મેટિની

અઘોરીઓ સાથે પાંચ દિવસ -પ્રકરણ -13

આજે પણ તાંત્રિક સાયુજ્યનો પ્રયોગ થશે? એક સ્ત્રી એક પુરુષને એ પ્રયોગ પછી મારે મળવું છે… એ પ્રયોગ દરમિયાન એ કેવો અનુભવ કરે છે એ મારે જાણવું જરૂરી છે.

સુરેશ સોમપુરા

‘આ પ્રયોગને તમે નિષ્ફળ કહો છો?.’ ‘ચોક્કસ. આ તમારો અલખઆનંદ ફક્ત શબ્દભ્રમ ઊભો કરે છે. અમે જેને ‘વેન્ટ્રિલોકવિસ્ટ’ કહીએ છીએ. જાણે કોઈ બીજો બોલતો હોય એવી યુક્તિ. એને ‘ગારુડ વાણી પણ લોકો કહે છે. એમાં વેન્ટ્રીલોકવિસ્ટ પોતાના હાથની કરામતથી પૂતળાના ચહેરાના અને હોઠના હાવભાવ હલનચલન કરાવતા હોય છે. આ તમારો અઘોરી એ હલનચલન પોતાની માનસિક શક્તિથી કરે છે.’

આ વાતોમાં અમને અમારી આસપાસનું ધ્યાન પણ રહ્યું નહોતું. અચાનક પાંદડા ખખડવાના અવાજથી મેં અને નિકુંભઆનંદે પાછળ ફરી જોયું અને નિકુંભે ચીસ પાડી. અમારી પાછળ જ અલખઆનંદ અદબ ભીડીને દૃઢતાથી ઊભા હતા. એમના ત્રિશૂળ પરથી સૂર્યના કિરણો પરિવાર્તિત થઈને મારી આંખમાં ભોંકાવા લાગ્યાં.

મારું હૃદય એકાદ ધબકારો ચૂકીને જોરજોરથી ધડકવા લાગી ગયું હતું. અલખઆનંદની ઉપસ્થિતીથી નિકુંભઆનંદે પણ પ્રક્ષોભ અનુભવ્યો. અમે ત્રણેય કેટલીય પળો સુધી એકબીજાને તકતા એમ જ ઊભા રહ્યા. આખરે અલખઆનંદે જ ખામોશીનો અંત આણ્યો :

‘હું તને કેટલાક પ્રશ્નો પૂછવા ઈચ્છું છું’, એણે મારી સામે જોઈ કહ્યું. કંઈક સ્વસ્થતા પ્રાપ્ત થતાં જ મેં કહ્યું: ‘મારા વર્તનથી આપને કોઈ દુ:ખ થયું હોય તો માફ કરશો…પણ એ પરિસ્થિતિમાં…’ ‘મારા પ્રશ્નોના જવાબ આપશો?’ એમણે વચ્ચે જ પૂછયું. ‘જરૂર..મને આનંદ થશે.’ ‘માંડલામાં પેલા બ્રાહ્મણે જ તમારા વિશે વાત કરી હતી. એ તમારા વિચારોથી તમારા સ્વામી મિત્રના કારણે પરિચિત હતો. આત્મા વિશેના તમારા વિચારોથી મને ક્રોધ ઊપજ્યો હતો. આમ છતાં હું તમને એક વાત કહેવા ઈચ્છું છું. તમે મારું છળ જાણી ગયા. આમ ક્યારેય બન્યું નથી એટલે જ હું તમારા મોઢે આત્મા વિષેના તમારા વિચારો જાણવા ઈચ્છું છું.’

અલખઆનંદ દેખાતા હતા એનાથી વધારે નિખાલસ નીકળ્યા. મેં એમની પાસેથી આવા સ્પષ્ટ એકરારની આશા રાખી નહોતી. એ આશાથી પ્રેરાઈને મેં એને કહ્યું: ‘હું તમને એ વિશે કહીશ, પણ તમારે પણ મારા પ્રશ્નોના ઉત્તર આપવા પડશે.’ એમણે સંમતિમાં ડોકું હલાવ્યું. આ સંવાદના કારણે નિકુંભઆનંદે નિરાંતનો શ્ર્વાસ લીધો. અમે ત્રણેય કુંડાળું વાળી એક વૃક્ષની છાયામાં બેઠા, ‘તમે કયો પ્રશ્ન પૂછવા ઈચ્છો છો?’ મેં પૂછયું.

