ફિલ્મ એક, ફળશ્રુતિ અનેક
‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના એક્ટર્સ સાથે જોડાયેલો એક મજેદાર સંયોગ
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
કરીના કપૂરની પહેલી ઓટીટી ફિલ્મ હમણાં રિલીઝ થઈ, ‘જાને જાન’. ફિલ્મમાં તેની સાથે મેલ લીડ્સમાં છે જયદીપ અહલાવત અને વિજય વર્મા. બદલતા સમય અને ઓટીટીના આગમનના પરિણામે આપણે જાણીએ છીએ કે ચોકલેટી ગૂડ લૂકસ સિવાયના એક્ટર્સને પણ તેમની અભિનયની આવડતના જોરે ફિલ્મ્સ કે વેબ શોઝમાં છેલ્લા એક દાયકાથી મુખ્ય ભૂમિકાઓ મળતી થઈ છે. ઈરફાન ખાન, મનોજ બાજપેઈ, નવાઝુદ્દીન સિદ્દીકી, કે કે મેનન વગેરે એટલે આ બદલાવની પ્રથમ હરોળના ચહેરાઓ. દર્શકો અને નિર્માતાઓની આ પસંદ પાછળ એમ તો અનેક કારકો કારણભૂત, પણ ૨૦૧૨માં આવેલી એક ફિલ્મનું તેમાં વિશેષ યોગદાન છે. એટલે જ મનોરંજન દેવની કૃપાથી એ ફિલ્મ સાથે એક્ટર્સનો એક સરસ સંયોગ રચાયેલો છે. એ ફિલ્મ એટલે અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ’ગેંગ્સ ઓફ વાસેપુર’. રામ ગોપાલ વર્મા કે અનુરાગ કશ્યપ બ્રાન્ડ મૂવીઝનો અનક્ધવેન્શલ લુકિંગ એક્ટર્સને ચરિત્ર ભૂમિકાઓથી વધીને મુખ્ય પાત્રો મળવા પાછળ મહત્ત્વનો ફાળો છે.
તો ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ સાથે એ ક્રાંતિકારી બદલાવ ઉપરાંત જે સંયોગ સંલગ્ન છે તે સિનેરસિકોની સચોટ નિરીક્ષણથી બહુ જ રસપ્રદ નીવડે તેવો છે. શું તમને ખબર છે કે એ ફિલ્મના દરેક નોંધપાત્ર કલાકારો પાસે આજે લીડ રોલમાં પોતપોતાના વેબ શોઝ છે? જી હા, એ ફિલ્મ તે સૌ માટે એટલી તો નસીબવંતી રહી છે કે ઓછા જાણીતા અથવા તો પહેલી વાર કામ કરી રહેલા અથવા નાની ભૂમિકા ભજવનાર એક્ટર્સ પણ આજે વેબ શોઝ પોસ્ટરના સેન્ટર ફેસ બન્યા છે. ચાલો આ મજેદાર યોગાનુયોગની વિગતવાર યાદી જોઈએ જેથી વધુ સમજી શકાય.
‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના એક્ટર્સ સાથે જોડાયેલો એક મજેદાર સંયોગ
ફિલ્મના પ્રથમ ભાગના મુખ્ય પાત્ર સરદાર ખાનની ભૂમિકા ભજવનાર મનોજ બાજપેઈને આગળ જતાં એમેઝોન પ્રાઈમ વીડિયોની અતિ પ્રખ્યાત વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ મળી. જેની બે સીઝન આવી ચૂકી
છે અને રાજ અને ડીકેના દિગ્દર્શનમાં બનેલી આ સિરીઝ તેના સ્પાય થ્રિલર જોનરમાં ફેમિલી મેનના રસપ્રદ વાર્તાલેખનના કારણે દર્શકોને ખૂબ પસંદ પડી છે. અને ટૂંક સમયમાં જ તેની ત્રીજી સીઝન પણ આવવાની છે.
‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના બીજા ભાગમાં ફૈઝલ ખાનની મુખ્ય ભૂમિકા ભજવનાર નવાઝુદ્દીન સિદ્દીકીને પણ એક વેબ શોમાં લીડ રોલ મળ્યો છે. એ વેબ શો એટલે નેટફ્લિક્સનો પ્રથમ ભારતીય વેબ શો ‘સેક્રિડ ગેમ્સ’. સૈફ અલી ખાન સામે લીડ રોલમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો આ શો સુપરહિટ રહ્યો હતો એ સૌ
જાણે છે.
ફૈઝલ ખાનના મોટા ભાઈ દાનીશ ખાનનું પાત્ર ભજવનાર વિનીત કુમાર સિંઘને પણ એ ફિલ્મ પછી ખૂબ જ સફળતા મળી છે. વિનીત કુમાર સિંઘના નામે પણ હુમા કુરેશીની જેમ ત્રણ વેબ સિરીઝ બોલે છે, ‘બાર્ડ ઓફ બ્લડ’, ‘બેતાલ’ અને ‘રંગબાઝ’ની ત્રીજી સીઝન. સુલતાનના નાના પણ અસરકારક પાત્રથી જાણીતા બનેલા અને હાલ સૌના પ્રિય પંકજ ત્રિપાઠી માટે પણ આ જ વાત લાગુ પડે છે. યુવાનોમાં જેના સંવાદો અતિ પ્રચલિત છે એવી ‘મિર્ઝાપુર’ વેબ સિરિઝનું તેમનું કાલીન ભૈયાનું પાત્ર તો ખૂબ જાણીતું બન્યું છે. ‘ક્રિમિનલ જસ્ટિસ’માં પણ પંકજ ત્રિપાઠી મુખ્ય પાત્રમાં છે. આપણે ફક્ત મુખ્ય ભૂમિકાની જ વાત કરી રહ્યા છીએ, બાકી ‘સેક્રિડ ગેમ્સ’માં પણ ગુરુજીનું અતિ મહત્વનું પાત્ર પંકજ ત્રિપાઠીએ ભજવ્યું હતું.
જયદીપ અહલાવતથી આપણે વાતની શરૂઆત કરી એટલે તેના વિશે જ પહેલા જોઈએ. આમ પણ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ની શરૂઆત પણ તેના જ પાત્રથી થાય છે. ફિલ્મના મુખ્ય પાત્ર સરદાર ખાનના પારિવારિક ઇતિહાસથી ફિલ્મની શરૂઆત થાય છે તેમાં તેના પિતા શાહિદ ખાનનું પાત્ર આવે છે જે જયદીપ અહલાવતે ભજવ્યું હતું. આ હતી તેની માત્ર પાંચમી ફિલ્મ. એ પછી તો તેને મહત્ત્વના રોલ્સ મળતા ગયા અને ખૂબ પ્રગતિ થઈ. તેના જ પરિણામે ૨૦૨૦ના ખૂબ પ્રચલિત વેબ શો ‘પાતાલલોક’માં જયદીપ અહલાવતને મળી મુખ્ય ભૂમિકા. તેની બીજી સીઝન આવવાના પણ સમાચાર છે. એ પછી ‘બ્લડી બ્રધર્સ’ અને ‘ધ બ્રોકન ન્યૂઝ’ જેવા વેબ શોઝ પણ તેને મળ્યા છે, જેમાં પણ તેની મુખ્ય ભૂમિકા છે. યાદ રહે કે આપણે ઓટીટીના કારણે મળતી તકના સંદર્ભે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના કલાકારોની વાત કરી રહ્યા છીએ એટલે માત્ર વેબ શોઝ કે વેબ સિરીઝનો ઉલ્લેખ કરી રહ્યા છીએ.
