મેટિની

દેવ આનંદ ૭૦ એમએમ, હિરોઈન ૩૫ એમએમ

અનિલ રાવલ

દેવ આનંદ પરદા પર હોય ત્યારે મજાલ છે કોઇની કે એ આજુબાજુ જુએ. દેવ આનંદ પડદા પર કંઈ પણ કરે એ અભિનય હોય. એ એની આગવી વેગીલી ચાલે ચાલે.. હાથમાં સૂકું સાંઠીકડું ઝાલીને સીધી સડક પર આડો ચાલે… કે એકી શ્ર્વાસે સંવાદ બોલે કે આખા પડદા પર અડધી મુંડી હલાવીને આંખ મારે… દેવ આનંદ પડદા પરનો એક અનોખો અદાકાર હતો… ગજબનો કરીશ્માકાર હતો… અને પોતાની અલગ અંદાજની વિશિષ્ટ ચાલ ઢાલ… ઢબછબ અને સ્ટાઇલ બેનમૂન અભિનય કળા બની રહી. એને પરદા પર જોઇને જુવાનિયા અને જુવાનડિયું તો ગાંડા ગાંડા થઈ જાય. કોલેજિયનોનો મંત્ર હતો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. તેઓ ફિલ્મ જોઈને દેવ આનંદની સ્ટાઇલમાં સંવાદો બોલે… એની સ્ટાઈલના કપડાં સીવડાવે. કદાચ આવો જાદુ અન્ય કોઈ ફિલ્મ કલાકાર પાસે ન હતો. દેવ આનંદનો આ કરીશ્મા માત્ર લોકો પર જ ન હતો… એની સાથે કામ કરનારી કે કામ કરવા માગતી-ઝંખતી હિરોઇનોમાં પણ હતો… અને એ જાદુ… એ ચાર્મ છેલ્લે સુધી અકબંધ રહ્યો. દેવ આનંદ આપણી ફિલ્મ અભિનેત્રીઓમાં પણ ગજબનાક લોકપ્રિય હતો.

દેવ આનંદે એની લાંબી અભિનયયાત્રા દરમિયાન ખુરશીદથી લઇને ટીના મુનીમ સુધી કુલ ૩૬ હિરોઈન સાથે કામ કર્યું હતું. દેવ અને એની ‘દેવીયો’ વિશે નિ:સંકોચપણે કહી શકાય કે ‘દેવ આનંદ ૭૦ એમએમ અને હિરોઈન ૩૫ એમએમ’. દેવસાબના જાજરમાન વ્યક્તિત્વનું આ પ્રતિબિંબ છે. ખેર, દેવ આનંદ સાથે પડદા પર ચમકેલી અભિનેત્રીઓના નામ વાંચો. ખુરશીદ, કામિની કૌશલ, સુરૈયા (સુરૈયાનું નામ વાંચીને દેવ આનંદ સાથેના એના મીઠા સંબંધની વાતો યાદ આવી ગઇને), મધુબાલા, વહીદા રહેમાન, વૈજયંતી માલા, નૂતન, નરગીસ, નલિની જયવંત, નિમ્મી, ગીતા બાલી, મીના કુમારી, ઉષા કિરણ, કલ્પના કાર્તિક, સુચિત્રા સેન, શીલા રામાણી, શકીલા, માલા સિંહા, સાધના, નંદા, આશા પારેખ, હેમા માલિની, મુમતાઝ, ઝીનત અમાન, કલ્પના, તનુજા, ઝાહિદા, રાખી, ટીના મુનીમ, સાયરાબાનુ, શર્મિલા ટાગોર, સિમ્મી, પરવીન બાબી, શબાના આઝમી, યોગીતા બાલી અને ફરીદા જલાલ. આમાંથી ખુરશીદથી લઇને ટીના મુનીમ સુધીની હિરોઈન સાથે એણે એક કરતાં વધુ ફિલ્મો કરી… જ્યારે સાયરાબાનુથી માંડીને ફરીદા સુધીની અભિનેત્રીઓ સાથે એમણે માત્ર એક ફિલ્મમાં કામ કર્યું. પણ આ તમામનો એવરગ્રીન દેવ આનંદ માટે એક જ સૂર: દેવ સાહેબના વર્તાવમાં ક્યારેય કોઇ છીછરાપણું નહીં.