‘તમે આત્માના અસ્તિત્વને શા આધારે નકારો છો?’ ‘એક સ્પષ્ટતા કરી દઉં. હું આત્માના અસ્તિત્વને નકારતો નથી, પણ એ આત્માના આપણે કલ્પી લીધેલા ગુણોનો અસ્વીકાર કરું છું, જેમકે આત્માનો ફરી ફરી જન્મવાનો ગુણ. આવા ગુણનો હું અસ્વીકાર કરું છું.’

‘કારણ કહો’- અલખઆનંદે સ્વાભાવિક જ આજ્ઞા કરી. ‘હું આત્માને કોઈ અલગ એકમ-યુનિટ માનતો નથી. આત્મા બે તત્ત્વનો બન્યો છે. અત્યાર પૂરતા તો એ બે ફક્ત બે જ તત્ત્વને સ્વીકારીને મારે આ વાત કહેવી પડશે. એક ચેતના, બીજી ભાવના. હજારો વર્ષ પહેલાં જ્યારે માનવીએ પોતામાં શક્તિનો અને એક અમર તત્ત્વનો અનુભવ કર્યો ત્યારે એને એણે આત્મા તરીકે સ્વીકારી લીધો. જો જોતો હતો, અનુભવતો હતો કે કોઈ શક્તિ- કોઈ ચેતના એને જીવતો રાખે છે. એ શક્તિ – એ ચેતના જતી રહે છે અને એ મૃત્યુ પામે છે. આમ છતાં એને જીવનના સાતત્વનો પણ અનુભવ થતો હતો. એમ જોયું કે માનવી- વ્યક્તિ છે છતાં યાદરૂપે ક્યારેક જ્ઞાન- ક્યારેક પ્રેમ કે વાસના રૂપે કે એ જીવિત રહે છે. આ અનુભવે એણે આત્માની શોધ કરી. આ શોધમાં એણે ચેતના અને ભાવનાને અલગ તારવ્યાં ન હતાં- મર્યાદિત જ્ઞાનની એ સીમા હતી, જેમ ત્યારે પાણી-પાણી હતું. આજે એ બે હાઈડ્રોજન અને એક ઓક્સિજન છે. આત્મા ત્યારે આત્મા હતો. આજે એ ચેતના અને ભાવના છે.

‘ચેતના અને ભાવના એ સતત વહેતા પ્રવાહ છે. એ કોઈ ટુકડા કે એકમ નથી. વીજળીના સતત વહેતા પ્રવાહમાંથી વીજળીનો ગોળો શક્તિ-પ્રકાશવાની શક્તિ પ્રાપ્ત કરે છે. કાળક્રમે વીજળીનું પ્રકાશમાં રૂપાંતર કરવાની ગોળાની ક્ષમતા નાશ પામે છે ત્યારે વીજળીનો પ્રવાહ કે પ્રકાશનું વિસ્તરવું નાશ પામતા નથી.

એ જ રીતે ચેતના-શક્તિ ક્ષીણ થાય છે વપરાય છે- ઘસાય છે, જ્યારે ભાવના હંમેશાં વૃદ્ધિ પામે છે- ફેલાય છે- વિસ્તરે છે. એમ પણ કહી શકાય કે ચેતનાનું જ ભાવનામાં પરિવર્તન થાય છે- જેમ કે ઊર્જાનું પ્રકાશમાં રૂપાંતર થવું. ’હું સહેજ થોભ્યો પછી મારી વાત આગળ વધારી : ‘સ્ત્રી-પુરુષ સમાગમથી જ આ ચેતના સતત વહેતી રહે છે, જીવંત ઘટકો જ જીવની ઉત્પત્તિ કરે છે. ચેતનાનો પ્રવાહ કાળની સાથે સાથે જ પેઢી દર પેઢી વહ્યા કરે છે.

