મેટિની

શંકા મુસીબતોનો પહાડ નિર્માણ કરે છે તો વિશ્ર્વાસ પહાડોમાંથી પણ રસ્તાનું નિર્માણ કરે…

અરવિંદ વેકરિયા

ભરત જોષી

….અંતે તુષારભાઈ માની ગયા. ચંદ્રવદન ભટ્ટ સાથે ૭૫ અને ૨૫ ટકાની ભાગીદારી નક્કી થઈ ગઈ. આમ જુઓ તો એક કાબેલ વ્યક્તિત્વ એના પોતાના બેનર રંગફોરમ’ સાથે નવા નિર્માતા સાથે હાથ મિલાવે એ નવા નિર્માતા માટે ગર્વની વાત ગણાય..

‘તુષારભાઈને કેમ એવી શંકા હશે કે ભાગીદારી મને સદતી નથી’ હું અંગત રીતે માનું છું કે થવાનું થવાકાળ થવાનું જ છે. તમારે જ જાતને એ પ્રમાણે વાળવી પડે. શંકા તો રાખવી જ અસ્થાને. શંકા મુસીબતોનો પહાડ નિર્માણ કરે તો વિશ્ર્વાસ પહાડોમાંથી પણ રસ્તાનું નિર્માણ કરે છે. ખેર, સૌ સૌના વિચારો અને વિચારધારા અલગ હોઈ શકે. છેવટે ઘીનાં ઠામમા ઘી પડી ગયું. રાજેન્દ્રનું લખેલું પહેલું નાટક ભજવાશે, રાધર ફરી ભજવાશે અને કોઈ ચમત્કાર થશે એવા વિશ્ર્વાસના ભાવ રાજેન્દ્ર શુકલનાં મોઢા ઉપર દેખાઈ રહ્યાં હતા. ભટ્ટ સાહેબે આવેલા મિસળ અને કોથીમ્બીર વડી તબિયતથી ખાધા અને અમે પણ. હવે નક્કી એ કરવાનું હતું કે, રિહર્સલ ક્યારથી શરૂ કરવા… તુષારભાઈ ભાગીદારી માટે માનશે કે નહિ એ વાત હવે ભૂતકાળ થઇ ગઈ હતી. હવે જાતને ભૂતકાળની જેલમાં બંદીવાન બનાવી માની લઈએ કે એ માત્ર એક લેશન હતું, જન્મટીપ નહોતી. ભટ્ટ સાહેબે કહી દીધું કે દાદુ ડિરેક્ટ તું જ કરજે. હું રોજ રિહર્સલમાં નહિ આવું…મુંબઈ તરફ આવતો હોઈશ ત્યારે ટપકી પડીશ.

આમ છતાં મેં અરજ કરી કે ભટ્ટ સાહેબ, અઠવાડિયામાં બે વાર નહીં તો એકાદવાર તો આવી જ જજો. મારામાં જરા નૈતિક હિંમત રહેશે. ભટ્ટ સાહેબ હસતા-હસતા કહે, તારે શું જરૂર છે. તું હવે આ કામ માટે લાયક જ છો એટલે તો સ્ક્રીપ્ટ વાંચ્યા વગર હું આ પ્રોજેક્ટમા જોડાઈ ગયો. હવે તારે કોઈ પ્રયત્નો કરવાની જરૂર નથી. લાયક બનવું હોય તો જ પ્રયત્નો કરવા પડે બાકી ઉંમરલાયક તો ખાટલામા પડ્યા પડ્યા પણ થઇ જવાય.

એ પછી ભટ્ટસાહેબ અને નિહારિકાબેને વિદાય લીધી. આ માત્ર મૌખિક કરાર હતો.કોઈ લેખિત કરાર બનાવવો નથી’ એવું બંને પક્ષે નક્કી થઈ ગયું.

તુષારભાઈ થોડા રીલેક્ષ થયેલા લાગી રહ્યાં હતા. ખાસ તો થિયેટરોની તારીખો મેળવવાની હાયવોય જાણે ઘર બેઠા ઉકલી ગઈ હતી.

