મેટિની

આજે તો સંબંધો પણ પહાડોની જેમ ખામોશ છે જ્યાં સુધી તમે અવાજ ન આપો તો સામેથી કોઈ અવાજ ન મળે

સાત્વિકમ્ શિવમ્ – અરવિંદ વેકરિયા

સવારથી સાંજ સુધીમાં મેં અને રાજેન્દ્ર શુકલે નવા નાટકને ‘સત્ય ઘટના’ને નામે રજૂ કરવાની પૂરી તૈયારી કરી લીધી હતી, ત્યાં અચાનક રાત્રે લેન્ડ લાઈન ઉપર ‘છાનું છમકલું’, જે મેં કરી લીધેલું નાટક હતું. આમ તો નિર્માતા મારવાડી અભય ગોલેચ્છા હતા, પરંતુ તેઓ કાપડ માર્કેટનાં કામમાં અટવાતા તુષાર શાહે આગળ ચલાવવાનું બીડું ઝડપેલું પણ નાટક વધુ ચાલી ન શક્યું. એ પછી તો ‘રેન-બસેરા’ નામનો હાઈ-વે ટચ બંગલો, પારડી ખાતે બનાવી ત્યાં ચાલ્યા ગયા હતા. એ તુષાર શાહનો અચાનક રાતે ફોન આવ્યો અને કહ્યું કે બે દિવસ પછી એ મુંબઈ આવે છે. નાટક કરવું છે. હમણાં તમે કોઈ બીજો પ્રોજેક્ટ હાથમાં નહિ લઇ લેતા. મેં વાત વધુ લંબાવવાને બદલે એટલું જ કહ્યું, ‘સરસ! તમે મુંબઈ આવો પછી વાત કરીએ.’ અને ફોન મૂકી દીધો.

હું ચિંતામાં પડ્યો, પણ આ ચિંતાનો કોઈ ઈલાજ જ નથી હોતો. ચિંતા એટલે તો, તમે જ વિચારેલી, તમારા થકી જ ગેરમાર્ગે ચડેલી કલ્પના. પડખા ફેરવતા ‘રાજેન્દ્ર સાથે વાત કરવી પડશે’ વિચારી સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો. રાજેન્દ્ર સાથેનો નાતો ઠેઠ સુધી રહ્યો. બાકી મારી પાસે ક્યાં એટલી આવડત છે કે નસીબનું લખેલું જોઈ શકું… બસ! મારા મિત્રોને જોઈ માની લઉં છું કે હું નસીબદાર છું. અને આ એક વિચારે જાણે ‘ઊંઘની ગોળી’નું કામ કર્યું. હું નીંદરમા સરકી ગયો.

સવારે પહેલું કામ મેં રાજેન્દ્ર શુકલને ફોન કરી સાંજે મળવાનું કર્યું. તુષાર શાહ સાથે લાગણીના તંતુ જોડાઈ ગયા હતા. એમને શું જવાબ આપવો એની અવઢવ મારા મનમાં ચાલ્યા કરતી હતી. એ બધી વાતો કરવામાં રાજેન્દ્ર ‘જોરદાર’… જે કહેવું હોય તે ફટ દઈને કહી દેનારો માણસ. મેં તો એને ગુમાવી દીધો પણ એ શીખવતો ગયો કે વેંચી નાંખે એવા ઘણાય છે આ જગતમાં, પણ કોઈ માટે ખર્ચાઈ જાય એની કિંમત કરજે…

એ સાંજે, મારા ફોન પછી રાજેન્દ્રને પણ જાણવાની તાલાવેલી હશે જ. સવારે માત્ર મળવાનું જરૂરી છે એમ કહી સમય જ નક્કી કરેલો.

નક્કી કરેલા સમયે, રાજેન્દ્ર સાંજે ઓફિસથી નીકળી સીધો નિયત સ્થળે આવી ગયો. એ થોડો ‘ટેન્સન’માં લાગ્યો. મને કહે, ‘એવું તે શું થયું કે મને અરજન્ટ મળવા બોલાવ્યો?’ આજ તો છે દોસ્તીનો સંબંધ… બાકી આજે તો સંબંધો પણ પહાડોની જેમ ખામોશ છે, જ્યાં સુધી અહીંથી તમે અવાજ ન આપો તો સામેથી અવાજ ન મળે. રાજેન્દ્ર મારે માટે એ બાબત અપવાદ હતો.

એને મારી ચિંતા હતી. વાત નાટકની હશે એવો કોઈ વિચાર એના મનમાં હતો જ નહિ. આવતા વેંત એનો બીજો સવાલ: ‘શું થયું દાદુ! ઘરે બધું બરાબર છે ને?’ એની મારા પ્રત્યેની લાગણી માટે મને માન થયું. હસવું પણ આવ્યું.

મને હસતો જોઈ કહે, ‘શું હસે છે? આઈ એમ સીરીયસ!’

‘કઈ નથી થયું, જો સાંભળ’ કહી મેં તુષારભાઈનાં રાત્રે આવેલા ફોન અને એમની નાટક કરવાની ઇચ્છાની વાત વિગતે સમજાવી.

એ ખુશ થઇ ગયો. સરસ! મારે તો હજી નાટક જે આપણે નક્કી કર્યું છે એ લખવાનું છે, પાછું કોણ કરશે એ નક્કી નથી તો તુષારભાઈને જ આ વાર્તા કહી એમના માટે શરૂ કરીએ.
મેં એને કહ્યું, “બે દિવસ પછી એ મુંબઈ આવે છે તો એ પહેલા એમને શું અને કઈ રીતે કહેવું એ આપણે પાકું કરી લેવું પડશે…

“અરે, થઇ જશે બધું… તું એ બધું મારા પર છોડી દે એણે કહ્યું.

