મેટિની

બોલીવૂડના અડધા વર્ષમાં હિટ ઓછી, ફ્લોપ વધારે

વિશેષ -પ્રથમેશ મહેતા

કમાણીની દૃષ્ટિએ બોલીવૂડ માટે ૨૦૨૪ના વર્ષની શરૂઆત ખાટી-મીઠી રહી હતી. ૧૨ જાન્યુઆરીએ કેટરિના કૈફ અને વિજય સેતુપતિની મેરી ક્રિસમસ રજૂ થઈ હતી, ૫૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ ફ્લોપ થઈ હતી કેમ કે તે ફક્ત રૂ. ૧૮ કરોડ કમાઈ શકી હતી. આવી જ રીતે પંકજ ત્રિપાઠીની ફિલ્મ મૈં અટલ હું રૂ. ૨૫ કરોડને ખર્ચે બની હતી અને તેની કમાણી ફક્ત સાત કરોડ જેટલી થઈ હતી. ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થયેલી રિતીક રોશન અને દીપીકા પદુકોણની ફિલ્મ ફાઈટર હિટની શ્રેણીમાં મૂકી શકાય કેમ કે ૨૨૫ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે રૂ. ૩૨૫ કરોડનું કલેક્શન કર્યું હતું.
વર્ષનો બીજો મહિનો ફેબ્રુઆરી પણ આવો જ રહ્યો હતો, યામી ગૌતમ અને પ્રિયામણીની ૨૩ ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ આર્ટિકલ ૩૭૦ રૂ. ૪૦ કરોડને ખર્ચે બની હતી અને ફક્ત ભારતમાં જ તેમણે રૂ. ૭૦ કરોડનું કલેક્શન કર્યું હતું. વર્લ્ડવાઈડ તેણે રૂ. ૧૧૦ કરોડની કમાણી કરી હતી. આ જ મહિને આવેલી ફિલ્મ ક્રેક તો સુપરફ્લોપની શ્રેણીમાં આવી હતી. ફિલ્મનો નિર્માણ ખર્ચ રૂ. ૮૦ કરોડ હતો તેની સામે કમાણી ભારતમાં ફક્ત રૂ. ૧૩ કરોડની કમાણી થઈ હતી. આના કરતાં પણ ખરાબ હાલત અનેક નાની ફિલ્મોનો થયો હતો, જેના નામ પણ ખાસ સાંભળવા મળ્યા નહોતા. જેમ કે ભૂમિ પેડનેકર અને સંજય મિશ્રાની ભક્ષક, સતીશ કૌશિક અને રાજ બબ્બરની ફિલ્મ મિર્ગ, અનુપમ ખેર અને ગુરુ રંધાવાની ફિલ્મ કુછ ખટ્ટા હો જાય. આ બધી ફિલ્મો ક્યારે આવી અને ક્યારે જતી રહી તેની પણ જાણ થઈ નહોતી. નવાઝુદ્દીન સિદ્દિકીની ફિલ્મ સેક્શન ૧૦૮ની હાલત પણ આવી જ હતી. આ મહિનામાં બીજી એક જે ફિલ્મ સારી ચાલી તે હતી શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા. ફક્ત રૂ. ૬૫ કરોડને ખર્ચે બનેલી આ ફિલ્મે વર્લ્ડવાઈડ રૂ. ૧૭૦ કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું અને સુપરહિટ ફિલ્મની શ્રેણીમાં પહોંચી ગઈ. જોકે, ફક્ત ભારતના કલેક્શનને ધ્યાનમાં લેવામાં આવે તો આ ફિલ્મ સામાન્ય કમાણીવાળી ગણી શકાય.

માર્ચની વાત કરીએ તો આ મહિનામાં આવેલી મોટા ભાગની ફિલ્મો પછી તે બસ્તર: ધ નક્સલ સ્ટોરી હોય કે પછી રવીના ટંડન અને સતિશ કૌશિક સ્ટારર પટના શુક્લા હો. દેબોલીના ભટ્ટાચાર્ય અને સોહેલા કપૂર સ્ટારર બંગાલ ૧૯૪૭ હોય આ બધી જ ફિલ્મોની હાલત અત્યંત ખરાબ રહી હતી. આ મહિને ફિલ્મનો ખર્ચો કાઢવાની ફિલ્મોમાં રણદીપ હુડ્ડા અને અંકિતા લોખંડે સ્ટારર સ્વાતંત્ર્ય વીર સાવરકર અને કુણાલ ખેમુના ડાયરેક્શનવાળી મડગાંવ એક્સપ્રેસ રહી હતી. બાકી સિદ્ધાર્થ મલ્હોત્રા અને દિશા પટણી સ્ટારર યોદ્ધા પણ ફ્લોપ હતી. પંચાવન કરોડને ખર્ચે બનેલી આ ફિલ્મ પાંત્રીસ કરોડનું પણ કલેક્શન કરી શકી નહોતી. જોકે આ મહિનામાં આવેલી તબ્બુ અને કરીના કપૂર સ્ટારર ક્રુને હિટની શ્રેણીમાં મૂકી શકાય. રૂ. ૬૦ કરોડને ખર્ચે બનેલી આ ફિલ્મે વર્લ્ડવાઈડ રૂ. ૧૫૦ કરોડનું કલેક્શન કર્યું હતું. આમ જોવામાં આવે તો પહેલા ત્રણ મહિનામાં ફિલ્મોનું પ્રદર્શન સારું રહ્યું હતું.

જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રણ મહિનામાં અડધો ડઝનથી વધુ ફિલ્મોના બિઝનેસથી બોલીવૂડને પ્રોત્સાહન મળ્યું હતું. આમાં કોઈ એક ઝોનરની ફિલ્મ નહોતી. આમાં કોમેડી પણ હતી, એક્શન પણ હતી, થ્રીલર ફિલ્મ પણ હતી અને રોમાન્સનો તડકો પણ હતો.

એપ્રિલથી જૂનની વાત કરવામાં આવે તો કલેક્શન સારું થવાને બદલે બદતર થયું હતું. લોકસભાની ચૂંટણીઓ, બોર્ડની એક્ઝામ અને આઈપીએલ વચ્ચે અનેક ફિલ્મો આવી અને જતી રહી. જેમ કે વિદ્યા બાલન અને પ્રતીક ગાંધીની દો ઔર દો પ્યાર, શ્રેયસ તલપડે અને તનીષા મુખરજીની લવ યુ શંકર, જોન અબ્રાહમ અને માનુશી છિલ્લરની ફિલ્મ તેહરાન, આયુષ શર્મા અને સુશી મિશ્રાની ફિલ્મ રુસ્લાન, મૌની રોય અને તુષાર કપૂરની લવ સેક્સ ઔર ધોખા-૨, રાજપાલ યાદવ અને જિયા માણેકની ફિલ્મ કામ ચાલુ આહે જેવી ફિલ્મો ક્યારે આવી અને ક્યારે ગઈ તેની કોઈ ખબર જ પડી નહોતી. આની વચ્ચે ઈમ્તિયાઝ અલી નિર્દેશિત અને પરિણીતી ચોપડા અને દિલજીત દોસાંજની પંજાબી ફિલ્મ અમરસિંહ ચમકીલાની ધુમ રહી હતી. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ બડે મિયાં ઔર છોટે મિયાં અત્યંત નાલેશીને પામી હતી. અજય દેવગણ અને પ્રિયામણી સ્ટારર ફિલ્મ મૈદાનની પણ આવી જ હાલત રહી હતી.

બડે મિયાં ઔર છોટે મિયાં રૂ. ૩૦૦ કરોડને ખર્ચે બની હતી, તેની સામે કમાણી ફક્ત રૂ. ૬૭ કરોડ રહી હતી. મૈદાન રૂ. ૧૫૦ કરોડને ખર્ચે બની અને ફક્ત રૂ. ૫૧ કરોડ એકઠા કરી શકી હતી.
મે મહિનાની હાલત એના કરતાં પણ ખરાબ હતી. પ્રતિક ગાંધીની ફિલ્મ દેઢ બિઘા જમીન, રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસેજ માહી, અનિલ કપૂર અને દિવ્યા ખોસલા કુમારની ફિલ્મ સાવી: એ બ્લડી હાઉસ વાઈફ, દિપક તિજોરી અને અલંકૃતા સહાયની ફિલ્મ ટિપ્પસીનું નામ ફ્લોપ ફિલ્મોની યાદીમાં હતું. આ મહિને રાજકુમાર રાવની શ્રીકાંત, મનોજ બાજપેયીની ભૈય્યા જી અને શ્રેયસ તલપડેની ફિલ્મ કર્તમ ભુગતમ એવી ફિલ્મો હતી જે ઓછા બજેટમાં બની હોવાથી પોતાનો ખર્ચ કાઢી શકી હતી.

જૂન મહિનાની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન અને પ્રભાસની ફિલ્મ કલ્કિ ૨૯૯૮એડી બાહુબલી જેવી કલ્ટ ફિલ્મ સિદ્ધ થઈ હતી. કમાણી અને દર્શકોને પોતાની તરફ આકર્ષવાના માપદંડમાં આ ફિલ્મ સફળ રહી હતી. ફક્ત સાત જ દિવસમાં કલ્કિએ રૂ. ૮૦૦ કરોડથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું. આ જ મહિને આવેલી મુંજ્યા ફિલ્મે પણ કમાણી અને દર્શકોની હાજરીમાં સફળતા મેળવી હતી. જ્યારે શર્માજી કી બેટી, રૌતુ કા રાઝ, ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ, હમારે બારહ, મનિહાર અને લવ કી એરેન્જ મેરેજ જેવી ફિલ્મોમાં ફક્ત હમારે બારહ ફિલ્મ ખર્ચ કાઢવામાં સફળ થઈ હતી. આમ બોલીવૂડ માટે ૨૦૨૪ના વર્ષના પહેલા છ મહિનાનો સમયગાળો અત્યંત નિરાશાજનક રહ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…