ડિવાઈડર
ટૂંકી વાર્તા -અજય ઓઝા
‘વલય યાદ આવે છે?’ મેં પૂછ્યું.
- કહો કે પુછાઈ જ ગયું, ન રહેવાયું. ઓરેન્જ કલરની બોર્ડરવાળી વ્હાઈટ સાડીને જરા કવર-અપ કરીને એ મલકી. પછી વલયની વાતને પણ એમ જ ‘કવર-અપ’ કરી લેતી હોય એમ બોલી, ‘આપણું આ શહેર બહુ બદલાય ગયું નહીં? અહીં પેલો લીમડો હતો એ ક્યાં?’
મને સમજાયું કે એ કશુંક છુપાવવા મથે છે. પણ મારાથી શું છુપાવવાનું હોય? હું તો એની બાલસખી, એના મનની રગેરગ હું જાણું. હા, એને નોકરી મળ્યા પછી તે ગાંધીનગર ચાલી ગઈ એ ખરું પણ એક માત્ર બે-ત્રણ વર્ષના ગાળામાં એ મારાથી દૂર ન થઈ શકે.
ત્રણ વર્ષ પહેલાં આ નીલમને સચિવાલયમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી મળી એટલે અમે જુદા પડ્યા. પણ ત્યાં સુધીની જિંદગી તો આ જ નાનકડા શહેરમાં અમે સાથે વિતાવી હતી. અમારી સાથે વલય પણ ખરો. નીલમને વલય સાથે લાગણી બંધાઈ હતી. બસ કેટલાક અંતરાયો પાર કરવાના હતા, પછી એ બંને અતૂટ બંધનમાં બંધાઈ જવાના હતા. જી. પી. એસ. સી.ની પરીક્ષા અમે ત્રણેય સાથે જ આપેલી, પણ એમાં હું ને વલય પાસ ન થઈ શકેલા. પછી પણ વલયે તો પરીક્ષાઓ આપવાનું ચાલુ જ રાખેલું, પણ મેં હારીને એક વીમા કંપનીમાં મદદનીશ તરીકે જોબ કરવા માંડી હતી.
નીલમને ત્રણ વરસ બાદ પહેલી જ વાર શહેરમાં આવવાનું થયું હતું ને એ પણ સચિવાલયના કોઈ સરકારી કામે. ગામમાં એનું ઘર હતું તોયે એ સરકિટ હાઉસમાં ઊતરી હતી. સવારના ભાગે મને એણે ત્યાં મળવા બોલાવી હતી. પણ ત્યાં કૉફી પીધા પછી અમે બંનેએ અમારી જૂની આદત મુજબ બહાર લટાર મારવાનું પસંદ કર્યું હતું. અમે હાઈવે પર ચાલવા માંડ્યાં.
એને લીમડો કેમ યાદ આવ્યો હશે એની મને નવાઈ ન લાગી. એ લીમડો જ તો એને વલય સાથે મેળવી આપતો હતો. મને થયું કે એ કશુંય ભૂલી નથી. સ્ત્રી હોય જ લાગણી પ્રધાન. હું એને વલય સાથે જરૂર મેળવી આપીશ, એ પણ બાપડો આની યાદમાં સાવ નખાતો જ ગયો છે.
બહુ વારે મેં જવાબ આપ્યો, ‘લીમડો ને? એ તો જો ને, આ પાકો રોડ થયો ને ત્યારે જ પહેલાના કમિશનરે કપાવી નાખ્યો. એની જગ્યાએ જ તો આ ડિવાઈડર ફૂટી નીકળ્યા છે.’ પછી જરા હળવા સાદે કહ્યું, ‘નીલમ, લીમડો કપાયાનું તને ખૂબ દુ:ખ થયું હશે, નહીં?’
‘અરે, જરા પણ નહીં, એમાં વળી દુ:ખ શાનું? પાકો રસ્તો બન્યો, એક ગાંધીનગર સુધીનો ફોર લેન હાઈવે થયો, છેવટે તો શહેરનો વિકાસ જ થયો ને? કે નહીં? અને વિકાસ સાધવો હોય ત્યારે જરા કઠણ કાળજાનું પણ થવું પડે, એમાં કશું ખાટું-મોળું ના થઈ જાય.’
