી પડદા પર રાજાશાહી ઠાઠ ભોગવી પડદા પાછળ ધકેલાઈ ગયેલા અભિનેતા પર્સનાલિટીના જોર પર હીરો બની ગયા.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભવ્ય ઈતિહાસની અનેક લાક્ષણિકતા હેરત પમાડનારી છે. કેટલાક એવા કલાકાર છે જે અભિનયની વિશેષ આવડત ન હોવા છતાં નસીબના જોરે કે પર્સનાલિટીના પ્રતાપે કે એવા અન્ય કોઈ કારણસર હીરો બની ચમકી ગયા હોય અને સફળતા પણ મેળવી હોય.
આમાં સૌથી પહેલું નામ યાદ આવે ભારત ભૂષણનું. સુરેન્દ્ર અને મહિપાલ પણ આ જ શ્રેણીમાં આવે અને જેમની જન્મશતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે એવા પ્રદીપ કુમાર પણ આ જ પંક્તિમાં બિરાજમાન છે.
૪ જાન્યુઆરી ૧૯૨૫ના દિવસે જન્મેલા પ્રદીપ કુમારની આ રવિવારે-૨૭ ઓકટોબરના પુણ્યતિથિ છે એ નિમિત્તે ઓછી પ્રતિભા (ટેલન્ટ) પણ મોટી પ્રતિમા (ઇમેજ) ધરાવતા નસીબદાર એક્ટરની કારકિર્દી પર એક નજર નાખી હકીકત જાણીએ.
પશ્ર્ચિમ બંગાળમાં જન્મેલા પ્રદીપ કુમારે ૧૭ વર્ષની ઉંમરે જ ‘ચલા મુરારી હીરો બનને’ની માળા જપવાનું શરૂ કરી ૧૯ વર્ષની ઉંમરે કલકત્તાના અરોરા સ્ટુડિયોમાં કેમેરામેનની નોકરી સ્વીકારી લીધી. દેવકી બોઝ (ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયેલા પ્રથમ બોલપટ ‘સીતા’ના દિગ્દર્શક) નામના બંગાળી ફિલ્મમેકરે પ્રદીપ કુમારના દેખાવથી પ્રભાવિત થઈ બે બંગાળી ફિલ્મમાં ચાન્સ આપ્યો અને કેમેરા સામે કોન્ફિડન્સ આવી જતા પ્રદીપ કુમાર આવ્યા મુંબઈની માયાનગરીમાં. અહીં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પરથી એ જ નામની ફિલ્મિસ્તાનની ‘આનંદમઠ’ ફિલ્મથી શરૂઆત થઈ. જોગાનુજોગ સંગીતકાર હેમંત કુમારની પણ આ પહેલી હિન્દી ફિલ્મ હતી. ફિલ્મના બે ગીત ‘વંદે માતરમ’ (લતા દીદી અને હેમંત દાના બે સોલો) અને ‘જય જગદીશ હરે’ (હેમંત કુમાર – ગીતા રોય – દત્તનું યુગલ ગીત) ખૂબ લોકપ્રિય થયા. ફિલ્મને પણ ખાસ્સી સફળતા મળી અને પ્રદીપ કુમારની ગાડી દોડવા લાગી. ત્યારબાદ આવેલી ‘અનારકલી’ (હીરોઈન બીના રાય – ૧૯૫૩) અને ‘નાગિન’ (હીરોઈન વૈજયંતિમાલા – ૧૯૫૪) સુપરહિટ થઈ અને પ્રદીપ કુમારની ગાડીને જાણે દોડવા માટે ઢાળ મળી ગયો. ‘અનારકલી’માં મુઘલ રાજકુમાર સલીમ અને ‘નાગિન’માં મદારી મોહબ્બતવાળો બન્યા અને આ બંને ફિલ્મના ગીતો પાછળ જનતા રીતસરની ઘેલી થઈ હતી. પિરિયડ ફિલ્મ્સ (ભૂતકાળના કોઈ દોરની ઐતિહાસિક ફિલ્મ)માં રાજવીના રોલ માટે પ્રદીપ કુમાર પહેલી પસંદ બની ગયા. ‘મુઘલ – એ – આઝમ’માં પ્રિન્સ સલીમનો રોલ કરનારા દિલીપ કુમારે પણ ઐતિહાસિક ફિલ્મો માટે પ્રદીપ કુમાર શ્રેષ્ઠ ચહેરો ધરાવતા હોવાનું એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. મોટું કપાળ, પ્રભાવી ચહેરો, તલવાર કટ મૂછ, ભરાવદાર ખભાના દૈહિક દેખાવને કારણે એ બરાબર રાજાપાઠમાં સેટ થઈ ગયા.
પ્રદીપ કુમાર માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ લાલ જાજમ બિછાવી અને ૧૯૫૬માં એમની ડઝન ફિલ્મ રિલીઝ થઈ. પછી ખ્યાતિ એવી પ્રસરી કે રાજ કપૂર (‘જાગતે રહો’ – મહેમાન કલાકાર), સોહરાબ મોદી (રાજ હઠ) અને વી. શાંતારામ (સુબહ કા તારા) સુધ્ધાંને એમની સાથે કામ કરવાની ઈચ્છા થઈ. ૧૯૫૦ના દોરની લગભગ બધી ટોપ હીરોઈન (નરગીસ. મીના કુમારી, મધુબાલા, નૂતન, નિમ્મી) સાથે એમની જોડી જામી. મધુબાલા સાથેની ‘રાજહઠ’ એવી અદભુત સફળતાને વરી કે ત્યારબાદ પ્રદીપ કુમાર – મધુબાલાને લીડ પેર તરીકે ચમકાવવા રીતસરની પડાપડી થવા લાગી. અલગ અલગ ફિલ્મમેકરોએ હિટ પેર સાથે ‘યહૂદી કી લડકી’, ‘ગેટવે ઓફ ઈન્ડિયા’, ‘પોલીસ’, ‘મહલોં કે ખ્વાબ’ અને ‘પાસપોર્ટ’ જેવી ફિલ્મો બનાવી. મધુબાલા ઉપરાંત વૈજયંતીમાલા અને મીના કુમારી સાથે સુધ્ધાં પ્રદીપ કુમારની જોડી જામી હતી.
