કરના થા ઈનકાર, મગર ઇકરાર…
જૂની ફિલ્મ ‘જબ જબ ફૂલ ખિલે’નું મશહૂર ગાયન છે: ‘ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે, કરના થા ઈનકાર મગર ઇકરાર તુમ્હી સે કર બૈઠે….’ મતલબ કે પાડવી હતી ‘ના’ છતાં હા પાડી છે, પણ અનેક ફિલ્મ કલાકારો – લેખકો સાથે આવી ઘટનાઓ બની ચૂકી છે.
તાજેતરમાં અમોલ પાલેકરની જીવનકથા: ‘વ્યુફાઈન્ડર’ પ્રગટ થઈ છે એમાં આવો જ કંઈક કિસ્સો લખ્યો છે. આ વાત લગભગ 1977-78ની હશે, જ્યારે અમોલ પાલેકર ‘રજનીગંધા’-‘છોટી સી બાત’-‘ઘરોંદા’-‘ચિતચોર’ અને ‘ભૂમિકા’ જેવી ફિલ્મોથી એક પ્રકારનું સ્ટારડમ મેળવી ચૂક્યા હતા. અમોલ પાલેકરને આ સ્ટારડમનો એહસાસ પણ હતો.
એવામાં એક દિવસ એમની પર એ જમાનાના મશહૂર ડિરેક્ટર ઋષિકેશ મુખર્જીનો ફોન આવ્યો: ‘મારી એક ફિલ્મમાં તને લેવા માગું છું. ક્યારે મળવા આવું?’
Also Read – કવર સ્ટોરી : તમે લઈ ગયા અમે રહી ગયા!
અમોલ પાલેકરે કહ્યું: ‘સર, તમે મને મળવા આવો એના બદલે હું જ તમને મળવા માટે આવું છું.’ હકીકતમાં અમોલ ત્યાં જઈને ‘ના’ પાડવા માગતા હતા.
આ માટે એમની પાસે કારણો પણ હતાં. અમોલ પાલેકરના કહેવા મુજબ ઋષિકેશ મુખર્જી માટે અમુક વાતો ફેલાયેલી હતી, જે એમને પસંદ નહોતી, જેમકે ઋષિદા કોઈને કદી આખી સ્ક્રિપ્ટ આપતા નહોતા… શૂટિંગ વખતે ઘણીવાર એકટરોને આખું દૃશ્ય પણ સમજાવતા નહોતા… બસ, કહેતા કે ‘મૈં જેસા બોલતાં હું વૈસા કરો.’ ત્રીજું, ક્યારેક તો એકટરોને આખો રોલ પણ સમજાવતા નહોતા અને ચોથું એ ગમે ત્યારે ગુસ્સો કરી બેસતા!
અમોલ પાલેકરે પોતાના આ પુસ્તકમાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ‘મને ઋષિદા સામે અંગત રીતે કોઈ વાંધો હતો જ નહીં. એમની ફિલ્મો પણ મને બહુ ગમતી હતી, પણ એક એકટર તરીકે જો સ્ક્રિપ્ટ ના મળે, સમજ્યા વિના સંવાદ બોલવાના હોય…. આ બધું મને બરાબર નહોતું લાગતું.’
ટૂંકમાં, આ બધી વાતોની સ્પષ્ટતા કરીને એ ‘ના’ પાડવાના જ મિજાજમાં ઋષિદાને ઘરે ગયા હતા, પણ ઋષિદાએ ફિલ્મ વિશે ફિલ્મના રોલ વિશે વાત કરવાને બદલે શરૂઆતની 30-40 મિનિટ સુધી અમોલ પાલેકરને જે ગમતી વાતો હતી એ જ કર્યે રાખી, જેમ કે ક્રિકેટ મૅચો, મરાઠી નાટકો, પ્રિય વાનગીઓ વગેરે….!
ત્યાં સુધીમાં અમોલ પાલેકરની ઋષિદા વિશેની છાપ લગભગ ભૂંસાઈ ગઈ હતી. એ પછી ઋષિકેશ મુખર્જીએ ‘ગોલમાલ’ ફિલ્મની આખેઆખી વાર્તા તેનાં દૃશ્યોનાં વર્ણન સાથે ખૂબ ડિટેલમાં કહી સંભળાવી.
આ સાંભળીને અમોલ પાલેકર લગભગ બાટલામાં આવી ચૂક્યા હતા અને પછી, જાણે બાટલીનો બૂચ મારતા હોય એમ ઋષિદાએ ઑફર મૂકી કે ‘માત્ર આ એક નહીં, હું તને મારી પાંચ ફિલ્મોમાં લેવા માગું છું!’
હવે અમોલ પાલેકર શી રીતે ના પાડી શકે? ત્યાર બાદ આપણે સૌ જાણીએ છીએ તેમ ‘નરમ ગરમ’- ‘રંગબેરંગી’ જેવી ફિલ્મમાં અમોલ પાલેકરને હીરો બનાવ્યા. (જોકે પાંચ નહીં, કુલ ત્રણ ફિલ્મો થઈ!)
