ઈશ્ર્વરને ભરોસે બેસી ન રહો. શું ખબર ઈશ્ર્વર તમારી મહેનતનાં ભરોસે ફળ આપવા બેઠો હોય..!
અરવિંદ વેકરિયા
અમદાવાદમાં બધું સેટ તો થઈ ગયું પણ જી.આર. વખતે ડિરેક્ટર તરીકે હું જઈ શકીશ કે નહિ એ ચિંતા મનમાં હતી. ભલે મેં મહેશ વૈદ્યને જવાબદારી આપી દીધી હતી. બધાં કલાકારો હોશિયાર પણ હતા. સુજાતાને હોટલમાં એકલા ન રહેવું પડે એટલે તૃપ્તિએ એની સાથે એના ઘરે રહેવાની વ્યવસ્થા કરી આપેલી. અમદાવાદનાં કલાકારો ખાવાનાં ભલે શોખીન હોય પણ એટલા જ એકબીજાને કો-ઓપરેટીવ પણ ખરા. એ કારણે જ મને ‘ટીમ વર્ક’ મજબૂત દેખાતું હતું. સુજાતા તો મુંબઈની હતી અને ઘણાં નાટકોમાં મુંબઈના ઘણાં કલાકારો સાથે કામ કરી ચુકી હતી એટલે એને મિક્ષ’ થવામાં વાર નહિ જ લાગે એની મને ગળા સુધી ખાત્રી હતી. એમની સાથે સંબંધોમાં પલોટાય જશે એનો પણ મને વિશ્વાસ હતો. સંબંધ બાંધવા, રાખવા, જીવવા, ટકાવવા અને સજીવન રાખવા માટે સૌથી વધુ જરૂર પડે છે, સમજની. એ ‘સુજાતા પુરોહિત’માં હતી, અને એ નાટકના ‘હિત’માં હતું.
રવિવારે શો પર બધા મળ્યાં. મુંબઈના સાથી કલાકારોને પણ ખબર તો હતી એટલે બધા પુછતા હતા, ‘કેમ છે તૈયારી?’ હું બધાને ‘સરસ’ કહેતો પણ કોણ જાણે અંદરથી મને સંતોષ તો નહોતો. કદાચ હું શરૂઆત થી નાટક પૂરું થાય ત્યાં સુધી ત્યાં હાજર નહોતો રહી શકતો. બીજા દિગ્દર્શકોમાં હશે કે નહિ એની મને ખબર નથી, પણ હું દિગ્દર્શક તરીકે ક્યારેય પૂરો સંતોષી નથી રહી શક્યો. આને નબળાઈ કહેવી કે પરફેક્શન એ હું નક્કી નથી કરી શકતો. અહીં મુંબઈમાં તો પહોંચી વળતો પણ અમદાવાદમાં મારી ગેરહાજરીમાં શું થતું હશે એની ધારણા જ બાંધી શકતો. મારી પત્ની ભારતી ઘણીવાર કહેતી, તમે અધૂરિયા જીવ છો. તમે કહો કે તરત સામેવાળો તૈયાર થઈ જાય અને તમારાં જેવું કરે એવા પરિણામની તરત આશા કેમ રાખી શકો? દરેકને પોતાની એક આગવી સ્ટાઈલ હોય છે, બાકી તમારા જેવું જ કરવાનો આગ્રહ રાખશો તો સ્ટેજ પર ફરતાં કલાકારો જોનારા પ્રેક્ષકોને બધામાં ‘દાદુ’ જ દેખાશે. એની વાત ઉપર વિચાર કરતો ત્યારે સાચું લાગતું પણ મારું બીજું મન તરત મને મારા મૂળભૂત સ્વભાવ તરફ દોરી જતું. આને મારો ‘અહમ’ ગણું કે ‘અહંકાર’એ સમજાતું નહિ. આમ પણ અહંકાર એક એવી ખૂબી છે જે તમને ક્યારેય વિશ્ર્વાસ ન થવા દે કે તમે ખોટા છો. કદાચ હું આ વાતનો અજાણતા શિકાર બની જતો હોઈશ.. કોને ખબર ! ભટ્ટ સાહેબને પણ અમદાવાદનાં પ્રોજેક્ટ વિષે વાત કરી. ખુશી તો એમણે વ્યક્ત કરી, પણ એમાં અંદરથી આવતો ઉમળકો મને ખૂટતો લાગ્યો. હશે, એમનાં મનમાં કોઈ બીજા વિચાર ચાલતા હશે કહી મન મનાવ્યું.