“મેં કહ્યું દોસ્ત, વાત ડબ્બલ ન થઇ જાય… એટલે કે તું ‘એક’ કહે અને હું ‘બીજી’ માંડી બેસું તો…

“રેસ ગાડીની હોય કે જીંદગીની દોસ્ત, જીતે છે એ જ જે યોગ્ય સમયે ગીયર બદલાતા હોય છે. આપણે કોઈ બીજા નિર્માતા સાથે નાટક શરૂ કરીએ એ પહેલા ગીયર બદલી તુષારભાઈને નિર્માતા બનાવી દેવાના.

મેં કહ્યું, “કાલે પાછા મળીએ? અને અમે છુટ્ટા પડ્યા.

આમ તો કોઈ પણ નવો નિર્માતા મને દિગ્દર્શનનું સુકાન સોંપવા તૈયાર હતો, પણ તુષારભાઈનો સ્વભાવ અને વ્યવહાર એટલા અનુકુળ હતા કે થયું કે નાટક તો તુષારભાઈ સાથે જ કરાય. એક ભાવનામય સંબંધ બંધાઇ ગયેલા. ભાવના એ છે જે દૂર રહેવા છતાં સમીપ છીએ એવો અનુભવ કરાવે છે, બાકી અંતર તો બે આંખો વચ્ચે પણ છે. નક્કી કર્યું કે જો આ નવી વાર્તાનો વિષય તુષારભાઈને ગમી ગયો તો નાટક તો એમની સાથે જ કરીશું.

બીજે દિવસે હું અને રાજેન્દ્ર મળ્યા. ફરી એ જ વાત! આમ પણ બીજી વાત માટે ‘જગ્યા’ જ ક્યા હતી?

“હું તુષારભાઈને નવા નાટકની કથાવસ્તુ સંભળાવીશ, તું સાથે જ રહેજે. રાજેન્દ્રએ કહ્યું.

મેં કહ્યું, “સાથે જ રહીશ ને, દોસ્ત! પ્રોજેક્ટમાં આપણે તો બંને છીએ, પણ મૂળ વાત કે વિષય એમને ગમવો જોઈએ.

“ગમશે જ! નહીં તો બીજા એક-બે બીજા વિષયો મારા મગજમાં છે, પણ એ બાબત મેં સિરિયસલી હજી વિચાર્યું નથી. આપણે તો ‘દુકાન’ લઈને જ બેઠા છીએ એમ સમજ… એક ન ગમે તો બીજું, પણ કરીશું તો તુષારભાઈ માટે જ! રાજેન્દ્રએ પોતાના વિચારો કહ્યા.

“કાલે કેટલા વાગે આવશે એ હજી ખબર નથી. મેં કહ્યું.

“કઈ રીતે આવે છે? રાજેન્દ્રએ સવાલ કર્યો.

મેં કહ્યું, “એમણે કાર લીધી છે, લાગે છે બાય કાર જ આવશે.

“વાહ! રાજેન્દ્રએ કહ્યું. “આપણા પર તુષારભાઈને પૂરો વિશ્ર્વાસ છે તો આપણે એમને માટે જ નાટક કરીશું. પછી આ વાર્તા હોય કે એમને ગમે એવી કોઈ બીજી વાર્તા. દાદુ! દુનિયામાં સૌથી સહેલું કામ છે વિશ્ર્વાસ ખોવો! અઘરું કામ છે વિશ્ર્વાસ મેળવવો અને એનાથી પણ અઘરું કામ છે વિશ્ર્વાસ ટકાવી રાખવો. આપણે આજ વાત સમજી તુષારભાઈ સાથેના સંબંધ જાળવી રાખવા છે.

અમે છુટા પડતા હતા ત્યારે મેં રાજેન્દ્રને કહ્યું કે “એમનો ફોન રાત્રે આવશે જ. હું કાલે સાંજનો સમય નક્કી કરીશ અને તને જણાવીશ, ફાવશે ને?

“અરે યાર, ફાવશે જ… ફોન અગિયાર વાગ્યા પછી કરજે. રાજેન્દ્રએ જવાબ આપ્યો.
હું ઘરે પહોંચ્યો. નવા નાટકનો વિષય મને જયારે રાજેન્દ્રએ પહેલીવાર કહ્યો ત્યારે ખુબ ગમી ગયો હતો. બસ! હવે તુષારભાઈને ગમી જાય તો ભયો… ભયો…

જે વિચારેલું એ જ થયું. રાત્રે તુષારભાઈનો ફોન આવ્યો…

તુષાર: કાલે કારમાં નીકળું છું. બપોરે બારેક વાગે માટુંગા પહોંચી જઈશ.

હું: તો હું તમને કેટલા વાગે ફોન કરું? સાંજે રાજેન્દ્ર સાથે મળીએ. નવો વિષય રાજેન્દ્રએ બહુ જ સરસ શોધ્યો છે.

તુષાર: નવું કોઈ નાટક નથી કરવું. મારે ‘છાનું છમકલું’ ફરી રીવાઈવ કરવું છે.

હું દ્વિધામા પડી ગયો. “કાલે ફોન ૧૨ પછી કરું છું કહી મેં ફોન કટ કર્યો.


વાતને મનમાં જ રહેવા દો, તમે બોલીને શું કરશો?
પાષાણ તો પાષાણ છે, ફૂલ વાવીને શું કરશો?

ડબલ રિચાર્જ
ઘણા લોકોના નસીબ એવા હોય છે કે જો બે ચમચા ઊંધિયું લે તો અંદરથી એક મૂઠિયું પણ ન નીકળે પછી એક ચમચો દાળ લે તો એમાંથી ત્રણ કોકમ નીકળે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button