મેટિની

ટેક્નોલોજીને કારણે રંગભૂમિ જૂની અને નવી એમ બે ભાગમાં વહેંચાઈ ગઈ

તખ્તાની પેલે પાર -વિપુલ વિઠલાણી

ટેન્શન ટેન્શન ટેન્શન ટેન્શન… માણસનું આખું જીવન ટેન્શન્સથી જ ઘેરાયેલું હોય છે. કોઈકને લોનના હપ્તા ચૂકવવાનું ટેન્શન હોય છે તો કોઈકને પરણાવવાનું ટેન્શન. કોઈકને સ્કૂલની ફીસ ભરવાનું ટેન્શન હોય છે તો કોઈકને લાંબી બીમારી બાદ મેડિક્લેમ મળશે કે નહીં એનું ટેન્શન. કોઈકને ૯:૨૪ની લોકલ પકડી સમયસર ઑફિસે પહોંચવાનું ટેન્શન હોય છે તો કોઈકને ગાડીનું પાર્કિંગ મળશે કે નહીં એનું ટેન્શન… વડીલોને એમનાં સંતાનો બરાબર સાચવશે કે નહીં એનું ટેન્શન તો જુવાનિયાઓને પ્રેમમાં સફળતા મળશે કે નહીં એનું ટેન્શન. આજકાલ તો હવે નવાં ટેન્શન્સ આવ્યાં છે. સોશ્યલ મીડિયા પર દીકરી શું અપલોડ કરે છે એનું ટેન્શન અને દીકરો શું ડાઉનલોડ કરે છે એનું ટેન્શન… રોજેરોજ આવાં જાતજાતનાં, ક્યારેય વિચાર્યા ના હોય એવાં નિતનવા ટેન્શન્સ જોવા-સાંભળવા અને અનુભવવા મળે છે. આ બધાં ટેન્શન્સથી છુટકારો મેળવવો હોય તો કાં તો ઓલિયા પીર બની જવું પડે અથવા તો તમામ વોનો ત્યાગ કરી જૂનાગઢ ભેગા થઈ જવું પડે. હવે જો એ પણ ના કરવું હોય તો એનો શ્રેષ્ઠ ઉપાય છે મનોરંજન. અને એ માટે મોલ, વોટરપાર્ક કે રિઝોર્ટમાં જઈ-જઈને કંટાળી જાઓ ત્યારે એક જ વિકલ્પ બચે છે અને એ છે નાટક! સદીઓથી ચાલ્યું આવતું જૂનું, જાણીતું અને ટકાઉ મનોરંજન. ૨૦ડ્ઢ૩૦ના તખ્તા પર ભજવાતી મનોરંજક વાર્તાનું જીવંત પ્રદર્શન.
આ વાંચનારાઓમાંથી થોડાઘણા લોકોએ તો વર્ષો પહેલા, એટલે કે ગઈ સદીમાં, મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં આવેલ ભાંગવાડીમાં નાટકો જોવાની મજા માણી પણ હશે. ત્યારબાદ આધુનિક ટેક્નોલોજીને કારણે નાટકની ભજવણીમાં ફેરફાર થવા લાગ્યા અને રંગભૂમિ બે ભાગમાં વહેંચાઈ ગઈ. જૂની રંગભૂમિ અને નવી રંગભૂમિ. આજે પણ લીલી પટેલ, મહેશ્ર્વરીબેન, સરિતા જોશી, રક્ષા દેસાઇ, મહેશ ઉદેશી અને રજની શાંતારામ જેવા જૂજ કલાકારો હયાત છે જેમને આ બન્ને પ્રકારની રંગભૂમિ પર ભજવવાનો લાભ મળ્યો હોય. પહેલાના જમાનામાં સેટને એટલું પ્રાધાન્ય આપવામાં