મેટિની

દેવ આનંદ, સુરૈયા અને ગ્રેગરી પેક એક અનોખો ત્રિકોણ

દિવ્યકાંત પંડ્યા

દેવસાહેબે પોતાની આત્મકથામાં લખ્યું છે કે સુરૈયા જ પ્રથમ પ્રેમ છે

સુરૈયા અને દેવ આનંદનો અધૂરો પ્રેમ જાણીતો છે. દેવ સાહેબને ભારતના ગ્રેગરી પેક કહેવામાં આવતા એ વાત પણ જાણીતી છે. પણ આ બંને ભિન્ન લાગતી બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે એ તમે જાણો છો? શું તમને ખબર છે કે દેવ આનંદને ગ્રેગરી પેક કહેવા પાછળ તેમનો સુરૈયાજી સાથેનો પ્રેમ સંબંધ જવાબદાર છે? ચાલો એક લટાર મારીએ ચાલીસ અને પચાસના એ સૂરીલા અને આનંદસભર દાયકાઓમાં અને જાણીએ જવાબ.

દેવસાહેબ સુરૈયાજી કરતાં ઉંમરમાં છ વર્ષ મોટા. તેમની પહેલી ફિલ્મ ‘વિદ્યા’ વખતે હજુ સુરૈયાજી ૧૯ જ વર્ષનાં હતાં. તેમણે સાથે આઠ ફિલ્મ્સમાં કામ કર્યું છે. એક ફિલ્મના શૂટિંગ વખતે બોટના દ્રશ્યમાં અકસ્માત થતા દેવ સાહેબે સુરૈયાજીને પાણીમાં ડૂબતા બચાવ્યા એ સાથે આ ફિલ્મી સિતારાઓના પ્રણયની શરૂઆત એકદમ ફિલ્મી રીતે જ થઈ. એ વખતે બંનેની ખ્યાતિમાં અનેકગણો ફરક. દેવસાહેબ હજુ સુપરસ્ટાર નહોતા બન્યા, જયારે સુરૈયાજી ગાયિકા અને અભિનેત્રી તરીકે એ વખતમાં વર્ષની આઠ લાખ જેટલી કમાણી કરતાં હતાં. છતાં બંને વચ્ચે ખૂબ ગાઢ પ્રેમ સંબંધ બંધાયો જે અખબારો અને ફિલ્મી મેગેઝિનોમાં અત્યંત મશહૂર થયો. સુરૈયાજી દેવ સાહેબે આપેલી એક નવલકથાના નાયકના નામ પરથી તેમને સ્ટીવ કહેતાં. તો સામે દેવસાહેબને સુરૈયાજીનું નાક ખૂબ સુંદર લાગતું તેથી તેઓ તેમને નોઝી કહીને બોલાવતા. દેવ સાહેબ અને સુરૈયાજી એકબીજા સાથે મજાકમાં ઇટાલિયન એક્સેન્ટવાળું ઈંગ્લિશ બોલતા. સુરૈયાજી દેવ સાહેબને દેવીના તો દેવસાહેબ સુરૈયાજીને સુરૈયાના પણ કહેતા.

પણ તેમના આ મધમીઠાં પ્રણયમાં દેવ આનંદની ‘ગ્રેગરી પેક ઓફ ઇન્ડિયા’ તરીકેની ઓળખ કંઈ રીતે વચ્ચે આવે છે? તો વાત એમ છે કે એ વખતના ખૂબ જાણીતા હોલીવૂડ એક્ટર ગ્રેગરી પેક પર સુરૈયાજીને બહુ મોટો ક્રશ હતો. ૧૯૫૨માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા વખતે સુરૈયાજીએ હોલીવૂડ ડિરેક્ટર ફ્રેન્ક કેપ્રા સાથેની મુલાકાતમાં પોતાની એક તસવીર પર ઓટોગ્રાફ કરીને ગ્રેગરી પેકને આપવા માટે પણ કહ્યું હતું. એક વખત સુરૈયાજીએ દેવસાહેબને તેઓ ગ્રેગરી પેક જેવા દેખાય છે તેમ કહ્યું. સુરૈયાજીએ પાછળથી ઇન્ટરવ્યૂઝમાં એ મજાક હતી એમ પણ કહ્યું છે અને દેવસાહેબ તેમને થોડા ગ્રેગરી પેક જેવા લાગતા એમ પણ કહ્યું છે. હકીકત સુરૈયાજી જાણે, પણ દેવસાહેબ તો આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. તેમણે સુરૈયાજીને રાજી કરવા ગ્રેગરી પેક જેવી થોડી અદાઓ પણ અપનાવી હતી. પછી તો આ વાત સેટ પર અને ત્યાંથી મીડિયા સુધી પહોંચી અને દેવસાહેબને આખા દેશે સર્વાનુમતે ગ્રેગરી પેક ઉપનામ જ આપી દીધું.