આવો જ કિસ્સો અભિનેતા કમ લેખક સૌરભ શુકલાનો છે. આ એ દિવસો હતા જ્યારે ‘એનએસડી’ (દિલ્હી)માં ભણી લીધાં પછી દિલ્હીમાં અનેક નાટકોમાં કામ કર્યા બાદ સૌરભ મુંબઈમાં લેખક તરીકે નસીબ અજમાવવા આવ્યા હતા, પરંતુ વાત જામી નહીં એટલે તે ફરી દિલ્હી જતા રહ્યા.
આવા સમયે મુંબઈથી અનુરાગ કશ્યપ (જે પાછળથી જાણીતા લેખક-દિગ્દર્શક અને નિર્માતા બન્યા)નો ફોન આવ્યો. અનુરાગે કહ્યું કે ‘હું રામગોપાલ વર્મા સાથે મુંબઈના અંડરવર્લ્ડ વિશે એક સ્ક્રિપ્ટ લખી રહ્યો છું.. પરંતુ વાત કંઈ બની રહી નથી એટલે મેં જ સજેસ્ટ કર્યું છે કે સૌરભ શુકલાને આમાં ઈન્વોલ્વ કરીએ.’
આ કિસ્સામાં પણ એવું જ બન્યું કે સૌરભ દિલ્હીથી મુંબઈ માત્ર ‘ના’ પાડવા જ આવ્યા હતા, કેમ કે અગાઉ મુંબઈમાં એમને લેખક તરીકે બહું કડવા અનુભવો થયા હતા, પણ હા, એ ફિલ્મમાં એકટર તરીકે કોઈ રોલ હોય તો તે કરવામાં એમને રસ હતો.
રામગોપાલ વર્મા સાથે મુલાકાત થઈ ત્યારે સીધી વાત છે કે વર્મા સાહેબે ફિલ્મની થિમ અને સ્ટોરી વિશે થોડી વાત કરી. ત્યારે સૌરભ શુકલાએ કહ્યું કે ‘મને આવી ટિપિકલ પ્રકારની ગેંગસ્ટર ફિલ્મ લખવામાં જરાય રસ નથી,
કેમકે ફિલ્મોમાં અંડરવર્લ્ડના લોકોને બહુ ખોટી રીતે ગ્લોરીફાય કરવામાં આવે છે. વાસ્તવિક્તા તો એ છે કે ગુનાખોરીમાં જોડાયેલા લોકો આપણી વચ્ચે જ ક્યાંક રહેતા હોય છે. સિટી બસમાં આપણી બાજુમાં જ બેઠેલો કોઈ મામૂલી દેખાતો માણસ હમણાં જ કોઈનું ખૂન કરીને આવ્યો હોઈ શકે!’
આ સાંભળીને રામગોપાલ વર્માએ બોલી ઊઠયા: ‘બસ, એ જ તો મને જોઈએ છે! હવે આ ફિલ્મ તમારા સિવાય બીજું કોઈ લખી શકે નહીં!’
આ રીતે સૌરભ શુકલા ‘સત્યા’ના લેખક બની ગયા! અને હા, લખવાની પ્રોસેસ દરમિયાન રામગોપાલ વર્માએ એમને ‘કલ્લુમામા’ના રોલમાં પણ કાસ્ટ કરી દીધા.
ત્રીજો કિસ્સો ‘સાહેબ બીબી ઔર ગુલામ’નો છે એક બંગાળી નવલકથા ઉપરથી એની પટકથા તૈયાર કરવામાં જ બે વરસનો સમય લાગી ગયો હતો. ‘કાગઝ કે ફૂલ’ ફલોપ થયા પછી ગુરુદત્તે ફેંસલો કર્યો હતો કે હવે પોતે દિગ્દર્શન નહીં કરે. ‘ચૌદવીં કા ચાંદ’ હિટ ગયા પછી ‘સાહેબ બીબી…’ માટે ગુરુદત્ત અભિનય પણ નહોતા કરવા માગતા.
એમાં ‘ભૂતનાથ’ના રોલ માટે એમની પહેલી પસંદગી શશી કપૂરની હતી, પણ એની મીટિંગ માટે શશી કપૂર પૂરા અઢી કલાક મોડા આવ્યા! એ જ ઘડીએ ગુરુદત્તે એમના નામ પર ચોકડી મારી દીધી હતી.
એ પછી વિશ્વજીત, જે બંગાળી ફિલ્મોમાં સારું નામ કમાઈ ચૂક્યા હતા, એમને હિન્દીમાં આ ફિલ્મ વડે ‘પહેલી વાર’ બ્રેક મળવાનો હતો, પણ વિશ્વજીતના બંગાળી દોસ્તોએ કહ્યું કે બે મોટી મોટી હીરોઈનો મીનાકુમારી અને વહીદા રહેમાન એમાં છે. એ બન્ને વચ્ચે તું ફસાઈ જઈશ.!
એ પછી વિશ્વજીત પણ ફસકી પડ્યા ત્યારે ‘ના ના’ કરતાં ખુદ ગુરુદત્તે પોતાની મૂછો મૂંડાવીને (નાની ઉંમરના દેખાવા માટે) આ રોલ જાતે જ ભજવવાનું નક્કી કર્યું ને ઈતિહાસ સર્જાયો… બોલો!