મેટિની

દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે…

અરવિંદ વેકરિયા

આજે વાત આગળ વધારતાં પહેલાં એક એવી વ્યક્તિની વાત કરવી છે કે જેમની સાથે અનેક રેડિયો નાટક અને એમના સુપુત્ર સાથે મેં ઘણું કામ કર્યું છે. હમણાં ૧૪.૦૭.૨૪ના એમની પુણ્યતિથિ ગઈ. એ વ્યક્તિ એટલે જેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં નટુકાકાની યાદગાર ભૂમિકા ભજવી એ ઘનશ્યામ નાયકના પૂજ્ય પિતાશ્રી રંગલાલ નાયક ઉર્ફે પ્રભાકર કીર્તિ. એમનો જન્મ ૨૧ એપ્રિલ- ૧૯૨૧ નાં મુંબઈમાં થયો અ ને એમનું અવસાન મુંબઈમાં ૧૪ જુલાઈ-૧૯૮૩માં થયું.

હું સમજણો થયો હતો આ નાટ્ય-જગતથી….પણ જયારે આકાશવાણીમાં રેડિયો નાટક કરવા ગયો ત્યારે મારો મેળાપ થયેલો રંગલાલ નાયક સાથે. મારાં એ વડીલ હતાં, પણ વાતોમાં એ સામેની વ્યક્તિની ઉમરના બની જઈ વાતો કરતા. એમણે જાણીતા કલાકાર લીલી પટેલ સાથે ‘ભવાઈ’ નાં અનેક શો કર્યા. ઉપરાંત ૧૦૦ જેટલાં નાટકોમાં અભિનય પણ કર્યો. એમણે ‘સરમુખત્યાર’ નાટકમાં કરેલું સ્ત્રી-પાત્ર ‘કીર્તિ દેવી’ ખુબ વખણાયેલું એટલે એમનું નામ થયું પ્રભાકર કીર્તિ..! એમણે ભાંગવાડીમાં પણ અનેક નાટકોમાં અભિનયનાં ઓજસ પાથર્યા હતાં.એમનું ‘હાસ્યભટ્ટ’ સટીક અને સટલ રહેતું. ચાર-ચાર પેઢીઓ નાયક પરિવારની કલા ક્ષેત્રે પ્રવૃત્ત. રંગલાલ નાયકના પિતાશ્રી કેશવલાલ ‘કપાતર’. પુત્ર ઘનશ્યામ નાયક અને હવે ઘનશ્યામ નાયકનાં સુપુત્ર વિકાસ આ કલાનો વારસો આગળ વધારે છે. મારા અને મારા પરિવાર વતી આજે એમને નતમસ્તક નમન કરી સ્મરણાંજલિ અર્પીએ છીએ

-તો, અમે મુંબઈ પહોંચી ગયા. આવીને પહેલો ફોન મેં ભટ્ટ સાહેબને કર્યો. નાટકની તૈયારી વિષે વાતચીત કરી. નાટકમાં ખૂટતા ‘કોલગર્લ’નાં પાત્રની પણ વાત કરી. ભટ્ટ સાહેબે મને સાંજે એમનાં ઘરે, સાંતાક્રુઝ બોલાવ્યો. મને થયું, આટઆટલી શોધખોળ પછી પણ જે પાત્ર મને જડ્યું નહિ, એ ભટ્ટ સાહેબ સાંજે મેળવી આપશે? ખેર, વડીલ કહે અને પાછા ભાગીદાર એટલે જવું તો પડે . આમ પણ જાગતી કીડીની તાકાત સૂતેલા હાથી કરતાં વધારે હોય છે, ખુદ ભલે ક્યાંય ન જતાં હોય પણ ભટ્ટ સાહેબનાં અનુભવના ડબ્બામાંથી કઈક એવી વાત જડી આવશે કે મારું કામ થઇ જાય અને જેટલું જલ્દી પતે એટલું મહેશ વૈદ્યને ટેન્સન ઓછું થઈ જાય.

સાંજે હું ભટ્ટ સાહેબને મળવા એમનાં ઘરે પહોંચી ગયો. અમદાવાદની બધી વાતો મેં એમને અત: થી ઇતિ સુધી કહી સંભળાવી. ‘કોલગર્લનાં પાત્ર મેળવવાની મારી ઇચ્છા પૂરી ન થઈ’ એ પણ કહ્યું. ભટ્ટસાહેબ હસ્યા. કહે,’ આપણી ઇચ્છાઓથી વધારે ઈશ્ર્વરની યોજના હોય છે. સવાલ માત્ર ધીરજનો હોય છે.’ મેં કહ્યું. ધીરજ ધરવાની પણ કોઈ લિમિટ હોય ને?’

‘ભટ્ટસાહેબ કહે.’ તેં બીજા યુનિટ સાથે ગુજરાતમાં વાત મધરાત પછીની’ રજૂ કરવાનું બીડું ઝડપ્યું એ તારો આત્મવિશ્ર્વાસ બતાવે છે. એક વાત યાદ રાખજે કે નાના પાત્રને ગૌણ નહિ સમજવાનું અને બીજું, બધા જ પાત્રો મળે નહિ ત્યાં સુધી નાટકનાં ‘શ્રી ગણેશ’ પણ નહિ કરવાના. નાટક વસ્તુ જ એવી છે, દાદુ! બધી તૈયારી પૂરી કરવાની. આંધળુકિયા ન ચાલે. ખરી જવાની તાકાત જોઈએ, સુગંધ પહેરીને ફૂલ ન થવાય.