ઊર્જા બાળીને જેમ પ્રકાશ મેળવવામાં આવે છે એ જ ચેતનાના ક્ષયથી- વપરાશથી ભાવનાની વૃદ્ધિ કરવામાં આવે છે. માનવીનાં બુદ્ધિસંસ્કાર અનુસાર એ ચેતનાનું ભાવનામાં રૂપાંતર થાય છે ’ ‘આત્માને આત્મા ન સમજતાં ચેતના અને ભાવના સમજવાથી શો ફરક પડે છે?’ અલખઆનંદે પૂછયું.

‘આત્મા સાથે જ આપણે પૂર્વજન્મ-પુનર્જન્મ અને પરમાત્માને સાંકળ્યા છે. આ ભ્રમણા નાશ પામે છે. આત્માને ચેતનાનો પ્રવાહ સમજવાથી એની શક્તિનો કેવી રીતે નાશ થાય છે, એ તરત સમજાય છે. એ શક્તિ પાછી મળવાની નથી. દીપકમાં બળેલું તેલુ પાછું આવી શકતું નથી. એ સાથે જ ભાવનાની અમરતા સમજાતાં એમાં વૃદ્ધિ કરવાની ઈચ્છા જન્મે છે. માનવી ભાવના દ્વારા જ સતત જીવતો રહી શકે. સારાં કર્મથી, સારા વિચારોથી સારી ભાવના જન્મે છે. અનેક આત્માની ઉપર કોઈ પરમાત્મા છે એ ભ્રમણા પણ નાશ પામતાં એ પોતાને પરમ ચેતનાના મૂળ પ્રવાહનો જ અંશ સમજે છે. આથી એવી વ્યક્તિનું સ્વાભિમાન જાગૃત થાય છે. પુનર્જન્મ નથી એમ જ્ઞાન થતાં એ આ જન્મમાં જ આ જડ શરીરનું ચેતના દ્વારા ભાવનામાં રૂપાંતર કરે છે.’

‘તમારી વાત સત્ય છે એમ કેમ માની શકાય?’ અલખઆનંદે આશંકા વ્યક્ત કરી. ‘અનુભવ્યા વગર કશાને સત્ય ન માનવું જોઈએ. કલ્પનાયોગ દ્વારા જ સત્યનો અનુભવ થઈ શકે.’ ‘આ કલ્પના યોગ શું છે?’ અલખઆનંદે ફરી પૂછયું. ‘મનના શક્તિવાન ઘોડાને સંયમની લગામ નાખી સ્નેહના માર્ગે સત્ય તરફ લઈ જવાનો પ્રયાસ એટલે કલ્પનાયોગ.’ આ પછી મેં એમને વિસ્તારથી કલ્પનાયોગ સમજાવ્યો. મનની શક્તિ વિશે એ અજાણ તો નહોતા જ.

‘અલખઆનંદજી, તમને ખબર છે કે કઈ શક્તિ વડે તમે આકાશમાં ઊડતાં પક્ષીઓને પાડી શકો છો?’ ‘ત્રાટક વિદ્યાથી મેં એ શક્તિ પ્રાપ્ત કરી છે.’ ‘અને ત્રાટક વિદ્યા તમે મંત્રો દ્વારા મનની શક્તિને એકાગ્ર કરી મેળવી છે. તમે કોઈ ઊડતા નિર્દોષ પક્ષી પર તમારા મનની શક્તિઓ એકત્ર કરી એને ચેતનાના પ્રવાહનો ફ્યુઝ ઊડાડી દ્યો છો અને એ પક્ષી મૃત્યુ પામે છે. હકીકતમાં આ મનની શક્તિ પર બુદ્ધિ-સંસ્કારે ચડાવેલી વિકૃતિ છે. તમે મનને ઓળખતા નથી. મંત્રને ઓળખો છો. તમે તમને ઓળખતા નથી અને તંત્રને ઓળખો છો. ત્રાટકની કે એવા જ કોઈ ચમત્કારની પ્રાપ્તિ એ તમારા જીવનની અંતિમ સિદ્ધિ છે. તમારા બુદ્ધિ-સંસ્કાર તમને એનાથી આગળ લઈ જઈ શકતા નથી. જેમ કોઈ કૃપણ ફક્ત ધનપ્રાપ્તિને જ પોતાનું જીવનધ્યેય બતાવે તેમ. તમારામાં અને પેલા કૃપણ- ગરીબમાં કોઈ ફરક નથી.એકાદ પક્ષીને નિષ્પ્રાણ કરવાથી તમને કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે? ફકત અબુધો- અજ્ઞાનીઓ- અંધશ્રદ્ધાળુઓ તમારી વાહવાહ કરે છે. આનાથી નથી તમારું કલ્યાણ થતું, નથી એ મૂર્ખોનું. તમે તમારી શક્તિની ભ્રમણામાં અટવાયા કરો છો. મનની સાચી શક્તિને ઓળખી શકતા નથી અને મનની વિકૃતીના મૃગજળ પાછળ દોડયા કરો છો.’

