ચહેરા મોહરા -પ્રકરણ: -3
પ્રફુલ્લ કાનાબાર
અરે દીકરા, આ શું બોલે છે? ગમે તેમ તોપણ એ તારો બાપ છે…. તારા બાપુ અત્યારે નશામાં છે. એ શું બોલે છે એનું એને ભાન નથી, પણ આપણે તો નશામાં નથી ને? ગરીબી એવો શ્રાપછે, જે ભલભલાને ઈશ્વર સામે ફરિયાદ કરતાં કરી દે છે. અશ્રુભીની માની આંખ જે તરફ તાકી રહી હતી તે તરફ સોહમની આંખ પણ આક્રોશભરી નજરે સામે દીવાલ પર લટકાવેલા ભગવાનના ફોટાને તાકી રહી હતી. બાળપણથી જ માતા-પિતાના ઝગડા નજરે જોનાર બાળકનું મન હંમેશા અજંપામાં રહેતું હોય છે. જે ઉંમરે હૂંફની જરૂર હોય તે ઉંમરે સતત અસલામતીની ભાવના તેના બાળમાનસને કોરી ખાતી હોય છે. સોહમ સમજણો થયો ત્યારથી માતા અને પિતા વચ્ચેના ખટરાગના એક પછી એક બનતા બનાવનો સાક્ષી બની રહ્યો હતો. એકની એક પીડા વારંવાર આવે ત્યારે તે માણસના આંસુઓને પણ સૂકવી નાખતી હોય છે. સોહમના કિસ્સામાં પણ બિલકુલ તેમ જ થયું હતું. સમયની સાથે સોહમનો પિતા તરફનો આક્રોશ મનમાં લાવા બનીને ઊકળી રહ્યો હતો.
ઘરનો મોભી જ્યારે જવાબદારીમાંથી છટકે ત્યારે તેના પર આધારિત સભ્યોના ભાગે હંમેશા વધારે સહન કરવાનું આવતું હોય છે. સોહમના પિતા એક રૂપિયો પણ કમાતા નહોતા અને ઉપરથી સોહમની મા જે કંઈ કમાઈને લાવતી હતી તેના પર તાગડધિન્ના કરતા હતા. બાપુની દારૂની લત છોડાવવા માટે માએ ઘણા પ્રયત્નો કર્યા હતા, પણ તેમાં દરેક વખતે તેને નિષ્ફળતા જ મળી હતી. સોહમ બાર વર્ષનો થયો એટલે તેણે સવારે વહેલાં ઊઠીને આજુબાજુનાં મકાનોમાં છાપાં નાખવા જવાનું શરૂ કરી દીધું હતું. દરરોજ સવારે છ વાગે છાપાં નાખીને તે ઘરે પરત આવતો. થોડી વાર બાદ દફતર લઈને મોર્નિંગ સ્કૂલે ભણવા માટે રવાના થઈ જતો. ચાલીની બહાર જ એક ચાની કીટલી હતી તેમાં સોહમ જેટલી જ ઉંમરનાં છોકરાઓ આખો દિવસ નોકરી કરતાં. બાર વર્ષના સોહમને પણ ઘણી વાર ત્યાં નોકરી કરવાની ઇચ્છા થઈ આવતી, પણ ભણવાના ભોગે એ નોકરી કરવા દેવા માટે મા બિલકુલ રાજી નહોતી. મા કાયમ કહેતી: `સોહમ, એ નોકરીનું ભવિષ્ય શું?’
`મા, અત્યારે આપણે મારા ભણતર કરતાં વધારે પૈસાની જરૂર છે… આપણી ગરીબી સામે તો તારો ભગવાન પણ નથી જોતો.’ સોહમે ભગવાનના ફોટા સામે જોઈને ફરિયાદના સૂરમાં કહ્યું હતું. `સોહમ, આપણા કરતાં પણ લોકો વધારે ગરીબ હોય છે, જે ફૂટપાથ પર રહે છે.ભગવાને આપણને માથે છાપરું તો આપ્યું છે ને?’ માએ તેના ભગવાનનો પક્ષ લેતાં કહ્યું હતું.
દિવસો આમ જ બેઢંગી રફતારે પસાર થઈ રહ્યા હતા. એક વાર બાપુએ દારૂના નશામાં મા પર હાથ ઉગામ્યો હતો ત્યારે પંદર વર્ષના થયેલા સોહમે પિતાનો હાથ પકડી લીધો હતો. સોહમની આંખમાંથી જાણે કે અંગારા વરસી રહ્યા હતા.
