મેટિની

બ્રેકઅપ કે બાદ

છુટ્ટા પડવાની વાત કેન્દ્રમાં હોય તેવી ફિલ્મ્સની રસપ્રદ અલપ-ઝલપ

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન્સ-ડે ગયો એ સાથે વેલેન્ટાઈન્સ-વીક પણ પૂરું થયું. એ પૂરું થતાં જ ચર્ચાઓ ચાલી એન્ટી-વેલેન્ટાઈન્સ વીકની… એન્ટી-વેલેન્ટાઈન્સ વીક એટલે પરંપરાગત રીતે ઊજવાતા વેલેન્ટાઈન્સ વીકથી ઊંધું સેલિબ્રેશન-ઉજાણી, જેમાં કિક ડે, મિસિંગ ડે, ક્ધફેશન ડે વગેરે તબક્કા સામેલ છે ને આખરે આવે બ્રેકઅપ ડે! આ એન્ટી-વેલેન્ટાઈન્સ વીક સ્વાભાવિક રીતે જ એક રમૂજ છે અને એ કંઈ વાસ્તવમાં વેલેન્ટાઈન્સ વીકની જેમ પ્રચલિત નથી. એ જ રીતે સિનેમામાં પણ પ્રેમ એટલે કે લવ સ્ટોરીઝ પર અનેક ફિલ્મ્સ બને છે, બ્રેકઅપ સ્ટોરીઝ પર નહીં.

સામાન્ય રીતે કોઈ રોમેન્ટિક ફિલ્મ બે વ્યક્તિના મળવાથી લઈને એમના પ્રેમ થવા સુધી કે લગ્ન સુધી ચાલતી હોય છે, પણ કોઈ ફિલ્મની વાર્તા બ્રેકઅપથી શરૂ થતી હોય કે પછી તેના કેન્દ્રમાં બ્રેકઅપ હોય એવું બહુ જોવા મળતું નથી. હા, પ્રેમમાં આવતી અનેક અડચણ પર ફિલ્મ્સ છે… તો ચાલો, આજે લવ સ્ટોરીના બદલે બ્રેકઅપ સ્ટોરીની વાત માંડીએ!

2023માં રિલીઝ થયેલી લવ રંજન દિગ્દર્શિત અને રણબીર કપૂર – શ્રદ્ધા કપૂર અભિનિત ‘તૂ જૂઠી મૈં મક્કાર’ ફિલ્મ બ્રેકઅપની આસપાસ ફરે છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મની તો શરૂઆત જ બ્રેકઅપના દૃશ્યથી થાય છે કે જ્યાં રણબીર કપૂરનું પાત્ર કોઈ પાસેથી પૈસા લઈને પ્રોફેશનલી બ્રેકઅપ કરાવી આપે છે અને પછી આ બ્રેકઅપ કરાવવાનું પ્રોફેશન મુખ્ય પાત્રોની જિંદગીમાં કેવી કેવી મુશ્કેલી લઈને આવે છે એની વાત સાથે ‘તૂ જૂઠી મૈં મક્કાર’ આગળ વધે છે.

આજે જ રિલીઝ થઈ રહેલી સીમા દેસાઈ દિગ્દર્શિત અને આશુતોષ રાણા, ઈશા તલવાર, પવૈલ ગુલાટી અને શિબા ચઢ્ઢા અભિનિત ફિલ્મ ‘કૌશલજીસ વર્સિસ કૌશલ’માં પણ આવી જ થીમ છે. પવૈલ અને ઈશાન યુવાન પાત્રો પ્રેમમાં પડે છે અને પોતાના પ્રેમની રજૂઆત છોકરાના પેરેન્ટ્સને કરે છે, પણ વાર્તામાં આવે છે ટ્વિસ્ટ! આ યુવાન જોડીની લવ સ્ટોરી શરૂ થાય એ પહેલાં આવે છે એમનાં પેરેન્ટ્સની બ્રેકઅપ સ્ટોરી. મતલબ કે ડિવોર્સ સ્ટોરી. ફિલ્મના કેન્દ્રમાં એકબીજાં સાથે વર્ષો કાઢી નાખ્યાં પછી પણ અલગ થવા માટે પ્રયત્ન કરી રહેલાં દંપતીની વાત છે.

