૧૪ ડિસેમ્બરની વિટંબણા : એક મરતા હૈ, એક જન્મતાં હૈ
ચિઠ્ઠીયાં હો તો હર કોઈ બાંચે, ભાગ ન બાંચે કોઈ, કરમવા બૈરી હો ગએં હમાર
ફિલ્મનામા -નરેશ શાહ
કલ ખેલ મેં હમ હો ના હો, ગર્દિશ મેં તારે રહેગે સદા, ભુલોગે તુમ, ભુલેંગે વો, પર હમ તુમ્હારે રહેંગે સદા… મેરા નામ જોકરનું આ ગીત તમે સાંભળ્યું છે અને તે ગીતકાર શૈલેન્દ્રએ લખ્યું છે, એ વાતથી પણ તમે વાકેફ છો પરંતુ એ તમને ખબર નથી કે જીના યહાં મરના યહાં, ઈસ કે સીવા જાના કહાં ગીતના અંતિમ અંતરા શૈલેન્દ્રએ નહીં, પણ તેના સૌથી મોટા પુત્ર શૈલી શૈલેન્દ્રએ પૂરાં કરી આપ્યા હતા. એ ૧૯૬૬ નું વરસ હતું, જયારે મેરા નામ જોકર (૧૯૭૦)નું પોસ્ટ પ્રોડકશનનું કામ ચાલતું હતું. એ વખતે ફિલ્મો બેત્રણચાર વરસે બનતી હતી. ગીતની પ્રથમ પંક્તિ પર જ ફિદા થઈ ગયેલાં રાજકપૂરે શૈલેન્દ્રના ઘેર આવીને ગીત પૂરું કરી આપવાની વાત કરી ત્યારે શૈલેન્દ્રએ તેમને કહેલું : આ ગીત હું તમને પાર્ટીના દિવસ પછી પૂરું કરીને આપી દઈશ.
પાર્ટી એટલે રાજકપૂરના જન્મ દિવસની પાર્ટી, જે દર ૧૪મી ડિસેમ્બરે આર. કે. સ્ટૂડિયોમાં પૂરા ઠાઠથી ઉજવાતી હતી અને એ દિવસ આડે હવે અઠવાડિયાની જ વાર હતી. શૈલેન્દ્રની મનોદશા સમજતાં રાજકપૂરે પણ પછી બીજો કોઈ આગ્રહ ર્ક્યો નહોતો કારણ કે આમ પણ, તેઓ (ગીતની ઉઘરાણી માટે નહીં ) શૈલેન્દ્રની તબિયત જોવા અને મોરલ સપોર્ટ વધારવા જ તેમના ઘરે આવ્યા હતા. હજુ ત્રણ મહિના પહેલાં જ સપ્ટેમ્બર, ૧૯૬૬માં શૈલેન્દ્રએ પ્રોડયુસ કરેલી તીસરી કસમ ફિલ્મ દિલ્હીમાં રજૂ થઈ હતી અને ધીમે ધીમે એ બધે જ નિષ્ફળ જઈ રહી હતી. અમુક થિયેટરોમાથી તો તેને બે દિવસમાં જ ઉતારી લેવામાં આવી હતી. ફિલ્મી જારગોનમાં કહીએ તો તીસરી કસમ ટિકિટબારી પર ડિઝાસ્ટર સાબિત થઈ હતી.
માણસ તાવ ઊતરવાની આશમાં હોય અને પછી ન્યુમોનિયા ડિકટેટ થાય, એવું શૈલેન્દ્ર સાથે બન્યું હતું. માત્ર છ જ મહિનામાં પોતાની પ્રથમ ફિલ્મ બનાવી લેવાના પ્લાનિંગ સાથે શરૂ કરેલી તીસરી કસમ (રાજકપૂર-વહિદા રહેમાન) છ વરસે પૂરી થઈ હતી. બે લાખનું બજેટ બાવીસ લાખનું થઈ ગયું હતું. હૂંડી લખી લખીને તગડા વ્યાજે લીધેલાં પૈસાની શાહુકારો ઉઘરાણી કરતાં હતા અને અમુકે કોર્ટ કેસ પણ કરેલા. કોર્ટ કેસના કારણે જ પોતાની ફિલ્મનું દિલ્હીમાં પ્રીમિયર થયું તો તેમાં પણ શૈલેન્દ્ર નહોતા જઈ શકેલા. રિલીઝ પણ માંડ માંડ થયેલી.
