મેટિની

એકસ્ટ્રા અફેર : વિજય રૂપાણી સામાન્ય માણસોના નેતા તરીકે યાદ રહેશે

  • ભરત ભારદ્વાજ

અમદાવાદ એરપોર્ટ પરથી ઊડેલું એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ઊડ્યાની બે-ત્રણ મિનિટમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડ્યું એ કરૂણ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. બોઈંગનું ડ્રીમલાઈનર પ્લેન એરપોર્ટથી થોડે દૂર મેઘાણીનગરમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડ્યું. તેના કારણે પ્લેનમાં સવાર 241 પેસેન્જર્સ તો ગુજરી ગયા જ પણ હોસ્ટેલના 50 જેટલા વિદ્યાર્થી પણ ગુજરી ગયા છે.

આ પ્લેનમાં કુલ 242 પેસેન્જર હતા. તેમાંથી માત્ર એક પેસેન્જર રમેશ વિશ્વાસકુમાર બચી ગયા છે એ પણ હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહ્યા છે. બાકીના તમામ પ્રવાસીઓનાં મોત થયાં છે ને ગુજરાતીઓ માટે સૌથી મોટા આંચકાના સમાચાર એ છે કે, પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. લંડન રૂપાણી સામાજિક ફરજ બજાવવા પોતાની દીકરીને ત્યાં જઈ રહ્યા હતા. રૂપાણીનાં પત્ની અંજલીબેન છલ્લા છ મહિનાથી લંડનમાં પોતાની દીકરીના ઘરે હતાં. તેમને પાછાં લેવા નીકળેલા રૂપાણી પરિવારને તો ના જ મળી શક્યા પણ અનંત યાત્રાએ નીકળી ગયા.

ગુરૂવારે બપોરે વિમાન અકસ્માતગ્રસ્ત થયું હોવાના સમચાર આવ્યા ત્યારે જ રૂપાણી પણ પ્લેનમાં હોવાના સમાચાર આવેલા પણ પછી મીડિયાના એક વર્ગે આ સમાચારને ખોટા ગણાવેલા. સોશિયલ મીડિયા પર પણ રૂપાણી સલામત હોવાની પોસ્ટ્સ ફરતી થતાં સૌને હાશકારો થયેલો પણ મોડી બપોરે રૂપાણીનું પણ આ અકસ્માતમાં મોત થયું હોવાનું ક્નફર્મ થતાં સૌને એક આંચકો લાગી ગયો કેમ કે રૂપાણી અત્યંત સ્વસ્થ અને તંદુરસ્ત હતા. 68 વર્ષના હોવા છતાં રૂપાણી રાજકીય અને સામાજિક રીતે પણ સક્રિય હતા. ભાજપના પંજાબના પ્રભારી તરીકે એ સતત કાર્યક્રમોમાં હાજરી આપતા ને ગુજરાતના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા.

વિજય રૂપાણીની રાજકીય કારકિર્દી બહુ લાંબી હતી. રૂપાણી વિદ્યાર્થી કાલથી જ રાજકારણમાં આવી ગયા હતા. રાજકોટના મેયરથી શરૂ કરીને મુખ્ય પ્રધાનપદ સુધીની સફર તય કરનારા રૂપાણીએ તેમની પાંચ દાયકા કરતાં વધારે લાંબી રાજકીય કારકિર્દીમાં ઘણી બધી ભૂમિકાઓ ભજવી. રાજ્યસભાના સભ્ય, વિધાનસભ્ય, વિધાનસભાના સ્પીકર, ગુજરાત સરકારમા કેબિનેટ મંત્રી જેવા હોદ્દા ભોગવનારા રૂપાણીએ ગુજરાત ભાજપમાં પણ મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ જેવા હોદ્દા ભોગવ્યા. સૌરાષ્ટ્રમાં ભાજપના સંગઠનને મજબૂત બનાવનારા કેશુભાઈ પટેલ પછીની પેઢીના નેતાઓમાં વિજય રૂપાણીનું નામ આદરથી લેવું પડે એવું જોરદાર તેમનું યોગદાન હતું.

વિજય રૂપાણી નિર્વિવાદ નેતા હતા એવું ના કહી શકાય કેમ કે તેમના મુખ્ય પ્રધાનકાળ દરમિયાન ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. રૂપાણીને 2021માં મુખ્યમંત્રીપદેથી દૂર કરાયા પછી બહાર આવેલાં મસમોટાં ભ્રષ્ટાચારનાં કૌભાંડોમાં રૂૂપાણી સામે કેસ ના થયો કેમ કે ગુજરાતમાં ભાજપની સરકાર છે પણ મુખ્ય પ્રધાન બન્યા પહેલાં તેમની જે સ્વચ્છ પ્રતિભા હતી તે ચોક્કસ ખરડાઈ હતી. અલબત્ત આ આક્ષેપો પછી પણ રૂપાણી અસરકારક મુખ્ય પ્રધાન સાબિત થયા હતા અને ઘણા સારા નિર્ણયો લીધા હતા તેમાં બેમત નથી.

ભાજપ માટે રૂપાણીનો મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યકાળ બહુ કપરો હતો. આનંદીબેન પટેલની જીદ અને ભાજપના આંતરિક રાજકારણને લીધે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું તેના કારણે ભાજપના જનાધારને મોટો ફટકો પડ્યો હતો. ભાજપ સરકારે આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણો માટે ઈડબલ્યુએસ અનામતની જાહેરાત કરીને પાટીદારોનો ગુસ્સો શાંત પાડવા કોશિશ કરી છતાં આનંદીબેન પટેલના વલણના કારણે પાટીદારમાં આક્રોશ હતો.

