મેટિની

ફિલ્મી ‘ટાઈટલ’ વહી જો પબ્લિક મન ભાયે!

ડ્રેસ-સર્કલ -સંજય છેલ

સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી પાસે એક નિર્માતા આવ્યા અને કહ્યું, ‘આપણી નવી ફિલ્મ માટે કોઈ સારું ટાઈટલ આપો ને. કશું સૂઝતું નથી!’

તો કલ્યાણજીભાઈએ તરત જ પૂછ્યું, તુમ્હારી ફિલ્મ મેં ઢોલ હૈ?’

‘નહીં!’ નિર્માતા બોલ્યા.
‘નગાડા હૈ?’
‘નહીં તો!’ નિર્માતા અકળાયા.
બસ તો ટાઈટલ મિલ ગયા: ‘ના ઢોલ, ના
નગાડા !’

કલ્યાણજીભાઈએ તો મજાકમાં પેલાનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો, પણ શીર્ષક કે ટાઈટલ શોધવાનું
કામ એટલું સહેલું નથી. નોર્મલ માણસને ત્યાં બાળક જન્મે ત્યારે એક સાદું નામ શોધવા આખું ઘર, આખો પરિવાર, આખો મહોલ્લો ભેગા થઈને નામ વિચારવામાં બિઝી થઈ જાય છે તો નાટક, સિનેમા અને સિરિયલોવાળા રોજેરોજ સારાં શીર્ષક ક્યાંથી કાઢે? પાછું એક સારું શીર્ષક પણ બિકીની જેવું હોવું જોઈએ : ‘જે છુપાવે ઓછું અને દેખાડે ઘણું બધું’ અથવા તો ઊલ્ટું!

વાત એમ છે કે સારા ક્લિયર ટાઈટલવાળા બંગલાના પ્લોટ્સ કે ફ્લેટની જેમ સારાં ટાઈટલો પણ માર્કેટમાં ઝટ મળતાં નથી! ફિલ્મોમાં ટાઈટલો હંમેશાં વિવાદ, વિષાદ અને વ્યાપારનો વિષય રહ્યા છે…

‘ઢ-વાય’ અક્ષર પરથી શરૂ થતા નામવાળી ફિલ્મો નથી ચાલતી એવું મનાય છે. શાહરૂખ ખાન જૂહી ચાવલાવાળી યેસ બોસ’ ફિલ્મનું ટાઈટલ અમે આપેલું, જેને આખી ટીમ પાસે પાસ કરાવતાં કરાવતાં અમારે સંતોષી માતાના વ્રત કરવા પડે એવી હાલત થયેલી. આ તો સારૂં છે કે ફિલ્મ ચાલી ગઇ એટલે નાક રહી ગયું. હિંદી ફિલ્મોમાં અંગ્રેજી ટાઈટલો નથી ચાલતાં એવી એક ચિંતા ડિસ્ટ્રિબ્યુટરોને સતાવતી હોય છે, પણ જ્વેલથીફ’, ‘ગાઈડ’ ચાલેલી અને સાવ ગ્રામીણ વિષય પરની ફિલ્મ ‘મધર ઇંડિયા’નું નામ અંગ્રેજીમાં હતું અને ધૂમ ચાલેલી પણ!

ફિલ્મલાઈનમાં બીજી પણ એક મહાન મિથ કે માન્યતા છે કે જે ફિલ્મમાં નાગ-નાગીનની વાત હોય કે ટાઈટલમાં ‘નાગ’ હોય એ ચાલે જ ચાલે. ‘નગીના’, ‘નાગીન’, ‘નાગ પંચમી’, ‘નાગ દેવતા’ કે ‘શેષનાગ’ ઘણી ખરી હિટ
રહી છે. ટી.વી. સિરિયલોમાં પણ નાગીન, નાગીન બહુ, નાગીન સાંસ, પાતાલ લોક વગેર હિટ છે. ઇવન ગુજરાતી- હિંદી નાટકોમાં પણ નાગ કે સાપ પરના ટાઇટલ્સવાળાં
નાટકો હંમેશ સફળ થાય છે જે કે – કોઇની આંખમાં સાપ રમે, , હિમડંખ, સાપ સૂતો છે સોડમાં, ફણીધર, સર્પ-નાદ, નાગમંડલ, સાપસીડી,
વગેરે વગેરે.. તો ટાઇટલ્સમાં સાપ-નાગ હંમેશાં હિટ.

નાગ નામને લઈને આ કિસ્સો સાંભળવા જેવો છે. એક વાર રિશી કપૂર – રણધીર કપૂર – રાજીવ(ચિંપુ) કપૂર એમ ત્રણેય બંધુ એક પાર્ટીમાં એકબીજાને ચીઢવી રહ્યા હતા ત્યારે રિશી કપૂરે, નાના ભાઈ ચિમ્પુ ઉર્ફ રાજીવને કહ્યું, સાલે, તેરી કોઈ ફિલ્મ નહીં ચલતી. નોર્મલી, અગર ટાઈટલ મેં ‘નાગ’ હો તો બૂરી સે બૂરી ફિલ્મ ભી હિટ જાતી
હૈ, મેરી ભી નગીના ફિલ્મ સબ સે બડી હિટ થી.. પર ચિંપુ ( રાજીવ), તેરી તો નાગ-નાગીન’ ફિર ભી
ફ્લોપ હુઈ. તેરી તો કેરિઅર ફ્લોપ હૈ પર તુને તો નાગ’ કા ભી રેકોર્ડ બિગાડ દિયા.! બેચારે નાગ કો ભી ફ્લોપ કર દિયા… દેખના અબ ‘નાગ’ તુઝે છોડેગા નહીં! ‘ઝરુર આ કે બદલા લેગા !’