2016માં આવેલી ગૌરી શિંદે દિગ્દર્શિત અને આલિયા ભટ્ટ – શાહરૂખ ખાનની ‘ડિયર જિંદગી’માં પણ આલિયાના પાત્ર કાયરા માટે બ્રેકઅપનો મુદ્દો કેન્દ્રમાં છે. આ ફિલ્મની શરૂઆત પણ બ્રેકઅપથી જ થાય છે. કાયરા એક સિનેમેટોગ્રાફર છે અને એ મોજમાં જીવતી છોકરી છે, પણ એક દિવસ પોતાના પ્રેમી સાથે તેનું બ્રેકઅપ થાય છે કે એની જિંદગીમાં અનેક તકલીફો શરૂ થાય છે. કામમાં એનું મન નથી લાગતું, રાતે ઊંઘ નથી આવતી, લોકો સોસાયટીમાંથી એને નીકળી જવા કહે છે વગેરે. બ્રેકઅપથી શરૂ થયેલી આ પરેશાનીઓ માટે તે સાયકોલૉજીસ્ટની મદદ લે છે ને પછી ફિલ્મ આગળ વધે છે.

સામાન્ય રીતે બે પાત્ર વચ્ચેના પ્રેમથી શરૂ થતી ફિલ્મ્સમાં આંતરિક કે બાહ્ય કારણોસર તકલીફો આવે અને બંનેને અલગ થવું પડે છે. હાર્ટબ્રેક્સનાં અનેક ગીતો આપણી પાસે એ જ કારણે પણ છે, પણ આવી પણ અમુક ફિલ્મ્સ હોવાની કે જે બ્રેકઅપને જ મુખ્યત્વે કેન્દ્રમાં રાખતી હોય અને તેની આસપાસના મનોવૈજ્ઞાનિક પાસાઓ દર્શકો સામે મનોરંજનની સાથે રજૂ કરતી હોય.

2022માં આવેલી રાજ મહેતા દિગ્દર્શિત અને વરુણ ધવન, કિયારા અડવાણી, નીતુ સિંઘ અને અનિલ કપૂર અભિનીત ‘જુગ જુગ જિયો’માં પણ આ જ બ્રેકઅપની થીમ છે. અહીં તો આ થીમ બેવડાય છે. નવાં નવાં લગ્ન થયેલાં વરુણ અને કિયારાનાં પાત્ર એકબીજાંથી નાખુશ હોવાથી પોતાનો સંબંધ તોડવા માંગે છે અને તેની જાણ એમનાં પેરેન્ટ્સને કરવાનો યોગ્ય સમય શોધી રહ્યાં છે, પણ એવું થાય એ પહેલાં જ ખબર પડે છે કે વરુણનાં પેરેન્ટ્સ એટલે કે નીતુ સિંઘ અને અનિલ કપૂરનાં પાત્રો પણ અલગ થવાનું વિચારી રહ્યાં છે અને આ સાથે જ સંબંધ તોડવાની થીમ પર ફિલ્મ શરૂ થઈને આગળ વધે છે.

સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીની 2012માં આવેલી ફિલ્મ ‘કોકટેલ’માં પણ આ જ થીમ છે. એમાં પણ ફિલ્મનાં મુખ્ય ત્રણ પાત્રમાંની એક મીરા (ડાયના) તેના પ્રથમ દૃશ્યમાં દેખાય છે ત્યારે જ પોતાને છોડીને જતાં રહેલાં પતિને શોધવા નીકળી હોય છે. આ સિવાય 2010માં આવેલી દીપિકા પાદુકોણ-ઇમરાન ખાનની આ જ થીમ પરની તો ફિલ્મનું નામ પણ ‘બ્રેક કે બાદ’ હતું.

આ ઉપરાંત પણ બ્રેકઅપ કે સંબંધ વિચ્છેદના વિષય પર ભારતમાં અને વૈશ્વિક સ્તરે ઘણી બહેતરીન ફિલ્મ્સ બની છે. સિનેમા મનોરંજન સાથે સમાજની વાસ્તવિકતા લોકો સમક્ષ રાખવાનું કામ કરે છે. રોમેન્ટિક સ્ટોરીઝ જોવા ટેવાયેલા દર્શકોને અલગ થવાની કે બ્રેકઅપની થીમ પરની ફિલ્મ્સ જોવા મળે ત્યારે એ સાથે રહેલી અનેક વાતો ફિલ્મ્સ થકી પણ શીખવા મળતી હોય છે. આખરે પ્રેમના સ્વીકારની જેમ જ બ્રેકઅપ પણ તો જિંદગીનો જ હિસ્સો છે અને એ હિસ્સાને પણ સિનેમા આવરી લેવાનું કામ કરે છે! લાસ્ટ શોટ દિગ્દર્શક અસગર ફરહાદીની ઇરાનિયન ફિલ્મ ‘અ સેપરેશન’ (2011) સંબંધ તૂટવાના વિષય પર બનેલી એક અત્યંત અસરકારક ફિલ્મ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button