આવતું નહોતું. કદાચ એવી સુવિધાઓ પણ નહોતી. એક મોટા પડદા પર ઘર, રસ્તો, જંગલ કે મહેલ વગેરેનાં દ્રશ્યો ચિતરવામાં આવ્યા હોય. જરૂરિયાત પ્રમાણે એ પદડાંઓ પાશ્ર્ચાત્યમાં આવી જાય અને સાથે ખપ પૂરતું ફર્નિચર. પણ હા, વાર્તા સાથે ગીતસંગીતનું ખૂબ જ મહત્ત્વ. મોટા ભાગના કલાકારો ગાઈ-વગાડી શકે અને એ પણ તખ્તા પરથી જ, જીવંત! “મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા કે “ઝટ જાઓ ચંદન હાર લાવો જેવાં અનેક ગીતો હતાં જે કલાકારો સ્ટેજ પરથી ગાતાં અને લોકો વન્સ-મોર વન્સ-મોરની ચિચિયારીઓ સાથે પાછું ગવડાવતા. આવો પ્રતિસાદ કોઈપણ કલાકાર માટે અવૉર્ડ કરતાં પણ પર હોય છે એટલે તેઓ પણ હોશેહોશે પાછા ગાતાં. મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે લોકોનાં રસ અને માગણીને માન આપવા અમુક ગીતો તો આઠ-આઠ દસ-દસવાર ગવાતાં. રાત્રે ૯-૧૦ વાગ્યે ચાલુ થયેલા પ્રયોગો સવારે ૪-૫ વાગ્યા સુધી ચાલતા. જોકે એ મજા, એ જાહોજલાલી તો હવે ક્યારેય પાછાં જોવાં નહીં મળે, કારણ કે આજકાલ તો સંસ્થાના પ્રાયોજિત પ્રયોગોમાં પ્રેક્ષકો આવે છે જ રાત્રે સાડાનવ પછી. અમુક ‘નાટ્યરસિક’ પ્રેક્ષકોને તો મેં ઇન્ટરવલની જસ્ટ પહેલા પણ આવતા જોયા છે. એમાં પાછું થિયેટરની સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને રાત્રે બાર પહેલા શો પતાવી દેવાનો હોય, જેને કારણે આજકાલ નાટકો પણ બે કલાકની અવધિના જ બનવા લાગ્યાં છે. નહીં તો આયોજક અથવા નિર્માતાએ થિયેટરમાં તોતિંગ ઓવરટાઈમ ચાર્જ ભરવો પડે.
ફિલ્મો કરતાં નાટકો જોનાર પ્રેક્ષકવર્ગ આજે ખૂબ નાનો થઈ ગયો છે અથવા ઓછો બચ્યો છે. આ અલ્પ સંખ્યાત વર્ગમાં પણ બે પ્રકારના પ્રેક્ષકો હોય છે. એક, જે સંસ્થા અથવા ગ્રૂપમાં મેમ્બર બની સસ્તા ભાવે નાટક જોવાનું પસંદ કરે છે (જે ખરેખર તો શરમજનક અને રંગભૂમિ માટે દયનીય છે) અને બીજા, જે કલાકાર-કસબીઓની મહેનતની કદર કરતાં પૈસા ખર્ચી ટિકિટ ખરીદવામાં સહેજ પણ ખચકાટ અનુભવતા નથી. એ જે હોય તે. પણ સભાગૃહમાં આ બન્ને પ્રકારના રસિક પ્રેક્ષકોને જોઈને કલાકારોને આજે પણ અલગ જ પ્રકારના આનંદની અનુભૂતિ થતી હોય છે.
નાટક સમાજનું દર્પણ છે અને મનોરંજનનું એક પ્રકારનું માધ્યમ છે એની ના નહીં, પણ નાટક દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડવું એટલું સરળ નથી, નથી અને નથી જ. દિવસ-રાત એક કરી, સગાં-સંબંધીઓ તેમ જ આત્મીયજનોનાં મરણ અને બીમારીઓને કોરાણે મૂકી, ૨૫-૩૦ અને ક્યારેક તો ૪૦-૫૦ દિવસના કઠોર પરિશ્રમ પછી એક નાટક તૈયાર થતું હોય છે. જાણીતા લેબેનિસ-અમેરિકન લેખક અને ફિલસૂફ ખલીલ જિબ્રાનએ એમના પુસ્તક ‘ધ પ્રોફેટ’માં પ્રેમ એટલે શું માટે જે લખ્યું છે એ નાટ્યકર્મીઓ અને નાટક બનાવવાની પ્રક્રિયા સાથે મહદંશે બંધબેસે છે. સૌ પ્રથમ તો બીજની વાવણી થાય. પછી ધાન્યના ડૂંડાની જેમ એ તમને પોતાનામાં ભરી લે. પછી તમારું ખળું કરી તમારા પરનાં આચ્છાદન (ફોતરાં) ઉતારી નાખી તમને ઉઘાડા કરી મૂકે. પછી ચાળણી અને સૂપડાં વતી તમારા આચ્છાદનોને તમારાથી છૂટાં પાડી દે. પછી તમને દળી, તમારો મેંદો કાઢી તમારી નરમ કણક કરી, તમને વણી અને તમને અગ્નિ પર ચડાવી, શેકી અને છેલ્લે પ્રેક્ષકો સમક્ષ પીરસવામાં આવે છે.
હવે નાટક ઊભું કરવાની આ પ્રક્રિયા દરમિયાન ઘણીવાર એવું પણ બને કે નાટકના પ્રથમ પ્રયોગની ભજવણીના એક અઠવાડિયા અથવા ક્યારેક તો એક દિવસ પહેલા જ અમુક કારણોસર નાટક બંધ કરી દેવામાં આવે. પત્યું? બધાની એક દોઢ મહિનાની મહેનત પાણીમાં. ક્યારેક રિહર્સલ દરમિયાન કે ચાલુ શો દરમિયાન તમે બીમાર પડો કે તમારી અંગત વ્યક્તિનું મરણ થાય છતાં શો અટકવો ના જોઈએ, કારણ કે તમને જો કોઈ સમસ્યા છે તો એ તમારી છે. એમાં પૈસા ખર્ચીને મનોરંજનની અપેક્ષા સાથે સામે બેઠેલા આઠસો કે હજાર લોકોનો કોઈ વાંક નથી. તમારે યેનકેન પ્રકારેણ હસતે મોઢે એમને મનોરંજન પૂરું પાડવું જ રહ્યું. ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે કંઇક પ્રોબ્લેમ થાય તો શૂટિંગ અટકાવીને પોસ્ટપોન કરી શકાય છે, પણ નાટકમાં એવું શક્ય નથી, કારણ કે દરેક કલાકાર-કસબીઓએ પ્રત્યેક શોમાં હાજર રહેવું જ પડે છે. ક્યારેક મારમાર શો ચાલતા હોય અને નિર્માતા, દિગ્દર્શક કે કલાકારોને અંદરઅંદર કંઇક પ્રોબ્લેમ થાય અને એનું રિપ્લેસમેન્ટ કરવાનું આવે ત્યારે બાકીનાઓએ ખડે પગે હાજર રહી, રાતોરાત બીજા કલાકારને તૈયાર કરવો પડે,
જેથી શો પર અને નાટક પર એની અવળી અસર ના પડે. અને કલાકારની ખરી પરીક્ષા તો ત્યારે થાય છે જ્યારે સેટ, પ્રોપર્ટી, લાઇટ, મ્યુઝિક, કોસ્ચ્યૂમ કે ડાયલોગ્સમાં ગસમોટાળા થાય અને તેમ છતાં પ્રેક્ષકોને એનો અણસાર સુધ્ધાં ન આવે.