જોકે, ૧૯૫૦માં ટોચની હીરોઈન સાથે ચમકેલા પ્રદીપ કુમાર ૧૯૬૦ના દાયકાની અગ્રણી હીરોઈનો સાધના, શર્મિલા ટાગોર, સાયરા બાનો સાથે એક પણ ફિલ્મ માટે એમની તરફ કોઈની પણ નજર ન પડી.
પ્રદીપ કુમારની કારકિર્દીની એક રસપ્રદ વાત એ પણ છે કે અશોક કુમાર સાથે લવ ટ્રાયએન્ગલ કથાની કેટલીક ફિલ્મો કરી, જેમાં ‘આરતી’, ‘રાખી’, ‘મેરી સુરત તેરી આંખેં’, ‘બહુ બેગમ’, ‘ચિત્રલેખા’ ‘ભીગી રાત’ વગેરેનો સમાવેશ થાય છે. ૧૯૫૦ના દાયકામાં પ્રદીપ કુમારે ‘ડિટેક્ટિવ’ ઉપરાંત ‘હિલ સ્ટેશન’ (૧૯૫૭) અને ‘ટેક્સી નંબર ૫૫૫’ (૧૯૫૮) જેવી ક્રાઈમ થ્રિલર્સમાં ચમકી અલગ જોનરની ફિલ્મોમાં પોતાનું સ્થાન પાકું કરવાનો પ્રયાસ કરી જોયો. જોકે, પ્રદીપ કુમારના રાજવી શૈલીના કિરદાર (‘તાજમહલ’માં બાદશાહ શાહજહાં, ‘અનારકલી’માં બળવાખોર રાજકુમાર સલીમ)જ સિનેપ્રેમીઓના સ્મરણમાં રહ્યા છે એ હકીકત છે. આ સિવાય એવી બે ફિલ્મ છે જેમાં એમની હાજરી વિશે કુતૂહલ જરૂર થાય. એક છે ‘ડિટેક્ટિવ’ (૧૯૫૮). જોકે, ફિલ્મમાં પ્રદીપ કુમાર જાદુગરના રોલમાં છે.
બીજી ફિલ્મ છે ‘વહાં કે લોગ’ – ૫૫ વર્ષ પહેલાની સાયન્સ ફિક્શન ફિલ્મ. અલબત્ત ફિલ્મમાં પ્રદીપ કુમારે વૈજ્ઞાનિકનો નહીં, પણ ગુપ્તચર સંસ્થાના ઓફિસરનો રોલ કર્યો છે.
પ્રદીપ કુમારની ફિલ્મોનો ઉલ્લેખ થાય ત્યારે એમનો રોલ કે અભિનય નહીં, પણ એ ફિલ્મના ગીતો જ સાંભરી આવે. ‘અનારકલી’ (જિંદગી પ્યાર કી દો ચાર ઘડી હોતી હૈ), ‘બાદશાહ’ (આ નીલ ગગન તલે પ્યાર હમ કરે), ‘નાગિન’ (તેરે દ્વાર ખડા એક જોગી), ‘રાજહઠ’ (યે વાદા કરો ચાંદ કે સામને), ‘આરતી’ (અબ ક્યા મિસાલ દું), ‘તાજમહલ’ (જો વાદા કિયા વો નિભાના પડેગા), ‘ભીગી રાત’ (દિલ જો ના કેહ સકા), ‘બહુ બેગમ’ (હમ ઈંતઝાર કરેંગે) ઈત્યાદિ.
૧૯૫૦ના દાયકામાં નસીબ નામની સીડી પર સડસડાટ ચડી ઊંચાઈએ પહોંચી ગયેલા પ્રદીપ કુમારે ૧૯૬૦ના દાયકામાં પાછું ભોંયતળિયે આવી જવું પડ્યું. હીરોના રોલની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ જતા અને નિર્માતાઓને હીરો તરીકે સાઈન કરવામાં રુચિ ન રહેતા પ્રદીપ કુમારે ડહાપણ વાપરી ચરિત્ર અભિનેતાના રોલ કરવાનું નક્કી કર્યું. ૧૯૬૯માં આવેલી ‘સંબંધ’થી કેરેક્ટર રોલ સાથે એમનો નાતો બંધાયો. ૧૯૯૩માં આવેલી ‘વીરતા’ સંભવત: એમની અંતિમ હિન્દી ફિલ્મ હતી. ૨૪ વર્ષની સેક્ધડ ઈનિંગ્સમાં પ્રદીપ કુમારએ ચાલીસેક ફિલ્મ કરી, જેમાંથી ગણીને ચાર પણ તરત યાદ આવે એવી નથી.
અહીં એક નોંધ આપણે એ પણ લેવી જોઈએ કે પ્રદીપ કુમારની પુત્રી બીના (બેનર્જી) પણ અનેક ટીવી સિરિયલોની એક અચ્છી અબિનેત્રી સાબિત થઈ હતી. હવે એમનો પુત્ર સિદ્ધાર્થ પણ એક જાણીતા પ્રોડક્ષન્સ હાઉસ સાથે સંકળાયેલો છે.