મારું આ લાંબું સંભાષણ જે રીતે અલખઆનંદ ચૂપચાપ સાંભળી રહ્યા હતા એ જોઈ નિકુંભઆનંદ આશ્ર્ચર્ય અનુભવતો હતો. સવારે લાલચોલ આંખે પક્ષીઓ પાડતા અલખઆનંદની આંખોમાં આ વખતે ફક્ત જિજ્ઞાસા હતી. ‘તમારા મન પર છવાયેલી આ વિકૃતિને ખંખેરી-ફગાવી એ મનની શક્તિઓને પ્રકૃતિ તરફ વાળવી. અત્યારે ફકત એટલું જ કરવાનું અને કલ્પનાયોગ તમને એમાં મદદ કરશે.’

થોડી વાર પછી મેં કહ્યું: ‘મેં તમારા પ્રશ્નોનો જવાબ આપ્યો છે. હવે હું તમારા વિશે જાણવા ઈચ્છું છું.’ અલખઆનંદની કઠોરતા – ભયાનકતા હવે અલોપ થઈ ગઈ હતી. નજીક આવતાં જ માનવી એકબીજાને ઓળખવા લાગે અને આશંકાઓ નાબૂદ થાય એમ અમે વધુ નજીક આવ્યા હોઈએ એમ મેં અનુભવ્યું.

‘હું યાદ કરું છું- કરી શકું છું ત્યારથી જ મને ખબર છે કે હું આ અઘોરીઓ સાથે છું. ખૂબ નાનો હતો ત્યારથી. તમને ખબર છે, આ અઘોરીઓ ક્યાંથી આવે છે? એમની જમાત કેવી રીતે વિસ્તારે છે? અઘોરોઓ મરે પછી નવા અઘોરીઓ ક્યાંથી આવે છે?’ મેં હસીને ડોકું હલાવી ‘ના’ પાડી. ‘અઘોરીઓની જમાત વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવતા બાળકોનું ક્યારેક અપહરણ કરે છે. ક્યારેક કોઈ સંસારીની વિશિષ્ટ સેવા બદલ એમને એકાદ બાળક દાનમાં પણ મળે છે. ભાગ્યે જ આ નિકુંભઆનંદ જેવા ભણેલાઓ સ્વેચ્છાએ આ જમાતમાં ભળે છે. બીજાને ભળવા દેવામાં આવતાં ય નથી, કારણ કે બહારના મોટી ઉંમરે જમાતમાં ભરતી થનારાઓ પર શંકાની નજર રખાય છે. નિકુંભ એનો વૃત્તાંત તમને જ કહેશે. અઘોરીઓને પોતાનું બાળક હોતું નથી. અઘોરી ક્યારેય સ્ખલન કરતો નથી.’

‘તાંત્રિક સંભોગ કરવા છતાંય?’ મેં આશ્ર્ચર્યથી પૂછયું. ‘સ્ખલન કરનારો અઘોરી ધર્મથી પણ સ્ખલિત થઈ જાય છે. એને ભયાનક સજા કરવામાં આવે છે.’ વાત આડે પાટે ચડી ગઈ, પણ રસપ્રદ હોવાથી મેં એમને ટોક્યા નહીં એ જાતે જ ફરી પોતાનાં વૃતાંત પર આવ્યા.