દેવ આનંદ સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચુકેલી વહીદા રહેમાને એકવાર કહેલું કે ‘રંગીન મિજાજના દેવ આનંદ ફ્લર્ટ કરે, પણ એમાં કોઈ વલ્ગારિટી નહીં. એ ખભા પર હાથ મૂકીને વાત કરે. બાકી તો પુરુષ હાથ મિલાવે ત્યાં જ એના ઇરાદાની ખબર પડી જાય.’ વહીદાએ દેવ આનંદ સાથે લગભગ સાતેક ફિલ્મો કરી. એટલે બંને વચ્ચે એક અલગ જ ટ્યુનિંગ હોય એ સ્વાભાવિક છે. વહીદા રહેમાને એની પહેલી ફિલ્મ ‘સીઆઇડી’ દેવ આનંદ સાથે કરી. એ ખુદ દેવ આનંદ અને મધુબાલાની જબરી ચાહક, એટલે સીઆઇડી વખતે વહીદામાં એક્સાઇટમેન્ટ અને નર્વસનેસ હતા, પણ દેવ આનંદે એને કમ્ફર્ટ લેવલ પર લાવી દીધી હતી. વહીદા રહેમાનને દેવ આનંદની એનર્જી અને નમ્રતા હંમેશ માટે યાદ રહી ગયા હતા. વહીદા રહેમાને કહેલી દેવ આનંદના ફ્લર્ટની વાતને સાદી ભાષામાં કહીએ તો દેવ આનંદ ઇશ્ક લડાવે તો એમાં કોઈ પણ જાતની બીભત્સતા નહીં, એમની નજર ચોખ્ખી.

ફિલ્મલાઈનમાં કોઈ અભિનેતા માટે કહેવાયેલી આ વાત ઘણું બધું કહી જાય છે. કદાચ એટલે દેવ આનંદના પોતાના બહોળા ચાહકોમાં હિરોઇનોની મોટી સંખ્યા છે. હા, વહીદા રહેમાન દેવ આનંદની ફેવરિટ હિરોઈન હતી. અને એટલે તો દેવ આનંદે પોતાના ડાયરેક્શન હેઠળની પહેલી ફિલ્મ ‘પ્રેમ પૂજારી’માં વહીદાને ભૂમિકા આપી હતી.

દેવ આનંદ સાથે ‘જ્વેલ થીફ’ જેવી હિટ ફિલ્મ કરનારી ખ્યાતનામ અભિનેત્રી વૈજયંતી માલા દેવ આનંદ માટે કહેલું: ‘દેવ સાહેબ ફુલ ઓફ એનર્જી. વિશાળ વાંચન, હેન્ડસમ, ઓલવેય્ઝ સ્માઇલિંગ ફેસ, કોઇ જાતની આછકલાઇ નહીં… વેલ મેનર્ડ. ‘જ્વેલ થીફ’ના છેલ્લા સોન્ગ – ‘હોઠોં મેં ઐસી બાત’ના શૂટિંગ વખતે મને એનર્જીની જરૂર હતી… રીહર્સલ કર્યા હોવા છતાં થકવી નાખતો ડાન્સ અને લાંબું ગીત, પણ દેવ સાહેબે ખૂબ પ્રોત્સાહિત કરી, બહુ એનર્જી આપી. ગીતનું શૂટિંગ પૂરું થયું એટલે પહેલી તાળી એમણે પાડી. એમની એનર્જી અને મારી મહેનત રંગ લાવી. ફિલ્મ જેટલું જ ગીત સુપરડુપર હિટ થયું.

વૈજયંતી માલાએ દેવ આનંદની બીજી એક ખાસિયતની વાત પણ કરી હતી. દેવ આનંદ કેમેરા એન્ગલની ખાસ ચીવટ રાખતા. પોતાના ગમતા એન્ગલથી પોતે પડદા પર દેખાય એનો એમને બહુ આનંદ મળતો.

વૈજયંતી માલાએ દેવ આનંદની આ ખૂબીને પકડી પાડી હતી. દેવ આનંદ પોતાના પર ઓળઘોળ હતો… એ ખુદને ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન બેહદ ચાહતો… અને પોતાના પ્રેમમાં હોવું એમાં ખોટું શું છે. માણસે સૌથી પહેલા ખુદને ચાહવું જોઇએ. જે ખુદને ચાહે એ જ બીજાને ચાહી શકે.

