મેટિની

એકસ્ટ્રા અફેર : બુલડોઝર ચલાવવા બદલ નેતાઓ સામે કાર્યવાહી થવી જોઈએ

-ભરત ભારદ્વાજ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર અપરાધીઓનાં ઘરો પર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરે છે તેના પર હિંદુવાદીઓનો એક ચોક્કસ વર્ગ ફિદા ફિદા છે. આ કાર્યવાહીના કારણે યોગી હિંદુવાદીઓના પોસ્ટર બોય તરીકે ઊભર્યા છે. યોગી આદિત્યનાથના શાસનમાં બુલડોઝરનું મહિમામંડન કરવામાં આવે છે. તેમના અનેક ટેકેદારો રાજકીય સભાઓમાં બુલડોઝર લઈને આવે છે. દેશભરમાં યોગીના રવાડે ચડીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતનાં રાજ્યોમાં પણ મુખ્યમંત્રીઓ બુલડોઝર ફેરવીને હીરોગીરી કરી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ બુલડોઝરના નામે કરાતી હીરોગીરીની હવા કાઢી નાખી છે.

સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહીને કાયદાનું સંપૂર્ણ ઉલ્લંઘન ગણાવીને કહ્યું છે કે, જે પણ આ કાર્યવાહી કરશે તે અધિકારીએ નુકસાન ભરપાઈ કરી આપવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બુલડોઝર કાર્યવાહીમાં મનસ્વી રીતે કામ કરતા અધિકારીઓને જવાબદાર ઠેરવવા જોઈએ. સત્તાવાળાઓએ સાબિત કરવું પડશે કે આ માળખું ગેરકાયદેસર છે અને તો જ કાર્યવાહી કરી શકાશે. અનધિકૃત માળખું જાહેર રોડ/રેલવે ટ્રેક/વોટર બોડી પર હોય તો કોઈ પણ ઈમારતને તોડી શકાય છે પણ એ સિવાય કારણ આપવું પડશે.

સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, સૌથી પહેલાં બુલડોઝરની કાર્યવાહી અંગે નોટિસ આપવી પડશે. નોટિસમાં અધિકારીઓએ બુલડોઝરની કાર્યવાહીનું કારણ પણ જણાવવાનું રહેશે. નોટિસમાં બુલડોઝર ચલાવવાનું કારણ અને સુનાવણીની તારીખનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે. આ સિવાય જેને નોટિસ આપી છે તેમના પક્ષને પણ સાંભળવો પડશે. પોસ્ટ દ્વારા નોટિસ મોકલવી ફરજિયાત રહેશે. નોટિસ અંગેની માહિતી કલેક્ટર એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને પણ આપવાની રહેશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો પ્રક્રિયાનું પાલન કરવામાં નહીં આવે તો વળતર ચૂકવવું પડશે. ઘર સંપૂર્ણપણે ખાલી થઈ જાય ત્યારે જ કાર્યવાહી થઈ શકે છે અને તેની વીડિયોગ્રાફી પણ કરવી પડશે.

સુપ્રીમ કોર્ટે એ આદેશ પણ આપ્યો છે કે, બુલડોઝર ફેરવવાની કાર્યવાહી માટે ૩ મહિનામાં એક ડિજિટલ પોર્ટલ પણ બનાવવામાં આવશે જેમાં નોટિસની માહિતી અને સ્ટ્રક્ચરની નજીકના જાહેર સ્થળે નોટિસ પ્રદર્શિત કરવાની તારીખ હશે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જો ઈમારતને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવી હશે તો અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવશે અને આ માટે તેમણે વળતર પણ ચૂકવવું પડશે.

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, શો-કોઝ નોટિસ આપ્યા વિના ડિમોલિશનની કોઈ કાર્યવાહી કરવી ન જોઈએ. શો-કોઝ નોટિસનો જવાબ સ્થાનિક નગરપાલિકા કાયદામાં નિર્ધારિત સમય અનુસાર કે નોટિસ આપ્યાના ૧૫ દિવસમાં આપવાની વ્યવસ્થા હોવી જોઈએ. નોટિસ રજિસ્ટર્ડ પોસ્ટ મારફત મોકલવી પડશે અને મિલકત પર ચોંટાડવી પણ પડશે. નોટિસ મિલકતના માલિક કે ત્યાં રહેતા લોકોને મોકલવામાં આવે કે તરત જ તેના વિશેની માહિતી જિલ્લા અધિકારીની કે કલેક્ટર ઑફિસે પણ મોકલવી પડશે. ડિમોલિશનના આદેશ વિરુદ્ધ અપીલ કરવાની અને ન્યાયિક સમીક્ષાની તક પણ આપવી પડશે.