મેં કહ્યું કે ભટ્ટ સાહેબ આપણી સાથે જોડાયા એ આપણી લાઈનમાં ઘણાને નહિ ગમે..ન ગમતું બોલશે પણ ખરા. પણ ચિંતા નહિ કરવાની. કોઈ કડવા વેણ કહે તો પણ મનમાં ન લેતા, પોણા ભાગનું પાણી ખારું જ છે, છતાંય આપણને મીઠું પાણી મળી જ રહે છે ને?! બસ… લોકો ભલે બોલે. આપણે આપણું કામ કરતાં રહીએ. તુષારભાઈ કહે, કામ શરૂ ક્યારે કરવાનું છે?’. ત્યા જ પ્રોડક્શન સંભાળનાર ભરત જોશી (ભજો) આવી પહોંચ્યો.’ તેજપાલ થિયેટરની ઓફિસમા એલોટમેન્ટ માટે લેટર આપી આવ્યો છું. મેં કહ્યું, સારું. પણ હવે લગભગ એની જરૂર નહિ પડે. ‘કેમ … હવે આપણે પાછું નાટક ન કરવાનું નક્કી કર્યું?’ ભજો ચિંતાના સૂરમાં બોલ્યો.

પછી મેં બધી વાત કરી. એ પણ રાજી થયો. ત્યાં તુષારભાઈએ ફરી કહ્યું,’ હવે કાલે હું પારડી જઈ રહ્યો છું. તમે રિહર્સલ શરૂ કરી પાછા બંધ નહિ કરી દેતા. અને હા, ‘ફાઇનાન્સ વિશે હું ભટ્ટ સાહેબ સાથે ફોન પર ટચમા રહીશ.’
‘તો કાલે કે પછી પરમ દિવસે, સારું મુર્હૂત જોઇને રિહર્સલ શરૂ કરી દઈએ.’ ધનવંતભાઈએ કહ્યું. તુષારભાઈ કહે,’ નાટક કરવાનું જ છ ેદુનિયામાં જે સત્ય છે એ જ મુર્હૂત વગર થાય છે. આપણે મુર્હૂત નથી જોવું, પહેલીવાર મુર્હત જોઇને જ કરેલું ને, શું થયું?’

તુષારભાઈ, એ જ મારું માનવું છે. ‘ભાગીદારી સદતી નથી એ વાત હવે મનમાંથી કાઢી નાંખજો.’ મેં કહ્યું. તુષારભાઈએ તરત પરખાવ્યું, ‘એ માન્યતા કાઢી નાંખી એટલે તો ભટ્ટ સાહેબ સાથે ભાગીદારી નોંધાવી.’
આવી વાતોથી વાતાવરણ થોડું હળવું થયું. બે દિવસ પછી રિહર્સલ શરૂ કરીશું એવું સર્વાનુમતે નક્કી થઇ ગયું. ઠીક છે. તો હું બધા કલાકારોને બે દિવસ પછી રિહર્સલમા આવવાનું કહી દઉં છું, સાંજે ૬ વાગે ને?’ ભજોએ પૂછયું. ‘મેં કહ્યું,’ હા, પણ આપણે ૫.૩૦ વાગે મળીશું. ભટ્ટ સાહેબને પણ જણાવી દેજે’
રાજેન્દ્ર કહે, ‘હવે છાનું છમકલું’ ટાઈટલ તો નહિ રખાય. ‘દાદુ, હું થોડા ટાઈટલ વિચારું છું, તું પણ વિચારજે…..’
અને એક હકારાત્મકતાભર્યા નિર્ણય સાથે બધા છૂટા પડ્યા…


સમયનો કેવો મોડ છે, રાત-દિવસની દોડ છે,
ખુશ રહેવાનો સમય નથી, ખુશ દેખાવાની હોડ છે.

****

પતિ: ભીંડાના શાકમાં મીઠું થોડું વધારે પડી ગયું છે.
પત્ની: મીઠું તો બરાબર જ છે…તમે ભીંડા ઓછા લાવ્યા. એટલે ભીંડા ઓછા પડ્યા છે…!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button