ફિલ્મનામાઃ ડબલ મિનિંગ વત્તા વલ્ગારિટી એટલે ભોજપુરી ફિલ્મો ને ગીત?

-નરેશ શાહ
નશાખોરીમાં ખરાબ રીતે સપડાયા પછી લગભગ બે વરસ સુધી ગુમ થઈ ગયેલાં રેપર યો યો હનીસિંહની કુંડળીમાં વિવાદ નામનો મધપૂડો અંકિત હોય તેવું લાગે છે. ગયા વરસે એની પર બનેલી ડોક્યુમેન્ટરીએ ચર્ચાના તરંગો જન્માવ્યા હતા તો 2025ના આરંભમાં જ ફરી એના એક ગીતે કાંકરીચાળો
કર્યો છે.
ગયા મહિને જ યો યો હનીસિંહનું ‘મેનિયાક’ નામનું મ્યુઝિક આલ્બમ રિલીઝ થયું. આલ્બમનું નામ જ ઘણાં સૂચિતાર્થો આપી જાય તેવું છે, છતાં આ આલ્બમમાં સમાવેશ થયેલાં એક ભોજપુરી ગીતે બબાલ સર્જી છે. હનીસિંહ અને કોઈ તાલીમ વગર જ ગાયિકા બનેલી રાગિણી વિશ્ર્વકર્માએ ગાયેલાં આ ગીતની એક પંક્તિ (હિન્દી સૂર કંઈક આવો) છે: ‘દીદી કા દેવર, હમારી ચોલી કા… ચખના ચાહતા હૈ!’
આ ગીત- વીડિયો આલ્બમમાં સ્વયં યો યો હનીસિંહ અને અભિનેત્રી મોડેલ એશા ગુપ્તાએ કામ કર્યું છે. ગ્લેમર વર્લ્ડની એ સોચ અને તાસીર રહી છે કે, ચર્ચાઈ જવામાં લિજજત છે. જેટલી ચર્ચા, વિરોધ અને વિવાદ વધુ એટલો વધુ ફાયદો થાય એવું ગ્લેમર વર્લ્ડમાં ખાસ માનવામાં આવે છે. એ દ્રષ્ટિએ જોઈએ તો યો યો હનીસિંહને તો કોન્ટ્રોવર્સી નામની કેડબરીનું ‘ગોળનું ગાડું’ મળી ગયું છે.
આમ જુઓ તો, છેલ્લાં પંદર-વીસ વરસમાં ભોજપુરી ફિલ્મો અને તેનાં ગીતો મોટાભાગે છિછોરાં અને ડબલ મિનિંગ ડોઝથી જ ચાલી રહ્યાં છે. ગૂગલ પર સર્ચ કરીને તમે આવા ડબલ મિનિંગ અથવા જુગુપ્સા જગાવનારા ફિલ્મનાં નામ અને ગીતોના શબ્દો તપાસશો તો ખ્યાલ આવશે કે (સંસદસભ્ય) ગાયક મનોજ તિવારી, મનોજ બાજપાઈ, પંકજ ત્રિપાઠી જ્યાંથી આવ્યા છે, એ સ્થળ વિશેષની ફિલ્મો અને ગીત સંગીતનું સ્તર દિનબદિન નીચલી પાયરી પર જતું જાય છે.
ભોજપુરી ગીત- સંગીત વિશે આપણે કે હિન્દીભાષીઓ બહુ માહિતગાર નથી હોતા પણ કહેવાય છે કે, બિજલી રાની નામની તવાયફે જ્યારે ભોજપુરી ગીતો ગાવાનું શરૂ કર્યું ત્યારથી સ્ત્રીને ‘એક આઈટમ યા વસ્તુ’ તરીકે ગીતોમાં રજૂ કરવાનું ચલણ વધી ગયું છે. એ જ દોરમાં રાધેશ્યામ રસિયા, ગુડુ રંગીલા સહિતના અનેક ગાયકો-ગીતકારો આવ્યા અને એ સીલસીલામાં પવનસિંહ અને ખેસારીલાલ આવ્યા અને કાઠિયાવાડીમાં કહીએ તો ભોજપુરી ફિલ્મ ઉપરાંત ગીત સંગીતનો દાટ વાળવાનું શરૂ થઈ ગયું. આપણે સમજયા વગર ગાઈએ છીએ એ ‘લોલીપોપ લાગેલું’ ગાનારા પવનસિંહનું જ એક ગીત ગયા વરસે આવેલું: ‘પિયર ફરાક વાલી.’
