દિલીપ કુમાર મારા માટે બે કલાક વહેલા આવતા
જોની વોકર શૂટિંગમાંથી વહેલા પરવારી પરિવાર માટે સમય ફાળવી શકે એ માટે ટ્રેજેડી કિંગે પોતાનો શૂટિંગ સમય બદલાવી નાખ્યો હતો
(ડાબેથી) ‘મધુમતી’ માટે ફિલ્મફેર એવોર્ડ અને દિલીપ કુમાર સાથે ‘નયા દૌર’માં
ફલેશ બેક – હેન્રી શાસ્ત્રી
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દિલીપ-દેવ-રાજનો દબદબો હતો એ સમયકાળમાં ઊંચા દરજ્જાના કોમેડિયન તરીકે ઠસ્સો ઉમટાવનાર બદરૂદ્દીન કાઝી ઉર્ફે જોની વોકરને અભિનયના બેતાજ બાદશાહ દિલીપ કુમાર સાથે ખૂબ મનમેળ હતો. દેવ આનંદ સાથે તેમને ફાવે એવું હતું નહીં અને રાજ કપૂર સાથે કામ કરવાની તક ક્યારેય મળી નહીં. દિલીપ કુમાર સાથે આઠેક ફિલ્મ કરનાર કોમેડિયન કલાકારને તેમની સાથેની ‘મધુમતી’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પહેલો ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો હતો. લાંબી કારકિર્દીમાં અનેક કલાકાર સાથે પડદા પર જોવા મળનારા જોની વોકર સાહેબના નામ સાથે ૧૯૮૩માં પ્રકાશિત થયેલા લેખમાં દિલીપ કુમાર સાથેની કેટલીક એવી વાતો કરી છે જે યુસુફભાઈના સ્વભાવનો તો પરિચય આપે જ છે, સાથે સાથે એ સમયના વાતાવરણની પણ ઓળખ કરાવે છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મના મશહૂર કોમેડિયનની કહાની એમના જ શબ્દોમાં.
મને એ વાતનો ગર્વ છે કે મારા સમયના મોટાભાગના પ્રભાવશાળી કલાકારો સાથે કામ કર્યું. દરેકે દરેક જણે મને સ્નેહ અને આદર આપ્યા. નથી મારે કોઈ સાથે વાંધાવચકા પડ્યા કે નથી કોઈએ મારી વિરુદ્ધ ફરિયાદ કરી. ૧૯૫૦-૬૦ના દાયકામાં હીરો સિવાયના અનેક કલાકાર યુસુફભાઈ (દિલીપ કુમાર)સાથે કામ કરવા ઉત્સુક રહેતા. હું પણ આમાં અપવાદ નહોતો. અમે આઠેક ફિલ્મમાં સાથે કામ કર્યું. તમે એમની ફિલ્મોની યાદી જોશો તો તમને એ નાની લાગે, પણ તેમની ફિલ્મોની રિલીઝમાં ત્રણ વર્ષનું અંતર રહેતું એ જોતા તેમની ફિલ્મોની સંખ્યા ઓછી તો નથી જ. યુસુફભાઈ સાથે હું ‘દિલ દિયા દર્દ લિયા’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે પ્રથમ સંતાન (પુત્રી)નો જન્મ થયો હતો. એ સમયે હું અત્યંત વ્યસ્ત રહેતો હતો. કામ એટલું બધું હતું કે બે શિફ્ટ કરવી પડતી હતી. પહેલી શિફ્ટ સવારથી સાંજ સુધી ચાલતી અને પછી હું નાઈટ શિફ્ટમાં કામ કરતો. મારાં લગ્ન નહોતાં ત્યાં સુધી બે શિફ્ટમાં કામ કરવાને કારણે કોઈ સમસ્યા નહોતી, પણ શાદી થયા પછી સમીકરણો બદલાઈ ગયાં. પરિવાર માટે પણ થોડો સમય ફાળવવો જરૂરી હતો. દીકરીનો જન્મ થતા મારી ખુશીની કોઈ સીમા ન રહી, પણ દીકરી સાથે મસ્તી કરવાનો, એને રમાડવાનો, એને ખોળામાં બેસાડવાનો સમય જ મારી પાસે નહોતો. સવારે હું શૂટિંગ માટે નીકળતો ત્યારે એ સૂતી હોય અને અને ઘરે મોડો પાછો ફરું ત્યારે પણ એ ઊંઘી ગઈ હોય. પાંચ-છ મહિનાની થઈ અને લોકોને ઓળખવા લાગી ત્યારે હું બોલાવું તો મારી પાસે આવતી જ નહીં. ઊલટાનું મને જોઈ રડવા લાગતી. મને બહુ દુ:ખ થયું અને કામના અતિરેકમાં હું મારી દીકરી પ્રત્યે જ બેદરકાર રહ્યો અને એને માટે અજાણી વ્યક્તિ બની ગયો. આ વાતની મને બહુ પીડા થઈ. બસ, મેં નક્કી કરી લીધું કે હું સાંજે સાડા છ પછી કામ નહીં કરું અને દર રવિવારે રજા પાડીશ. મારા આ નિર્ણયની જાણ મેં મારા બધા નિર્માતાને કરી અને એ પ્રમાણે મારા કામનું સમય પત્રક બનાવવા જણાવી દીધું.
આ નિયમ અમલમાં આવ્યા પછી એક દિવસ હું સવારે કારદાર સ્ટુડિયો પહોંચ્યો જ્યાં દિલીપ કુમાર સાથે મારે ‘દિલ દિયા દર્દ લિયા’નું શૂટિંગ કરવાનું હતું. એ દિવસોમાં દિલીપ કુમારનો નિયમ હતો સાંજે ચારની આસપાસ શૂટિંગ પર આવવાનો. એ દિવસે પણ ચાર વાગ્યે આવ્યા. સાંજે સાડા છએ મેં નીકળવાની તૈયારી કરી ત્યારે મારે કોઈ કામ હોવાથી હું નીકળી રહ્યો છું એમ તેમણે ધારી લીધું. બીજે દિવસે પણ મેં એ જ પ્રમાણે કર્યું. દિલીપ કુમારને બહુ નવાઈ લાગી, કારણ કે અમારા સાથે જે સીન હતા એનું શૂટિંગ બાકી હતું. તેમના ચહેરા પર પ્રશ્ર્નાર્થ જોઈ વહેલા નીકળી જવાનું મારું કારણ મેં તેમને સમજાવ્યું અને મને એ વાતનો આનંદ થયો કે પરિવારને પ્રાધાન્ય આપવાની મારી વાત તેમને બહુ ગમી ગઈ. એ જ દિવસે અમારા જે સીન સાથે શૂટ કરવાના હોય એ વહેલા પતાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું. તમે નહીં માનો, પણ બીજે દિવસથી દિલીપ કુમાર બપોરે બે વાગ્યે આવવા લાગ્યા. નિયત સમય કરતા બે કલાક વહેલા. બદલાયેલા સમયનો લાભ એ થયો કે સાડા છ સુધીમાં અમારા સીનનું શૂટિંગ થઈ જતું અને હું સમયસર ઘરે પહોંચી પરિવાર સાથે સમય વિતાવી શકતો હતો. અમારી વચ્ચે કાયમ બંધુભાવ-સ્નેહ ભાવ રહ્યો. બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે દિલીપ કુમારે મને ‘ગંગા જમના’માં એક મહત્ત્વનો રોલ ઓફર કર્યો હતો, પણ અન્ય ફિલ્મમાં વ્યસ્ત હોવાને કારણે તેમને જોઈતો સમય ફાળવવો મારા માટે શક્ય ન હોવાથી એક ગ્રેટ ફિલ્મમાં કામ કરવાનો ચાન્સ મારે જતો કરવો પડ્યો હતો. તેમની સાથે ‘મધુમતી’માં કામ કર્યું ત્યારે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ચોપડા સાહેબની ‘નયા દૌર’માં પણ યુસુફભાઈ સાથે કામ કરવાની મજા આવી.
કામમાં ચોકસાઈ અને ચીવટ દિલીપ કુમારના ટ્રેડ માર્ક હતા. ફિલ્મો જ નહીં તેઓ જે પણ કામ કરતા એ આયોજનબદ્ધ અને ક્ષતિરહિત રહેતું. એમના જેવી ચીવટ નહીં ધરાવતા લોકોને તકલીફ થતી એમની સાથે કામ કરવામાં. ફિલ્મના શૂટિંગ સિવાય વાત કરું તો તેમના કાવ્ય સંમેલન કે મુશાયરામાં તેમ જ તેમના દ્વારા આયોજિત ક્રિકેટ મેચ કે સ્ટેજ શોમાં મારો સહભાગ રહ્યો છે. કોઈ પણ કાર્યક્રમ હોય, એના એક મહિના પહેલા એના વિશે વિચાર કરવા લાગે. પોતે કેવું અને કેટલું યોગદાન આપી શકે એમ છે એના પર ધ્યાન આપે. રાજ-દિલીપ-દેવની ત્રિપુટીમાં મને દિલીપ કુમાર સાથે જ ફાવ્યું અને એમની પાસેથી ઘણું શીખવા મળ્યું અને ભરપૂર સહકાર મળ્યો. (ક્રમશ:)