મેટિની

ટ્રમ્પના ટૅરિફના વારને ખાળવા મુત્સદ્દીગીરીની જરૂર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

અંતે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર 27 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી. ટ્રમ્પે કરેલી જાહેરાત પ્રમાણે, અમેરિકામાં આવતા તમામ માલ પર 10 ટકા બેઝલાઇન ટેરિફ લાદવામાં આવશે અને આ બેઝલાઇન ટેરિફ 5 એપ્રિલના રોજ રાત્રે 12:01 વાગ્યે લાગુ થશે જ્યારે રેસિપ્રોકલ ટેરિફ 9 એપ્રિલના રોજ રાત્રે 12:01 વાગ્યે લાગુ થશે. મતલબ કે, ભારતના માલ પર લદાયેલા ટેરિફમાંથી 10 ટકા ટેરિફનો અમલ 5 એપ્રિલથી થશે ને 27 ટકાનો અમલ 9 એપ્રિલથી થશે. ટ્રમ્પે વાઇટ હાઉસ રોઝ ગાર્ડનમાં મેક અમેરિકા વેલ્ધી અગેઇન કાર્યક્રમમાં રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી.

ડોનલ્ડ ટ્રમ્પે ગયા મહિને જ એટલે કે 7 માર્ચે જાહેરાત કરેલી કે, 2 એપ્રિલથી અમેરિકામાં ‘પારસ્પરિક ટેરિફ’ લાગુ કરવામાં આવશે.

ટ્રમ્પે સ્પષ્ટતા પણ કરેલી કે, ’પારસ્પરિક ટેરિફ’નો અર્થ એ થાય છે કે ભારત અમેરિકા પર જેટલો પણ ટેરિફ લાદે છે એટલો જ ટેરિફ અમે પણ તેમના પર લાદીશું. 7 માર્ચે ટેરિફની જાહેરાત પછી ટ્રમ્પે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ભારત અમારી પાસેથી ખૂબ ઊંચા ટેરિફ વસૂલ કરે છે. ભારત અમેરિકાના માલ પર 100 ટકા ટેરિફ લાદે છે અને તમે ભારતમાં કોઈ પણ માલ વેચી ના શકો એવી હાલત છે.

ટ્રમ્પ જે પ્રકારની વાતો કરતા હતા એ જોતાં લાગતું હતું કે, અમેરિકા ભારતના માલ પર 100 ટકા ટેરિફ લાદી દેશે પણ તેના બદલે તેમણે 27 ટકા જ ટેરિફ લાદ્યો છે. બીજું એ કે, આ ટેરિફનો અમલ પણ એક સાથે નથી થવાનો પણ બે પાર્ટમાં થવાનો છે.

સંપૂર્ણ 27 ટકા ટેરિફનો અમલ 9 એપ્રિલથી થવાનો છે. તેનો મતલબ એ થયો કે, ટ્રમ્પે ભારત સહિતના દેશોને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. અત્યારે ટ્રમ્પ 10 ટકા ટેરિફનો અમલ કરી રહ્યા છે ને એ રીતે તેમણે પોતે ટેરિફ લાદવા માગે છે એ સ્પષ્ટ કરી દીધું છે. હવે વધારાનો ટેરિફ લદાતો રોકવો હોય તો અમારી શરતો માનો એવો આડકતરો મેસેજ તેમણે આપ્યો છે. જે દેશો અઠવાડિયામાં ટ્રમ્પના પગ પકડી લેશે તેમના પર 9 એપ્રિલથી વધારાના ટેરિફનો અમલ ના થાય એવું પણ બને.

ટ્રમ્પને ભારત પણ પગ પકડી લેશે એવી આશા હશે કેમ કે ટ્રમ્પ પહેલાં જ કહી ચૂક્યા છે કે, ભારત હવે તેના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા માગે છે કારણ કે અમે તેનાં દુષ્કૃત્યોનો પર્દાફાશ કરી રહ્યા છીએ. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ભારતે અમેરિકન ઉત્પાદનો પર ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

ટ્રમ્પે એવું પણ કહેલું કે, ઘણા દેશો તેમના ટેરિફ ઘટાડશે કારણ કે તેમને ખ્યાલ છે કે તેઓ અમેરિકા સાથે ખોટા હતા. યુરોપિયન યુનિયન પહેલાંથી જ ટેરિફ ઘટાડીને 2.5 ટકા કરી ચૂક્યું છે અને મને તાજેતરમાં ખબર પડી કે ભારત પણ તેના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા જઈ રહ્યું છે.

ભારત સરકારે ત્યારે આ દાવાને ફગાવી દીધો હતો. ભારતીય વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે સંસદીય પેનલને જણાવ્યું હતું કે ભારતે અમેરિકા સાથે ટેરિફ ઘટાડવા માટે કોઈ વચન આપ્યું નથી.

