મેટિની

દો ખાન ઔર કપૂર એક!

વર્ષના છેલ્લા બે મહિનામાં શાહરુખ – સલમાન સાથે રણબીરની ફિલ્મ જોવાનો લ્હાવો ચિત્રપટ રસિકોને મળવાનો છે અને પતિ – પત્નીની બોક્સ ઓફિસ પર ટક્કર પણ થવાની છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

૨૦૨૨નું વર્ષ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પીડાદાયક રહ્યું, પણ ૨૦૨૩માં તો જાણે નવો સૂરજ ઉગ્યો હોય એવી પરિસ્થિતિ છે. બે ફિલ્મ (‘પઠાન’ અને ‘જવાન’)નું કલેક્શન ૧૦૦૦ કરોડથી વધારે, એકનું લગભગ ૭૦૦ કરોડ (‘ગદર ૨ – ૬૯૨ કરોડ) અને પાંચ ફિલ્મ ૨૦૦ કરોડથી વધારે વકરો કરવામાં સફળ રહી. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં ૨૦૨૩નું વર્ષ ઝળહળતી સફળતાના વર્ષ તરીકે અંકિત થઈ ગયું છે. વર્ષ પૂરું થવામાં બે મહિના બાકી છે અને એમાં ત્રણ ફિલ્મો એવી છે જે ધૂઆંધાર સફળતાનું લિસ્ટ થોડું વધારે લાંબું બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે. એક એક ફિલ્મ શાહરુખ ખાન અને સલમાન ખાનની છે અને બે ખાન વચ્ચે છે રણબીર કપૂરની ફિલ્મ. આ ફિલ્મોની તરફેણમાં અને વિરુદ્ધ સાબિત થઈ શકે એ કારણો જાણીએ. અલબત્ત અંતે તો રાજાને ગમે એ રાણી એ ન્યાયે પ્રેક્ષક માઈબાપને જે ગમે એ શિખર પર બાકી બધી ક્યાં તો તળેટીમાં ભટકશે અથવા કોઈ મધ્યમ ઊંચાઈ સુધી પહોંચશે.

શાહરુખ ખાનની ‘ડંકી’ અને પ્રભાસની ‘સલાર’ની બોક્સ ઓફિસ ટક્કર સંદર્ભે જાતજાતની અટકળો વહેતી થઈ હતી એવામાં ખબર આવ્યા કે રાજકુમાર હિરાણી દિગ્દર્શિત ફિલ્મ એક દિવસ વહેલી એટલે કે ૨૨ ડિસેમ્બરની બદલે ૨૧ ડિસેમ્બરે ઘર આંગણે તેમજ વિદેશમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ નિર્ણય ‘સલાર’ સાથેની ટક્કર ટાળવા નહીં, પણ ૨૫ ડિસેમ્બરે (ક્રિસમસ) સોમવાર છે હોવાથી શનિ – રવિ અને સોમ એમ લાગલગાટ ત્રણ રજાનો લાભ મેળવવા માટે લેવામાં આવ્યો છે. વિદેશમાં ગેરકાયદે ઘૂસણખોરી વિષય પર બનાવવામાં આવેલી આ હલકી ફુલકી ફિલ્મને જો પહેલા બે દિવસમાં સારો આવકાર મળે તો કાનોકાન પબ્લિસિટી થશે જેનો ફાયદો ફિલ્મને લાંબા વીકએન્ડમાં દેશ – વિદેશમાં એમ બંને ઠેકાણે મળી શકે. ઈન્ડસ્ટ્રીના એક વર્ગનું તો માનવું છે કે આ ફિલ્મ સાથે કિંગ ખાન ૧૦૦૦ કરોડ કલેક્શનની હેટ – ટ્રિક કરશે. એની તરફેણમાં આપવામાં આવેલાં કારણો છે: ‘પઠાન’ અને ‘જવાન’ની અભૂતપૂર્વ સફળતાએ સિદ્ધ કર્યું છે કે શાહરુખ ખાનનો ક્રેઝ હજી બરકરાર છે. બીજી જમા બાજુ છે ડિરેક્ટર રાજકુમાર હિરાણી. મુન્નાભાઈની બે ફિલ્મ, થ્રી ઈડિયટ્સ અને પીકે જેવી સફળ ફિલ્મો બનાવી ‘આ ડિરેક્ટરની ફિલ્મ તો જોવી જોઈએ’ એવી હવા તૈયાર કરવામાં તેઓ સફળ રહ્યા છે. ત્રીજું મહત્ત્વનું પરિબળ છે વિદેશમાં શાહરુખની ફિલ્મોને મળતો આવકાર. આ ત્રણેય કારણોનો સરવાળો (કદાચ ગુણાકાર) થાય તો ‘સ્કાય ઈઝ ધ લિમિટ’ની પરિસ્થિતિ બની જાય. પ્રભાસની ‘સલાર’ ‘ડંકી’ની આવકમાં ગાબડું પાડી શકે એવી દલીલ થાય છે પણ ‘બાહુબલી’ વખતે પ્રભાસની જે આભા પ્રગટી હતી એમાં હવે અને ખાસ કરીને ‘આદિપુરુષ’ માટેના અણગમાને કારણે ઘણી ઓટ આવી ગઈ છે. એટલે પ્રભાસની ફિલ્મ શાહરુખની ફિલ્મનો વાળ પણ વાંકો નહીં કરી શકે. એક જ બાબત ‘ડંકી’ની વિરુદ્ધમાં જઈ શકે છે અને એ છે એક જ વર્ષમાં શાહરુખની ત્રીજી ફિલ્મ જોવાના ઉત્સાહમાં અગાઉ જેવી ભરતી કદાચ ન જોવા મળે.

