મેટિની

…આપણી ડૂબતી નાવમાં પણ ટિકિટ લઈને બેસે એ ‘મિત્ર’

અરવિંદ વેકરિયા

અમે ત્રણે’ય, હું, તુષારભાઈ અને અભય શાહ પ્રેમાબાઈ હોલ તરફ પહોંચ્યા. એ પહેલા સામે જ આવેલા ભદ્રકાળી માનાં મંદિરમાં મેં દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. અભય શાહ કહે, અરે..નેકી ઔર પૂછ..પૂછ…’ અમે માનાં દર્શન કર્યા. હાર-નાળિયેર ચઢાવ્યા. અજબની શાતા અનુભવી. બહાર નીકળ્યા એટલે સ્વભાવ મુજબ અભય શાહે કહ્યું, ભલે દાદુ તે માનાં દર્શન કર્યા પણ નાટક બનાવવા માત્ર ભદ્રકાળી માનાં આશીર્વાદ પર આધાર નહિ રાખતો, મહેનત પણ કરવી પડશે.’ તુષારભાઈએ પણ એમાં ટાપસી પુરાવી, ગમે તેમ તોય નિર્માતા તો ખરાં. અભયભાઈએ પછી ફિલસુફી પણ ઉમેરી કે ઘડિયાળમાં ચાવી ફેરવવાથી તો માત્ર સાચો સમય મેળવી શકાય છે, સારો સમય મેળવવા માટે તો એ ઘડિયાળની સાથે ચાલવું પડે, સમજ્યો?’ અમે તરત ઘડિયાળ જોઈ અને પ્રેમાબાઈ હોલ તરફ પગ ઉપાડ્યાં.

પહેલા માળે રિહર્સલ હોલ તો નહોતો પરંતુ મેનેજરની કેબીનની બહાર વિશાળ જગ્યા હતી. જયારે એ થિયેટરમાં શો ન હોય ત્યારે રીહર્સલ માટે ભાડે આપતા. એ મદદ કરનાર અરવિંદ વૈદ્ય હતા., તેઓ મારા ખ્યાલ મુજબ ત્યાં મેનેજર હતાં. મુંબઈમા કાંતિ મડીયાના ‘નાટ્ય સંપદા’ ના બેનર હેઠળ મુંબઈમાં ભજવાયેલ નાટકો તેઓ અમદાવાદના કલાકારોને લઈ ત્યાં મંચન કરતાં. એમની સુપુત્રી વંદના પાઠક પણ અવ્વલ નંબરની કલાકાર. મને પણ એની સાથે નાટકમાં કામ કરવાનો મોકો મળેલો, એની વાત ફરી ક્યારેક ! હવે તો તેઓ મુંબઈ આવી સ્થાયી થઇ ગયા છે. અરવિંદ વૈદ્ય તો હાલ લોકપ્રિય સિરિયલ ‘અનુપમા’માં વ્યસ્ત છે.

અમે ઉપર પહોંચ્યાં તો નવાઈ વચ્ચે બધા કલાકારો ત્યાં આવી ગયાં હતાં. બધા સાથે ફરી મારી અને તુષારભાઈની ઓળખાણ કરાવી, નલીન દવે, હસમુખ ભાવસાર, મહેશ વૈદ્ય, તૃપ્તિ ભટ્ટ અને એક યુવાન પણ બેઠો હતો. અમારા નાટકનાં લેખકનો નામેરી હતો, રાજેન્દ્ર શુકલ. મુંબઈમાં સોહિલ વિરાણી જે ઇન્સ્પેક્ટરનો રોલ કરતો હતો, એ રોલ માટે એને બોલાવેલ. હું ભૂલતો ન હોઉં તો એ આશાસ્પદ યુવકનું એ પહેલું જ નાટક હતું. એ પછી તો એણે ઘણું નામ કરેલું, ખૂટતું પાત્ર અને મગજનું ટેન્શન, કોલગર્લ તરીકે કોઈ નહોતું.

થોડીવારમાં તો બધા સાથે ભાઈબંધી થઈ ગઈ. સૌ મળતાવડા અને હસમુખા હતા. અભય શાહ જ્યાં હોય ત્યાં એની સાથેની ‘મંડળી’ પણ એવી હસમુખી જ હોય ને?.

સૌથી પહેલાં હજુ સ્ક્રીપ્ટ વાંચવાની શરૂ કરીએ એ પહેલાં કોઈ બોલ્યું ‘ચા-નાસ્તો જરા પતાવીને શરૂ કરીએ? અમે બધા લગભગ બહારથી ઉત્સાહમાં સીધા અહીં વહેલા આવી ગયાં છીએ.’

ફરી અભયભાઈ બોલ્યા, ‘નેકી ઔર પૂછ..પૂછ..’, અને બધાં સાગમટે નીચે ઊતર્યા. મને એમ કે કોઈ હોટલમાં જવાનું હશે ત્યાંતો પ્રેમાબાઈ હોલની સામે જ ગરમા-ગરમ ફાફડા ઊતરતા હતા. અમે ફાફડા અને ત્યાની સ્પેશિયલ ‘કઢી’ ને ન્યાય આપ્યો. હવે તો મુંબઈમાં પણ ઘણી જગ્યાએ આવી કઢી મળે છે, ઉપનગરોમાં વધારે… નલીન દવેને જોવા લોકો આવવા લાગ્યા. અમે બધું ઝટપટ પતાવી, ચા પી ને અમારી રિહર્સલની જગ્યાએ પહોંચી ગયા. પૈસા અભયભાઈએ ચૂકવેલા એટલે તુષારભાઈએ વિવેક કર્યો તો અભયભાઈ કહે, ‘મને આવું બધું ગમે છે અને દાદુ તો મારો મિત્ર છે. અને આ ક્યાં એવી મોટી રકમ હતી. મિત્ર માટે આટલું તો કરું ને? માત્ર મિત્ર નહિ, મારો ગમતો કલાકાર પણ છે.’ મને આવો નિસ્વાર્થ, અભયભાઈ જેવો મિત્ર આટલો સહકાર કોઈ અપેક્ષા વગર આપી રહ્યો છે એનો આનંદ હતો. આપણી ડૂબતી નાવમાં પણ ટિકિટ લઈને બેસે એ મિત્ર. !