મને એના જવાબથી આશ્ર્ચર્ય થયું, પહેલીવાર એ જરા બદલાયેલી લાગી. કદાચ મેં એને લાંબા સમય પછી જોઈ ને આટલા વખતે મળ્યા એથી એમ બની શકે. એનામાં આવેલાં બહુ સૂક્ષ્મ પરિવર્તનો ધીમે ધીમે મારી સમક્ષ ખૂલતાં જતાં હતાં. મને થયું કે કદાચ લીમડો કપાયાનું એને બહુ દુ:ખ હતું પણ એ સામેથી કેમ વલયના કંઈ સમાચાર પૂછતી નથી એ પણ સમજાતું ન હતું.
થોડીવાર કોઈ કંઈ ન બોલ્યું. પછી નીલમ બોલી,
‘વસુધા, કેશવકાકા તો મજામાં છે ને? અને હંસાકાકી? એ હજુએ તારા માટે મેથીના ખાખરા બનાવી આપતાં હશે, નહીં? વસુ, તું બહુ ભાગ્યશાળી છે, ખરેખર.’
મારા પગ થંભી ગયા, ‘હા, બાપુજી તો એકદમ મજામાં છે, પણ તું ભૂલી ગઈ નીલમ, બા તો…’
‘અરે… હા, હા, સોરી, તેં ફોન પર જણાવેલું. પણ વસુ ખરું કહું, હું મારામાં એવી ગૂંચવાઈ ગયેલી કે તારા સુધી ન આવી શકી. પણ સાચું માન, મને આવવાનું બહુ જ મન હતું.
‘નીલમ, જવા દે એ બધી વાત. આપણી વચ્ચે ક્યારેય એવી કોઈ ફોર્માલિટીને સ્થાન ન હોઈ શકે. બધું મન પર ન લે પ્લીઝ, રિલેક્સ.’
‘બધું મન પર ન લેવાની તો આદત પડી ગઈ છે વસુ. એમ થાય છે કે જાણે હું પથ્થર બની ગઈ હોઉં. એમ થાય છે કે જાણે મારી અંદરની હરિયાળીને કાપીને કોઈએ આવા કઠોર ડિવાઈડર મૂકી દીધા હોય, વસુધા.’ એણે નિ:શ્ર્વાસ મૂક્યો.
મને લાગ્યું કે બહુ મોટી વાત એ પોતાની અંદર ધરબીને આવી છે. લાગલગાટ કલાકો સુધી કહેવાની વાતો માટે એને માત્ર એકલ-દોકલ શબ્દો જ સાથ આપતા હતા. એની અંદરનો ઘૂંઘવાટ બહાર લાવતા મને ફાવતું નહોતું. કદાચ એ વલય માટેનો ઘૂંઘવાટ હોય શકે.
હા, જો એમ જ હોય તો હું જ એને વલય સુધી પહોંચાડીશ. એ પણ બિચારો નીલમની રાહ જોવામાં બહુ ઝડપથી ઘરડો થતો જાય છે. જ્યારે મળે ત્યારે બસ નીલમની જ વાતો કરતો હોય છે. નીલમ આમ ને નીલમ તેમ, નીલમ આમ કરે ને નીલમ તેમ કરે. ક્યારેક ક્યારેક તો મને ઈર્ષ્યા થઈ આવે એ બંનેની. નીલમ બહુ ભાગ્યશાળી છે કે તેને આવો પ્રેમી મળ્યો કે જે એક પળ પણ એનું રટણ ભૂલતો નથી. હવે તો એને પણ મોભાની નોકરી મળી ગઈ છે, એય ને અમલદાર બનીને સાહ્યબીથી રહે છે. એ બંને પણ આ સમય દરમિયાન ક્યારેય ફોન પર પણ મળ્યા નથી. એટલે નીલમને જોશે કે ઉછળી પડશે.
‘વલય યાદ આવે છે?’ મેં ફરી એના મનને તાગી જોવા પૂછયું. હું તો જાણતી જ હતી કે વલયને મળવા તલપાપડ હશે, વલયને મળવા જ તો એણે કદાચ મને બોલાવી હશે…
ફરી મૌન. રસ્તા પર ચાલતાં ચાલતાં અચાનક એક જગ્યાએ ડિવાઈડર પરની રેલિંગને પકડીને ઊભી રહી ગઈ. ‘વસુધા…’ એ બેળે બેળે બોલી.
‘હા, અહીં જ, બિલકુલ ત્યાં જ, જ્યાં તું ઊભી છે. આ એ જ જગ્યા છે.’
‘શાની જગ્યા વસુધા?’
