મેટિની

ફિલ્મોં મેં બદલતે રિશ્તે… કલ-આજ ઔર કલ?

સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ

એક ૮-૯ વરસની બાળકી ચાલુ કોર્ટમાં જઇને જજને કહે છે કે મારે મારાં મા-બાપથી ડિવોર્સ જોઇએ છે,
કારણ કે એ લોકો સતત ઝગડીને છૂટાછેડાની વાતો કરે રાખે છે!’

આ એક જૂની હોલિવૂડની ફિલ્મનું દ્રશ્ય છે. આજે ત્યાં તો ઠીક, પણ બોલિવૂડમાં આવું દૃશ્ય કલ્પી શકાય?

ના કારણ કે આજે આપણી ફિલ્મોમાં પતિ-પત્ની, મા-બાપ, ભાઇ-ભાઇ કે ભાઇ-બહેનના સંબંધોનું મૂલ્ય કેટલું રહ્યું છે?

આગાઉ ૧૯૫૦-૬૦-૭૦ના દાયકામાં અશોક કુમાર કે બલરાજ સહાની કે સુનિલ દત્ત જેવા કલાકારો હંમેશાં મોટા ભાઇ કે ઘરના મોભી બનતા, મીના કુમારી આદર્શ પત્ની બનતી, નંદા હંમેશા ભાભી કે બહેન બનતી, લલિતા પવાર વઢકણી સાસુ બનતી, નિરૂપા રોય પ્રેમાળ મા બનતી, નાઝિર હુસૈન દીકરીનો દુ:ખી બાપ બનતો, કારણ કે ઘરપરિવારની વાર્તાઓ બનતી. દિવાળીમાં ભૈયા-દૂજ અને દિવાળી કે નયા સાલ જેવી ફિલ્મો આવતી અને હવે ભાઇબીજ પર ફિલ્મ બને?. રાખડીના અવસરે ‘ભૈયા મેરે, રાખી કે બંધન કો નિભાના’ જેવાં ગીતો બને? હા, હમણાં રજૂ થયેલી અક્ષયકુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’, જે એક સુખદ અપવાદ જેવી પારિવારિક ફિલ્મ હતી, પણ એને જોવા લોકો જ ગયા નહીં! ‘ભાભી કી ચુડિયા’ જેવી ફિલ્મો અગાઉ હિટ થતી, પહેલાં તો મા-બાપથી વિછૂટા પડેલા સંતાનો, વરસો બાદ પાછા મળતાં એવી લોસ્ટ એંડ ફાઉંડની ફોર્મ્યુલાવાળી ‘અમર -અકબર..’ કે ‘પરવરિશ’ જેવી ફોર્મ્યૂલા ફિલ્મો બનતી.

૧૯૫૦-૬૦ના દાયકામાં રાજ કપૂર-દેવ આનંદ-દિલીપ કુમારથી લઇને ૧૯૭૦-૮૦ના દશકામાં રાજેશ ખન્ના-ધર્મેંદ્ર- જીતેંદ્રની ફિલ્મોમાં પારિવારિક સંબંધોની વેલ્યુ હતી, પણ ૧૯૭૫માં અમિતાભની ‘શોલે’ સુપર હિટ થઇ પછી મારધાડ-બદલાવાળી ફિલ્મોમાં પરિવાર કે સંબંધો ધીમે ધીમે બેકગ્રાઉંડમાં જતા રહ્યા, પણ ફરી ૧૯૯૦ના દાયકામા સલમાન-શાહરૂખ-આમિરના સુવર્ણકાળમાં કે ઇવન હ્રિતક રોશનના શરૂઆતના સમયમાં સંબંધો અને ફીલગુડ ફેમિલી ફિલ્મો ટકી ગઇ, પણ એ ય છેલ્લાં ૧૦ વરસમાં પછી ધીમે ધીમે આથમવા માંડી. રાજેશ ખન્નાની ૧૯૮૩ની ‘અવતાર’ (કે એની નવી આવૃત્તિ-‘બાગબાન’) કે ‘ભાઇ હો તો ઐસા’, ‘ભાઇ-ભાઇ’, ‘પ્યારી બહેના’, ‘ઘર ઘર કી કહાની’, ‘સૂર્યવંશી’ કે ‘હમ સાથ સાથ હૈ’, ‘હમ આપ કે હૈં કૌન?’ જેવી ફિલ્મો બનવી બંધ થઇ ગઇ. પારિવારિક સંબંધોનાં તાણાવાણાં હવે સાસ-બહુની સિરિયલોમાં ઘેરબેઠાં દેખાવા માંડ્યા, જેને માત્ર ટાઇમપાસ કરવા ગૃહિણીઓ જ જુએ છે.