દેવ આનંદ પડદા પર જીવતા પાત્ર જેવો જ બહાર હતો… એ જ ફિલ્મી સ્ટાઇલ, ફિલ્મી કપડાં, ફિલ્મી ચશ્માં અને ઝડપી ચાલ. એવું કહેવાય છે કે દેવ આનંદ એની ઓફિસે જાય તો શુટિંગમાં જતો હોય એ રીતે જ જતો. એ વર્તમાનમાં જીવતો. ફિલ્મ પૂરી થયા પછી હિટ થઈ તો બેહદ ખુશી નહીં અને ફ્લોપ ગઈ તો નાખુશી નહીં… તરત જ બીજી વાર્તા પર કામ ચાલુ કરી દેવાનું અને દર વખતે સારા વિષય સાથે ફિલ્મ બનાવવાની. એકવાર કોઇ પત્રકારે એની ફ્લોપ ફિલ્મની વાત છેડી… એણે કહ્યું: ‘વો કલ કી બાત થી… અબ મૈં ક્યા કરને જા રહા હું ઇસ કી બાત કરેં?’ આ ખુમારી હતી દેવ આનંદની. થાકવાનું નહીં, હારવાનું નહીં. સદાય હસતા રહેવાનું.

માલા સિંહાને એનું મિલિયન ડૉલર સ્માઇલ બહુ ગમતું. એ ફીદા હતી એના સ્માઇલ પર. માલા સિંહાએ કહેલું કે ‘દેવ આનંદ ખરા અર્થમાં રોમેન્ટિક હીરો હતા. એમણે ક્યારેય સાથે કામ કરતી હિરોઈન સાથે બેહૂદું વર્તન કર્યાનું યાદ નથી… કોઇએ એવી ફરિયાદ નથી કરી. સેટ પર કે બહાર એમણે ક્યારેય વલ્ગર કમેન્ટ કરી નથી. એમની સાથેની મારી પહેલી ફિલ્મ ‘લવ મેરેજ’ વખતે હું એમને મળી. હાથ મિલાવતાની સાથે એમણે મારી ‘પ્યાસા’ અને ‘ફિર સુબહ હોગી’ ફિલ્મમાં મારા અભિનયની પ્રશંસા કરી. મને આનંદ તો થયો જ, સાથે આવો રોમેન્ટિક હીરો આવી ગંભીર ફિલ્મો પણ જુએ છે એનું આશ્ર્ચર્ય સુધ્ધાં થયું. એક પ્રોફેશનલ કલાકાર અને ઉમદા વ્યક્તિ.’

દેવ આનંદની હિરોઇનો સાથેની કેમિસ્ટ્રી મનમોહક હતી. એમાંય ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં એણે અભિનેત્રીઓ સાથે પડદા પર ગાયેલાં સદાબહાર, સૂરીલાં ગીતોની યાદી બનાવીએ તો કાગળ ખૂટી જાય.

‘પેઇંગ ગેસ્ટ’માં ‘આહ છોડ દો આંચલ ઝમાના ક્યા કહેગા’ હોય કે ‘તેરે ઘર કે સામને’નું ‘દેખો રૂઠા ના કરો બાત નઝરોં કી સૂનો’ ગીત હોય, દેવ આનંદ અને નખરાળી નૂતનની જોડી યાદ રહી જાય.

‘હોમ દોનોં’નું ‘અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં’ કોણ ભૂલી શકે? છોડીને નહીં જવાની દેવ આનંદની આજીજી અને જીદ અને સાધનાની જવાની ઉતાવળ અને રોકાઈ જવાની મીઠી ઈચ્છા વચ્ચેની કશ્મકશ. ‘તેરા મેરા પ્યાર અમર ફિર ક્યું મુજકો લગતા હૈ ડર’ ફિલ્મ ‘અસલી નકલી’માં સાધના અગાશી પર પૂર્ણ ખીલેલા ચાંદની સાક્ષીમાં આ ગીત ગાય છે. ગીત સોલો છે, પણ રસ્તા પર ચાલી રહેલા દેવ આનંદના ચહેરા પરના હાવભાવ અદભુત હતા. આ જ ફિલ્મમાં દેવ આનંદને એની લાક્ષણિક સ્ટાઇલમાં પડદા પર ‘એક બૂત બનાઉંગા તેરા ઔર પૂજા કરુંગાં’ ગાતા જોવો એક લ્હાવો હતો.