‘અરે તને પણ બરાબર યાદ જ છે નીલમ, તું જ્યાં ઊભી છે ત્યાં જ તો એ લીમડો હતો. ને એય ને સામે સુધી ઘેઘૂર લીમડાનો શીતળ છાંયડો પથરાઈ રહેતો. તું તો કશુંય ભૂલી નથી.’
‘ઓહ… લીમડો. પણ મને એવો કંઈ ખાસ અંદાજ નહોતો. અને હવે તો એના મૂળ પણ ક્યાંય નહીં હોય.’
નીલમના સ્વરોમાં ઘોર હતાશા હતી. એ જગ્યાએથી અમે પરત ફર્યાં. પાછા ફરતી વખતે એની ચાલ ધીમી હતી. એની ઉદાસી પામી ન શકાય એવી હતી. અને મને રહી રહીને થતું કે વલય માટે કંઈક પૂછે તો જરા પજવી લઉં, પણ મને એવો મોકો જ નહોતી આપતી.
સરકિટ હાઉસ પર છૂટા પડતી વખતે એ બોલી, ‘બપોર બાદ જરા ફ્રી છું, તને અનુકૂળતા હોય તો આવી જજે, નિરાંતે વાતો કરીશું. પછી કદાચ કાલે તો હું નીકળી જાઉં.’
મેં તરત જ હા કહી અને મનોમન નક્કી પણ કરી લીધું કે બપોરે વલયને પણ કહી રાખું ને ત્યાં અચાનક હાજર કરી દઉં અને નીલમને સરપ્રાઈઝ આપું. બંને ખૂબ ખુશ થશે.
બપોર પછી વ્હેલા પરવારીને હું ઝડપથી પહોંચી ગઈ સરકિટ હાઉસ. મેં કહ્યું, ‘હું તારા માટે કૉફી અને મેથીના ખાખરા લાવી છું, આપણે સાથે એને ન્યાય આપીએ.’ કહીને મેં થર્મોસ ટીપોય પર મૂક્યું. નીલમ હસી પડી. એને મળ્યા પછી એ પહેલીવાર જરા હસી હતી એ મેં નોંધ્યું. એ હસે ત્યારે છે એનાથીયે વધારે ખૂબસૂરત લાગે છે, વલય ખરો લકી છે, મને આ બંનેની જરા જરા ઈર્ષ્યા વારંવાર થાય છે.
કૉફી પીતા પીતા એ ફરી અન્યમનસ્ક થઈ ગયેલી જણાઈ રહી હતી. આથી ઊભા થઈ એની પાસે એના ખભે હાથ મૂકી મેં કહ્યું, ‘વલય પણ તને આવી જ રીતે યાદ કર્યા કરતો હોય છે, નીલમ. તને યાદ કરતાં કરતાં એને પણ મેં આમ જ અન્યમનસ્ક થઈ જતો જોયો છે. તમારી બંનેની ચાહના જેટલી ઉત્કટ છે એટલી જ બળકટ પણ છે.’ જરા અટકીને પૂરા ઉત્સાહથી હું આગળ બોલી, ‘નીલમ, મેં વલયને કહ્યું કે તું આવી છે તો એ તો આનંદથી નાચવા લાગ્યો હતો, કહેતો હતો કે, જોયું ને? હું નહોતો કહેતો? નીલુ એમ મને ભૂલી જાય એવી નથી. રાતદિવસ મેં એની રાહજ જોયા કરી છે. ને જો, જો, મારી નીલુએ મારા ભરોસાને હારવા નથી દીધો. ખૂબ ગ્રેઈટ છે મારી નીલુ.- કહેતાં એ ખૂબ હરખાયો હતો.’
અધખૂલા દરવાજા બહાર કોઈ પ્યુનનો પગરવ સંભળાયો હશે અથવા બારીમાંથી આવતા પવનના સૂસવાટાએ સાડીનો છેડો ફરી છંછેડી લીધો હશે, એટલે નીલમે ફરી પાલવને કવર-અપ કરી લીધો. ઊભી થઈ, સ્વસ્થ દેખાવાના નિષ્ફળ પ્રયત્ન કરવા માંડી.
એની વ્યાકુળતાને જોઈ મને થયું કે મારે જ કંઈક વાત બદલવી જોઈશે એમ વિચારી હું બોલી, ‘તારે કાલે જ ગાંધીનગર જવાનું છે? થોડો વધુ સમય… એટલે મને એમ કે આટલા વરસે વતનમાં આવી છો, તો સરકારી કામકાજની સાથે આપણાં અંગત સંબંધો સાચવવાના કામકાજ પણ થઈ શકે ને? નીલમ, ઘેર જઈ આવી? ભાઈ-ભાભી મળ્યા?’
