પરિસ્થિતિ જ્યારે સારી ન હોય ત્યારે મજબૂત થવાય મજબૂર નહિ….
અનુભવની આખી પાઠશાલા- મને જેનો અનુભવ થયો
અરવિંદ વેકરિયા
રવિવારે હાઉસ ફુલ’ નું બોર્ડ જોઈ પેંડા ખાધા. હવે હાઉસ ફૂલ’ નાં બોર્ડનો જાણે નશો ચડતો હતો. લગાતાર હાઉસ ફૂલ’ નાં બોર્ડ ઝુલતા હતા. હા, ક્યારેક આગલા દિવસે તો ક્યારેક વહેલી સવારે, પણ હાઉસ ફૂલ થઇ જ જતું. આ રફતાર આમ જ ચાલતી રહે તો મજો’ પડી જાય એવું નાટક સાથે સંકળાયેલા દરેકને હોય એ સહજ હતું. થિયેટર મેળવવા મારે જે પહેલા ઝઝૂમવું પડતું હતું એ કામ હવે ભટ્ટ સાહેબ એક ફોન ઉપર પતાવી દેતા હતા. આ જુના જોગીના બોલનું પણ વજન એટલું પડતું કે સારા થિયેટરની સાંજો મળ્યાં કરતી.
કિશોર દવે પણ હવે વધુ દલીલો નહોતા કરતાં પણ એવું માન પણ નહોતા આપતા.આમ પણ મારે રોટલાથી કામ હતું ટપટપથી નહિ. હું હસતું મોઢું રાખી એમની સાથે સંબંધ સાચવી રાખવા પ્રયત્ન કરતો. જેની ગાંઠ પ્રયત્નપૂર્વક ખુલી શકતી હોય તેના પર ઉતાવળે ક્યારેય કાતર ન ચલાવવી, પછી એ દોરો હોય કે સંબંધ, આ વાત મેં મારા મનમાં કોતરી રાખી હતી.
થિયેટર મેળવતા એક રવિવાર એવો પણ આવ્યો, જયારે ભટ્ટ સાહેબને પણ થિયેટર મળવાના વાંધા પડી ગયા. ભટ્ટ સાહેબે કહ્યું કે ‘બિરલા માતુશ્રી સભાગાર’મા શો કરીએ. મેં કહ્યું, એ તો બહુ મોટું થિયેટર છે તો હાઉસ ફૂલની હારમાળામા બ્રેક લાગી જશે તો?’ ભટ્ટ સાહેબ હસ્યા. મને કહે,’ કોઈ અમરપટો લખાવીને નથી આવ્યું, હાઉસ ફૂલ નું બોર્ડ પણ નહિ. સરસ અને સફળ રીતે ચાલતા આ નાટકમાં ગેપ’ પડે એના કરતાં થોડું રિસ્ક’ લેવું જ જોઈએ. જે રીતે નાટક ચાલે છે એ જોતા નુકશાની તો નહિ જ થાય’. મેં કહ્યું,’ એક તો હોલનું ભાડું પણ વધુ છે, બીજું પાર્કિંગની વ્યવસ્થા નથી એટલે લોકો આવતા પણ ખચકાય છે.’
ભટ્ટ સાહેબ બોલ્યા,’ જેને આવવું છે એ ગમે ત્યાંથી આવવાના. આવા વિચારો કરી ઘરે થોડું બેસી રહેવાય! આ સફળતા લોકોને નાટક પસંદ પડ્યું એની છે, મારી કે તારી નહિ. આટલી જ મહેનત તે છાનું છમકલું’ મા પણ કરેલી જ ને?’. મેં કહ્યું, બરાબર છે. આ વખતે નસીબનું પાંદડું જરા ફર્યું બીજું શું?. મને ટપારતા ભટ્ટ સાહેબ બોલ્યા,’ જો બેટા, કડવી હકીકત છે કે સફળતાને માણસ પોતાની હોશિયારી ગણે છે અને નિષ્ફળતાને નસીબ. આપણે નસીબને કોસવાનું કે નથી આપણી હોશિયારીનું ગુમાન રાખવાનું. સમય, સમયનું કામ કરે છે. માન હંમેશા સમયનું હોય છે પણ વ્યક્તિ એને પોતાનું સમજી બેસે છે અને ત્યાં જ મને વાંધો છે.’
હું આ વ્યક્તવ્ય સાંભળી રહ્યો. મારા ખભા પર હાથ મૂકી મને કહે,’ હું ભરત.જોષી. સાથે બિરલા માતુશ્રી નો ચેક બરજોર પાવરીને મોકલાવી દઉં છું. એ નહિ હોય તો સત્યનારાયણ લઈ લેશે. ( જે બિરલા માતુશ્રી સભાગારમાં ઉચ્ચ હોદ્દા પર હતા. ઘણા વર્ષો પહેલા એમનું નિધન થયું.) ભટ્ટ સાહેબના નિર્ણય સામે મારે તો કઈ બોલવા જેવું રહ્યું જ નહિ. ખબર નહિ, આજે મને ભટ્ટ સાહેબ થોડા બદલાયેલા લાગ્યા. જે તમારી સાથે બદલાઈ રહ્યાં છે એવું લાગે તો સમજી જજો કે તેનો અથવા તમારો સમય બદલાઈ રહ્યો છે. મેં એમના બિરલામા શો કરવાની વાત પર મારી સંમતિનો સિક્કો મારી દીધો. જો કે મારે ક્યાં કોઈ દલીલ કરવી હતી. કદાચ ભટ્ટ સાહેબને એવું હોય કે દાદુને પૂછીને ફાયનલ કરું. જે હોય તે, બીજે દિવસે ભ.જો. જઈને બિરલા માતુશ્રી સભાગારનું ભાડું ભરી આવ્યો. મેં પણ હકારાત્મકતા સાથે સ્વીકાર્યું કે આ શો પણ હાઉસ ફૂલ જશે. હવે આવા પોઝીટીવ વિચારો બાબત હું મેચ્યુર્ડ થતો જતો હતો. કહે છે ને કે ફળ પરિપક્વ થયા પછી નીચે પડી જાય છે જ્યારે માણસ નીચે પડી ગયા પછી પરિપક્વ થાય છે. ‘છાનું છમકલું’ માંથી બનેલ ‘વાત મધરાત પછીની’ આ જ પરિપક્વતાનો દાખલો હશે.!
