ફિલ્મનામા: ઈન્ડિયા લોકડાઉન: કૈસી ઘોર ભસડ હૈ રે, બંધુ!

- નરેશ શાહ
કચ્છનો ભૂકંપ હોય કે કોવિડ પેન્ડેમિકનો કહેર કોઈ યાદ કરવા માગતું નથી આજે એને, છતાં આજ પૂરતું કોવિડ કાળના એ ખોફનાક દિવસોને સ્મરણ પટ પર તાજા કરાવવા છે.
2020ની 22 માર્ચે આપણે એક દિવસનો સ્વૈચ્છિક કર્ફયુ પાળ્યો અને 24 માર્ચથી જ એકવીસ દિવસનું લોકડાઉન ફરજિયાતપણે આખા દેશ પર લાદવામાં આવ્યું, જે અનિવાર્ય અને આવશ્યક પણ હતું. જોકે એકવીસ દિવસે પણ એ ભેંકાર અને ભયાનક દુ:સ્વપ્ન પૂં થયું નહિ. ટોટલ 68 દિવસના ચાર લોકડાઉન જીરવ્યા પછી તો થોડા થાળે પડીને આપણે કોવિડની વધુ ખોફનાક બીજી લહેરનો ભોગ બનવાનું પણ આવ્યું, પરંતુ કોવિડ ચેપ્ટર તાજું હતું અને લોકોના ઘરમાં હજુ વપરાયેલાં માસ્ક અને વણવપરાયેલાં સેનેટાઈઝર સચવાયેલા પડ્યા હતા ત્યારે જ ઝિ ફાઈવ' ના ઓટીટી પ્લેટફોર્મ પર
ઈન્ડિયા લોકડાઉન’ નામની ફિલ્મ સ્ટ્રીમ થઈ હતી.
ઓવર ધ ટોપ પ્લેટફોમ પર કોવિડ અને લોકડાઉનને ફોક્સ કરતી વેબસિરીઝ અને `ભીડ’ જેવી એકલદોકલ ફિલ્મ બેશક આવી ગઈ છે, પરંતુ નેશનલ એવોર્ડ વિનર અને ખરેખર વેગળા વિષય પર વાસ્તવિક (ચાંદની બાર, ફેશન, ટ્રાફિક સિગ્નલ જેવી નક્કર) ફિલ્મ બનાવનારા મધુર ભંડારકર આખા દેશ (અને દુનિયાને) થીજાવી દેનારાં લોકડાઉનની વાત કહેતી ફિલ્મ લાવ્યા હતા.
બેશક, મધુર ભંડારકર નામનું આ રામપુરી ચપ્પુની ધાર ધીમેધીમે તેની તીક્ષ્ણતા ગુમાવી રહી છે એ એમની છેલ્લી કેટલીક ફિલ્મથી સાબિત થતું આવ્યું છે.
ઈન્ડિયા લોકડાઉન' ફિલ્મ પણ આમ જુઓ તો આપણી આસપાસ અથવા આપણી સાથે જ બની ગયેલાં કેટલાંક પ્રસંગોની વાત કરનારી ફિલ્મ હતી. અલબત, મધુર ભંડારકરની
ઈન્ડિયા લોકડાઉન’નું સેન્ટર પોઈન્ટ મુંબઈ રહ્યું.
મુંબઈમાં જ રહેતાં નાગેશ્વર રાવની હૈદરાબાદ રહેતી પુત્રી દશ વરસે પ્રેગનન્ટ થઈ છે એટલે એ દીકરી પાસે જવાની તૈયારી કરી રહ્યા છે… ઉધાર લઈને પાણીપૂરીની લારી ચલાવતો માધવ વ્યાજખોરોના હપ્તા ચૂકવી શકયો નથી તો જૂહુ ચોપાટી પર મળતાં પ્રેમી યુવક-યુવતી એવું પ્લાનિંગ કરી રહ્યા છે કે સગા બહારગામ જાય પછી ખાલી પડેલાં ફલેટમાં ભેગું થવું અને કૌમાર્યના તપને ભંગ કરવું. ચીરા બજારના ચકલામાં (વૈશ્યાલયમાં) પણ કોરોનાની ભીતિને કારણે ધંધો મંદ પડી ગયાની વાતો થઈ રહી છે અને…
અચાનક જ એકવીસ દિવસના લોકડાઉનનું એલાન થઈ જાય છે અને બધાની જિંદગીમાં ઊથલપાથલ શરૂ થઈ જાય છે. સાવચેતી લેવામાં એકદમ ચુસ્ત એવા નાગેશ્વર રાવની હૈદરાબાદની ફલાઈટ કેન્સલ થઈ જાય છે તો બચરવાળ માધવની લારી બંધ થઈ જાય છે. પ્રેમી યુવક કાકાના ખાલી ફલેટમાં પહોંચી ગયો છે પણ એની પ્રેમિકા – યુવતી પોતાના જ ઘરમાં અટવાઈ જાય છે. દેહ વેચીને કમાણી કરતી સ્ત્રીની તો શું વાત જ કરવી? જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જ લાઈફલાઈન બની જાય ત્યાં સાથે સૂઈને પૈસા ચૂકવી શરીર સુખ બાંધવા કોણ આવે?