ભારત અને અમેરિકા વચ્ચે હજુ પણ વાતચીત ચાલી રહી છે અને હજુ સુધી કોઈ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. બર્થવાલે કહ્યું હતું કે ટ્રમ્પના દાવાઓ અને મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરી શકાય નહીં. કોઈપણ વેપાર વાટાઘાટોમાં ભારતનાં હિતોને સંપૂર્ણપણે ધ્યાનમાં લેવામાં આવશે.

ટ્રમ્પની વાત પર વિશ્વાસ ન કરી શકાય તો મોદી સરકારની વાત પર પણ વિશ્વાસ ન કરી શકાય કેમ કે જૂઠું બોલવામાં આ સરકાર પણ કોઈને પહોંચવા દે તેમ નથી. જો કે આપણા માટે એ મુદ્દો બહુ મહત્ત્વનો નથી. આપણા માટે મહત્ત્વની વાત એ જ છે કે, ભારત સરકારે એ વખતે ટેરિફ ઘટાડ્યા નહોતા. માનો કે, કોઈ વચન આપ્યું હોય તો પણ તેનો બહુ અર્થ નથી. ભારત સરકારે ટ્રમ્પને ટેરિફ નહીં લાદવા વચન આપ્યું હશે પણ ટ્રમ્પે ટેરિફ લાદી દીધા પછી ભારત પણ એ વચન પાળવા બંધાયેલું નથી.

ભારત માટે હવે મોટો સવાલ ટેરિફની અસરોને ખાળવાનો છે. મીડિયાનો એક વર્ગ મોદી સરકારને ખુશ કરવા માટે ટેરિફની બહુ અસર ના થઈ એવી વાતો ચલાવે છે. આ વાતો ખોટી છે અને ગેરમાર્ગે દોરનારી છે કેમ કે ભારતનું અર્થતંત્ર એવું ખમતીધર છે જ નહીં કે આ પ્રકારના આંચકાઓને પચાવી શકે. જે દેશ કોઈ પણ ઉત્પાદન માટેના કાચા માલ માટે પણ બીજા દેશ પર નિર્ભર હોય એ દેશ આવી વાતો કરે એ મિથ્યાભિમાન કહેવાય. આ મિથ્યાભિમાન દેશ માટે ઘાતક છે તેથી બહાર ભલે આ પ્રકારની વાતો કરાય પણ મોદી સરકારે ટેરિફની અસરોને ખાળવા માટે શું કરવું એ માટે ગંભીરતાથી વિચારવું જ પડે. ટેરિફના કારણે ભારતની નિકાસને અસર થશે તેમાં મીનમેખ નથી. નિકાસને અસર થાય એટલે રોજગારીને અસર થાય કેમ કે વિદેશમાં ઓછો માલ ખપે એટલે ભારતમાં ઉત્પાદન ઘટે. નિકાસ ઘટે એટલે વિદેશી હૂંડિયામણ ઘટે ને વિદેશી હૂંડિયામણ ઘટે એટલે રૂપિયો ગગડવા માંડે. રૂપિયો ગગડે એટલે ક્રુડ ઓઈલ સહિતની ચીજો ખરીદવા વધારે રૂપિયા ખર્ચવા પડે ને સરવાળે બધો ભાર ક્ધયાની કેડ પર આવે. મતલબ કે સામાન્ય લોકોએ તેની કિંમત ચૂકવવી પડે કેમ કે મોંઘવારી વધે.

આ વિષચક્રને રોકવા માટે મોદી સરકારે પગલાં લેવાં જરૂરી છે. તેના માટે અમેરિકાના માલ પર ટેરિફ ઘટાડવાનાં પગલાં લેવાં પડે તો એ પણ લેવાં જોઈએ. તેના કારણે ભારતની કંપનીઓને નુકસાન થાય પણ આ નુકસાન કઈ રીતે ઓછામાં ઓછું થાય એ જોવું જોઈએ. અસલી મુત્સદ્દીગીરી તેમાં જ છે.

આપણ વાંચો:  ઉકરડો આપમેળે બને, બગીચાને બનાવવો પડે…

બીજો રસ્તો બીજા દેશો તરફ નિકાસને વાળવાનો છે. અમેરિકાના ટેરિફથી બધા ત્રસ્ત છે તેથી બીજા દેસોને પોતાનો માલ ખપાવવા બજારની જરૂર છે જ. ભારત એ બજાર આપે ને સામે ભારતનો માલ ખપે એવાં બજાર મળે તો બધાંનાં હિતો સચવાશે ને ટેરિફના વારને ખાળી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button