‘ટાઈગર ૩’ પર યશરાજ ફિલ્મ્સ અને ખુદ સલમાન ખૂબ મોટો મદાર બાંધીને બેઠા હશે. ફિલ્મને ફાંકડી સફળતા મળી શકે છે તેના ટેકામાં પહેલી દલીલ એ છે કે આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સના સફળ રસાયણની પાંચમી ફિલ્મ (ચાર છે એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, વોર અને પઠાન) છે. ‘એક થા ટાઈગર’ તેમજ ‘ટાઈગર ઝિંદા હૈ’ને સારી સફળતા મળી હતી. સલમાને ‘પઠાન’માં કેમિયો રોલ (નાનકડી પણ વિશેષ મહત્ત્વ ધરાવતી ભૂમિકા) કર્યો હતો જ્યારે ‘ટાઈગર ૩’માં શાહરૂખનો કેમિયો છે. ફિલ્મમાં કિંગ ખાન શું કરે છે એ ભાતભાતના પકવાન જમી લીધા પછી ડિઝર્ટ જેવું છે. સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે સલમાન જેને માટે જાણીતો છે એવી આ મસાલા કમર્શિયલ ફિલ્મ છે. ‘ટાઈગર ૩’ની વિરુદ્ધમાં પહેલું કારણ સલમાનની છેલ્લી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની સરિયામ નિષ્ફળતાનું અપાય છે. બીજું કારણ છે ફિલ્મનો દિગ્દર્શક મનીષ શર્મા. ‘બેન્ડ બાજા બારાત’થી દિગ્દર્શનની શરૂઆત કરનાર મનીષ શર્માએ હજી સુધી એક પણ મસાલા ફિલ્મ નથી બનાવી. આ એનો પહેલો પ્રયાસ છે. રોમેન્ટિક ફિલ્મો પછી એક્શન થ્રિલર બનાવવી એ એક મોટો પડકાર છે.