ભટ્ટસાહેબ એમની ફિલોસોફી બોલતા હતા અને હું મનોમન અકળાતો હતો. ચા-પાણીનો દોર પૂરો કરી એમણે એક મેગેઝિન કાઢ્યું, ‘ડેબોનેર’. (જેનું પ્રકાશન હવે બંધ થઇ ગયું છે) એમાં મને અમુક ફોટોગ્રાફ બતાવ્યા. એ ફોટો હતા, અમિતા પુરોહિતનાં.

ભટ્ટ સાહેબે એનો ફોન નંબર મેળવી લીધેલો. મારી સામે જ એમણે ફોન કર્યો. ‘કોલગર્લ’ નાં પાત્રની થોડી વાતો કરી. પછી ઠીક છે કહી ફોન મૂકી દીધો. હું બાઘો બની એમની સામે જોઈ રહ્યો. પછી એક ઊંડો શ્ર્વાસ લઇ મને કહે, અમિતાને કોલગર્લના પાત્ર માટે કે બીજા કોઈ પણ પાત્ર માટે કોઈ વાંધો નથી પણ હમણાં એનું એક નાટક ચાલે છે એટલે આગળ જતા કોઈ પ્રોબ્લેમ આવે એવું એ નથી ઈચ્છતી. એણે સજેસ્ટ કર્યું છે એની બહેનનું નામ. ‘સુજાતા પુરોહિત’ મને યાદ આવ્યું. જગદીશ શાહનાં ઘણાં નાટકોમાં એણે કામ કરેલું. ..પણ કોલગર્લનું જે મટિરિયલ જોઈએ એમાં એ જરા પણ બેસતી નહોતી. હવે બધે ટ્રાય કરી જ લીધી છે તો ન મામા કરતાં કાણો મામો શું ખોટો? એવો વિચાર મનમાં ઉદભવી ગયો. ત્યાં ભટ્ટ સાહેબ કહે : ‘હમણાં અડધો કલાક પછી સુજાતા ફોન કરે છે, મેં અહીંનો નંબર આપી દીધો છે.’ મને થયું હવે નિર્ણય લઈ લેવો પડશે. દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો, અમુક નિર્ણય પરસ્થિતિનો પણ હોય છે.

ભટ્ટ સાહેબ સાથે અલપ-ઝલપ વાતો કરી. મુંબઈના શો હવે શતક નજીક આવી પહોચ્યા હતા. હવે ‘કોલગર્લ’ મટિરિયલ ન હોય તો પણ સુજાતા પુરોહિતને ફાઈનલનો સિક્કો મારી જ દેશું. લાઈફની ફાઈલમા ‘હું કહું તેમ’ નો પાસવર્ડ નાંખીએ તો દુ:ખની ફાઈલ ઓપન થાય અને તમે કહો તેમ નો પાસવર્ડ નાંખીએ તો સુખની ફાઈલ’ ઓપન થાય. તમે કહો તેમ મારે ભટ્ટ સાહેબને કહી સુખી થઈ જવું હતું, બસ !

થોડો વખત વાતોમાં પસાર થયો. ત્યાં ફોનની ઘંટડી રણકી. સુજાતાનો જ ફોન હતો.

ભટ્ટસાહેબે ફોન મને પકડાવ્યો. મેં આખી વાત માંડીને કરી. એની વાત પરથી એ બીજા દિવસ સાંજથી ફ્રી હતી. પૈસા-ટકાની વાત પણ કરી લીધી. કાલે સવારે ફોન કરું છું. કહી મેં સમાપન કર્યું.
મેં સુજાતા સાથેની બધી વાત ભટ્ટ સાહેબને કરી. ભટ્ટ સાહેબ કહે, ‘તો કાલે સાંજે જ ઊપડી જા. એક દિવસમાં એને નાટકમાં સેટ કરી શનિવારે નીકળી આપણા રવિવારના શો માં પહોંચી જા.’
પણ કાલની ટ્રેનની ટિકિટ મળે તો ને? મને કહે, ‘ટ્રેનની માથાકૂટમાં’ ન પડ. અમદાવાદ જતી લક્ઝરી પકડી કહીને એમણે ભાવના ભટ્ટને એક ટ્રાવેલ ઓફિીસનો નંબર આપ્યો. એણે બીજા દિવસની બે ટિકિટ બુક
કરાવી પણ લીધી. ઘેર પહોંચી મહેશ વૈદ્યને ‘ગુડ ન્યુઝ’ આપ્યા. એ પણ રાજી થયા. મને કહે, દાદુ, તમે ગ્રેટ
છો’

મનમાં મેં કહ્યું કે શેના ગ્રેટ? પોતાનાં ઉપર વીતી હોય તો શબ્દો સમજાય, બાકી તો બધાને ‘સુવિચાર’ જ દેખાય.


મને લૂંટી જનારાએ અનોખી રીતથી લુંટ્યો, નથી રહેવા દીધું મારી કને મારા;ય મન જેવું. — નાઝીર દેખૈયા

ભૂરો ટાઈટ બુટ પહેરીને નીકળ્યો. માંડ માંડ ચલાતું હતું, એ જોઇને કાકા બોલ્યા.
કાકા: ઓન લાઈન લીધા?
ભૂરો(ગુસ્સામાં) ના કાકા, ઝાડ ઉપરથી તોડ્યા.
કાકા: તો તો દીકરા તે કાચા તોડી લીધા, પાકવા દીધા હોત તો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button