આજનો ૯૮ મો શો હતો. એ પણ ‘હાઉસ ફૂલ’ હતો. બધાં ખુશ હોય એ સ્વાભાવિક હતું. શો નાં રિસ્પોન્સથી હું ખુશ હતો, પણ એ જ કથાવસ્તુ ધરાવતું તૈયાર કરેલું અમદાવાદનું નાટક મનમાં ચિંતા ઊભી કરતું હતું.
શો પછી ઈન્ટરવલમાં મેં ભટ્ટ સાહેબને પૂછ્યું, ‘આપણે ૧૦૦ માં શો ની ઉજવણીમા શું કરવું છે?’
એ મને કહે. હવે ટ્રોફીઓ કે એવું કઈ આપવાની પ્રથા તો બંધ થઈ ગઈ છે, હા પેંડા લાવી બધાનું મોઢું તો મીઠું કરાવશું જ અને બધાનો હૃદયથી આભાર પણ માનીશું. મારે એમની વાત ઉપર હા’ સિવાય બીજો કોઈ પ્રતિભાવ આપવાનો સવાલ જ નહોતો.હું ભટ્ટ સાહેબનો આભારી તો હતો જ કે ‘છાનું છમકલું’ નાટક, જે ૧૫-૨૦ શોમાં પ્રેક્ષકોનો જાકારો લઈ બંધ કરેલું, એ જ નાટક આજે બે શો પછી શત-પ્રયોગ ઉજવશે એનો હરખ મનમાં ઉભરાતો હતો.
ભટ્ટ સાહેબે કહ્યું કે, ‘આવતો શો પાટકર હોલમા છે અને ૧૦૦ મો શો આપણે તેજપાલ હોલમાં ઉજવીશું. મારે ભાઈ શેઠ સાથે વાત પણ થઈ ગઈ છે અને આપણને તેજપાલ હોલ મળી પણ જશે’
મેં ફરી ભટ્ટ સાહેબનો આભાર માન્યો. ભટ્ટ સાહેબ મને કહે,’ મને નાટકની કથાવસ્તુમાં જ વિશ્ર્વાસ હતો. આટલાં વર્ષો પછી હું માત્ર દાદુ’ને સપોર્ટ કરવા ભાગીદાર નહોતો બન્યો, ભલે ૨૫%, પણ મને ખાતરી હતી, એમાં મારો સ્વાર્થ હતો તો આભાર શું માનવાનો?. મહેનત કરી છે બધાએ. હું તો કહું છું કે માત્ર ઈશ્ર્વરને ભરોસે બેસી ન રહો, શું ખબર ઈશ્ર્વર તમારી મહેનતનાં ભરોસે ફળ આપવા બેઠો હોય ! બધાની સહિયારી મહેનત હતી અને એનું ફળ આપણી નજર સામે છે.
હું શાંતિથી સાંભળતો રહ્યો. શો પૂરો થયો અને મેં ઘર તરફ પ્રયાણ કર્યું. ઘરે પહોંચ્યો કે પત્ની ભારતીએ કહ્યું, ‘મહેશ વૈદ્યના બે- ત્રણ ફોન આવી ગયા છે. એમણે કહ્યું છે કે ગમે તેટલા વાગે, દાદુને ફોન કરવા કહેજો.’
હું થોડો ટેન્શનમાં આવી ગયો. મેં તરત ફોન જોડ્યો. મહેશ જાણે મારા ફોનની જ રાહ જોતો હોય એમ પહેલી ઘંટડીએ જ ફોન ઉપાડ્યો. શો કેવો રહ્યો દાદુ? મેં કહ્યું, અહીંયા શો તો સારા જ રહે છે ત્યાં તમારી તૈયારી કેમ થઈ રહી છે? એ કહે, ‘સરસ’ !