‘વસુધા, મેથીના ખાખરા તો તેં હંસા કાકી જેવા જ ટેસ્ટી બનાવ્યા છે. સમય રહેશે તો થોડા સાથે લઈ જઈશ. ત્યાં જઈ યાદ કરતી જઈશ અને ખાતી રહીશ, ખરું ને?’ એ કૃતક હાસ્ય ચહેરા પર લીંપવા મથી. આજે એ મારી વાતોને આમ કેમ ઉડાવી દેતી હતી એ મને ન સમજાયું.
‘નીલમ અહીંથી ત્યાં લઈ જવા જેવું તો ઘણું બધું છે… પણ હા, ત્યાં જઈને અમને ભૂલી ન જવાની હો તો, બોલ તો જરા, અહીંથી બીજું શું શું લેવા માટે તું આવી પહોંચી છે?’ મારો ઈશારો ફરી વલય તરફ જઈ રહ્યો હતો એ તરત સમજી ગઈ.
સરકિટ હાઉસના એના આખાયે રૂમમાં થોડી ક્ષણો સુધી મૌનની દીવાલો પડઘાતી રહી. એ નિરવતાને તોડવા માટે નીલમના મોબાઈલમાં રીંગ વાગી. એણે ફોન ઉઠાવ્યો.
‘બોલો… કેમ? … શું થયું? …એ નો એ જ પ્રોબ્લેમ?.. ચાલે તો ચલાવી લો, પ્લીઝ, કેમ કે હું કાલે જ પરત પહોંચી શકું એમ છું… હેં? ના હું એવું નથી કહેતી… પણ મારી વાત તો જરા સાંભળો.. મારો ઈરાદો એવો નથી… આજે બપોર પછી મારે અહીં કમિશનર સાથે અગત્યની મીટિંગ છે… સાંજે નીકળી જાઉં? કહો તો… પણ આવી જીદ?… ઓ.કે., ભલે… ભલે હું હમણાં જ ગાડી લઈ નીકળી જાઉં છું… અરે હા, ખરેખર અત્યારે જ આવું છું.’
ફોન પૂરો થયા પછી પણ નીલમના ચહેરા પર પસીનો હતો. બારણામાંથી આવતા પવનોએ એની ગરદન ફરી ખુલ્લી કરી નાખી હતી, છતાંયે કોણ જાણે કેમ, આ વખતે એણે સાડીને કવર-અપ કરવાની બહુ ઉતાવળ ન કરી.
મારાથી ફરી પુછાય જ ગયું, ‘તારે કમિશનરને મળવાનું છે?? ખરેખર?’
‘હા, પણ હવે નહીં મળી શકાય. મારે એ મીટિંગ કેન્સલ કરીને તાત્કાલિક નીકળી જવું પડશે. જાત પર ગુસ્સો આવતો હોય એવા લાપરવાહ સ્વરોમાં એ બોલી.
આવેશભર્યા અવાજે મેં કહ્યું, ‘જેને તું મળવા આવી છે એને જ નહીં મળે? અરે, તારો વલય જ તો અહીં કમિશનર થઈ બેઠો છે, નીલમ તારો વલય…’
એક ક્ષણ તેની આંખોમાં કંઈક ચમક્યું પણ ફરી પાછી બોલી, ‘વસુધા, પ્લીઝ મને વધુ ન શરમાવ મારી બહેન. તું જુએ છે ને કે હું વલયની સામે નજર મેળવી શકવાની તાકાત પણ ખોઈ બેઠી છું. હું એને નહીં મળી શકું.’
અત્યાર સુધીમાં હું એની બધી જ વાતોને પામી ગઈ હતી. મારા મનમાં જરા રોષ ઊપજ્યો, ‘એટલે? સાચું કહે નીલમ, તારામાં ખરેખર વલય સામે નજર મેળવી શકવાની હિંમત નથી કે પછી તું એક અપરાધી તરીકે વલયને મળીને એની માફી માગવાની તારી જવાબદારીમાંથી છટકી જવા માગે છે? કમ સે કમ ‘સોરી’ કહીને એને મુક્ત કરવાની તારી ફરજ નથી શું?’
‘સંજોગોએ મને ક્યારેય કોઈને ‘સોરી’ કહેવાની તક જ નથી આપી ને, એટલે જ આમ અળખામણી…’ બોલતાં નીલમે એના કપડા ભરેલ પોર્ટફોલિયાની ઝીપ બંધ કરી અને છેલ્લી વાર પાલવને કવર-અપ કરી ઊભી થઈ.