‘મેં મારી આસપાસ હંમેશાં આ અઘોરીઓને જ જોયા છે. ગામેગામ ભટકતાં અમે શિક્ષા પ્રાપ્ત કરીએ છીએ. મને અહીં જ દીક્ષા આપવામાં આવી. મંત્રસિદ્ધિના પ્રયોગો શીખવવામાં આવ્યા અને હું મારી શક્તિઓમાં વૃદ્ધિ અનુભવવા લાગ્યો. મારી દૃષ્ટિ પડતી અને વૃક્ષ સૂકાવાં લાગતાં. મારી આંખો ફરતી અને પશુઓ તરફડવાં લાગતાં. પક્ષીઓ પ્રાણ ત્યજી દેતા. હું મારી જાતને જૈવીક શક્તિઓથી વિભૂષિત માનવા લાગ્યો. મહાશક્તિ ચામુંડાની અસીમ કૃપાનો હું અનુભવ કરવા લાગ્યો. જીવંત મનુષ્યો તો ઠીક પશુઓ અને પક્ષીઓ ઉપરાંત મૃતાત્માઓ પર પણ જોતજોતામાં કાબૂ મેળવી લીધો હતો. હું આજ્ઞા કરતો અને ભલભલા આત્મા મારી સામે આવી પ્રત્યક્ષ થતા. હું એમને જોઈ શકતો, અનુભવી શકતો અને એક દિવસ એકાએક મને લાગ્યું કે આ બધી ભ્રમણા છે, પણ એ ભ્રમણાને હું સમજી શકતો નહોતો. આત્માઓ જાણે મને છળતા હોય એવો ભાસ થવા લાગ્યો. જે જીવાત્માઓ પર મેં અધિકાર જમાવ્યો હતો એ જ આત્માઓ હવે મારી પાછળ લાગ્યા હતા. આ છલનાના કારણે હું વ્યગ્ર બન્યો હતો. ’

અલખઆનંદ આટલું કહી મારી સામે જોવા લાગ્યા. એમની આંખોમાં પ્રશ્નો હતા. મેં કહ્યું: ‘મનની ભ્રમણા ઉત્પન્ન કરવાની શક્તિનો આ પ્રભાવ છે. યોગીઓ, જ્ઞાનીઓ આને ‘માયા’ કહે છે. આ શક્તિને ન સમજી શકવાના કારણે જ મનને મારવાની દાબવાની નકામું બનાવી દેવાની ચેષ્ટાઓનો પ્રારંભ થયો. બંધનમાંથી છૂટવા મથતા માનવીને આ મન, છલના કરી નવાં બંધનોમાં બાંધે છે. કામ, ક્રોધ, લોભ, મોહમાંથી છૂટવા મથતા માનવીને માયા પુનર્જન્મની કામના, આ જન્મ પર ક્રોધ, મોક્ષનો લોભ અને સ્વર્ગનો મોહ આપે છે. સત્યને પામવાની કલ્પનાશક્તિ નષ્ટ થઈ હોવાના કારણે ઈશ્ર્વરપ્રાપ્તિથી ભ્રમણા થતાં જ એ સિદ્ધિ પ્રાપ્ત થયાનું માની લે છે જેમ તમે કોઈ શક્તિ પ્રાપ્ત થતાં જ દૈવી કૃપા થઈ એમ માનો છો તેમ… કલ્પનાશક્તિ ગુમાવી બેઠેલો માનવી કાલ્પનિક ભ્રમણાને સત્ય માને છે. જેમ તમે આત્માને એની છલનાને સત્ય માની લ્યો છો તેમ.’

‘આ ભ્રમણામાં પણ સત્યાંશ અનુભવાય છે.’ અલખઆનંદે પૂછયું: ‘ક્યારેક આ ભ્રમણા પણ સત્યનો અનુભવ કરાવે છે, એમ શા માટે બને છે?’

‘દાખલા તરીકે?’ મેં પૂછયું. ‘કેટલીક વ્યક્તિ એમના મૃત સ્વજનોના આત્માને ખરેખર જ પ્રત્યક્ષ આવેલો અનુભવે છે, એમની સાથે વાતચીત કરે છે. એ પ્રયોગ સંતોષતકારક પણ હોય છે. આમ કેવી રીતે બની શકે?’ ‘અચેતન મનમાં સચવાયેલી સ્મૃતિઓ જ આ છલના કરે છે. હું મારા કોઈ સ્વજનના આત્માને પ્લેન્ચેટ અથવા માધ્યમ દ્વારા બોલાવું છું ત્યારે સ્મૃતિમાં મેં કલ્પી લીધેલા સવાલો-પ્રસંગો વગેરે સામે આવે છે ત્યારે મને આત્મનો ભ્રમ થાય છે.’