અમે રીડિંગ શરૂ કર્યું. બધું બરાબર ચાલ્યું. એક જ પ્રોબ્લેમ નડતો હતો, એમનાં ઉચ્ચારણ. એમનામાં અમદાવાદની બોલીની લઢણ આવી જ જતી હતી. હું શીખવવા સિવાય બીજું શું કરી શકું? વર્ષોથી એ લહેકાની આદત પડી ગઈ હોય એ તો એમની પ્રેક્ટિસથી નીકળવાની હતી. કારણ સ્પષ્ટ હતું કે જો ઈશ્ર્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય તો એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે છે, જરૂર છે માત્ર ધીરજ અને શ્રદ્ધાની. બધાં કલાકારો અનુભવી અને સમજુ હતા.. મારે મારી અપેક્ષા માટે માત્ર ધીરજ ધરવાની હતી અને ક્યાંક ક્યાંક અમદાવાદી બોલીની છાંટ આવી જાય તો એ સ્વીકારી લેવાની હતી,આમ પણ પ્રેક્ષકો અહીંના જ હતા ને ! ત્યાંજ એક બીજો યુવક આવી ચઢ્યો. અભયભાઈએ પરિચય આપ્યો,‘ આ છે, અંકિત પટેલ.. લગભગ અમદાવાદનાં બધા જ નાટકોનું સંગીત-સંચાલન જે સંભાળે છે એ પી. તુષારનો સુપુત્ર. આપણું એ કામ પણ આ અંકિત જ સંભાળશે,’ મેં હાય…હેલ્લો… કર્યું. વાંચનમાં પહેલો સીન પૂરો કર્યો. ફરી ચા આવી. બધાએ પીધી. મેં માર્ક કર્યું કે સુરતમાં તો ‘સુરતી લાલા’ હોય છે પણ મારાં કલાકારો પણ ‘અમદાવાદી લાલા’ લાગ્યાં. ખાવા-પીવાનાં ભરપૂર શોખીન. એટલે જ કદાચ ‘માણેક ચોક’ આટલું ધૂમ કમાણી કરતું હશે.
ચાનો દોર પૂરો થયો એટલે મેં રિહર્સલ શરૂ કર્યા. ઇન્સ્પેક્ટરનો રોલ કરનાર રાજેન્દ્ર શુકલ અને પત્નીની ભૂમિકા કરનાર તૃપ્તિ ભટ્ટ, આ બંનેની મને ત્યારે જરૂર નહોતી એટલે મેં એમને જવા કહ્યું. પણ તેઓને બેસવાની ઇચ્છા હતી.

આખા સીનમાં, કોલગર્લની એન્ટ્રી થાય ત્યાં સુધી જ સેટ થઈ શકે એમ હતું. મેં તૃપ્તિને ‘ડમી’ તરીકે કોલગર્લનું પાત્ર સેટ કરવા મદદ કરવા કહ્યું. અને એ બાબત એને કોઈ પારિવારિક પ્રોબ્લેમ નડે એમ નહોતો.. એ હોંશે હોંશે સહયોગ આપવા તૈયાર થઈ ગઈ. નલીન દવેને ફિલ્મો અને નાટકોનો બહોળો અનુભવ હતો એટલે તરત જ એમણે ‘કાઠીયાવાડી ટોન’ પકડી લીધો. મને હાશકારો થયો કે મુખ્ય ભૂમિકા ભજવતો કલાકાર ‘પરફેક્ટ’ મળી ગયો. હા, તેમનામાં પણ ક્યાંક ક્યાંક અમદાવાદી બોલીની છાંટ આવી જતી હતી પણ એ એટલી બધી નહોતી કે મને ચિંતામાં મૂકી શકે. આમ પણ પહેલા જ દિવસે બધું ૧૦૦% રીઝલ્ટ મુંબઈમાં પણ નથી મળતું તો અહીં એ અપેક્ષા રાખવી જ અસ્થાને હતી.

મારે હવે જીવ નાટકમાં ચોંટાડી બને તેટલું સારું કરવાની મહેનત કરવાની હતી, આમ પણ પુરુષાર્થ શ્રદ્ધાથી કરવો, સ્પર્ધાથી નહિ. ઘણાં સંવાદો એમને યાદ પણ રહી ગયા હતા. સમય ખાસ્સો થવા આવ્યો હતો. બીજા દિવસે રિહર્સલ માટે અભયભાઈએ કહ્યું ‘કાલે જયશંકર સુંદરીની નીચે એક હોલ છે જ્યાં અવાર-નવાર એક્સપરીમેન્ટ નાટકો થતાં હોય છે ત્યાં સાંજે પાંચ વાગે મળીશું. અને બધાં છૂટા પડ્યાં.


પ્રણયની કથામાં ક્યાં કશું રહે છે છાનું?
ગામ આખું પ્રૂફ રીડિંગ કરીને ઉકેલે છે એક-એક પાનું.

પાર્કમાં બધી લેડીઝ શાંતિથી બેઠી હતી. મેં પૂછ્યું, કેમ કોઈ વાતો નથી થઈ રહી? એક બેન બોલ્યા, ક્યાંથી થાય, આજે બધી જ હાજર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button