`બાપુ, એક વાત યાદ રાખજો. મારી મા હવે એકલી નથી. મારી મા પર હાથ ઉપાડનારનો હું હાથ તોડી નાખીશ.’
`અરે અરે દીકરા, આ શું બોલે છે? ગમે તેમ તોપણ એ તારો બાપ છે.’ `મા, એ બાપ હોય તો તેને કહી દે કે બાપની જેમ ઘરમાં રહે.’ સોહમ તાડૂક્યો હતો. માએ માંડ માંડ પરિસ્થિતિ સંભાળી હતી: `બેટા, તું જુએ છે ને કે તારા બાપુ અત્યારે નશામાં છે. એ શું બોલે છે એનું એને ભાન નથી, પણ આપણે તો નશામાં નથી ને?’
સોહમ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો હતો. રાત્રે બાપુ ઊંઘી ગયા બાદ જ એ ઘરમાં આવ્યો હતો. માએ રસોડામાં સોહમને બેસાડીને પ્રેમથી જમાડયો હતો. માની આંખમાં આંસુ જોઈને સોહમ ગળગળો થઈ ગયો હતો:
`મા, એક વાર મને ભણી લેવા દે..બસ. સારી નોકરી મળી જશે એટલે તારું બધું દુ:ખ દૂર થઈ જશે.’ ત્યારે પણ માએ દીવાલ પર લટકાવેલા શ્રીનાથજીના ફોટા સામે સજળનેત્રે જોઈને કહ્યું હતું: `બેટા, મારા પ્રત્યે તારી આટલી લાગણી છે, એ જ મારા માટે ભગવાનની સૌથી મોટી કૃપા છે.’
સોહમ જે ચાલીમાં રહેતો હતો તેની બાજુની ચાલીમાં શિવાની પણ રહેતી હતી. સોહમ અને શિવાની બાળપણથી જ ખભે દફતર લઈને સ્કૂલે સાથે જતાં. બંને એક જ ક્લાસમાં ભણતાં હતાં. શિવાનીના પિતા કનૈયાલાલ દારૂ-જુગાર જેવાં વ્યસનોથી દૂર રહ્યાં હતાં. કનૈયાલાલને પસ્તીનો ધંધો હતો. તેમણે ધંધાની શરૂઆત લારીથી કરી હતી, પણ ધંધો વધતાં ચાલીની બહાર જ એક ભાડાની દુકાન રાખી હતી અને ત્યાં જ બેસતા હતા. સોહમ અને શિવાનીની નિર્દોષ મૈત્રી હવે કિશોરાવસ્થામાં પ્રવેશી હતી. મુગ્ધાવસ્થામાં દરેક મુગ્ધાના જીવનમાં વસંતનું આગમન થતું હોય છે.
શિવાનીના શરીર પર પણ વસંત બેઠી હતી. તેનું શરીર ભરાવા લાગ્યું હતું. હોર્મોન્સના ફેરફારને કારણે સોહમને પણ કુદરતી આવેગોનો અનુભવ થવા લાગ્યો હતો. હવે શિવાનીનું મન સોહમ તરફ ધીરે ધીરે ઢળી રહ્યું હતું. સોહમને પણ એ વાતનો ખ્યાલ આવી ગયો હતો, પણ એ ખુદનાં માતાપિતાના વણસેલા સંબંધોની સમસ્યામાં જ એટલી હદે ઘેરાયેલો હતો કે શિવાની પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરીને નવી કોઈ સમસ્યા ઊભી કરવા માગતો નહોતો. શિવાની સાથે એ સલામત અંતર રાખતો હતો. બંને દસમા ધોરણમાં હતાં ત્યારે એક વાર સ્કૂલેથી પરત ફરતી વખતે એકદમ વરસાદ તૂટી પડયો હતો. શિવાની પાસે છત્રી હતી. શિવાનીએ છત્રી ખોલીને સોહમને છત્રીમાં ખેંચી લીધો હતો. એક જ છત્રીને કારણે ધોધમાર વરસાદથી બચવા બન્ને એકમેકની સાવ સમીપ ચાલતાં હતાં. બંનેનાં શરીર થોડી થોડી વારે અનાયાસે જ અથડાતાં હતાં. વરસતા વરસાદમાં બે તરુણ-તરુણીનો પરસ્પરનો આહ્લાદક સ્પર્શ બંનેને ગમતો હતો. અચાનક વીજળીનો કડાકો થયો. શિવાનીથી અનાયાસે જ છત્રી હાથમાંથી છટકી ગઈ. તે સોહમને વળગી પડી. શિવાનીને અળગી કરીને પવનને કારણે થોડે દૂર પહોંચી ગયેલી છત્રીને દોડીને સોહમે ઝડપી લીધી. હવે બંને પલળી ગયાં હતાં.