મહામુસીબતે તીસરી કસમ પૂરી થઈ પછી તેના રશીઝ જાઈને (રાજકપૂર સહિત) બધાએ સલાહ આપેલી કે ફિલ્મનો અંત બદલીને સુખાન્ત કરી નાખો કારણકે આ ફિલ્મ ચાલે તેવું લાગતું જ નથી. (આજે તીસરી કસમ ફિલ્મ હિન્દી સિનેમાની માઈલસ્ટોન સરીખી ફિલ્મ તરીકે અંક્તિ થયેલી છે ) જો કે પ્રોડયુસર (ગીતકાર) શૈલેન્દ્ર અને સાહિત્યકાર ફણીશ્ર્વરનાથ રેણુ (તેમની જ વાર્તા મારે ગએ ગુલફામ પરથી ફિલ્મ બની હતી) એ અંત બદલવાની ના પાડી, જે કળાની દૃષ્ટિએ યથાયોગ્ય હતું પરંતુ કલદારની નજરે ખોટું હતું. અંત ન બદલવામાં આવ્યો એટલે મિત્ર રાજકપૂરના વિતરકોએ પણ તીસરી કસમનો હાથ ન ઝાલ્યો. એ પછી માંડ માંડ રિલીઝ કરવા માટે વિતરક મળ્યો ત્યારે ફિલ્મના પ્રમોશન માટેના પૈસા શૈલેન્દ્ર પાસે નહોતા.
છ છ વરસથી અંદર અંદર જ પીડાતા શૈલેન્દ્રને ઊંડે ઊંડે એવી હોપ હતી કે તીસરી કસમ રિલીઝ થયા પછી બધું ઠીકઠાક થઈ જશે પણ સારા રિવ્યૂ પછી ફિલ્મ ફલોપ ગઈ. શૈલેન્દ્રનો આત્મવિશ્ર્વાસ સાવ ચિમળાઈ ગયો. તેઓ ઘરમાં જ રહેવા લાગ્યા. દારૂનું સેવન વધી ગયું અને એટલે જ તેમને બકઅપ કરવા ગાયક મુકેશ, રાજકપૂર જેવા મિત્રો, કરીબીઓ તેમને મળવા ઘરે આવતા હતા. જીના યહાં મરના યહાં, ઈસ કે સીવા જાના કહાં – ગીતની વાત નીકળી ત્યારે પણ રાજકપૂર એવી જ મુલાકાતે આવ્યા હતા.
એ પછી ૧૩ મી ડિસેમ્બરે શૈલેન્દ્રને મળવા આર. કે. સ્ટૂડિયોમાં ગયા હતા અને રાજજીના ફેવરિટ કોટેજમાં થોડો સમય રહ્યા હતા. ઘરે આવ્યા પછી તેમની તબિયત બગડી. તેમને મુંઝારો થતો હતો. બબડાટ પણ કરતા હતા. સંગીતકાર શંકર-જયકિશનને ખબર પડી એટલે તેમણે ગાયક મુકેશને જાણ કરી. મુકેશ તરત (એ દિવસે વાનખેડેમાં ક્રિકેટ મેચ હતો) તેમના ઘરે પહોંચ્યા. મુકેશ સાથે વાતો ર્ક્યા પછી શૈલેન્દ્રની મનોદશામાં સુધારો જણાયો એટલે મુકેશ તેમને ત્યાંથી નીકળી ગયા પણ…
એ પછી શૈલેન્દ્રની તબિયત ફરી બગડી. તેમને હોસ્પિટલ લઈ જવાયા. રાત જેમ તેમ નીકળી પણ સવારે તેમને લોહી ચડાવવું પડયું. ઓક્સિજન આપવાનું શરૂ કરવું પડયું. મુકેશ હોસ્પિટલ પણ પહોંચી ગયા હતા પણ પરિસ્થિતિને તેઓ પામી ગયા અને… શૈલેન્દ્ર જે દિવસે અનંતની સફરે નીકળી ગયા ત્યારે આર. કે. સ્ટૂડિયોમાં રાજકપૂરના બર્થ ડે સેલિબે્રશનની તૈયારી થઈ ચૂકી હતી. શૈલેન્દ્ર નથી રહ્યા, એ મેસેજ મળ્યા ત્યારે રાજકપૂરથી બોલાઈ ગયું : કોઈ મરતાં હૈ, કોઈ જન્મતાં હૈ… આ કેવી વિટંબણા.
રાજકપૂરના જન્મ દિવસે જ જાણે તેમની ફિલ્મોના આત્માએ ૪૩ વરસની ઉંમરે કાયમી વિદાય લઈ લીધી હતી.