એકસ્ટ્રા અફેર : સિંધુ જળ સંધિ સ્થગિત, ભારત પીછેહઠ ના કરે તો સારું

-ભરત ભારદ્વાજ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવીને રાજદ્વારી પગલાં લેવાની શરૂઆત કરી છે. પહેલગામ હુમલાના બીજા દિવસે સુરક્ષા અંગેની કેબિનેટ બેઠક (ઈઈજ) માં પાંચ નિર્ણયો લેવામાં આવ્યા છે કે જેના કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ મર્યાદિત થશે. પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ 2008માં કરેલા હુમલાને પગલે બંને દેશો વચ્ચેના સંબંધોમાં કાપ મૂકી દેવાયેલો ને હવે મોદી સરકારે વધારે કાપ મૂકયો છે. અઢી કલાક ચાલેલી બેઠકના અંતે લેવાયેલા પાંચ નિર્ણયોમાં સૌથી મહત્વનો નિર્ણય સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો છે. ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી છે અને અટારી ચેકપોસ્ટ બંધ કરી દેવાનો નિર્ણય પણ લેવાયો છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાનીઓ માટે વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત ખાતેના પાકિસ્તાની દૂતાવાસનો સ્ટાફ ઘટાડવાનો નિર્ણય પણ લીધો છે. પાંચમો નિર્ણય પાકિસ્તાનને ભારત ખાતેના દૂતાવાસમાંથી લશ્કરી સલાહકારોને હટાવી લેવાનો છે ને સામે ભારત પણ પાકિસ્તાનમાં તેના દૂતાવાસમાંથી સંરક્ષણ સલાહકારોને પાછા બોલાવી લેશે.
મીડિયાના એક વર્ગે જેને ડિપ્લોમેટિક સ્ટ્રાઈક ગણાવી એવા આ નિર્ણયોમાંથી સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય મહત્ત્વનો છે પણ ભારત ખરેખર વાસ્તવિક રીતે તેનો અમલ કરી શકે છે કે નહીં એ વધારે મહત્ત્વનું છે. સિંધુ જળ સંધિ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 નદીઓના પાણી વહેંચવા માટે એક કરાર થયો હતો. રાવી, બિયાસ, સતલજ, સિંધુ, ઝેલમ અને ચિનાબ એ છ નદીઓનાં પાણીની વહેંચણીના કરારને સિંધુ જળ સંધિ કહેવામાં આવે છે. આ કરાર હેઠળ, ભારતને ત્રણ પૂર્વીય નદીઓ રાવી, બિયાસ અને સતલજનું પાણી વાપરવા પર અધિકાર મળ્યો જ્યારે પાકિસ્તાનને ત્રણ પશ્ર્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી વાપરવાનો અધિકાર મળ્યો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ બેંકની મધ્યસ્થીથી આ સંધિ થઈ હતી. ભારત વતી વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ અને પાકિસ્તાન વતી પ્રમુખ અય્યુબ ખાને વર્લ્ડ બેંકના ઉપપ્રમુખ વિલિયમ ઇલિફની હાજરીમાં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિમાં વર્લ્ડ બેંકની મધ્યસ્થી હતી તેથી કોઈ પણ વિવાદ થાય એટલે વર્લ્ડ બેંક એ ઉકેલવા માટે મેદાનમાં આવે છે. સિંધુ જળ સંધિનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે પાણી અંગે સંઘર્ષ રોકવાનો હતો. જળ જીવન છે ને જળ ના મળે તો લોકો પહેલાં તરસ્યાં મરે ને પછી પાણી વિના પાક ના થાય એટલે ભૂખે મરે.
ભારતે હંમેશાં આ સંધિ પાળી છે અને પહેલાં કદી સંધિનો અમલ સ્થગિત કર્યો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પછી 1965, 1971 અને 1999માં ત્રણ યુદ્ધ થયાં પણ ભારતે ક્યારેય પાણી પુરવઠો બંધ કર્યો નહોતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મુદ્દે પણ સતત ઘર્ષણ ચાલે છે. સન્માન કર્યું છે, પાકિસ્તાન સતત આતંકવાદને ટેકો આપે છે અને ભારતમાં થતા દરેક આતંકવાદી હુમલા માટે પાકિસ્તાન જવાબદાર છે છતાં ભારતે પાકિસ્તાનનું નાક નહોતું દબાવ્યું.