મને થયું કે મારે હવે જલદીધી અહીંથી ભાગી છૂટવું જોઈએ. મને ડર હતો કે હું વલયને શું જવાબ આપીશ. મેં વલયને બહાર મેદાનમાં જ ઊભા રહેવાની સૂચના આપી હતી, ને હું એકલી અંદર આવી હતી. મારે નીલમને જરા પજવવી હતી. પછી એની તરફડતી ચાહતને મિલનનો આખરી સુખદ અંજામ આપવાનો પ્લાન હતો. વલય પણ કેટલો ખુશ હતો.
ઓહ… નીલમના રૂમમાંથી બહાર નીકળતાં જ છાતી પર મણમણના વજન ધરબાઈ ગયા. વલયને શું કહીશ? એના પર શું વીતશે? મને કશુંય સમજાતું નહોતું.
બહાર નીકળી જોયું તો ક્યાંય વલય દેખાયો નહીં. એની ગાડીના ડ્રાઈવરને પૂછતાં તેણે બહાર હાઈવે તરફ ગયા હોવાનો સંકેત કર્યો. હું રસ્તા પર દોડી આવી. બહાર હજીય ધોમધખતો તાપ પડી રહ્યો હતો.
ડિવાઈડરના દૂરના છેડે રેલિંગ પકડીને વલય ઊભો હતો. હું તેની નજીક પહોંચી ગઈ. મને જોઈને એણે પૂછયું, ‘કયાં છે મારી નીલુ? વસુધા, બસ હવે બહુ થયું. મને મારી નીલુ આપી દે. મને આમ પજવવામાં તને શો આનંદ આવે છે?’
આંસુઓને સંતાડતી પાંપણો ઝુકાવીને મેં કહ્યું, ‘સોરી વલય, હું તો તને… તને સાવ એમ જ… અમસ્તાં જ… જરા એપ્રિલફુલ બનાવતી હતી. મેં સાવ ખોટું કહી તારી મજાક કરી હતી. પણ ચિંતા ન કર, આજે નહીં તો કાલે તારી નીલુએ તારી પાસે જરૂર આવવું જ પડશે, વલય, હું સાચું કહું છું. એણે આવવું જ પડશે… ત્યાં સુધી… હું છું ને? વલય, એક વાત કહું??… તું મને તારી નીલુ ન બનાવી શકે??’
એના આઘાતને ઊગતો જ ડામી દેવાનાં મારા પ્રયત્નો હતા. હું એને આમ માયૂસ થતો કદી ન જોઈ શકું. કદાચ એટલા માટે કે હું નીલમ નહોતી.
એ ઉશ્કેરાઈ ગયો, ‘વસુધા, હું બાળક નથી. હું બધું સમજું છું. મારા પર દયા ખાવાનું રહેવા દે, તું શું મને કોઈ કમજોર માણસ સમજી બેઠી છે? નીલમને મળવાની મારી અધિરાઈને કારણે હું તારા કહ્યા પ્રમાણે બહાર બેસી ન શક્યો ને કમનસીબે અંદર નીલમ સાથે થયેલી તમારી બંનેની વાતો મેં દરવાજે ઊભા રહી સાંભળી લીધી છે.’
એ મારાથી મોં ફેરવી ગયો, કદાચ આંસુ જ છુપાવતો હશે છેવટે તો પુરુષ ખરો ને, પોતાના આંસુ કોઈ જોઈ જાય એવું પુરુષ ક્યારેય પસંદ ન કરે. એ રડતો હોય ત્યારે સમજવું કે એની માંહેનો પુરુષ પોતાની સહનશક્તિનો ભંડાર હારી ચૂક્યો છે.
‘વલય હશે, ભૂલી જા બધું. અઘરું છે છતાં સલાહ આપું છું. પણ તું આમ અહીં કેમ દોેડી આવ્યો?’ મેં કહ્યું.
‘અંદર બધે જ બહુ તડકો લાગતો હતો, એટલે અહીં છાંયડામાં પોરો ખાવા દોડી આવ્યો.’
‘છાંયડો?’ મને અચરજ થયું, ‘વલય, અહીં તો કેટલો સખત તડકો છે, મને તો ક્યાંય છાયો દેખાતો નથી.’
ડિવાઈડરની રેલિંગને ભીના હાથે પકડતા વલય બોલ્યો, ‘તને છાંયો દેખાતો નથી, કેમ કે તને લીમડો પણ દેખાતો નથી…’