બાવીસ વર્ષની ઉંમરે માતાનો રોલ કર્યો
દેવ – દિલીપ – રાજની હિરોઈન બનવા છતાં હિન્દી, ગુજરાતી અને મરાઠી ફિલ્મોના અભિનેત્રી ઉષા કિરણ અભિનય કરતા ગીતોને કારણે વધુ સ્મરણમાં છે.
ફ્લેશબેક – હેન્રી શાસ્ત્રી
મહારાષ્ટ્રીયન પરિવારની વિચારધારા ગુજરાતી પરિવારની સરખામણીએ પ્રગતિશીલ જોવા મળી છે. વીસમી સદીના પ્રારંભમાં ગુજરાતી પરિવારની સ્ત્રીઓને ફિલ્મો જોવાની પરવાનગી પણ જવલ્લે જ મળતી એ સમયમાં દાદાસાહેબ ફાળકેની મોહીની ભસ્માસુર' (1913) નામની ફિલ્મમાં 13 વર્ષનાં કમલાબાઈ ગોખલેએ ફિલ્મમાં હિરોઈનનો રોલ કર્યો હતો. રિયલ લાઈફમાં કમલાબાઈનાં માતુશ્રી દુર્ગાબાઈ કામતએ રીલ લાઈફમાં (મોહીની ભસ્માસુરમાં) તેમની માતા પાર્વતીનો રોલ કર્યો હતો. ત્યારબાદ લીલા ચીટનીસ, શોભના સમર્થ, દુર્ગા ખોટે સહિત ઘણા જ્વલંત ઉદાહરણ મળી આવે છે. પારિવારિક પરવાનગી મળવામાં મુશ્કેલી ન પડવાને કારણે મરાઠી મુલગી રૂપેરી પડદાની રાણી બનવાની કોશિશ કરવામાં સામાજિક અંતરાય આડે નહોતા આવતા. 22 એપ્રિલ, સોમવારે જેમની 95મી જન્મ જયંતિ છે એ ઉષા કિરણ ખેર પણ આ પંગતમાં બંધ બેસતા અભિનેત્રી હતાં. ઉષા કિરણના પિતાશ્રી જ ઇચ્છતા હતા કે દીકરી અભિનેત્રી બને. મરાઠી નાટકોથી શરૂઆત કરી.
આશીર્વાદ’ નામના મરાઠી નાટકમાં એ સમયના ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલીના પારંગત નર્તક અને નૃત્ય નિર્દેશક ઉદય શંકરની આંખમાં ઉષા કિરણ વસી ગયા અને તેમની ફિલ્મ `કલ્પના’માં નાનકડા રોલથી હિન્દી ફિલ્મોમાં શઆત થઈ. અલબત્ત સ્વતંત્ર મિજાજના ઉષાજી અને ઉદય શંકર વચ્ચે ફિલ્મના સેટ પર અણબનાવ થયો અને જે હોંશથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો એ હોંશની બહુ જલદી વરાળ થઈ ગઈ. જોકે, મરાઠી ફિલ્મો નિયમિત મળતી હતી, પણ ઉષા કિરણ માતૃભાષાની ફિલ્મોમાં બંધાઈ રહેવા નહોતા માગતા.
તેમણે મરાઠી ઉપરાંત હિન્દી, ગુજરાતી અને બંગાળી ભાષા શીખવાનું શરૂ કર્યું. આ શિક્ષણનો તાત્કાલિક ફાયદો એ થયો કે ઝવેરચંદ મેઘાણીની લોકપ્રિય સામાજિક નવલકથા વેવિશાળ' પરથી એ જ નામની ફિલ્મમાં તેમને તક મળી. તેના સંવાદ અને દિગ્દર્શન ચતુર્ભુજ દોશીના હતા. ઉષા કિરણની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી જે 1949માં રિલીઝ થઈ હતી. એ સમયે તેઓ ઉષા મરાઠે તરીકે જાણીતા હતાં અને ગુજરાતી ફિલ્મમાં આ નામ વિચિત્ર લાગશે એ કારણસર તેમને ઉષા કુમારી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જોકે,
શ્રી કૃષ્ણ દર્શન’ ફિલ્મથી તેમણે ઉષા મરાઠેમાંથી ઉષા કિરણ નામ અપનાવી લીધું. અનેક સંઘર્ષ યાત્રામાં એક વળાંક આવતો હોય છે જે કારકિર્દીમાં આગળ વધવામાં નિમિત્ત બને છે. ઉષા કિરણનું નસીબ પલટાયું અને બંગાળી ડિરેક્ટર અમીયા ચક્રવર્તીની નજરમાં વસી ગયાં. તેમની `ગૌના’ (1950) ફિલ્મમાં હિરોઈન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ગૌના' બોક્સ ઓફિસ પર નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ પણ ઉષા કિરણના અભિનયની પ્રશંસા થઈ. પૌરાણિક ફિલ્મો ઉપરાંત
સરકાર’, મદહોશ',
લાલ કુંવર’, ધોબી ડોક્ટર' વગેરે ફિલ્મોથી ગાડી પાટા પર ચડી ગઈ. જીવનનો આ એવો તબક્કો હતો કે ફિલ્મ અભિનેત્રી તરીકે કારકિર્દી બનાવવા કરતાં વધુ મહત્વનું એ હતું કે કામ કરવાથી બે પૈસા મળે તો પરિવારના રોટલાનો પ્રબંધ થાય. આ જ પરિસ્થિતિએ કે. અમરનાથ દિગ્દર્શિત ફિલ્મ
સરકાર’ (1951)માં બાવીસ વર્ષની ઉંમરે ઉષા કિરણે 20 વર્ષની શશીકલાની માતાનો રોલ કર્યો. અને 1953માં આવી `પતિતા’. અમિયા ચક્રવર્તી દિગ્દર્શિત આ ફિલ્મમાં હીરો હતા દેવ આનંદ અને ઉષા કિરણનું હિરોઈન તરીકે સફળ ફિલ્મનું ખાતું ખૂલી ગયું.