બિરલા માતુશ્રી માટે જા.ખ. નું બજેટ થોડું વધુ રાખ્યું. બીજા થીયેટર કરતાં આ થીયેટરની વધુ સીટ્સ ભરવાની હતી. બુધવારે બુકિંગ ખુલ્યું. પહેલા દિવસે ૯ થી ૧૨ મા તો કહી શકાય એવો કોઈ ઉમળકો પ્રેક્ષકોએ ન દેખાડ્યો. સાંજે થશે?’ એવો વિચાર મનમાં આવ્યો ખરો, સાંજે પણ ખાસ’ કઈ બુકિંગ થયું નહિ. મેં ડરતા ભટ્ટ સાહેબને ફોન કર્યો તો મને કહે, શું નબળો થઇ જાય છે? આટલી સારી નાટકની માઉથ પબ્લીસીટી છે, શોઝ હાઉસ ફૂલ જઈ રહ્યાં છે તો થોડી ધીરજ રાખ. આજે હજી પહેલો દિવસ છે, થશે. પરિસ્થિતિ જ્યારે સારી ન હોય ત્યારે મજબૂત થવાય. મજબુર નહિ. અને પરિસ્થિતિ સારી જ રહેશે એ હું મારા અનુભવે કહું છું.’
એમના અનુભવ સામે મારા વિચારો તો ચલણ ગાડી જેવા જ નીવડશે એ સમજી મારે કહેવું હતું એ બધું અંદર જ સમેટી લીધું.
ઘરે પત્ની ભારતીને પણ મેં મારી વિટંબણા કહી. એ તો એકદમ પોઝીટીવ છે, મને ભટ્ટ સાહેબ કરતાં પણ વધુ જ્ઞાન પીરસી દીધું. એ રાત્રે મને માંડ ઊંઘ આવી.
સવારે ૯ વાગે બુકિંગ ખુલતું હતું. પણ મને આશંકા હતી કે હમણા ફોન કરીશ અને કોઈ મને ન ગમતો જવાબ મળ્યો તો?. એના કરતાં ૧૦ વાગે ફોન કરું? હિંમત કરી અંતે ૧૦ વાગે મેં ફોન કર્યો. ભૂલતો ન હોઉં તો રંજનબેન બુકિંગ પર બેસતા. એમણે મને જે આંકડો કહ્યો, મારા માન્યામાં જ ન આવ્યું. પાછું કહ્યું કે આ શો પણ હાઉસ ફૂલ જશે.
અને ખરેખર, બુકિંગ વધતું ગયું. છેલ્લે તો જૂજ ટીકીટો જ બચી. લાઈન ખુબ લાંબી લાગી હતી. મેં બહાર જઈ
માહોલ જોયો અને મારી છાતી ગદ-ગદ થઇ ગઈ.
ભટ્ટ સાહેબનો અનુભવ સાચો હતો. ત્યાં મેં બુકિંગ પર જોયું કે દસેક વર્ષની છોકરી બુકિંગ ક્લાર્ક સાથે કોઈ માથાકૂટ કરી રહી હતી. પાછળ લાઈનમાં ઉભેલા અન્ય પ્રેક્ષકો જલ્દી કરો..જલ્દી કરો..’ ની બુમો પાડતા હતા. હું કાઉન્ટર પર ગયો. પૂછ્યું તો ખબર પડી કે એ ગરીબ છોકરીને ૧૦ રૂપિયા વાળી ટીકીટ જોઈતી હતી જે ક્યારની ખલાસ
હતી.
મેં કહ્યું કે આપ ૧૦ રૂપિયા’. એ છોકરીએ ૫ પૈસા, ૧૦ પૈસા અને ચાર આના.. આ બધું પરચુરણ કાઉન્ટર પર મુક્યું. એને નાટક જોવું જ હતું. પણ સ્થિતિ… મારી આંખમાં આંસુ આવી ગયા.
મેં રાખેલી અમુક ટીકીટોમાંથી એક ટીકીટ એને આપી અને પૈસા પાછા લઇ લેવા કહ્યું. એણે પૈસા લેવાની ધરાર નાં પાડી અને થેંક યુ’ કહી હસતી હસતી નીકળી ગઈ. થયું, નાટકની કેવી ઈમ્પેક્ટ’ હશે કે આ વર્ગ પણ નાટક જોવા આવવા માંડયો… ભયાનક ખાલીપામાં જે ભરચક અજવાળું ભરી જાય છે તે આવા પ્રેક્ષક !
***
બહારથી દેખાય એટલા બધા,
ભીતરથી કોઈ રૂપાળા નથી હોતા,
સંબંધોમાં બધા તમે માનો છો,
એટલા હુંફાળા નથી હોતા.
એકવાર એટલું બધું અમીર થઇ જવું છે કે આઈસક્રીમનું ઢાંકણ ચાટયા વગર ફેંકી
દેવું છે.