લોકડાઉનની એ પણ હકીકત છે કે સુખી લોકો માત્ર પોતાના વ્યસન બાબતે દુ:ખી થયા હતા, પરંતુ સાચા અર્થમાં દુ:ખના પહાડ તો રોજે રોજનું રળી ખાતાં નિમ્ન સ્તરના લોકો પર તૂટી પડ્યા હતા. એમણે નાછૂટકે કર્મભૂમિમાંથી ઉચાળા ભરીને માતૃભૂમિ તરફ પગપાળા પ્રયાણ કરવું પડ્યું હતું. માધવ (પ્રતીક બબ્બર), પત્ની ફૂલમતિ (સાંઈ તામ્હણકર) અને બે બચ્ચાંઓ સાથે ગ્રૂપમાં મુંબઈથી બિહાર જવા પગપાળા નીકળી પડે છે અને ત્યારે બેકગ્રાઉન્ડમાં સુખવિન્દરે ગાયેલું (ગીતકાર: ઈમલી અંદરકી, સંગીતકાર: રોહિત કુલકર્ણી) ગીત શરૂ થાય છે: `કૈસી ઘોર ભસડ હૈ રે, બંધુ, પાપો કા અસર હૈ યા કર્મો કા અસર હૈ રે બંધુ.’
આ પણ વાંચો: દહેજ સહિત સમાજિક મુદ્દાઓ પર વાત કરતી દુપહિયા સિરિઝ ઓટીટી પર છવાઈ ગઈ
આ ગીતના આ શબ્દો પણ ટાંકવા છે:
`સમય કા પહિયા, ઐસા લુઢકા, જગત ગિરા હૈ સર કે બલ, આજ કે હો ગએ ટૂકડે ટૂકડે, ભય સે કાંપ રહા હૈ કલ… ધીરજ કા ભી ધીરજ તૂટા, ખાઈ હૈ યે ઠોકર બંધુ, કૈસી ઘોર ભસડ હૈ રે બંધુ! ‘
વેદના જ્યારે સાર્વત્રિક હોય ત્યારે એકાદ કૃતિ કે ફિલ્મથી સંતોષ થવાની શક્યતા ઓછી છે. કોવિડ વખતના લોકડાઉન સમયની યંત્રણા, ભય, પીડા, અકળામણ, ગૂંગળામણ, ચિંતા, ઈત્યાદિ એવા મલ્ટીકલર હતા કે ઈન્ડિયા લોકડાઉન' ફિલ્મ આપણા એ અહેસાસ - અનુભૂતિ સામે મામૂલી લાગે. આમ પણ અમિત જોષી અને આરાધના શાહ લિખિત
ઈન્ડિયા લોકડાઉન’માં લોકોની બારીક મનોસ્થિતિ કરતાં સ્થૂળ લાગણીઓ વધુ ઝીલવામાં આવી છે. ફિલ્મમાં લોકડાઉન દરમિયાન સેક્સવર્કર પર વધુ ફોકસ થયું હોય તેમ લાગે છે. ફોન- સેક્સ કે દેહ વ્યાપાર માટે એમ્બ્યુલન્સના ઉપયોગની વાતો કદાચ નવી લાગે, પણ… એ સિવાય ઈન્ડિયા લોકડાઉન' બહુ સ્પશર્તી નથી. છતાં અહીં આ ફિલ્મ વિશે લખ્યું છે, કારણ કે, જેેને ભૂલી જવા માગીએ છીએ (પણ ખરેખર તો જેને યાદ રાખવું જોઈએ) એવા લોકડાઉનના એ દિવસોની યાદ
ઈન્ડિયા લોકડાઉન’ કરાવી દે છે. `એ’ સર્ટિફિકેટ ધરાવતી આ ફિલ્મ એ ભેંકાર અને ભયાવહ દિવસોની યાદગીરી જરૂર છે.