ગ્રેગરી પેકવાળો ટેગ એ રીતે દેવસાહેબ સાથે આજીવન લાગી ગયો. ૨૦૧૧માં તેમના મૃત્યુ વખતે શ્રદ્ધાંજલિઓમાં પણ એ દેખાય છે. જોકે આ વિશે દેવસાહેબનો મત જાણવો રસપ્રદ છે. એક ઇન્ટરવ્યૂમાં દેવ સાહેબના ભત્રીજા કેતન આનંદ કહે છે કે ‘દેવસાહેબને આ ટેગ કે લેબલ જરા પણ પસંદ નહોતું. પોતાને મોટા હોલીવૂડ સ્ટાર સાથે સરખાવ્યાનું તેમનું વળગણ બહુ જલ્દી ઓસરી ગયું હતું.’ અને સચ્ચાઈ પણ એ જ છે કે દેવસાહેબની પોતાની સ્ટાઇલ હતી જે પેકથી ખૂબ જ અલગ હતી. તેમના દેખાવમાં પણ કોઈ સામ્ય નહોતું. એટલે બંને વચ્ચેની સમાનતા વાસ્તવિકતાને બદલે ફક્ત જોનારની આંખમાં હતી એમ કહી શકાય. દેવ સાહેબને ગ્રેગરી પેક કહેવા પાછળનું કારણ તેમની સ્ટાઇલ, દેખાવ કે એક્ટિંગના બદલે મનોવૈજ્ઞાનિક વધુ છે. એક વખત દેવસાહેબને ગ્રેગરી પેક કહેવામાં આવ્યા એટલે સૌ સમાનતા પારખીને લેબલ સુધી પહોંચવાને બદલે લેબલથી સમાનતા શોધવામાં લાગી ગયા. દેવસાહેબની ફિલ્મ ‘જ્વેઅલ થીફ’માં તેમણે પહેરેલી હેટ ગ્રેગરી પેકની હેટ જેવી છે એમ કહેવામાં આવ્યું ત્યારે પણ દેવસાહેબને એ વાત નહોતી ગમી. તેમણે કહ્યું કે એ હેટ તો તેમને કોપનહેગનમાં ફરતા ફરતા ગમી ગઈ હતી એટલે ખરીદી હતી. દેવસાહેબ કહેતા કે ‘આઈ ડોન્ટ વોન્ટ ટુ બી નોન એઝ ઈન્ડિયાઝ ગ્રેગરી પેક, આઈ એમ દેવ આનંદ.’

પણ દેવસાહેબ અને સુરૈયાજીના જીવનમાં ગ્રેગરી પેકનો હિસ્સો આટલા સુધી જ સીમિત નથી. ૧૯૫૪માં ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રીલંકામાં પોતાની એક ફિલ્મનું શૂટિંગ કરી રહેલા ગ્રેગરી પેકને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા, પણ તેમની ફ્લાઇટ મોડી પડી અને તેઓ શોના બદલે સીધા ડિનર પાર્ટીમાં પહોંચી શક્યા. ત્યાં તેમને કોઈએ સુરૈયાજીની વાત કરી એટલે ગ્રેગરી પેકે સામેથી તેમને મળવાની તૈયારી દર્શાવી. રાતના સવા અગિયારે સુરૈયાજીના મરીન ડ્રાઇવ સ્થિત ઘરે ડોરબેલ વાગી અને તેમની માતાએ દરવાજો ખોલ્યો. પેકે પૂછ્યું, ‘વ્હેર ઇઝ સુરૈયા, મેડમ?’ અને આંખો ચોળતાં ચોળતાં સુરૈયાજી દરવાજા પાસે આવ્યાં ત્યારે તેઓ અચંબિત રહી ગયાં. એ રાતે બંનેની મુલાકાત કલાકથી વધુ ચાલી હતી. એ મુલાકાતમાં ગ્રેગરી પેકે પેલી ઓટોગ્રાફવાળી તસવીર પોતાના સુધી પહોંચી ગઈ છે ને એ તેમણે પોતાના બેવર્લી હિલ્સના ઘરમાં ટીંગાડી રાખી છે એમ પણ કહ્યું હતું. સુરૈયાજીએ પછીથી કહ્યું હતું કે ‘એ આખી રાત હું સૂઈ નહોતી શકી.’