‘હવે શુક્ર-શનિ અહીં જી.આર. રાખ્યાં છે અને રવિવારે રાજકોટમાં આપણો પહેલો શો.’ મેં કહ્યું, વેરી ગુડ. જી.આર. બધા બરાબર કરી પહેલા શોમાં સફળતાનો વાવટો ફરકાવી દેજો. શો જક્કાસ જવો જોઈએ. ‘મહેશ મને કહે. તમે જી.આર. માં આવી શકશો?’ વચ્ચે બે મિનીટ મૌન રાખી મેં કહ્યું,’ જી. આર. તો ઠીક, હું પહેલા શો માં પણ નહિ પહોંચી શકું.’
‘શું?’ મહેશનો અવાજ ફોન પર રીતસરનો ફાટ્યો.મેં મારી પરિસ્થિતિ સમજાવતા કહ્યું, ‘બે દિવસ હું એક સિરિયલનાં શૂટિંગમા બિઝી છું અને રવિવારે સાંજનાં પાટકરમાં શો છે, નંબર-૯૯. મારી વાત સમજ. દિગ્દર્શક તરીકે ભલે હું અહીં પ્રવૃત્ત હોઉં, પણ મારો જીવ તો ત્યાં જ ભમતો હશે. જી. આર. કેમ રહ્યાં એ જાણવા માટે ફોન કરીશ. પણ, મહેશ આગળ બોલે એ પહેલાં મેં કહ્યું,’ બીજો રસ્તો નથી. બધાને મારી મુશ્કેલી ત્યાં બધાને સમજાવજે. ખબર છે. સમજણનો સંબંધ એજ ખરો હેતુ, બાકી બધા તો રાહુ અને કેતુ.’
‘હવે રાતનાં ક્યાં ફિલોસોફી કરવા બેઠો દાદુ, છતાં કહું છું. જી.આર. માં ઠીક, પહેલા શોમાં રાજકોટ આવવાની ટ્રાય કરજે.’
‘શક્ય નથી પણ જોઈએ કોઈ મિરેકલ થાય..’ મેં ફોન મુક્યો. જેટલી ઝડપથી મહેશે ફોન ઉપાડેલો એનાં કરતાં વધુ સમય લાગ્યો એને ફોન મુકતા. મેં અભયભાઈને ફોન જોડ્યો. એ રાતનાં રાજા એટલે મને ફોન કરવામાં કોઈ સંકોચ ન થયો.
‘મેં માત્ર એલાઉ’ કર્યું કે તરત એમણે જવાબ આપ્યો, બોલો, ‘દાદુ’. મેં કહ્યું, દાદુ શું બોલે? તમે રાજકોટનાં શો માટે રવિવાર જ મળી શકે એમ હતો? મને કહે, બે દિવસ, શુક્ર-શનિ ઓરકેસ્ટ્રાનાં શો છે, અને લેડીઝ ક્લબ મંડપ સાથે રવિવારે જ મળી શકે એમ હતી. આપણે વાત તો થયેલી ને કે તુષારભાઈને મંડપ બાંધવાનો ખર્ચ ન આવે એટલે મળે ત્યારે આપણે શો કરી લેશું. તું હાજર પણ રહે તો અંતે તો નાટક તો કલાકારો જ ભજવવાના છે ને? મને ખબર હતી કે રવિવારે તારો શો મુંબઈમાં હશે જ..તું ચિંતા ન કર. અહીંયા હું છું, મહેશ અને ભાવસાર પણ છે ધ્યાન રાખવાવાળા. હું બધું સંભાળી લઈશ, હા તું હાજર રહ્યો હોત તો સારું હતું પણ ખર્ચ બચી જતો હોય બધું બાંધવાનો તો શો શા માટે અટકાવવો?’
મેં વધુ દલીલ ન કરતાં ફોન મૂકી દીધો.
આવી ગયા છો આંસુ, લુંછો નહિ ભલા થઈ,
આ બારે-માસ લીલા તોરણ મને ગમે છે.
—- ‘ઘાયલ’
સાસુ: તને ખાવાનું બનાવતાં નથી આવડતું?
વહુ: નાં….
સાસુ: તો પહેલાં કેમ નહોતું કહ્યું.?
વહુ: સરપ્રાઈઝ’