ફિલ્મને સફળતા મળી અને સોનામાં સુગંધ ભળવા જેવું કામ એ થયું કે એના ગીતોને પારાવાર લોકપ્રિયતા મળી. ઉષાજી પર ફિલ્માવાયેલા ત્રણ ગીત તો આજે 70 વર્ષ પછી પણ સંગીત પ્રેમીઓ નહીં ભૂલ્યા હોય એમ છાતી ઠોકીને કહી શકાય. પતિતા'નું નંબર ન સોન્ગ હતું હેમંત કુમાર - લતા મંગેશકરનું યુગલ ગીત
યાદ કિયા દિલને કહાં હો તુમ, ઝૂમતી બહાર હૈ કહાં હો તુમ, પ્યાર સે પુકાર લો જહાં હો તુમ.’ હસરત જયપુરી લિખિત આ ગીતનું સ્વરાંકન શંકર જયકિશનનું હતું. ઉષા કિરણ પર ફિલ્માવાયેલા બે સોલો સોન્ગ હતા કિસીને અપના બના કે મુજકો મુસ્કુરાના સીખા દિયા' અને
મિટ્ટી સે ખેલતે હો બાર બાર કિસ લિએ’. ઉષાકિરણને મોટાભાગના લોકો ભૂલી ગયા હશે પણ પતિતા'ના આ ત્રણેય ગીત વાગતા જ સંગીતપ્રેમીઓ એ ગણગણવા લાગશે એ નક્કી. 'પતિતા' પહેલા આવેલી દિલીપ કુમારની 'દાગ'માં (દિગ્દર્શક અમિયા ચક્રવર્તી) એક નાનકડી ભૂમિકામાં ઉષા કિરણની નોંધ લેવાઈ હતી.
પતિતા’ પછી ધડાધડ ફિલ્મો સાઈન થવા લાગી અને ફણી મજૂમદારની `બાદબાન’ના હીરો – હિરોઈન હતા દેવ આનંદ અને મીના કુમારી અને અશોક કુમાર પણ એક મહત્ત્વની ભૂમિકામાં હતા.
જોકે, આ બધા વચ્ચે મેદાન મારી ગયાં માછીમાર ક્નયાના રોલમાં ઉષા કિરણ. આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ ઉષાકિરણને મળ્યો. એમના સમયમાં દરેક ટોપ હીરો (દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર, ધર્મેન્દ્ર, કિશોર કુમાર) સાથે જોડી જમાવી, પણ એમની ફિલ્મો કરતા એમની ફિલ્મના યાદગાર ગીતોથી તેઓ વધુ સ્મરણમાં રહ્યાં છે એ હકીકત છે.
અંગત જીવનમાં એક સમયે તેઓ પરિણીત અમિય ચક્રવર્તીની ખૂબ નિકટ હતા અને બંને પરણી જશે એવી વાત ચગી હતી, પણ પછી ઉષાજીએ તેમના પરિચિત ડોક્ટર મનોહર ખેર સાથે લગ્ન કરી લીધાં. લગ્ન બાદ સંતાન જન્મ પછી પારિવારિક જીવનને પ્રાધાન્ય આપવા ફિલ્મો સાથે છેડો ફાડી નાખ્યો, પણ બાળકો સમજણા થયા પછી કેટલીક ફિલ્મોમાં કામ કર્યું જેમાં હૃષીકેશ મુખરજીની બાવર્ચી',
ચુપકે ચુપકે’ અને `મિલી’ના રોલ લોકોના સ્મરણમાં રહી ગયા છે.
મેંદી રંગ લાગ્યો
ઉષા કિરણ કેટલીક ગુજરાતી ફિલ્મોમાં નજરે પડ્યા, પણ એમાં સૌથી યાદગાર રોલ તો મેંદી રંગ લાગ્યો' (1960)નો છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજેન્દ્ર કુમારના પગ હજી જામ્યા નહોતા ત્યારે ઉષા કિરણે તેમની સાથે
આવાઝ’ (1956) નામની ફિલ્મ કરી હતી. આ ફિલ્મ દરમિયાન બંને કલાકાર વચ્ચે સારી મૈત્રી થઈ હતી. આ જ કારણસર બિપિન ગજજર નિર્મિત અને મનહર રસકપૂર દિગ્દર્શિત સદાબહાર લોકપ્રિય ગુજરાતી ફિલ્મ મેંદી રંગ લાગ્યો'માં રાજેન્દ્ર કુમાર હીરો હતા અને તેમણે હિરોઈન તરીકે ઉષાકિરણને લેવાનો આગ્રહ રાખ્યો હતો. ફિલ્મનું ઓલ ટાઈમ હિટ સોન્ગ
મેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે’ ફિલ્મમાં બે વાર આવે છે. એકવાર લતા મંગેશકર અને મનના ડેના સ્વરમાં જે રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણ પર ફિલ્મવાયું છે.
બીજી વાર ગરબા તરીકે આવે છે જેમાં લતા મંગેશકર સાથે પિનાકીન શાહનો સ્વર છે જે ગરબા સ્વરૂપે છે જેમાં ઉષા કિરણ નથી. આ સિવાય નૈન ચકચૂર છે, મન આતુર છે, હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે' યુગલ ગીત અને
ઘૂંઘટે ઢાંક્યું એક કોડિયું’ સોલો સોન્ગ ઉષા કિરણ પર ફિલ્માવાયા છે.