કલ્પના કાર્તિક. દેવ આનંદના બંધુ ચેતન આનંદે ‘બાઝી’ ફિલ્મમાં કલ્પનાને ઇન્ટ્રોડ્યૂસ કરી. દેવ આનંદ હીરો હતો. ચેતન આનંદે જ કલ્પના કાર્તિકને આ ફિલ્મી નામ આપ્યું. ‘બાઝી’ સુપરડુપર હિટ ગઈ. ત્યારબાદ નવકેતનની ‘ટેક્સી ડ્રાઈવર’માં બંને ચમક્યા અને આ ફિલ્મના સેટ પર શૂટિંગ બ્રેક દરમિયાન દેવ આનંદ અને કલ્પના કાર્તિકે લગ્ન કરી લીધા હતા. કલ્પનાએ દેવ આનંદ સાથે આ બે ઉપરાંત ‘આંધિયાં’, ‘હમસફર’, ‘હાઉસ નંબર ૪૪’, ‘નૌ દો ગ્યારહ’ જેવી આંગળીને વેઢે ગણી શકાય એટલી ફિલ્મો કરી. ‘નૌ દો ગ્યારહ’નું ગીત ‘આંખો મેં ક્યા જી’ ગીત વખતે દેવ અને કલ્પનાની આંખોમાં બંને વચ્ચેનો પ્રેમ છલકાતો હતો.

દેવ આનંદ ભલે વર્તમાનમાં માનતો અને જીવતો, પણ એનો પણ ભૂતકાળ હતો. સુરૈયા સાથેનો ભૂતકાળ… જેનાથી ફિલ્મ નગરી કે એના ચાહકો અજાણ નથી. બંને એકમેકને બેહદ ચાહતા હતા, પણ સામાજિક કે કૌટુંબિક કારણોસર પોતપોતાના સંસારમાં સુખ શોધી લેવાનું નક્કી કરી લીધું. દેવ આનંદ તો પરણી ગયો, પણ સુરૈયા આજીવન કુંવારી રહી.

‘કાલા બાઝાર’માં રીતસર દોડતા દોડતા ‘ખોયા ખોયા ચાંદ ખુલા આસમાં’ ગાતો દેવ આનંદ ચાલુ ટ્રેનમાં પલોઠી વાળીને ‘ઉપર વાલા જાન કર અન્જાન હૈ’… પણ ગાઇ બતાવે છે… જોકે આમાં કરામત ફિલ્મ ડાયરેક્ટર વિજય આનંદની છે. પોતાના ભાઈ પાસે કઇ રીતે અને કેવું કામ કરાવવું એ વિજય આનંદ સારી તે જાણતા. એની પોપ્યુલારિટીનો બખૂબી ઉપયોગ એમણે કર્યો છે કે કરી બતાવ્યો છે.

‘જોની મેરા નામ’માં ‘પલ ભર કે લિયે કોઈ હમેં પ્યાર કર લે… જુઠા હી સહી…’ગીત યાદ કરો. અલગ અલગ જાતની ડિઝાઇનવાળા બારી-બારણાંમાંથી ડોકાતો દેવ આનંદ દેખાશે. હેમા માલિનીને ‘જોની મેરા નામ’ની ઓફર મળી ત્યારે એ માની જ ન શકી. હું નાનપણથી જેમની ફિલ્મો જોતી આવી હતી એની સામે હિરોઈન બનવું આસાન ન હતું. દેવ આનંદ મોટા સ્ટાર હતા અને હું સાવ નવીસવી… પણ એમણે મને ક્યારેય એવું ફીલ થવા દીધું નહીં. સાચું કહું મને ‘જોની મેરા નામ’ ફિલ્મ મળી એથી મારી મા બહુ ખુશ થઇ ગયેલી, કારણ કે એ દેવ આનંદની જબરી ફેન હતી.’

દેવ આનંદ એક કમ્પલિટ ફિલ્મ પર્સન હતા… કલાકાર, લેખક, નિર્માતા, નિર્દેશક… એમના પ્રત્યેક શ્ર્વાસમાં સિનેમા ધબકતું હતું. ‘હું લકી છું કે મેં એમની સાથે કામ કર્યું.’ આશા પારેખે પણ એમની સાથેની વાતો ક્યાંક વાગોળી હતી.
દેવ આનંદ સતત વ્યસ્ત રહેતો. એ કાં તો કંઈક લખતો હોય, કાં તો વાંચતો હોય કાં તો શૂટિંગ કરતો હોય, કાં તો ગીતના રેકોર્ડિંગમાં હોય, એડિટિંગ રૂમમાં હોય… વ્યસ્તતા એના લોહીમાં વહેતી. સિનેમા એની રગોમાં રહેતી. એ આનંદી આત્મા હતો. એને નિષ્ફળતા સતાવતી નહીં, નિરાશાની જાળમાં એ સપડાતો નહીં. કદાચ એને સુખ અને દુ:ખની સમજણ પહેલેથી જ હતી.

ના સુખ હૈ, ના દુ:ખ હૈ, ના દીન હૈ, ના દુનિયા, ના ઇન્સાન, ના ભગવાન, સિર્ફ મૈં હૂં, મૈં હું, મૈં, સિર્ફ મૈં…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button