આ ગીતમાં છોકરીને પૂછવામાં આવી રહ્યું છે કે, તું રાતે ક્યાં હતી, કેમ કે તારા કપડાં પર ડાઘ પડેલો છે…?
ભોજપુરી ફિલ્મો અને તેના ગીત-સંગીત અત્યારે ભલે ચીપ કે હલકા ગણાતાં હોય (અને એ છે જ) પણ ભોજપુરી ગીત-સંગીતનો ભૂતકાળ આવો નહોતો. 1963માં આવેલી એક ભોજપુરી ફિલ્મનાં ગીતો શૈલેન્દ્રએ લખેલાં અને તેનું સંગીત ચિત્રગુપ્તે આપ્યું હતું. 1970-80ના દશકામાં બનેલી ભોજપુરી ફિલ્મો માટે મોહમ્મદ રફી, મુકેશ, કિશોરકુમાર, લતા મંગેશકર, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂરે ગીતો ગાયાં હતાં. પંડિત રવિશંકરે પણ ભોજપુરી ગીતો કમ્પોઝ કર્યાં છે અને જગજીત સિંહ પણ ભોજપુરી ગીત ગાઈ ચુક્યા છે.
આપણ વાંચો: યે ‘જીબલી… જીબલી’ ક્યા હૈ?
મજા તો એ છે કે અમિતાભ બચ્ચન, અજય દેવગણ અને પ્રિયંકા ચોપડા પણ ભોજપુરી ફિલ્મો સાથે સંકળાયેલા રહ્યાં છે (જો કે પ્રિયંકાના ‘બમ બમ બોલ રહા કાશી’ના એક આઈટમ સોંગ: ‘બોલેરો કી ચાભી સે ખોદ લેના નાભી!’ એ પણ ચર્ચા જગાવી હતી)
આ તરફ, યો યો હનીસિંહના ‘મેનિયાક’ આલ્બમના અશ્લીલ ગીત માટે અભિનેત્રી નીતુ ચંદ્રા પટણા હાઈ કોર્ટમાં પણ ગઈ છે, પરંતુ એટલે આ દ્વિઅર્થી અને અશ્લીલ પ્રસ્તૃતિનો અંત આવે એવું માનવું વધારે પડતું છે, કારણ કે ભોજપુરી ફિલ્મો અને ગીત-સંગીતમાં ઉત્તરોતર બગાડો વધતો ગયો છે. એક જમાનામાં મલયાલમ ફિલ્મો અતિ બદનામ હતી.
એ ફિલ્મોના ઉત્તેજિત કરતાં દ્રશ્યોના કટકાઓનું સંકલન કરીને ‘ડબલ એકસ’ ફિલ્મો બનતી હતી, પરંતુ આજે તમિળ, તેલુગુ, ક્ધનડ અને મલાયલમ ફિલ્મોમાં સૌથી સારી ફિલ્મો મલયાલમ ભાષામાં (દ્રશ્યમ, પ્રેમમ, હૃદયમ, કિંગ ઓફ કોઠા, મીનલ મુરલી, લ્યુસીફર, કુરૂપ) બને છે.
ભોજપુરી ફિલ્મો અને ગીત- સંગીતમાં આવું થશે ખરું? થશે તો ક્યારે? એ અનંત ચર્ચાનો વિષય છે.