ગેરકાયદેસર બાંધકામના કિસ્સામાં મિલકતના માલિકને ગેરકાયદેસર રીતે બનાવેલો હિસ્સો ૧૫ દિવસમાં જાતે તોડી પાડવાની તક આપવી જોઈએ અને ડિમોલિશનના ઑર્ડર સામે સ્ટે ન મળે ત્યારે જ ડિમોલિશનની કાર્યવાહી થવી જોઈએ. ડિમોલિશનની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવું પડશે અને ડિમોલિશનનો રિપોર્ટ તૈયાર કરવો પડશે. આ પૈકીના કોઈ પણ નિર્દેશનું ઉલ્લંઘન થશે તો અદાલતના અપમાનની કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયાનું પુરવાર થશે તો સંબંધિત અધિકારીએ તોડેલી મિલકતની પુનર્સ્થાપના પોતાના ખર્ચે કરાવવી પડશે.

બુલડોઝરનો મુદ્દો લાંબા સમયથી ગાજતો હતો અને સુપ્રીમ કોર્ટે પહેલાં જ પોતાના આકરા તેવરનાં દર્શન આપી દીધેલા. સુપ્રીમ કોર્ટમાં જમિયત ઉલેમા એ હિંદે બુલડોઝર કાર્યવાહી સામે અરજી કરેલી. જમિયતના વકીલ ફારૂક રશીદે દલીલ કરેલી કે, ભાજપના શાસનવાળી રાજ્ય સરકારો લઘુમતીઓને હેરાન કરવા અને ડરાવવા માટે ઘરો અને મિલકતો પર બુલડોઝરની કાર્યવાહીને પ્રોત્સાહન આપી રહી છે. અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકારોએ પીડિતોને પોતાનો બચાવ કરવાની તક આપી નથી. ઉલટાનું, કાનૂની પ્રક્રિયાની રાહ જોયા વિના, પીડિતોનાં ઘરોને સજા તરીકે તરત જ બુલડોઝ કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે પહેલાં જ આ દલીલ સ્વીકારી લીધી હતી. જસ્ટિસ વિશ્ર્વનાથન અને બીઆર ગવઈની બેન્ચે પહેલાં જ કહેલું કે, કોઈ વ્યક્તિ દોષિત હોય તો પણ આવી કાર્યવાહી કરી શકાય નહીં. આ જ વાત દોહરાવીને તેમણે કહ્યું છે કે, કોઈ વ્યક્તિ પર ગુનો કર્યાનો આરોપ હોય એ જ કારણસર તેના ઘર કે મિલકતને તોડી પાડવી એ કાયદાના શાસનની વિરુદ્ધ છે. જસ્ટિસ ગવઈના મતે, એક સામાન્ય નાગરિક પોતાનું ઘર વર્ષોની મહેનત, સપનાં અને મહત્ત્વાકાંક્ષાના અંતે બનાવી શકે છે. આ ઘરને તોડી નાખવાનો અધિકાર કોઈને નથી.

સુપ્રીમ કોર્ટનું વલણ પ્રશંસનિય છે તેનો ઈન્કાર ન થઈ શકે. બુલડોઝર ચલાવવાની કાર્યવાહી ન્યાયિક રીતે થઈ નથી એ કહેવાની જરૂર નથી. જમિયત દ્વારા કરેલા આક્ષેપો પ્રમાણે માત્ર મુસ્લિમોનાં ઘરો પર જ બુલડોઝર ચલાવીને તેમને ડરાવાય છે એવું નથી પણ સરકારે પોતાની સામેના અવાજને દબાવવા બુલડોઝર ફેરવ્યાં છે એ હકીકત છે. ખેડૂત આંદોલન વખતે કે બીજી ઘટનાઓમાં પણ સરકાર વિરુદ્ધના દેખાવોમાં સામેલ હોવાની શંકા હોય તેવા લોકોનાં ઘરો દેશનાં કેટલાંય રાજ્યોમાં તોડી પાડવામાં આવ્યાં છે. આ બધું કાયદાના શાસનની વિરુદ્ધ છે એ જોતાં સુપ્રીમ કોર્ટે તેને રોકવાનો આદેશ આપીને અને માર્ગદર્શિકા બનાવીને કશું ખોટું કર્યું નથી.

જો કે સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી બદલ અધિકારીઓ સામે પગલાં લેવાનું કે તેમના ખર્ચે મકાન કે મિલકત, બનાવી આપવાનો આદેશ આપ્યો એ થોડોક ખટકે છે. વાસ્તવમાં અધિકારીઓની સાથે સાથે સત્તામાં બેઠેલા નેતાઓને પણ દોષિત ગણીને તેમની પાસેથી પણ ખર્ચ વસૂલવાનો આદેશ આપવો જોઈએ. આપણે ત્યાં અધિકારીઓ સાવ કરોડરજજુ વિનાના છે અને પોતાની ફરજ બજાવવાના બદલે સત્તામાં બેઠેલાં લોકોનાં તળિયાં ચાટે છે એ જોતાં તેમને લપેટમાં લેવામાં કશું ખોટું નથી પણ બુલડોઝર ચલાવવાની કામગીરી મોટા ભાગે નેતાઓના ઈશારે થાય છે કેમ કે હીરો બનવાની ચળ તેમને વધારે હોય છે. આ સંજોગોમાં અધિકારીઓની સાથે સાથે નેતાઓને પણ લપેટમાં લેવા જોઈએ અને તેમને પણ દંડ થવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button