સ્થાનિક સ્વરાજની 2016ની ચૂંટણીઓમાં ભાજપનું ભારે ધોવાણ થયું પછી આનંદીબેન પટેલને મુખ્ય પ્રધાનપદેથી હટાવ્યા છતાં આ આક્રોશ શાંત નહોતો પડ્યો અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં માહોલ ભાજપવિરોધી હતો. હાર્દિક પટેલ સહિતના અનામત આંદોલનના નેતાઓ ખુલ્લેઆમ કૉંગ્રેસની તરફેણમાં બહાર આવેલા તેના કારણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તો ભાજપના નેતાઓ માટે જવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. આ કપરા માહોલમાં વિજય રૂપાણી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતાડી લાવ્યા હતા.

ગુજરાતમાં ભાજપના એકચક્રી શાસનના દિવસો શરૂ થયા પછી પહેલી વાર ગુજરાત વિધાનસભામાં ભાજપની બેઠકોનો આંકડો 100ની નીચે આવ્યો પણ ભાજપની સત્તા જળવાઈ હતી. રૂપાણીએ ભાજપને હારના અપજશમાંથી બચાવી લીધો હતો. 2017માં મુખ્ય પ્રધાન બન્યા પછી તેમણે ગુજરાતમાં ઉપરાછાપરી ટાઉન પ્લાનિંગ સ્કીમ્સને મંજૂરી આપીને વિકાસને વેગ આપ્યો હતો. રૂપાણી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે જામી ગયા હતા અને સ્ટેડી બેટિગ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ 2021માં તેમને વિદાય કરાયા ત્યારે સૌને આંચકો લાગેલો પણ રૂૂપાણીએ ગૌરવપૂર્ણ રીતે ખસી જઈને કોઈ વિવાદ ઊભો નહોતો કર્યો. રૂપાણીને એ પછી ભાજપે સંગઠનમાં પ્રભારી સહિતની જવાબદારીઓ સોંપી એ તેમણે વિવાદ વિના નિભાવી હતી.

રૂપાણીની વિદાય સાથે કદી ના પૂરાય એવી ખોટ પડી છે એમ કહેવું અતિશયોક્તિપૂર્ણ છે પણ ભાજપે એક મજબૂત નેતા ચોક્કસ ગુમાવ્યો છે. ભાજપના પાયાના કાર્યકર તરીકે શરૂઆત કરીને જીવ્યા ત્યાં સુધી પાયાના કાર્યકરો સાથે સંબંધો અને જીવંત સંપર્કો રાખનારા રૂપાણીને ગૌરવશાળી નેતા તરીકે હંમેશાં યાદ રખાશે.

આપણ વાંચો:  ફોકસ : સદીના મહાનાયક અભિનયને અલવિદા કરી રહ્યા છે?

રૂપાણીની સાથે જીવ ગુમાવનારા બીજાં લોકોના પરિવારોને પણ મોટી ખોટ પડી છે. પ્લેન લંડન જઈ રહ્યું હતું તેથી તેમાં વિદેશી પ્રવાસીઓ પણ હતા પણ મોટા ભાગના ભારતીયો અને તેમાં પણ ગુજરાતી હતા. યુકેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. કોઈના દીકરા, કોઈની દીકરી, કોઈના ભાઈ, કોઈની બહેન ને બીજા પરિવારજનો યુકેમાં રહે છે. મોટા ભાગના પ્રવાસીઓ તેમને મળવા માટે જઈ રહ્યા હતા. કેટલાક એવા હતા કે જે વતનમાં કોઈ સારા-માઠા પ્રસંગે પાછા આવેલા ને ફરી યુકે જઈ રહ્યા હતા. આ બધા માટે આ સફર અંતિમ સફર બની ગઈ.

પ્લેન કેમ દુર્ઘટનાગ્રસ્ત થયું એ વિશે જાત જાતની વાતો થઈ રહી છે. ભૂતકાળમાં બોઈંગ પ્લેનમાં સર્જાયેલી ખામીઓનો ચોપડો પણ ખોલી દેવાયો છે. પાઈલોટે વિમાનમાં ખામી હોવાની જાણ કરી હતી પણ તેને ગણકારાઈ નહીં એવું પણ કહેવાઈ રહ્યું છે. આ વાતમાં કેટલો દમ છે એ ખબર નથી. બ્લેક બોક્સની તપાસ પછી સાચું કારણ બહાર આવશે પણ ખરેખર આ વાત સાચી હોય તો આ ભૂલ અક્ષમ્ય કહેવાય. પાઈલોટની ચેતવણીને ગણકારવામાં આવી હોત તો કદાચ મોટી દુર્ઘટના ટાળી શકાઈ હોત.

આપણે ત્યાં આ પ્રકારની દુર્ઘટનાઓની સરકારી રાહે તપાસ થતી હોય છે ને તેમાં દોષિતોને સજા થવાના ચાન્સ બહુ ઓછા હોય છે. આશા રાખીએ કે, આ દુર્ઘટનામાં એવું ના થાય અને દોષિતોને સજા મળે. લગભગ 300 લોકોનાં મોત એ નાની ઘટના નથી અને જેમની બેદરકારીએ આ લોકોનો જીવ લીધો તેમને સજા મળવી જ જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button