મેટિની

એકસ્ટ્રા અફેર : ફારુક ભારત તરફી રહે તો ફાયદામાં રહેશે

  • ભરત ભારદ્વાજ

ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનલસિસ વિંગ’ (RAW)ના ભૂતપૂર્વ વડા એ.એસ. દુલતની નવી બુકધ ચીફ મિનિસ્ટર એન્ડ ધ સ્પાય’ 18 એપ્રિલે પબ્લિશ થવાની છે. પશ્ચિમની દેખાદેખી આપણે ત્યાં પણ પુસ્તકની હવા જમાવવા અને તેની પબ્લિસિટી કરવા માટે પુસ્તકની સનસનાટીભરી વાતો ફેલાવવાની ફેશન લાંબા સમયથી ચાલે છે. અત્યારે માર્કેટિગનો જમાનો છે ને બોલ એનાં બોર વેચાય એવી હાલત છે તેથી માલ વેચવો હોય તો એ કરવું જ પડે તેથી તેમાં કશું ખોટું નથી.

અમરજીત સિંહ દુલત 1940માં જન્મેલા એટલે અત્યારે 85 વર્ષના છે પણ કડેધડે છે. અટલ બિહારી વાજપેયીના સમયમાં રોના ડિરેક્ટર રહેલા ને નિવૃત્તિ પછી તેમને વડા પ્રધાન કાર્યાલયમાં જમ્મુ અને કાશ્મીરના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા હતા. દુલકે મે 2004 સુધી ત્યાં સેવા આપી હતી. દુલતના પુસ્તક ધ ચીફ મિનિસ્ટર એન્ડ ધ સ્પાય’ના પણ કેટલાક અંશો પુસ્તકના વિમોચન પહેલાં મીડિયામાં ફરતા થયા છે ને તેમાં સૌથી મહત્વની વાત જમ્મુ એન્ડ કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ 370ને લગતી છે. દુલતેધ ચીફ મિનિસ્ટર એન્ડ ધ સ્પાય’માં દાવો કર્યો છે કે નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ તથા કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડો. ફારુક અબ્દુલ્લા જમ્મુ એન્ડ કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરવા માટે ગુપ્ત રીતે સંમત થયા હતા.

ભારતમાં લોકો કલમ 370ને ભૂલી ગયાં છે તેથી લોકોને આ મુદ્દો બહુ મહત્ત્વનો નથી લાગતો પણ જમ્મુ અને કાશ્મીરમાં હજુય કલમ 370 મોટો મુદ્દો છે. ભાજપ સિવાયના પક્ષો સૈદ્ધાંતિક રીતે જમ્મુ એન્ડ કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ 370 પાછી લાવવા માગે છે. ફારુકની નેશનલ કોન્ફરન્સ તેમાં અંગ્રેસર છે ત્યારે ફારુકે જમ્મુ એન્ડ કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ 370ની નાબૂદી માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સાથે અંદરખાને સાંઠગાંઠ કરેલી એવી વાતથી કમ સે કમ જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં તો ખળભળાટ મચે જ ને અત્યારે એવી જ સ્થિતી છે.

એક તરફ ડૉ. ફારુક અબ્દુલ્લા દુલત ખોટું બોલે છે એવી ચોખવટ કરવામાં પડ્યા છે ત્યારે બીજી તરફ ફારુકના વિરોધીઓ તેમના પર તૂટી પડ્યા છે. જમ્મુ એન્ડ કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરવામાં સાથ આપીને કાશ્મીરની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે એવા આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે. ફારુક અબ્દુલ્લાએ તો દુલતના પુસ્તકમાં જૂઠાણાંની ભરમાર છે એવો દાવો કરીને બીજી કઈ કઈ ખોટી વિગતો લખી છે તેનું આખું લિસ્ટ મીડિયાને પકડાવી દીધું છે. સાથે સાથે દુલત પોતાના પુસ્તકના પ્રચાર માટે સસ્તી લોકપ્રિયતાનો આશરો લઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. દુલત ડો. ફારુકના ખાસ મિત્રોમાંથી એક હોવાથી ફારુક વધારે બગડ્યા છે. ફારુકે ત્યાં લગી કહી દીધું છે કે, દુલત પોતાને મારો મિત્ર ગણાવે છે પણ ખરેખર મારો મિત્ર હોત તો આ બધાં જૂઠાણાં લખ્યાં જ ના હોત.

ફારુક અબ્દુલ્લાના વિરોધી પીપલ્સ કોન્ફરન્સ (પીસી)ના સજજાદ ગની લોને દુલતની વાતને સાચી ગણાવી છે. લોનનું કહેવું છે કે, ફારુક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર 4 ઓગસ્ટ, 2019ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને બીજા દિવસે સંસદમાં કલમ 370 નાબૂદ કરવાનો ઠરાવ લવાયો તેથી તેમને દુલતના દાવાથી જરાય આશ્ચર્ય થયું નથી. બલ્કે અમે અત્યાર લગી કહેતા હતા તો કોઈ માનતું નહોતું પણ ફારુકે કલમ 370 નાબૂદ કરવાની વાતને વ્યક્તિગત રીતે સમર્થન આપ્યું હતું એવું દુલતે કહ્યું પછી કોઈ શંકા રહેતી નથી. દુલત ફારુકના સૌથી નજીકના સાથી અને મિત્ર છે એ જોતાં હવે કશું કહેવાપણું રહેતું નથી. ફારુક અબ્દુલ્લા વિરુદ્ધ બીજાં પણ નિવેદનો થયાં છે ને તેમાં પણ ફારુકને કાશ્મીરની પ્રજાના ગદ્દાર જ ગણાવાયા છે.