ભૂતકાળમાં મેં તો એવું પણ જોયું છે કે સભાગૃહમાં શોના ટાઈમ પર કલાકાર-કસબીઓ આવી ગયા હોય પણ સેટ જ ના પહોંચ્યો હોય. આવા વખતે બીજો કોઈ રસ્તો જ નથી બચતો અને પ્રેક્ષકો સમક્ષ સચ્ચાઈ લાવવી જ પડે. તો સામે પક્ષે પ્રેક્ષકો પણ આ મજબૂરીને સમજી અને સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને કહી દે છે કે સેટ નહીં હોય તો ચાલશે, તમે ફક્ત અમને નાટક બતાવો. હવે કોસ્ચ્યૂમની પેટી પણ સેટ સાથે ટ્રકમાં જ આવતી હોય એટલે સેટ ના હોય તો સાથે કોસ્ચ્યૂમ પણ નથી રહેવાના. એટલે કલાકારો ઘરેથી જે કપડાં પહેરીને આવ્યા હોય એ જ કપડાંમાં ભજવણી ચાલુ કરી દે. કલાકારો માટે તો ઠીક, પણ પ્રેક્ષકો માટે આ એક અલગ જ અનુભવ હોય છે.
આપણા દેશમાં નાટકની વાર્તા અને મૂડને અનુરૂપ રંગબેરંગી લાઇટ્સની કામગીરી જોવા મળતી હોય છે, પણ પરદેશમાં અમુક નાનાં થિયેટરોમાં આવી સુવિધા નથી મળતી. ત્યાં માત્ર ટ્યૂબલાઇટ ઑન-ઑફ કરીને નાટક ભજવાતું હોય છે. નાટ્યરસિક પ્રેક્ષકો આ બધું હોશેહોશે સ્વીકારી એટલા માટે લે છે, કારણ કે એમને ફક્ત મનોરંજનથી નિસ્બત હોય છે. ખેર, આ બધી વાતો તો થઈ શો દરમિયાનની… પણ નાટકના વિષયની વાત કરીએ તો મુંબઇમાં મરાઠી રંગભૂમિ પર નિતનવા વિષયો ભજવાતા હોય છે. અને કદાચ એટલે જ ગુજરાતી રંગભૂમિના નિર્માતાઓ મરાઠી નાટકના હક્ક ખરીદી એને ગુજરાતીમાં ભજવતા હોય છે. ક્યારેક મરાઠીમાં ફ્લોપ ગયેલું નાટક ગુજરાતીમાં હિટ જાય છે તો ક્યારેક એનાંથી ઊલટું. અને એવું પણ નથી કે માત્ર મરાઠી નાટકો જ ગુજરાતીમાં ભજવાતાં હોય. ઘણીવાર એવું પણ બન્યું છે કે ગુજરાતીમાં હિટ ગયેલાં નાટકો મરાઠી કે ઈતર ભાષામાં પણ ભજવાતાં હોય. ક્યારેક કોઈક અંગ્રેજી કે જૂની હિન્દી ફિલ્મના વિષય પરથી નાટક ઊભું કરવામાં આવે છે તો જૂજ કિસ્સાઓમાં એવું પણ બન્યું છે કે ગુજરાતી નાટક પરથી હિન્દી ફિલ્મ બની હોય. ક્યારેક મુંબઇમાં હિટ ગયેલું નાટક ગુજરાતમાં ફ્લોપ થઈ જાય છે તો ક્યારેક મુંબઈનું ફ્લોપ નાટક ગુજરાતનો પ્રેક્ષક વધાવી લે છે.
એમાંય મુંબઈનાં નાટકો પરદેશ જાય ત્યારે જે છબરડાઓ અને ટેક્નિકલ મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે એ ક્યારેક ક્યારેક તો અકલ્પનિય હોય છે.
તમે ઘણાં સારાં ખરાબ નાટકો જોયાં અને માણ્યાં હશે. અને બે-અઢી કલાકમાં બહાર નીકળીને સહજતાથી કહી પણ દીધું હશે કે, નાટક ઠીક જ છે, કે નાટક સાવ બકવાસ છે. પણ એ નાટક તૈયાર કરતી વખતે કે શો દરમિયાન અથવા તો નાટકની ટૂર વખતે કેટકેટલી અણધારી ઘટનાઓ, મુશ્કેલીઓ અને અડચણોનો સામનો કરવો પડ્યો હોય છે એ જાણવામાં રસ હોય તો આ કોલમ વાંચતાં રહેજો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?