મેટિની

આ સંસારમાં દરેક વ્યક્તિને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે, પરંતુ પોતાના અભિમાનનું જ્ઞાન હોતું નથી

અરવિંદ વેકરિયા

નક્કી થયા મુજબ, બે દિવસ પછી ફરી પાછા ફાર્બસ હોલમાં સૌ ભેગા થયા. આજથી રિહર્સલના શ્રી-ગણેશ કરવાનું નક્કી થયું હતું. મુર્હૂત તો કાઢવાનું નહોતું અને તુષારભાઈ તો પારડી ચાલ્યા ગયા હતા. કલાકારોમાં કિશોર ભટ્ટનો રોલ મારે કરવાનો હતો. બાકી કલાકારો હતા કુમુદ બોલે, કિશોર દવે, રાજેશ મહેતા, સુભાષ ઠાકર અને ભરત જોશી, નીલા પંડ્યા, જે ‘છાનું છમકલું’ માઁ કોલગર્લનો રોલ કરતી હતી એની જગ્યાએ રજની સાલિયન નામની સાવ નવી કલાકારને તૈયાર કરવાની હતી. ઇન્સ્પેક્ટરનો રોલ જે અગાઉ સંજીવ શાહ કરતો હતો એની જગ્યાએ સોહિલ વિરાણી (પ્રખ્યાત શાયર, બરકત વિરાણી ‘બેફામ’નો સુપુત્ર) કરવાનો હતો.

બધા બરાબર હતા, પરંતુ મારા સિનિયર અને કિશોર ભટ્ટના દોસ્ત કિશોર દવેને કદાચ પોતાનો અહમ્ આડે આવતો હતો. વાતવાતમાં પોતાનો કક્કો સાચો પુરવાર કરવા એ તૈયાર જ રહેતા. મારું માનવું છે કે આ સંસારમાં દરેક વ્યક્તિને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે, પરંતુ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન હોતું નથી. એવો જ સિનારિયો કિશોર દવેનો હતો.
આ તો મહેનત ઓછી પડે, નાટક વહેલું તૈયાર થઇ જાય અને રિહર્સલનો ખર્ચ વધુ ન થાય. અને બીજું, જે કલાકારો અવેલેબલ હતા એ બધાને કાસ્ટ કર્યા એટલે કિશોર દવેને પણ કાસ્ટ કર્યા. એમનો બીજો કોઈ વાંધો નહોતો. એમને બ્લેક-કોફી જ પીવા જોઈએ. ક્યારેક એ સંભવ ન પણ બને ત્યારે નાટક સાથે બીજો ‘ડ્રામા’ પણ ભજવાય જાય. બીજા કલાકારોને એ ગણકારે પણ નહીં.
ભલે અરીસાની કિંમત હીરાથી ઓછી હોય, પણ હીરાના દાગીના પહેરી લોકો અરીસાને જ શોધે છે. ટૂંકમાં, નાટકમાં અગત્યનું હોય છે, ‘ટીમ-વર્ક’. હું થોડું જતું કરી જાજુ કામ કરાવી લેતો હતો, પણ ક્યારેક… સિંદરી બળે પણ વળ ન છોડે એવો ઘાટ થઇ જતો.

આજે રિહર્સલ શરૂ કરવાના હતા. એટલે મેં મગજ ઠંડું રાખી શરૂઆત કરી દીધી. મારી પત્ની ભારતી ઘણીવાર રિહર્સલમાં આવતી. મારો ગરમ સ્વભાવ જોઇને એ છેલ્લામાં છેલ્લી શિખામણ આપતી કે ‘તમે દિગ્દર્શન જ બંધ કરો. તમે બધાની વચ્ચે જે બોલો છો, એ કોઈને ન ગમે. માણસ ભલે ગરીબ હોય પણ એમનું સ્વમાન ક્યારેય ગરીબ નથી હોતું.’

મારી આ નબળાઈ મને ખબર હતી. મારો દાવો એવો ક્યારેય નહોતો કે હું સંપૂર્ણ રીતે આ ફિલ્ડમાં પારંગત છું, પણ જયારે વારંવાર બતાવ્યા છતાં કલાકાર કરી ન શકે ત્યારે મારા મગજનો પારો સડસડાટ ઉપર ચઢી જતો, પણ એ ગરમી એ સમય પૂરતી જ રહેતી પછી ફરી હું એ કલાકારનાં ખભે હાથ મૂકી હસી પણ લેતો. શક્ય છે મેં ગુસ્સામાં છોડેલા વાકબાણ એ કલાકારને હૃદયમાં ભોંકાતા હોય , પણ કામની ગરજને કારણે ફરી મારી સાથે હસતો થઇ જતો હોય, કોને ખબર?

રાજેન્દ્ર પણ આવી ગયો. આ નાટકની સેટ-ડિઝાઈન ફલિ મિસ્ત્રીએ તૈયાર કરેલી. જે હવે હયાત નથી. મેં હજી ત્રણેક પાનાં સેટ કરેલા ત્યાં જ કિશોર દવેને જવાનું થયું. બીજા દિવસનો સમય પૂછી એ નીકળી ગયા. મને આવી વર્તણૂકનો જ વાંધો હતો. હું આ પ્રોસેસને ટાઈમ પાસ’ નથી સમજતો કે મારું અંગત કામ પહેલા, ફ્રી હોઉં તો રિહર્સલમાં આવું. એટલે મન મારીને, પત્ની ભારતીની વાત યાદ કરીને હું ચૂપ રહેતો.