પહેલાં પ્રણય-ત્રિકોણ પર ફિલ્મો બનતી. એક પ્રૌઢ પણ સુંદર હેમા માલિનીના પ્રેમમાં કમલ હાસન પડી જાય છે અને કમલ હાસનનો બાપ, પ્રોઢ પણ રૂઆબદાર રાજકુમાર, હેમામાલીનીની દીકરી- પદ્મિની કોલ્હાપુરીના પ્રેમમાં પડી જાય છે. પછી સંબંધોની એવી ગૂંચવણ ઊભી થાય છે કે હવે હેમામાલિની રાજકુમારની વેવાણ કહેવાય કે રાજકુમારના દીકરાની વહુ? એ જ રીતે કમલ હાસન, પદ્મિનીનો સાવકો ભાઇ ગણાય કે એનો સાવકો દીકરો? ફિલ્મનું નામ હતું: ‘એક નઇ પહેલી’. ૮૦ના દાયકામાં રજૂ થયેલી એ બોલ્ડ ફિલ્મ ત્યારે ૪ -૪ સ્ટાર હોવા છતાંયે ફ્લોપ ગયેલી, પણ આજે આવા આડા-ઊભા સંબંધોવાળી અજીબ ફિલ્મ, બોલ્ડ અને બિંદાસ દૃશ્યો સાથે આવે તો ચાલી જાય. આજે ફિલ્મોમાં પાત્રોના સંબંધો એટલા કોમ્પ્લિકેટેડ બની ગયા છે કે ૧૫-૨૦ વરસ અગાઉ રજૂ થયેલી શાહરૂખ-રાણી-પ્રીતિ-અભિષેકની ‘કભી અલવિદા ના કહેના’ કે ૮૦ની યશ ચોપરાની- ‘સિલસિલા’ કે મહેશ ભટ્ટની -‘અર્થ’ જેવી લગ્નેતર સંબંધોની ફિલ્મ સાવ નિર્દોષ લાગે…છેક ૧૯૯૦ની ફિલ્મ ‘ઘાયલ’માં નાનો ભાઇ સની દેઓલ, મોટા ભાઇ રાજ બબ્બરની હત્યાનો બદલો લે છે એવી કથા હતી કે પછી બહેન પરના અત્યાચાર માટે બદલો લેવા નીકળતા ભાઇની અનેક ફિલ્મો આવતી અને આજે વોટ્સ-એપના ફેમિલી ગ્રુપમાં ને વિડિયો કોલના જમાનામાં સાચી લાગણી ખોવાઇ ગઇ છે ‘લવ યુ’ કે ‘સ્માઇલી’ જેવા ઇમોજીઝના સિંબોલ્સમાં… અરે, અમારી પોતાની લખેલી ને નિર્દેશિત ફિલ્મ ‘ખૂબસૂરત’(૧૯૯૯)માં એક ભાગેડુ માણસ સંજય દત્ત, કઇ રીતે સંયુક્ત પરિવારને જોડે છે.