પહલગામ હુમલાને પગલે ભારતે પાકિસ્તાનનું નાક દબાવ્યું છે ને તેની મોટી અસર થશે. પાકિસ્તાનમાં 80 ટકા ખેતી સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના પાણી પર નિર્ભર છે. ભારત સિંધુ જળ સંધિનો અમલ સ્થગિત કરીને આ ત્રણ નદીઓનું પાણી રોકશે એટલે પાકિસ્તાનમાં પાણીની અછત ઊભી થશે. તેની અસર ખેતી અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ પર પડશે. આ ત્રણ નદીઓના પાણીમાંથી પાકિસ્તાનમાં ઘણા ડેમ અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ ઊભા કરીને વીજળી ઉત્પન્ન કરાય છે. પાણીની અછતને કારણે વીજ ઉત્પાદનમાં ઘટાડો થશે તેથી ઘરેલુ અને ઔદ્યોગિક બંને સ્તરે વીજળીની અછત સર્જાશે અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને અસર કરશે. મોદી સરકારે લીધેલું પગલું એ રીતે બિલકુલ યોગ્ય છે પણ આ નિર્ણય સામે પાકિસ્તાન પણ ચૂપ નહીં બેસે. વર્લ્ડ બેંક આ કરારમાં મધ્યસ્થી છે તેથી પાકિસ્તાન વર્લ્ડ બેંક પાસે જશે ને બીજી રીતે પણ ભારત પર દબાણ લાવશે. ભારતની ઘણી નદીઓનાં મૂળ ચીનમાં છે તેથી ચીન મારફતે પણ ભારતનું નાક દબાવવા પ્રયત્ન કરાવશે. મુસ્લિમ રાષ્ટ્રો પણ પાકિસ્તાનની દલાલી કરવા માટે મેદાનમાં આવશે. આ દબાણો સામે મોદી સરકાર ઝીંક ઝીલી શકે છે કે નહીં એ જોવાનું રહે છે.
આમ તો ભારતે ઝીંક ઝીલીને આ નિર્ણયને વળગી જ રહેવું જોઈએ કેમ કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવે ને આપણે કશું ના કરીએ એ ના ચાલે. પાકિસ્તાનને ખરેખર તો આક્રમણ દ્વારા જ જવાબ આપવાની જરૂર છે પણ આક્રમણ રાતોરાત નથી કરી શકાતાં. તેના માટે તૈયારી કરવી પડે. મોદી સરકાર એ તૈયારીમાં લાગી હશે એવી આશા રાખીએ ને ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના નિર્ણયને વળગી રહે એવી આશા પણ રાખીએ.
મોદી સરકારના બીજા નિર્ણયોની પાકિસ્તાન પર કોઈ અસર થવાની શક્યતા નથી. અટારી ચેકપોસ્ટ બંધ થવાને કારણે પાકિસ્તાનીઓની અવરજવર બંધ થઈ જશે. આમ પણ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાઈ પછી પાકિસ્તાને લીધેધા વલણના કારણે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વેપાર બંધ છે. અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આયાત-નિકાસ ત્રીજા દેશ દ્વારા થાય છે. બંને દેશો વચ્ચે સિંધવ મીઠું, ચામડાની વસ્તુઓ, મુલતાની માટી, તાંબાની વસ્તુઓ, ખનિજ, ઊન, ચૂનો વગેરે નાની નાની ચીજોનો વ્યાપાર અટારી સરહદેથી થાય છે. ભારતથી થતા નાના માલની નિકાસ પણ કરી શકાશે નહીં. તેના કારણે પાકિસ્તાનના નાના વેપારીઓને આર્થિક નુકસાન થશે પણ ભારતનો માલ નહીં જાય તેથી ભારતીય ઉત્પાદકોને પણ નુકસાન જશે જ.
આપણ વાંચો: શો-શરાબા : બોક્સ ઓફિસ માટે થિયેટર્સ ને ઓટીટી વચ્ચે બોક્સિગં!
ભારતે પાકિસ્તાનીઓ માટે વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાનના લોકો સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ પણ ભારત આવી શકશે નહીં. આ નિર્ણયના કારણે ભારતમાં જેમના સંબંધીઓ છે એવાં લોકો ભારત નહીં આવી શકે પણ તેનાથી પાકિસ્તાનને કોઈ મોટું નુકસાન નથી. પાકિસ્તાની આતંકવાદીઓ કંઈ વિઝા લઈને ભારત આવતા નથી પણ સગાંને મળવા કે ધાર્મિક પ્રવાસોના બહાને ભારત આવીને રેકી કરી જાય છે કે સંપર્કો સ્થાપિત કરી જાય છે. વિઝા સેવા બંધ થવાને કારણે એ પ્રવૃત્તિ બંધ થશે.
ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત પાકિસ્તાની લશ્કરી, નૌકાદળ અને હવાઈ સલાહકારોને ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. 1 મે, 2025 સુધીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં સ્ટાફની સંખ્યા 55થી ઘટાડીને 30 કરી દેવામાં આવશે. આ નિર્ણયથી પણ પાકિસ્તાનને બહુ ફરક નહીં પડે.