આજકાલ ફિલ્મોના મલ્ટિપ્લેક્સના શહેરી યંગ ઓડિયંસને આકર્ષવા શીર્ષકમાં અંગ્રેજી શબ્દ કમ્પલ્સરી હોય એવું થઈ ગયું છે. અમે એક ટાઈટલ આપેલું ‘કિસ્મત કનેક્શન’. હવે આ ‘કિસ્મત કનેક્શન’ બોલ-ચાલનો શબ્દ બની ગયો છે! એ નામે હવે સેંકડો મેરેજ-બ્યુરો, જ્યોતિષ-સલાહ કેંદ્રો ખૂલ્યાં છે!

આ ટાઈટલને જો મેં પેટંટ’ કે ટ્રેડમાર્ક’ કરાવ્યું હોત તો અમને ખૂબ કમાણી થાત.

નિર્દેશક મહેશ ભટ્ટે, બે ભાઈની વાર્તાવાળી ફિલ્મનું નામ’ રાખેલું. ત્યારે ડિસ્ટ્રીબ્યુટરોએ કહ્યું: ‘નામ’, ‘નામમાં કોઇ અપીલ જ નથી’ ત્યારે મહેશ ભટ્ટે કહેલું: હર આદમી અપને નામ સે, અપની પહેચાન સે પ્યાર કરતા હૈ, ઈસ સે અચ્છા ટાઈટલ હો હી નહીં સકતા.’…અને ફિલ્મ હિટ થયેલી.

એક જમાનાના સુપર હિટ નિર્દેશક મોહન કુમાર, હંમેશાં ‘અ’ પરથી ટાઇટલ્સ રાખતા, જેમ કે ‘અનપઢ’, ‘આઇ મિલન કી બેલા’, ‘અમીર ગરીબ’ કે સુપરહિટ ‘અવતાર’ વગેર.. મોહનકુમારના આસ્ટિંટ અને સાઢૂભાઇ નિર્માતા- નિર્દેશક જે. ઓમપ્રકાશ પણ ‘અ’ પરથી ‘આશા’, ‘આપ કી કસમ કે’ ‘અર્પણ’
જેવા ટાઇટલ્સ જ રાખતા. વળી આ જે. ઓમપ્રકાશનના જમાઇ અને ખૂન ભરી માંગ, કોઇ મિલ ગયા, ક્રિશ, અભિનેતા-નિર્દેષક રાકેશ રોશન ‘કે’ પરથી જ એમની ફિલ્મના નામ રાખે છે. જેમ કે- એમની ‘કામચોર’થી લઇને ‘કહો ના પ્યાર હૈ’ સુધી બધી ફિલ્મો હિટ ગયેલી. જો કે, સુપરસ્ટાર
શાહરૂખ સાથેની ‘કોયલા’ મહાફ્લોપ હતી!

એકતા કપૂર પણ બધી સિરિયલના નામ ‘કે’ પરથી જ રાખે છે. ‘ક્યુંકિ સાંસ ભી કભી બહુ થી’ કે ‘કુસુમ’ જેવી સિરિયલમાં એણે ન્યુમરોલોજી પ્રમાણે ૨-૨ વખત ‘કે’ અક્ષર રાખ્યો હતો. આમ છતાં એકતાની ઘણી કે પરથી સિરિયલો ચાલી નહોતી.

ગંભીર આર્ટ સિનેમામાં પણ ‘આલ્બર્ટ પિંટો કો ગુસ્સા ક્યું આતા હૈ?’ – ‘અરવિંદ દેસાઇ કી અજીબ
દાસ્તાં’ જેવાં શીર્ષકો હોય તો ગંભીર દાઢીધારી લોકો બહુ જ ઈમ્પ્રેસ થતા હોય છે, જેમ કે, ઇસ રાત
કી સુબ્હ નહીં- હઝારોં ખ્વાબ હૈં ઐસી- સતહ સે ઉઠા હુઆ આદમી, ઈત્યાદિ
એટલે પછી તો મારો એ વાર્તાકાર મિત્ર, ખિસ્સામાં એક ડાયરી રાખે. જ્યાં, જ્યારે સૂઝે એ
ટાઈટલ ટપકાવી દે! એવાં અટપટાં શીર્ષકો શોધે કે વાંચવાવાળો છક્ક થઈ જાય. શીર્ષકો પાછાં એટલાં
લાંબા કે ઘણી વાર મૂળ વાર્તા એની સામે ટૂંકી લાગે!

સારાં ટાઈટલની રેસિપી શું? મસ્તીખોર પણ
સંસ્કારી, લાંબું પણ આકર્ષક, ટિપિકલ પણ સારગર્ભિત, નાનકડું પણ વેધક પણ ચાલુ… આવા કોમ્બિનેશનવાળા ટાઈટલની બધા ક્રિયેટિવ લોકોને શોધ હોય છે, જેથી વાચક કે ગ્રાહક કે પ્રેક્ષક શબ્દજાળમાં ફસાય. પોતાનો માલ વેચવા માણસ લાખ તાતાથૈયા કરે જ. એમાં કશું ખોટું નથી. અને
આમ જોવા જઈએ તો આપણી એકધારી-બોરિંગ-રૂટિન લાઈફને મજેદાર બનાવવા આપણે સૌ પણ
એક સોલિડ ‘ટાઈટલ’ની તલાશમાં સતત હોઈએ જ છીએને?!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