મેટિની

કઈ સ્વપ્ન સુંદરીએ રાજુ રદીને કહ્યું: ‘બી માય વેલેન્ટાઇન?!’


ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘રાજુડાઆઆ.’ કોઈએ પાતળા અવાજે બૂમ મારી. અવાજ પરથી બૂમ મારનાર પુરુષ નથી એ ખ્યાલ આવે. સામાન્ય રીતે ગજવેલ લોઢા કે તલવારની ધાર જેવો અવાજ કોઈ સલવારધારી મતલબ કે સ્ત્રૈણ હોય.

‘કોણ?’ રાજુએ સામી બૂમ મારી. થોડી વારમાં ચંપલના ખખડભભડ અવાજ કરતી ઝમકુડી આવી. ઝમકુડીને ઝમકુડી કહેવાય કે કૂડી એટલે કે છોકરી કહેવાય તે પણ અલગ વિચારણાનો મુદ્દો ગણાય. પતંગના કાગળથી પણ પાતળી..
.ઉંમર? ઉંમર તો એક નંબર છે…. જવા દોને! ઝમકુડીના વાળ વિપક્ષો જેવા કોરા અને વિખરાયેલા. છોકરીને જોઈને છોકરાના હોઠ ઉઘાડબંધ થાય તેમ ઝમકુડીના હોઠ હલહલ કરે.

‘રાજુડા, હું તારી ઝમકુડી.’ ઝમકુડીએ નજર નીચી ઢાળીને મનોમન જમીન ખોતરતાં જવાબ આપ્યો. શરમના શેરડા ઝમકુડીના ચહેરા પર ઈલેક્ટ્રિકના બલ્બની જેમ ઝબૂક ઝબૂક થાય…. ‘અત્યારે શું કામ હતું, ઝમકુડી?’ રાજુએે સાવધ થઈ પૂછયું. ‘રાજુડા, આજે કઈ તારીખ છે?’ ઝમકુડીએ સીધો જવાબ આપવાના બદલે ચેસનાં પ્યાદાં ગોઠવવા માંડ્યાં.

‘તારા ધરે તારીખિયું કે ઘડિયાળ નથી તે મારા ઘર સુધી લાંબી થઈ?’ રાજુએ ઝમકુડીને તતડાવી. ‘રાજુડા, આમ, ખાલીપીલી ગુસ્સે શું કામ થાય છે?’ ઝમકુડીએ અવાજમાં સાકરને બદલે સેકરિન ભેળવ્યું: ‘રાજુડા, હું તો તારું જનરલ નોલેજ ચેક કરતી હતી.’ ઝમકુડીએ ઉંદર-બિલાડીની રમત ચાલુ કરી. ‘ઝમકુડી, મારે ‘કૌન બનેગા કરોડપતિ’ના શોમાં જવાબ આપવાના છે? તું આવા સીલી નોનસેન્સ સવાલો પૂછી મારું દિમાગ ચાટે છે.’ રાજુએ ગુસ્સાનો ગિયર ત્રીજા ગિયરમાં નાખ્યો.

‘રાજુડા, આજે ચૌદમી તારીખ છે.’ ઝમકુડીએ રોમેન્ટિક મૂડમાં જવાબ આપ્યો. ઝમકુડીને રાજુ પર ક્રશ હતો, પણ રાજુ એને ભાવ આપતો ન હતો. ‘ચૌદમી તારીખ હોય તો શું એ તારીખને ચાટું?’ રાજુએ અકડાઈ દાખવી. ‘તારીખને છોડીને મને પકડ.’ ઝમકુડી મનમાં બોલી. ‘શું બોલી?’ ઝમકુડીનો અવાજ ન પકડાતાં રાજુએ પૃચ્છા કરી. ‘કંઈ નહીં, કંઈ નહીં રાજુડા. કયા મહિનાની ચૌદમી તારીખ છે?’ ઝમકુડી છાલ છોડતી ન હતી.

‘જાન્યુઆરી હોય કે ફેબ્રુઆરી… શું ફરક પડે છે?’ ‘રાજુડા, હમણાં જ દેશી વેલેન્ટાઇન જેવી વસંતપંચમી ગઈ. પ્રાચીન સમયના વસંતપંચમીએ પ્રેમપંચમી માનવામાં આવતી હતી. યુવાન હૈયાઓ પ્રણયફાગ રમતાં હતાં. ચૌદમી ફેબ્રુઆરી વિદેશી વેલેન્ટાઇન છે, જેમાં પ્રણયોત્સુક પાત્રો પ્રેમનો વિશિષ્ટ શૈલીએ ઇઝહાર-એકરાર કરે છે. …દિલના આકારના ફુગ્ગા ફુલાવે છે. બાઇક પર તસુભર જગ્યા ન રહે તે રીતે ચિપાઇને લોંગ ડ્રાઇવ પર જાય છે. રોશનીની ઝાકઝમાળ વચ્ચે કેન્ડલ લાઇટ ડિનર કરે છે ને પછી….’ ઝમકુડીએ વેલેન્ટાઇન-ડેનો ઉપક્રમ જણાવ્યો. ‘ઠીક છે, બટ આઇ એમ નોટ ઇન્ટ્રેસ્ટેડ.’ રાજુએ ખભા ઉછાળીને કહ્યું. ‘રાજુડા તું આમ કેમ નિર્દયી થાય છે? તારા મનમાં કોઈ ઓર બિરાજમાન છે? ઝમકુડીના અવાજમાં જાણે આંસુ પ્રગટ્યાં.

રાજુ કંઈ કામદેવનો અવતાર ન હતો. લગ્ન કે સેમીલગ્ન કરવા માટે રીતસર ઝુંબેશ ઉપાડેલી. અનેક છોકરીના ઘરે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર કરી ચૂકેલો આ તક ચૂકી જાય તો ફરી તક ક્યારે આવશે તેવો સવાલ રાજુના મનની ખરલમાં ઘૂંટાઈ રહ્યો હતો. થોડું જતું કરે તો….

‘ઝમકુડી સૉરી. મને માફ કરી દે.’ રાજુ ભાવાવેશમાં બોલ્યો. ‘રાજુડા, તને એક શરતે માફ કરી દઉં.’ ઝમકુડી બોલી. ‘કઈ શરત?’ રાજુ બોલ્યો. ‘ફિલ્મી સ્ટાઇલે તું મને પ્રપોઝ કર.’ ઝમકુડીએ મોઢું બે હાથથી ઢાંકતાં શરમથી પાણી પાણી થઈને કહ્યું. ‘બી માય વેલેન્ટાઇન.’ રાજુએ ઝમકુડી સામે ધૂંટણિયે પડી ગુલાબનું ફૂલ એને આપતાં કહ્યું. ઝમકુડીએ આંખ પટપટાવી. ચોમેર સંગીત રેલાવા માંડ્યું. દેવોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. અપ્સરાઓએ ઉન્નત થઈ નાચ કર્યો. (લિખને મેં કયા હર્ઝ હૈ, મેરે હુજૂર?!) ‘ના..ના. ઝમકુડી તો નહીં જ!’ એવા ચિત્કાર સાથે -અચાનક જાણે દુ:સપનું જોયું હોય એમ
રાજુ રદી સફાળો ઊંઘમાંથી જાગી ગયો…! રાજુની સ્વપ્ન સુંદરી પડોશીની 30 વર્ષીય પુત્રી આ ઝમકુડી તો નહોતી જ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button