થોડી વાર રહી મેં ઉમેર્યું : ‘આત્મા જો અનેક શરીર બદલતો હોય તો એ કોઈ એક વ્યક્તિનો આત્મા છે એમ કહી શકાય?’ અલખઆનંદ પાસે આનો જવાબ નહોતો. એમણે કહ્યું :

‘તમારી વાતો કંઈક પ્રતીતિકર લાગે છે, છતાં ય…’ ‘અનુભવ્યા વગર એને માની લેશો નહીં’

મેં તરત જ ઉમેર્યું : ‘વાતો માની લેવાથી જ જ્ઞાનને અને માનવીને, કલ્પનાશક્તિને ભયાનક નુકસાન થાય છે- થયું છે.’ ‘પરકાયા પ્રવેશનો પ્રયોગ તમે જોયો છે?’ અલખઆનંદે પૂછયું. ‘સાંભળ્યો છે, જોયો નથી.’ મેં કહ્યું. ‘વામદેવ એ પ્રયોગ કરે છે. પરાત્પર પણ કરી શકે છે,’ નિકુંભ બોલ્યો. ‘જોવા મળે?’ મારી જિજ્ઞાસા સળવળી. ‘એ પ્રયોગ જોયા પછી તમે આત્મા છે એમ માનશો?’ અલખઆનંદે પૂછયું. ‘પ્રયોગથી પ્રતીતિ થશે તો અવશ્ય. મારી માન્યતાઓ જડ નથી.’ સાંજ સુધીનો સમય તો ચાલ્યો ગયો. બીજા એક પાડાનું બલિદાન. પેલી બાલિકાને બોલાવી વામદેવે ફરી પૂતલિકા પ્રયોગ કર્યો. માટીના પૂતળામાં એ ધારદાર હથિયાર ભોંકતા અને પેલી માસૂમ છોકરી વેદનાની ચીસ પાડી ઊઠતી.

નિકુંભે પૂછયું : ‘આ કેમ થાય છે. તમારી રીતે આનો કોઈ જવાબ તમારી પાસે છે? તમે કાલે કહ્યું તેમ શાણ્ડિલ્યનાથે પૂતળાની ડોક તોડી અને તમારો જગજીત મૃત્યુ પામ્યો. આ પૂતળા અને વ્યક્તિ વચ્ચે શા સંબંધ છે?’ જવાબ ન આપતાં હું એને વામદેવની નજીક ખેંચી ગયો. યજ્ઞકુંડની સામે જ એક ઊંચી પાટ પર છોકરીને સુવાડવામાં આવી હતી. મોઢા અને શરીર પર ચોપડેલા અને હવે સૂકાઈ ગયેલા માટી જેવા લેપને કારણે એ પણ જાણે માટીની પૂતળી હોય એ લાગતી હતી. એનાથી થોડે દૂર વામદેવ પદ્માસન વાળી બેઠો હતો. એની સામે જ ગઈ કાલે બનાવેલું માટીનું પૂતળું હતું. અઘોરીઓનું ટોળું એમને ઘેરીને ઊભું હતું. આગલા દિવસ જેવી જ ઉત્તેજના અને ઉશ્કેરાટ ત્યારે પણ હતાં. તીક્ષ્ણ હથિયાર અધ્ધર ઝાલી રાખ્યું હતું. એના હોઠ ફફડતા હતા અને એ મંત્રોચ્ચાર કરતા હોય એમ લાગતું હતું. થોડી થોડી વારે એ પેલા પૂતળામાં હથિયાર ભોંકતો અને છોકરી વેદનાથી ચીસ પાડી ઊઠતી. સાથે જ અઘોરીઓ હર્ષનાદ કરતા હતા. અદિતી અને પરાત્પર પણ એક બાજુ ઊભાં ઊભાં આ વિધિ જોઈ રહ્યાં હતાં.

