ફિલ્મમાં એન્ટ્રી-ભણતરમાં એક્ઝિટ!
૧૮ વર્ષની ઉંમરે મુંબઈમાં ફિલ્મ સાઈન કરી અને ‘ખૂન કા ખૂન’થી ચહેરો જાણીતો થયા પછી નસીમ બાનોની શૈક્ષણિક કારકિર્દીની દિલ્હીમાં ‘હત્યા’ થઈ ગઈ
હેન્રી શાસ્ત્રી
મારાં મમ્મીને ફિલ્મો જોવી ગમતી હતી, પણ ફિલ્મસ્ટાર માટે ક્યારેય જબરું આકર્ષણ કે ઘેલછા નહોતા. હા, એમના સમયની (૧૯૪૦ – ૫૦ના દાયકાની) એક અભિનેત્રી એમને અત્યંત પ્રિય હતી. એક વખત એ અભિનેત્રીનું શૂટિંગ અંધેરીના સ્ટુડિયોમાં હતું ત્યારે એમને નજીકથી જોવા મળે એવી ગોઠવણ થઈ ગઈ. મમ્મીની સાથે હું (છ વર્ષની ઉંમર) પણ પહોંચ્યો અને ફિલ્મ કનેક્શનને કારણે મમ્મીને પાંચેક મિનિટ પેલી અભિનેત્રીને સાવ નિકટથી જોવાની તક મળી.
‘યે આપકા બેટા હૈ?’ એમ કહી એ અભિનેત્રીએ મને ખોળામાં બેસાડી, મારા ગાલે ચૂમી ભરી મને ચોકલેટ આપી હતી. એ ઉંમરે ફિલ્મ, શૂટિંગ, હિરોઈન વગેરેની કશી ગતાગમ નહોતી, પણ અભિનેત્રીનું વહાલ અને આપેલી ચોકલેટ યાદ રહી ગયા હતા. સમજણો થયા પછી એક વાર વાત નીકળી ત્યારે મમ્મીએ પૂછ્યું હતું કે ‘યાદ છે તને? આપણે શૂટિંગ જોવા ગયા હતા અને હિરોઈને તને તેડી ચોકલેટ આપી હતી?’ શૂટિંગ વગેરે તો કશું યાદ ન આવ્યું, પણ એ અભિનેત્રીનો ચહેરો અને પેલી ચોકલેટ યાદ આવી ગયા. એ હિરોઈન એટલે બીજું કોઈ નહીં, પણ સોહરાબ મોદી સાથેની ફિલ્મોથી ખ્યાતિ મેળવનારા નસીમ બાનો.
‘એ પાણી પીતા હોય ત્યારે ગળેથી ઊતરતું દેખાય’ એવા શબ્દોમાં જેમના સૌંદર્યનું વર્ણન કરવામાં આવતું હતું એવા ‘પરી જેવો ચહેરો’ ધરાવતા નસીમ બાનોની એક ઓળખાણ સાયરા બાનોનાં માતુશ્રી અને દિલીપ કુમારનાં સાસુ પણ છે. ગત મંગળવારે એમની પુણ્યતિથિ હતી અને એમની રિલીઝ થયેલી પ્રથમ ફિલ્મને ૯૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે એમની કારકિર્દી વિશે જાણવાની મજા પડશે.
અંગ્રેજીની એક જાણીતી કહેવત છે કે ‘બોર્ન વિથ આ સિલ્વર સ્પૂન’. ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મેલા બાળકના સંદર્ભમાં આ કહેવત વપરાય છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ઈતિહાસ ઉખેળવા બેસીએ ત્યારે જાણવા મળે છે કે અનેક અભિનેત્રીઓ કારમી ગરીબીમાં ઉછરી, સંઘર્ષ કરી ટોચ પર પહોંચી છે. નસીમ બાનો એમાં અપવાદ હતાં . ’બોર્ન વિથ આ સિલ્વર સ્પૂન’ કહેવત એમને બંધબેસતી છે. કિશોરાવસ્થામાં ફિલ્મ જોવા મળી ત્યારે નસીમ રુબી માયર્સથી ખૂબ પ્રભાવિત થઈ અને કદાચ ત્યારે જ ફિલ્મોમાં જવાની ગાંઠ બંધાઈ ગઈ હતી. શાળા અભ્યાસ પૂરો કર્યા પછી વેકેશનમાં પરિવાર સાથે મુંબઈ ફરવા જવાનું થયું ત્યારે ‘મને શૂટિંગ જોવા લઈ જાઓ’ એવું રટણ કરવાનું ચાલુ રહેતું હતું. જોકે, નસીમ બાનોનાં માતુશ્રી દીકરી ફિલ્મોમાં જાય એની ખિલાફ હતાં. દીકરી ભણીગણી ડોક્ટર બને એવી તેમની મનોકામના હતી. કિશોર વયની નસીમને શૂટિંગો જોવાનો ચાન્સ મળ્યો અને સ્ટુડિયોની આવી મુલાકાતો દરમિયાન અત્યંત રૂપાળી તરુણી પર નવા ચહેરાની તલાશમાં રહેતા ફિલ્મમેકરોની નજર પડે એ સ્વાભાવિક હતું. ઓફરો આવવી શરૂ થઈ પણ પુત્રીને ડોક્ટર બનાવવાના મમ્મીના સપના સામે બધી ઓફરો ઠુકરાવી દેવામાં આવી.