બે સુપર ખાન વચ્ચે ભેરવાશે રણબીર કપૂર. સુપરફ્લોપ ‘શમશેરા’ પછી ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન – શિવ’ અને ‘તૂ જૂઠી મૈં મક્કાર’માં સફળતાનો સ્વાદ ચાખનાર રણબીરની ‘એનિમલ’નું સૌથી મોટું જમા પાસું એ છે કે અભિનેતા પહેલી વાર રોમેન્ટિક હીરોની ઈમેજ તોડી એક્શન થ્રિલરમાં કામ કરી રહ્યો છે. ‘સાંવરિયા’ (૨૦૦૭)થી શરૂઆત કરનાર રણબીરની બધી જ ફિલ્મના નામ અને રોલ સુંવાળા રહ્યા છે. અહીં તો ફિલ્મનું નામ સુધ્ધાં ઈમેજ તોડે છે. રણબીરને અનોખા અંદાજમાં જોવાની ઉત્સુકતા ચોક્કસ રહેવાની. બીજું કારણ છે દિગ્દર્શક સંદીપ રેડ્ડી વેંગા જેની રિલીઝ થયેલી એકમાત્ર હિન્દી ફિલ્મ ‘કબીર સિંહ’ (૨૦૧૯) સારો આવકાર મેળવી શકી હતી. આ ફિલ્મ હિન્દી ઉપરાંત સાઉથની ચાર ભાષામાં પણ રિલીઝ થઈ રહી છે જે બાબત સફળતા મળવાની સંભાવના વધારે છે. જોકે, ‘ડંકી’ અને ‘સલાર’ની આસપાસ જ ‘એનિમલ’ રિલીઝ થવાની છે અને આ બાબત રણબીરની વિરુદ્ધ જઈ શકે એવી દલીલ કરવામાં આવે છે. બીજી એક સમસ્યા એ છે કે ફિલ્મને ‘એડલ્ટ્સ ઓન્લી’નું સર્ટિફિકેટ મળી શકે છે. જો એવું થશે તો દર્શકોની સંખ્યા ઘણે અંશે ઘટી શકે છે. કેટલાક લોકો બાળકોને ઘરે કોઈની સારસંભાળમાં મૂકીને આવશે તો જેમને માટે એ સંભાવના નથી એવા અનેક લોકો ફિલ્મ જોવા જ નહીં જાય. બે ખાન અને એક કપૂર મળી સફળતાની હેટ – ટ્રિક નોંધાવે છે કે બીજું કોઈ ચિત્ર ઊપસે છે એ તો આવનારો સમય જ કહેશે.

પતિ -પત્નીની ટક્કર
ખાન – કપૂરની મોટી ટક્કર સાથે એક નાનકડી પણ રસપ્રદ ટક્કર પતિ – પત્નીની જોવા મળશે. ૨૦૨૧ના ડિસેમ્બરમાં ધામધૂમથી પરણી ગયેલા વિકી કૌશલ અને કેટરિના કૈફનું અંગત જીવન ‘એક દૂસરે સે કરતે હૈં પ્યાર હમ, એક દૂસરે કે લિયે બેકરાર હમ’ જેવું જોવા – વાંચવા – સાંભળવા મળ્યું છે. પર્સનલ લાઈફમાં એકબીજાનો ટેકો બની રહેતા પતિ પત્ની વ્યવસાયિક જીવનમાં એકબીજાને ટક્કર આપે એવી સંભાવના છે. વાત એમ છે કે પહેલી ડિસેમ્બરે જેની ખૂબ આતુરતા છે એ મેઘના ગુલઝાર દિગ્દર્શિત ફિલ્મ ‘સેમ બહાદુર’ રિલીઝ થઈ રહી છે જેમાં ટાઈટલ રોલમાં વિકી કૌશલ નજરે પડશે. આ ફિલ્મના બરાબર એક અઠવાડિયા પછી આઠમી ડિસેમ્બરે શ્રીરામ રાઘવન દિગ્દર્શિત ‘મેરી ક્રિસમસ’ રિલીઝ થવાની છે જેની હિરોઈન છે કેટરિના કૈફ. ‘અંધાધૂંધ’ (૨૦૧૮)ના પાંચ વર્ષ પછી રાઘવનની ફિલ્મ આવી રહી હોવાથી એને માટે પણ દર્શકો ઉત્સુક હોવાના. આમ પતિ – પત્ની વચ્ચે ટક્કર જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો