મેટિની

રીલ ને રિયલ લાઈફના દેવદાસ

આજે એમની પુણ્યતિથિ છે

હેન્રી શાસ્ત્રી

ભારતમાં બોલપટનો દોર શરૂ થયો હિન્દી ફિલ્મ ‘આલમ આરા’ (૧૯૩૧)થી એ હકીકત છે, પણ ભારતીય ચિત્રપટ સૃષ્ટિમાં બંગાળી ફિલ્મોને પહેલા લોકપ્રિયતા મળી.

એમાં ‘આલમ આરા’ રિલીઝ થવા પૂર્વે કલકત્તામાં બી. એન. સરકારે સ્થાપેલી ‘ન્યુ થિયેટર્સ’ કંપનીનો મહત્તમ ફાળો હતો. ૧૯૩૦ના દાયકામાં કંપનીની જે કેટલીક ફિલ્મો ખાસ્સી લોકપ્રિય થઈ એમાં એક હતી ‘દેવદાસ’.

શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની અજરામર નવલકથા પરથી બનેલી આ ફિલ્મની પટકથા, એનું દિગ્દર્શન અને દેવદાસનો મેન રોલ એમ ત્રિવિધ જવાબદારી પ્રમથેશ ચંદ્ર બરુઆ -પી. સી. બરુઆએ સુપેરે નિભાવી હતી.

રાજવી પરિવારમાં જન્મેલા પણ દરબારમાં સિંહાસન પર બિરાજવાને બદલે સ્ટુડિયોમાં ડિરેક્ટરની ખુરશીને પ્રાધાન્ય આપી બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિશિષ્ટ યોગદાન આપનારા બરુઆજીની આજે પુણ્યતિથિ છે.

એક મહિના પછી એમના ફિલ્મ- પ્રવાસના પ્રારંભને ૧૦૦ વર્ષ થશે એ નિમિત્તે ‘ઓરિજિનલ દેવદાસ’નું બિરુદ પામનારા વિવિધ પ્રતિભા ધરાવતા પી.સી. બરુઆની કેટલીક રસપ્રદ જાણકારી અહીં ‘મુંબઈ સમાચાર’ના વાચકો માટે…

ઘોડેસવારી અને બંદૂકબાજી શીખી ઉછરેલા પ્રમથેશ બરુઆએ શિક્ષણની અવગણના ન કરી.

૧૯૨૪માં ગ્રેજ્યુએટ થયા પછી બીજા જ વર્ષે યુરોપના પ્રવાસે ગયા. પ્રવાસ દરમિયાન ફ્રેન્ચ ફિલ્મમેકરોથી પ્રભાવિત થયા અને એમનામાં ચિત્રપટ સૃષ્ટિના બીજ રોપાઈ ગયા.

ભારત આવતાવેંત ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયા. ધીરેન્દ્રનાથ ગાંગુલીની ફિલ્મ કંપનીમાં રોકાણ કર્યું, ફિલ્મ નિર્માણનો અભ્યાસ કર્યો અને ફિલ્મોમાં અભિનયનો આરંભ કર્યો.

‘અપરાધી’ (૧૯૩૧)થી એમનું નામ જાણીતું બન્યું, પણ ન્યુ થિયેટર્સની ‘દેવદાસ’ (૧૯૩૫)થી એક કુશળ અદાકાર – દિગ્દર્શક તરીકે એમની ગણના થવા લાગી.

આજે મોટાભાગના લોકોને ‘દેવદાસ’નું નામ પડતા દિલીપ કુમાર અને શાહરુખ ખાનનું સ્મરણ થાય. જોકે, ‘દેવદાસ’ના પ્રથમ બોલપટના એક્ટર – ડિરેક્ટર હતા પી. સી. બરુઆ.

બંગાળીમાં બનેલી ‘દેવદાસ’ જોઈ રાજીના રેડ થઈ ગયેલા શારદબાબુએ પ્રસન્નતાસહ બરુઆને કહ્યું હતું કે ‘એવું માનવાનું મન થાય છે કે
‘દેવદાસ’ લખવા માટે મારો જન્મ થયો હતો અને એનું ફિલ્મ સંસ્કરણ થાય એ માટે તારો જન્મ થયો હતો.’ જૂજ શબ્દોમાં કેવી શાબાશી આપી દીધી.! આ સંસ્કરણ એટલું પ્રભાવી સાબિત થયું કે દેવદાસ અને પી. સી. બરુઆ એકમેકના પર્યાય બની ગયા.

બંગાળી સંસ્કરણને મળેલા અસાધારણ આવકારને પગલે બરુઆએ હિન્દીમાં પણ ‘દેવદાસ’ બનાવી. જોકે, દેવદાસના રોલ કરવાનું એમણે ટાળ્યું અને કુંદનલાલ સાયગલને લીધા, કારણ કે પોતાના શુદ્ધ હિન્દી ઉચ્ચારણ પર એમને ખુદને વિશ્ર્વાસ નહોતો. કર્તા કરતાં કૃતિને મોટી ગણવી એ સંનિષ્ઠ સર્જક્-મેકરનું આગવું લક્ષણ હોય છે.

જોકે, બરૂઆજીને કેવળ ઓરિજીનલ દેવદાસ તરીકે ઓળખવા એ એમની સાથે અન્યાય કર્યો કહેવાય. ક્રિકેટની પરિભાષામાં કહીએ તો ફિલ્મોની દુનિયામાં પી. સી. બરુઆ ‘ઓલ રાઉન્ડર’ હતા.

ફિલ્મ મેકરની ઓરિજીનલ વ્યાખ્યામાં બંધબેસતા હતા.
એમનું યોગદાન જુઓ: એમણે સ્ટોરી લખી છે, સ્ક્રીનપ્લે લખ્યો છે, સિનેમેટોગ્રાફી કરી છે, ફિલ્મના એડિટરની જવાબદારી નિભાવી છે, ફિલ્મનું ડિરેક્શન કર્યું છે અને કેટલીક ફિલ્મોમાં એક્ટિંગ સુધ્ધાં કરી છે. એમના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ બંગાળી ફિલ્મોમાં નામના મેળવનારા કલાકાર – કસબીઓ ઉપરાંત હિન્દી ફિલ્મઉદ્યોગમાં નામના મેળવનારા ગુણીજનોમાં ફિલ્મમેકર બિમલ રોય, ગાયક – સંગીતકાર પંકજ મલિક, ગાયક – અભિનેતા કે. એલ. સાયગલનો સમાવેશ છે. બિમલદાએ આપણને ‘દો બીઘા જમીન’, ‘મધુમતી’ જેવી ફિલ્મો આપી. પંકજ મલિકે એક્ટર તરીકે ‘ડોક્ટર’ ફિલ્મ અને ‘ચલે પવન કી ચાલ’ જેવા અવિસ્મરણીય ગીત આપ્યાં અને કે. એલ. સાયગલએ તો અનેક યાદગાર ગીત આપ્યાં છે.

બંગાળી ફિલ્મમેકરોમાં બરૂઆની ટેલન્ટ વિશે ભિન્ન અભિપ્રાય હતા. સત્યજિત રાય અને મૃણાલ સેનને બરૂઆજીનું ફિલ્મ મેકિંગ પસંદ નહોતું, પણ ઋત્વિક ઘટક એમને બંગાળના જ નહીં, ભારતના સર્વશ્રેષ્ઠ ડિરેક્ટર માનતા હતા.

ગુરુ દત્ત અને રાજ કપૂરને પણ બરૂઆની કાર્યશૈલી પસંદ હતી.
‘ન્યુ થિયેટર્સ’ની બંગાળી ફિલ્મોનો ઝીણવટથી અભ્યાસ કરનાર ડો. શોમા મુખરજીએ પી. સી. બરુઆના વિશિષ્ટ યોગદાનનું ઉદાહરણ આપી વાત કરી છે. મુખરજીનું કહેવું છે કે ‘એમની ૧૯૩૧ની ‘અપરાધી’ ફિલ્મથી આર્ટિફિશ્યલ લાઈટિંગનો ઉપયોગ સ્ટુડિયોમાં કરવાની શરૂઆત થઈ.

ન્યુ થિયેટર્સની ‘મુક્તિ’ ફિલ્મમાં સૌપ્રથમ વાર રવીન્દ્ર સંગીતનો ઉપયોગ થયો. કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોરનાં ગીતો પહેલી વાર ફિલ્મોમાં (મુક્તિ) આવ્યાં. તમે ઘણી ફિલ્મોમાં જોયું હશે કે બાળક રસ્તા પર દોડતો હોય અને દોડતા દોડતા એ યુવાન થઈ જાય. આ ટેક્નિક ‘જમ્પ કટ’ તરીકે ઓળખાય છે અને બરુઆની બંગાળી ફિલ્મ ‘ગૃહદાહ’માં આ ટેકનિકનો પ્રથમ વાર ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ફિલ્મમાં બરુઆજીના સાથી કલાકાર હતા પૃથ્વીરાજ કપૂર અને સિતારા દેવી. ફિલ્મના ક્રેડિટ ટાઇટલ્સમાં ક્રિયેટિવિટીના પ્રથમ દર્શન બરુઆએ બંગાળી ફિલ્મ ‘રજત જયંતી’માં કરાવ્યા, જેમાં ગણેશ, શિવજી અને માનવ આકૃતિઓનો ઉપયોગ કરી ટાઇટલ રજૂ કરવામાં આવ્યા હતા.

ફ્લેશબેકનો ઉપયોગ પણ ‘દેવદાસ’માં પહેલી વાર થયો હતો. હવે તમે જ કહો, આવા ‘ઓલરાઉન્ડર’ને કેવળ દેવદાસ તરીકે ઓળખવા જોઈએ?!’

‘દેવદાસ’ ફિલ્મ બનાવવી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મનગમતી વાત રહી છે. વીસેક કોશિશ થઈ ચુકી છે. ફિલ્મોના અભ્યાસુ આશિષ નંદીએ ‘સ્યુસાઈડલ હીરો’ (જાતને આત્મહત્યા તરફ દોરી જનારો નાયક) બરુઆ વિશે લખ્યું છે કે ‘બરુઆએ દેવદાસનું સર્જન નથી કર્યું – એ ખુદ દેવદાસ હતા. પ્રમથેશના પડદા પરના ચિત્રણની અસર એટલી પ્રભાવશાળી હતી કે એ એમના અંગત જીવનમાં એ ઈમેજ ડોકિયું કરવા લાગી હતી.

અનેક બંગાળી દર્શકોને એમનામાં દેવદાસના દર્શન થવા લાગ્યા હતા.
દેવદાસ એટલે પ્રમથેશ બરુઆ એવું સમીકરણ બની ગયું. ફિલ્મ રિલીઝ થઈ ત્યાં સુધીમાં પ્રમથેશને ખ્યાલ આવી ગયો કે એમને ટીબી થયો છે.

અને રીલ લાઈફના દેવદાસની જેમ રિયલ લાઇફમાં પ્રમથેશને શરાબની બોટલ માટે ખેંચાણ થયું. એ લત એવી લાગી ગઈ કે પડદા પર દેવદાસ જીવંત કર્યા એના ૧૫ વર્ષમાં જ રિયલ લાઈફમાંથી એક્ઝિટ લઈ લીધી.’ જોકે, દારૂની લત માટે વૈવાહિક જીવન નહીં, પણ ટીબીનો રોગ જવાબદાર હતો.’

Also Read – આવો, યાદ કરીએ હૃદયસ્પર્શી સ્વરાંકનના સર્જક સલિલ ચૌધરીને…

એવું કહેવાય છે કે કોઈ વિચારમાં આપણને અફાટ શ્રદ્ધા હોય તો એવું આપણા જીવનમાં પણ બનતું હોય છે. કોઈ વાતચીતમાં કે ઈન્ટરવ્યૂમાં બરૂઆએ કહ્યું હતું કે ‘૫૦ વર્ષથી વધુ જીવવાનો કોઈને અધિકાર નથી.’ આ વિચાર એમના જીવનની હકીકત બની ગયો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ, દામ અને માન મેળવનારા બરૂઆજી ૧૯૫૧માં માત્ર ૪૮ વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button