નાટક આમ તો તૈયાર હતું, કુમુદ બોલે, રાજેશ મહેતા અને કિશોર દવેને સંવાદો તો મોઢે હતા. અને દિગ્દર્શક તરીકે મને પણ કિશોર ભટ્ટનાં ડાયલોગ્સ યાદ હતા. માત્ર જે વધારાના સંવાદો હતા એ જ યાદ કરવાના હતા.

મેં એ દિવસ પૂરતો વિરામ લીધો. રાજેન્દ્રએ આખી લખેલી સ્ક્રિપ્ટ ધનવંતભાઈને ઝેરોક્ષ માટે આપી દીધી. એ વખતે કોમ્પ્યુટર નહોતા. જરૂર પૂરતી કલાકારો અને બેકસ્ટેજ કલાકારો માટે ઝેરોક્ષ કઢાવી લેતા. બાકી પછી સાઇક્લોસ્ટાઈલ કરવા આપી દેતા. સાઇક્લોસ્ટાઈલ કરવામાં જયંત કંસારાની મોનોપોલી હતી, જે બીજા એક અખબારમાં કામ કરતો હતો. એ આ કામ કરતાં-કરતાં એટલો પાવરધો થઇ ગયો હતો કે પોતાને ન ગમતા કે નાટકની ગ્રીપ છૂટતી હોય એવું લાગે તો એ સીન્સ એ પોતે જ કાપી નાખતો…! પૂછીએ તો કહે, મને એ સારું નથી લાગતું.’ હસી લેતો અને પછી કહીએ એટલે સ્વીકારી લઇ રી-ટાઈપ પણ કરી આપતો. ઘણા બીજા દિગ્દર્શકો એને આવું કરવા બદલ એનો ઉધડો પણ લઇ લેતા, પણ અમારો સંબંધ ઠેઠ સુધી લીલ્લોછમ્મ રહ્યો. સંબંધ એક વૃક્ષ છે, જે લાગણી વડે ઝુકી જાય, સ્નેહ વડે ઊગી જાય પણ ક્યારેક શબ્દો દ્વારા તૂટી પણ જાય. મેં ક્યારેય એવા શબ્દો મોઢામાંથી કાઢ્યા જ નહિ અને કદાચ એટલે અમારો સંબંધ સલામત રહ્યો.
હવે તો આખું નાટક હાથમાં હતું. કલાકારોએ નાના-મોટા ઉમેરેલા સંવાદો પર જ નજર ફેરવવાની હતી. અને આમ પણ રાજેન્દ્ર શુક્લે એવા સરસ રીતે નવા સંવાદો આમેજ કરેલા કે કોઈ લીંક તૂટે નહિ અને કલાકરોને સહેલાઈથી મોઢે ચઢી જાય.

બીજે દિવસે ફરી બધા છ અને સવા-છ વચ્ચે ભેગા થયા. ભટ્ટ સાહેબે મને જણાવ્યું કે એ આવતી કાલે ચક્કર મારશે. મેં કિશોર દવે માટે આગળ જણાવ્યું એમ મન મનાવી જ લીધું હતું. બીજા લોકો કેવા છે એ સાબિત કરવામાં આપણે કેવા છીએ એ સાબિત થઇ જતું હોય છે. હા..હા…હા…મેં આ વાત ધ્યાનમાં રાખી માત્ર નાટકમાં જ મન પરોવ્યું.

ટી-બ્રેક થયો અને સામાન્ય વાતચીત થવા લાગી. બધા કલાકારો ‘ગલગલીયા’ સંવાદોથી ખુશ હતા, જેનો ખરો યશ જયંત ગાંધીને જતો હતો. એમની પ્રકાશિત થયેલ બુક્સમાંથી ઘણા સંવાદ લીધેલા. પછી આવી નાટકના ટાઈટલની વાત…

ઘણા નામોની આપ-લે થઇ, પણ લોકભોગ્ય બને એવું ટાઈટલ મળતું નહોતું. ત્યાં કિશોર દવે બોલ્યા કે ‘મારા મનમાં ગઈકાલ રાતથી એક ટાઈટલ રમે છે, જો બધાને ગમે તો…’ મેં કહ્યું કે ‘નેકી ઔર પૂછ-પૂછ? પ્લીઝ, બોલોને?’
એમણે કહ્યું..
‘વાત મધરાત પછીની..’


તું એક જ છે અને જણનો વહેવાર પણ રાખે, દવા પણ તું કરે મારી સાથે બીમાર પણ રાખે.
બરકત વિરાણી ‘બેફામ’.

રાજા હઠ કરે તે ‘રાજહઠ’, સ્ત્રીઓ હઠ કરે તે ‘સ્ત્રીહઠ’, બાળક હઠ કરે તે ‘બાળહઠ’, પણ પતિ જે હઠ કરે તે ‘પીછે હઠ’!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button