હું નિકુંભને લઈ ફરી બહાર આવ્યો. ઓટલા પર એકાંત જગ્યા જોઈ અમે બેઠા. મેં એને મારી રીતે સમજાવ્યો : ‘વામદેવના આ પ્રયોગમાં પૂતળાનું કશું મહત્ત્વ નથી. એમનું સબળ મન છોકરીને વેદના દર્દ પહોંચાડવાનો સંકલ્પ કરે છે અને છોકરીને વેદના થાય છે. માટીના પૂતળા સાથે એમની સાધના જોડાઈ ગઈ છે એ કારણે એમના મનને કેન્દ્રિત કરવા એનો ઉપયોગ થાય છે એ ખરું પણ એની આવશ્યકતા નથી. પૂતળા અને પેલી માસૂમ છોકરી જો કોઈ સંબંધ હોય તો અન્ય કોઈએ પૂતળાને વેદના પહોંચાડે તો છોકરીને વેદના થવી જોઈએ પણ એમ થશે નહીં એની મને ખાતરી છે. ફક્ત વામદેવ જ એ કરી શકે. કારણ કે છોકરીનું અજ્ઞાત મન વામદેવની સબળ માનસશક્તિના કબજામાં છે. ઈચ્છો તો તમે પૂતળાને વેદના પહોંચાડી ખાતરી કરી જુઓ.’ નિકુંભઆનંદ ચૂપ રહ્યો. ‘આજે પણ તાંત્રિક સંભોગનો પ્રયોગ થશે?’ મેં પૂછયું. ‘સાધના ચાલશે તે દરમિયાન રોજ થશે.’ નિકુંભે કહ્યું. ‘એક સ્ત્રી એક પુરુષને એ પ્રયોગ પછી મારે મળવું છે..એ પ્રયોગ દરમિયાન એ કેવો અનુભવ કરે છે એ મારે જાણવું છે. આ શક્ય છે ? ‘માતા અદિતી અને પરાત્પરની આજ્ઞા મેળવવી પડશે. આશા છે, મળી જાશે.’

‘આટલું કામ અવશ્ય કરજો.’ મેં વિનંતી કરી: ‘પ્રત્યક્ષ ભાગ લેનારની પ્રતિક્રિયાઓ જાણ્યા સિવાય તમારા આ પ્રયોગને જાણવાનો મારી પાસે કોઈ અન્ય માર્ગ નથી.’ નિકુંભઆનંદ માત્ર હસ્યો. સૂર્યાસ્ત થયા પછી યજ્ઞ પાસેથી ટોળું વિખરાયું. અઘોરીઓ એમનું ભોજન કરવા લાગ્યા. એ દરમિયાન મેં પણ પેટપૂજા કરી લીધી. થોડી વાર પછી ચોગાન મશાલના અજવાળામાં ઝગમગી રહ્યું હતું. કાળા આકાશમાં તારાઓ સ્પષ્ટ દેખાતા હતા અને તમારાંઓનો એકધારો અવાજ રાત તરડાતી હોય એવો આભાસ ઉત્પન્ન કરતો હતો. નિકુંભ આવ્યો. બોલ્યો: ‘વામદેવજી તમને પરકાયા પ્રવેશનો પ્રયોગ બતાવવા તૈયાર થયા છે. અત્યારે જ ચાલો.’

મારે બીજું કામે ય શું હતું? એક પછી એક ઓરડા પસાર કરતાં અમે જેનું બલિદાન આપવાનું હતું અને જેની પર થોડા સમય પહેલાં જ પૂતલિકા પ્રયોગ કરવામાં આવી રહ્યો હતો એ છોકરીને જ્યાં રાખવામાં આવી હતી એ ઓરડા પાસે પહોંચ્યા, ઓરડામાંથી વિચિત્ર સુગંધ આવી રહી હતી. એ સુગંધ સાથે મશાલમાં બળતા તેલની વાસ ભળવાથી વિચિત્ર અનુભૂતિ થતી હતી. વામદેવ એક ઊંચા આસન પર છોકરીની બાજુમાં જ બેઠો હતો. બાબા ભૈરવનાથ પણ તે સમયે ત્યાં હાજર હતા. એમણે મારી તરફ સ્મિત કર્યું. મેં બંનેને અભિવાદન કરી એક આસન પર જગ્યા લીધી. કેટલીક સાવ ઔપચારિક વાતો પછી વામદેવે કહ્યું: ‘મૃત અને જીવંત શરીર વચ્ચેનો ભેદ તમે પારખી શકો છો ખરા? ’ ‘કોઈ ડોક્ટર જેટલી ચોકસાઈથી નહીં, પણ સામાન્ય રીતે ભેદ ખબર પડે.’ મેં કહ્યું. ‘આગળ આવી જુઓ, આ છોકરી જીવે છે કે મૃત્યુ પામી છે?’