એની વાત હતી, જે નવા નવા મલ્ટિપ્લેક્સની શરૂઆતની હિટ ફિલ્મોમાંની એક હતી. હવે પરિવારનું સ્થાન મિત્રોના ગ્રુપે લીધું છે: ‘દિલ ચાહતા હૈ’, ‘૩ ઇડિયટ’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ કે ‘છિછૌરે’ જેવી ફિલ્મોમાં મિત્રોનાં બોંડિગ કે પ્રેમની વાર્તાઓ આવવા માંડી. પહેલાં ‘લવ સ્ટોરી’માં, ‘યે શાદી નહીં હો સકતી’નો મોટો ઈશ્યુ હતો..હવે તો પરણ્યા વિના જ લિવ- ઇન રિલેશનશિપમાં સાથે જીવતાં કપલ્સ, ગમે ત્યારે છૂટા પડીને બીજા પ્રેમી કે પ્રેમિકાને રાતોરાત બદલતા છે. હવે તો છૂટાં પડેલા અપરિણીત પ્રેમીઓ, બીજા સાથે સંબંધ રાખીને એમની સાથે પરણ્યા વિના પાછાં ફરીથી જૂના પ્રેમી પાસે ફરીથી પરણ્યા વિના સાથે રહેવા તૈયાર હોય છે (જેમ કે-‘મનમર્ઝીયાં’, ‘ગહેરાઇયા’ં.. વગેરે). આજકાલ લોકો મોબાઇલ પર એકલા ફિલ્મો જોતા હોય છે

એટલે સપરિવાર ફિલ્મ જોવામાં જે બે આંખની શરમ નડતી એ નથી બચી. મોબાઇલ ફોને અને નેટફ્લિક ્સ, હોટસ્ટાર વગેરે ઓ.ટી.ટી. પરની ચિત્ર- વિચિત્ર વેબ-સિરીઝોએ એક પ્રકારની ગુપ્ત કે વિચિત્ર કે કદાચ વિકૃત આનંદ લેવાની વૃત્તિ વધારી દીધી છે. હવે તો એક છોકરો બીજા છોકરાને ચાહે એ કોઇ છોકરી, બીજી છોકરીને ચાહે એવા ગે-લેસ્બિયન સંબંધોની વાતો પર ફિલ્મો બનવા માંડી છે. અફકોર્સ, સમાજમાં પણ સંબંધો, સંસ્કારો, નીતિ નિયમોની વ્યાખ્યાઓ બદલાઇ ચૂકી છે. હવે સરહદો વચ્ચેના સંઘર્ષ, ખૂફિયા ડિટેક્ટીવો, વીરશૂરાની બાયોપિક્સ, સાયંસ ફિક્શનોના જમાનામાં નિર્દોષ પ્રેમ, પરિવાર વગેરે પાછળ ધકેલાઇ ગયા છે. હજી આવનારા સમયમાં શું યંત્રમાનવ, મંગળ-ચંદ્ર પરનાં પાત્રો પર ફિલ્મો બનશે?

વળી એક જમાનામાં હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તીઓની સર્વધર્મ એકતાની કે દેશ એક પરિવાર છે- એવી કથાવાળી ‘અમર અકબર એંથની’ કે ‘ધર્મપુત્ર’ કે ‘ધૂલ કા ફૂલ’ જેવી ફિલ્મો બનતી જેમાં ‘તું હિંદુ બનેગા ના મુસલમાન બનેગા ઇંસાન કી ઓલાદ હૈ, ઇંસાન બનેગા..’ જેવાં આદર્શવાદી ગીતો લખાતાં, પહેલા ‘પડોસી’ જેવી વી.શાંતારામની ફિલ્મો બનતી અને આજે પાડોસમાં કોણ રહે છે- કે કયા ધર્મ જાતિ ભાષના લોકોને ઘર ખરીદવા અપાશે એવા નિયમો આવી ગયા છે.. અગાઉ ‘મેરે મહેબૂબ’ કે ‘દિદારે યાર’ કે ‘નિકાહ’ જેવી મુસ્લિમ સામાજિક સોશ્યલ બનતી ને ચાલતી, પણ આજે એવી ફિલ્મો બને? બને તો રિલીઝ થાય?

વેલ, સમય સાથે સિનેમા બદલાય છે.. બદલાયા કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button