આ બધા શોઝ અને તેના કાસ્ટિંગ વિશે ખબર હોવા છતાં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ની કાસ્ટ સાથે જોડાયેલો આ સુંદર સંયોગ સૌની નજરમાં નથી આવતો. ફક્ત મોટા પાત્રો જ નહીં, ચરિત્ર ભૂમિકા ભજવનાર કલાકારો પણ ઓટીટી યુગમાં પોતાના વેબ શોઝ અને તેમાં પણ મુખ્ય ભૂમિકાના હકદાર બન્યા છે. સરદાર ખાનના સાથી કાકા-ભત્રીજા નસીર અને અસગર બનતા અનુક્રમે પિયુષ મિશ્રા અને જમીલ ખાન પણ આ સૂચિમાં સામેલ છે. ‘ઇલ્લીગલ’ અને ‘જેએલ૫૦’ જેવા શોઝમાં પિયુષ મિશ્રાએ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે તો ગયા વર્ષે સ્ટ્રીમ થયેલી વેબ સિરીઝ ‘સોલ્ટ સીટી’માં તેમણે મુખ્ય ભૂમિકા નિભાવી છે. એ જ રીતે જમીલ ખાન કદાચ સૌને નામથી યાદ ન હોય પણ પોતાના કામથી તો જાણીતો જ ચહેરો છે. ટીવીએફ પ્રોડકશન્સની મિડલ કલાસ પરિવારની મધમીઠી સ્લાઈસ ઓફ લાઈફ જોનરની વેબ સિરીઝ ‘ગુલ્લક’ વિશે મોટાભાગના દર્શકો પરિચિત હશે જ. પિતાના પાત્રમાં જમીલ ખાન આ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં છે.
ફક્ત પુરુષ પાત્રો જ નહીં, સ્ત્રી પાત્રો સાથે પણ આ સંયોગ જોડાયેલો છે. રિચા ચઢ્ઢાનું નગમા ખાતૂનનું પાત્ર સૌને યાદ હશે જ. તેની અભિનય ક્ષમતાનાં જોરે જ એમેઝોન પ્રાઈમ વીડિયો માટે જ્યારે પ્રથમ વેબ શો ‘ઇનસાઈડ એજ’ કે જે ક્રિકેટ
લીગ ટૂર્નામેન્ટ પર હતો એ બનાવવામાં આવ્યો ત્યારે તેમાં રિચા ચઢ્ઢાને મલ્ટિ સ્ટારર કાસ્ટમાં મુખ્ય ભૂમિકા મળી હતી. ફિલ્મનું બીજું મુખ્ય સ્ત્રી પાત્ર એટલે મોહસીના. તે ભજવનાર હુમા કુરેશીની તો ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ પ્રથમ જ ફિલ્મ હતી. વર્ષો બાદ આજે તેનાં નામે તો ‘લૈલા’, ‘મહારાની’ અને ‘મિથ્યા’ નામની ત્રણ-ત્રણ વેબ સિરીઝ બોલે છે. ‘મહારાની’ની તો ત્રીજી સીઝનનું પ્રોડક્શન વર્ક અત્યારે ચાલી રહ્યું છે.
આમાંના મોટાભાગના પાત્રો અને કલાકારો સિવાય તરત યાદ ન આવે એવું પણ એક નામ છે. તમને ખબર છે રાજકુમાર રાવે પણ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી? મુખ્યત્વે રસ્તા પરની ચેઝ સિક્વન્સ પૂરતા જ દેખાતા શમશાદ ખાનના પાત્રમાં રાજકુમાર રાવનો ચહેરો સિનેપ્રેમીઓને કદાચ યાદ હશે. પછી તો રાજકુમાર રાવ ફિલ્મ્સમાં લીડ રોલ્સમાં પણ બેન્કેબલ સ્ટાર બની ગયો, પણ વેબ શોઝના સંદર્ભમાં પણ આપણી યાદીમાં ઑલ્ટ બાલાજીની ‘બોઝ: ડેડ/અલાઈવ’ અને હમણાં આવેલી ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’ થકી તેનું નામ જોડાઈ જાય છે.
મુખ્ય પાત્રોના કાસ્ટિંગના આધાર પર આપણે જે સંયોગની વાત કરી એનો અર્થ એ કે વાર્તા અને સિનેમા તકનીકની રીતે જ નહીં, પણ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ તેના એક્ટર્સને આ રીતે ફળી એ બદલ પણ એક યાદગાર ફિલ્મ ગણી શકાય!
લાસ્ટ શોટ
‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં વિકી કૌશલે આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે કામ કર્યું છે.