વામદેવની આ વિચિત્ર વાતથી હું હેબતાઈ જ ગયો. ‘આવો, તપાસી જુઓ. તમે જે પરકાયા પ્રવેશનો પ્રયોગ ઈચ્છો છો તેનો આ એક ભાગ જ છે.’ બાબા ભૈરવનાથે કહ્યું. હું પેલી છોકરી પાસે ગયો. જરા પણ હલનચલન ક્યાંય દેખાતું નહોતું. મેં એની છાતી પર, હૃદય પાસે મારો કાન મૂક્યો કોઈ અવાજ ત્યાં સંભળાતો નહોતો. એના નાક પાસે મેં મારો હાથ મૂક્યો. શ્વાસોસવાસની ક્રિયા સાવ બંધ હતી. ‘આ તો મરી ગઈ છે!’ મેં ચોંકી કહ્યું. ‘તમને ખાતરી છે?’ વામદેવને પૂછયું. મેં નિકુંભ સામે જોયું : ‘આ ડોક્ટર રહ્યા હતા- એમને તપાસવા કહો.’

‘એમના નિર્ણય ઉપર તમે શંકા તો નહીં કરોને?’ મેં ડોકું ધુણાવી ના પાડી. નિકુંભઆનંદે એ છોકરીની નાડ તપાસી, એ જરા પણ ચાલતી નહોતી. ‘એ મૃત્યુ પામી છે.’ નિકુંભે કહ્યું. અચાનક મારા મનમાં વિચાર આવ્યો. એ છોકરીના મૃત્યુની ખાતરી અપૂરતી હતી. મેં વામદેવને કહ્યું : ‘એ છોકરીના પગને અગ્નિનો સ્પર્શ કરાવીએ. એ જીવતી હશે તો વેદનાની ચીસ પાડી ઊઠશે.’

આ પણ વાંચો…ફિલ્મ સ્ટારોની સાચી- જૂઠ્ઠી જોક્સ

‘ત્યાંથી મશાલ ઊંચકી તમે જ એ પ્રયોગ કરો.’ વામદેવે કહ્યું. દીવાલ પાસે જઈ મેં મશાલ લીધી. ધીરે ધીરે પેલી યુવતી પાસે પહોંચ્યો. ઘડીભર એના માસૂમ ચહેરાને તાકી રહ્યો. નજર એના શરીર પર ફરી વળી. એ મડદાની જેમ સ્થિર પડી હતી. એના બંને હાથ શરીરની સાવ સમાંતર ગોઠવાયા હતા. બંને પગ અક્કડ અને સીધા હતા. મેં એના પગના નાજુક અંગૂઠા પર મારું ધ્યાન કેન્દ્રિત કર્યું. એ અંગૂઠાને જ મશાલનો સ્પર્શ કરાવવાનું નક્કી કરી મેં મશાલને એ પગ પાસે લીધી.

મારા હાથ ધૂ્રજતા હતા. કપાળ પરથી પરસેવો ટપકવા લાગ્યો. આંખોમાં બળતરા થવા લાગી અને હોઠ સૂકાવા લાગ્યા. એકાદ ક્ષણ માંડ એના અંગૂઠાને મેં મશાલનો સ્પર્શ કરાવ્યો હશે, ત્યાં જ મારા હાથમાંથી મશાલ છટકી ગઈ. એ છોકરી કશી પણ વેદનાનો અહેસાસ કર્યા વગર નિશ્ર્ચેષ્ટ – નિષ્પ્રાણ પડી હતી.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button