જમ્મુ અને કાશ્મીરમાં સજજાદ ગની લોન સહિતના નેતાઓનો પોતાનો રાજકીય એજન્ડા છે તેથી એ લોકો આ મુદ્દાનો ઉપયોગ પોતાના રાજકીય ફાયદા માટે જ કરવાના તેથી એ લોકો પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી. દુલતે કરેલી વાત સાચી છે કે નહીં એ આપણને ખબર નથી પણ ખરેખર સાચી હોય તો ડૉ. ફારુક અબ્દુલ્લાનું હદયપરિવર્તન થયેલું કહેવાય.

ફારુક અબ્દુલ્લાના પરિવારની છાપ પાકિસ્તાનના પીઠ્ઠુ તરીકેની છે. દેશ આઝાદ થયો ત્યારે ફારુકના પિતા શેખ અબ્દુલ્લા ભારત તરફી હતા પણ પછી પાકિસ્તાન તરફી થઈ ગયેલા. દેશ આઝાદ થયો એ પહેલાં કાશ્મીરમાં રાજા હરિસિંહ સામે બગાવત શરૂ થઈ ગયેલી ને તેની આગેવાની શેખ અબ્દુલ્લાએ લીધી હતી. 1946થી જ કાશ્મીરમાં માહોલ ખરાબ હતો તેથી હરિસિંહે ભારત સાથે ભળી જવાની જરૂર હતી પણ તેમણે સ્વતંત્ર રહેવાની મૂર્ખામી કરી તેનો લાભ લઈને પાકિસ્તાન તરફી મુસ્લિમોએ બગાવત કરી નાખી.

મહારાજાએ તેમને દબાવી દેવા લશ્કરને છૂટો દોર આપેલો પણ પાકિસ્તાનની મદદ હોવાથી તેમને દબાવી શકાયા નહીં. દરમિયાનમાં પાકિસ્તાની પીઠ્ઠુ એવા પશ્તુનો ચડી આવ્યા. કાશ્મીર ખીણના પાકિસ્તાની તરફી મુસ્લિમોને ફરી મુસ્લિમ શાસન લાદવાનાં સપનાં આવવા માંડેલાં તેથી તેમણે પાકિસ્તાનના પીઠ્ઠુઓને સાથ આપ્યો. એ વખતે શેખ અબ્દુલ્લા ભારત સાથે રહ્યા હતા અને પોતાના સમર્થકો સાથે પાકિસ્તાનના આક્રમણને ખાળવામાં ભારત સરકારની મદદ કરી હતી.

જવાહરલાલ નહેરુએ શેખને જમ્મુ અને કાશ્મીરના વડા પ્રધાન બનાવીને શેખની ભારત તરફની વફાદારીનો બદલો વાળેલો. જો કે પછી નહેરુને શેખ અબ્દુલ્લા સાથે વાંધો પડતાં શેખને જેલમાં પૂરી દેવાયેલા. 1964માં શેખને મુક્ત કરીને કૉંગ્રેસે વધુ એક ભૂલ કરી. જેલમાંથી બહાર આવતાં જ શેખ અબ્દુલ્લા પાકિસ્તાનના સરમુખત્યાર અય્યુબખાનને મળ્યા ને પછી ભારતના દુશ્મન ચીનની મુલાકાતે જઈને વડા પ્રધાન ચાઉ એન લાઈને મળ્યા હતા. શેખે ભારત વિરોધી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. પાકિસ્તાને 1965માં ભારત પર આક્રમણ કર્યું તે માટે શેખ અબ્દુલ્લાની ચડવણી જવાબદાર હતી. કાશ્મીરમાં ભારત વિરોધી માહોલ છે તેથી પાકિસ્તાન આક્રમણ કરે તો કાશ્મીરીઓ પાકિસ્તાનને સાથ આપશે એવી પટ્ટી શેખે પઢાવી હતી.

આપણ વાંચો:  ફટા પોસ્ટર, નિકલા… : તુંડે તુંડે `વિગ’ ભિન્ના

અબ્દુલ્લા પરિવારની છાપ એ રીતે ભારત વિરોધી છે. ફારુક છાસવારે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવાની તરફેણ કરીને આ છાપને વધારે મજબૂત બનાવે છે પણ પાકિસ્તાનની અવદશા જોયા પછી તેમને ભારત સાથે રહેવામાં જ શાણપણ છે એ સમજાયું હોય તો સારું છે. આશા રાખીએ કે, ફારુકનું ભારતતરફી વલણ જળવાય ને બાપની જેમ એ પણ પછી ભારત વિરોધી ના થઈ જાય. ભારતતરફી રહેવું તેમના પણ ફાયદામાં છે કેમ કે કોઈ કાળે જમ્મુ અને કાશ્મીર ભારતથી અલગ થવાનું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button