એવામાં એક ઓફર આવી બહુ મોટું નામ ધરાવતા સોહરાબ મોદીની. વિલિયમ શેક્સપિયરના વિખ્યાત નાટક ‘હેમ્લેટ’ પરથી સોહરાબ સાહેબ ‘ખૂન કા ખૂન’ નામની ફિલ્મ બનાવવા માગતા હતા. આજે આપણે વિશાલ ભારદ્વાજને શેક્સપિયરનાં નાટકોને ફિલ્મોમાં ઢાળતા મેકર તરીકે જાણીએ છીએ પણ શેક્સપિયરની કૃતિ પરથી હિન્દી/ઉર્દૂ ફિલ્મના સંસ્કરણનો પ્રથમ પ્રયોગ નવ દાયકા પહેલા થયો હતો. જોકે, મમ્મીએ નનૈયો જ ભણ્યો, પણ સમજણી થયેલી તરુણી નસીમ આ ઓફરનું મહત્ત્વ સમજી ગઈ હતી. રોના ધોના તેમજ ભૂખ્યા રહેવાની ધમકી જેવી કોશિશો સામે માનું હૃદય પીગળી ગયું અને મંજૂરી મળી ગઈ.
જીવનમાં ક્યારે અને કેવો અણધાર્યો વળાંક આવતો હોય છે એ જોવા જેવું છે. વેકેશનમાં મુંબઈ ફરવા આવેલી નસીમ સોહરાબ મોદીની ફિલ્મમાં હિરોઈન બની ગઈ. ફિલ્મ રિલીઝ થઈ. બોક્સ ઓફિસ પર સફળ ન નીવડી, પણ નસીમ બાનોનો રૂપાળો ચહેરો અત્ર તત્ર સર્વત્ર જાણીતો બની ગયો. પરિણામ? નસીમ અભ્યાસ કરવા દિલ્હી પાછી ફરી ત્યારે શહેરની દરેક કોલેજે એને એડમિશન આપવાની ના પાડી દીધી. ફિલ્મમાં કામ કરવું હલકી પ્રવૃત્તિ ગણવામાં આવતી હતી અને એને માટે સમાજમાં ભારોભાર તિરસ્કાર હતો. મુંબઈના વેકેશન પછી કાયમ માટે ભણતરમાં વેકેશન આવી ગયું. દર્દીઓની સારવાર કરતી ડોક્ટર બનાવવાના મમ્મીનાં સપનામનો વીંટો વળી ગયો અને નસીમ બાનો ફિલ્મ અભિનેત્રી બની જનતાનું મનોરંજન કરવા લાગી.
‘ખૂન કા ખૂન’નો એક રસિક કિસ્સો એવો છે કે લાડકોડથી ઉછરેલી નસીમ ફિલ્મ દુનિયાના વ્યવહારથી સાવ અજાણ હતી. સાથી કલાકારો સાથે સમસ્યા ન થાય એ માટે સોહરાબ મોદીએ નસીમના પાત્રની માતાના રોલમાં નસીમના અસલી જીવનના માતુશ્રીને સાઈન કર્યાં હતાં. આમ રિયલ લાઈફના મા – દીકરી રીલ લાઈફમાં પણ મા – દીકરી તરીકે જોવાં મળ્યાં. ત્યારબાદ નસીમ બાનોએ સોહરાબ મોદીની ‘મિનરવા મુવિટોન’ ફિલ્મ કંપની માટે કેટલીક ફિલ્મો કરી અને તેમની કારકિર્દીમાં એક જબરદસ્ત વળાંક આવ્યો…
(ક્રમશ:)