શિવાનીને છત્રી આપતાં સોહમે કહ્યું: `આ તું જ રાખ. આમ પણ એક છત્રીમાં આપણે બંને પલળીએ છીએ. શિવાનીને એક જ છત્રીમાં સોહમનો સંગાથ ગમતો તો હતો, પણ તે શરમને કારણે એક પણ શબ્દ બોલી શકી નહિ. તે દિવસે સોહમનો સંયમ જોઈને તેને સોહમ પર વધારે માન ઊપજ્યું હતું. એ દિવસ બાદ સોહમ વધારે સતર્ક થઈ ગયો હતો. તે વાતચીતમાં પણ શિવાની સાથે ખૂબ જ સંયમ રાખતો થઈ ગયો હતો.
Also read: ફોકસ : સિને વર્લ્ડ V/S અંડર વર્લ્ડ ધમકી- હુમલા ને વસૂલીની માયાનગરી…!
સોહમને આજે પણ એ દિવસ યાદ હતો જયારે બંનેનું બારમા ધોરણનું પરિણામ જાહેર થયું ત્યારે શિવાનીને ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો, જ્યારે સોહમ નપાસ થયો હતો. તે સાંજે પહેલી જ વાર બંને રિવરફ્રન્ટની પાળે બેઠાં હતાં. સોહમની એકલતા અને પીડા વિશે શિવાની સમજણી થઈ ત્યારથી જાણતી હતી. વળી આજે જાહેર થયેલા પરિણામને કારણે તે સોહમને આશ્વસ્ત કરવા પણ માગતી હતી. શિવાનીએ એક પણ શબ્દ બોલ્યા વગર પહેલી વાર સોહમનો જમણો હાથ તેના નાજુક હાથમાં લીધો હતો. બંને વચ્ચે મૌન પથરાઈ ગયું હતું. જીવનમાં કેટલીક ક્ષણ એવી હોય છે, જ્યાં શબ્દોની આપ-લે કરતાં મૌન વધારે અસરકારક હોય છે! આખરે મૌન તોડતાં શિવાનીએ જ કહ્યું હતું: `સોહમ, શું વિચારે છે?’
`એ જ કે તારે તો સરસ માર્ક્સ આવ્યા છે. સારી કૉલેજમાં એડમિશન પણ મળી જશે. વળી તારે તો કૉલેજની ફીનો પણ સવાલ નથી.’ સોહમે થોડા ખિન્ન સ્વરે કહ્યું હતું. `સોહમ, તું બીજી ટ્રાયલમાં ચોક્કસ સારા માર્ક્સ સાથે પાસ થઈ જઈશ.’ `નહીં, શિવાની. મારે હવે ભણવું જ નથી.’ `પણ કેમ?’ `મારી પાસે હવે નાની-મોટી જૉબ કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી. આમ પણ હું આ વર્ષે કદાચ પાસ થયો હોત તોપણ કૉલેજમાં એડમિશન લેવાનો નહોતો. મારી પ્રાયોરીટી હવે આગળ ભણવાની છે જ નહી.’ શિવાની એકીટશે સોહમના સોહામણા ચહેરાને તાકી રહી.
`મારી પ્રાયોરિટી હવે મારી માને પારકાં કામ છોડાવવાની છે. માની તબિયત પણ સારી રહેતી નથી તેને આરામની જરૂર છે. મારા જીવનમાં વ્યાપેલું અંધારું મને તોડી નાખે તે પહેલાં મારે હવે પગભર થવું જ પડશે. `સોહમ, ચાલને આપણે સરખે ભાગે તારા જીવનનું અંધારું વહેંચી લઈએ.’ શિવાનીએ તેની નાજુક આંગળીઓ સોહમના હાથના પંજામાં ભેરાવતાં કહ્યું હતું. શિવાનીએ કોઈ પણ જાતની પૂર્વભૂમિકા વગર એકદમ જ પ્રપોઝ કર્યું તેથી સોહમ ચમકી ગયો…
(ક્રમશ:)