એવોર્ડ્સ નાઈટમાં દેવ આનંદ પણ ગ્રેગરી પેકને મળ્યા હતા. દેવસાહેબ અને પેક તો જોકે એકથી વધુ વખત મળ્યા છે. ઇટલીમાં મિલાન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પાછા ફરતા રોમમાં દેવ સાહેબે એક ફિલ્મનું શૂટિંગ થતું જોયું અને નજીક ગયા તો ખબર પડી કે એ ગ્રેગરી પેકની ફિલ્મ ‘રોમન હોલીડે’નો સેટ હતો. દેવસાહેબ ત્યાં પહોંચ્યા તો ગ્રેગરી પેક તેમને ઓળખી ગયા અને સામેથી મળવા ગયા. એ પછી ઈંગ્લેન્ડમાં પણ પેકની ‘મોબી ડિક’ ફિલ્મના સેટ પર તેઓ મળ્યા હતા. દેવસાહેબની ક્લાસિક ‘ગાઈડ’ની આંતરરાષ્ટ્રીય આવૃત્તિની તૈયારી વખતે અમેરિકામાં પણ તેઓ મળ્યા હતા. બંને વચ્ચે તેમની સરખામણી વિશે વાતો નીકળતી ત્યારે તેઓ એના પર હસી નાખતા.

ખેર, દેવસાહેબ અને સુરૈયાજીના પ્રેમ સંબંધમાં આગળ શું થયું? તેમની ફિલ્મ ‘જીત’ (૧૯૪૯)ના શૂટિંગ દરમિયાન તેમણે બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કરી લીધું, પણ દેવસાહેબ હિંદુ અને સુરૈયાજી મુસ્લિમ હોવાના કારણે બંનેના પરિવારજનો આ લગ્ન માટે તૈયાર ન થયા. સૌથી મોટો વિરોધ હતો સુરૈયાજીનાં નાનીનો. દેવસાહેબે કોર્ટ મેરેજની વાત કરી પણ સુરૈયાજીએ ડરીને ના પાડી. લગ્ન સંબંધ માટે બંનેએ ખૂબ સંઘર્ષ કર્યો છે જે અલાયદા લેખનો વિષય છે. સુરૈયાજી એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે ‘જો હું આ લગ્ન કરું તો મારો પરિવાર દેવસાહેબને મારી નાખવા સુધી તૈયાર થઈ ગયો હતો એટલે હું વિવશ હતી.’ ૧૯૫૧માં દેવ આનંદ અને સુરૈયાજીના ખૂબસૂરત પ્રેમ સંબંધને ખતમ કરી નાખવામાં આવ્યો. સુરૈયાજીના નાનીની દખલગીરીથી દેવસાહેબ સાથે ફિલ્મ કરવાનું પણ તેમણે બંધ કરી દેવું પડ્યું. અને થોડાં વર્ષો પછી તો તેમણે એક્ટિંગ પણ છોડી દીધી. દેવસાહેબે પછી ૧૯૫૪માં સહ અભિનેત્રી કલ્પના કાર્તિક સાથે લગ્ન કર્યાં, પણ સુરૈયાજી દેવસાહેબના પ્રેમમાં આજીવન અપરિણીત રહ્યાં.

આ કોઈ પ્રણય ત્રિકોણ નહીં, બસ એક અનોખો ત્રિકોણ છે! આ ત્રિકોણનો એક ગજબ યોગાનુયોગ એ પણ છે કે ‘ટેક્સી ડ્રાઇવર’ના સેટ પર દેવ સાહેબે કલ્પના કાર્તિક સાથે ૩ જાન્યુઆરીએ છૂપી રીતે સાદાઈથી લગ્ન કર્યા એના બે જ દિવસ પછી ૫ જાન્યુઆરીએ સુરૈયાજી અને ગ્રેગરી પેકની પેલી એકમાત્ર મુલાકાત થઈ હતી!

લાસ્ટ શોટ
દેવ આનંદની દીકરીનું નામ દેવીના છે!
(મનમાં કંઈ ઝબકારો થયો?)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button