મેટિની

સી એસ દુબે: ઢક્કન ખોલ કે.

ઘૃણાસ્પદ પાત્રો ભજવનારા આ ચરિત્ર અભિનેતા યુવાનીમાં ‘ભારત છોડો’ આંદોલનમાં સહભાગી થયા હતા અને એમના પર કનૈયાલાનો પ્રભાવ હતો

હેન્રી શાસ્ત્રી

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેકવિધ લાક્ષણિકતાઓમાં એક છે એના વન લાઈનર્સ- એક લીટીના અવિસ્મરણીય સંવાદ, જેમ કે ‘શોલે’ના ‘કિતને આદમી થે?’ રાજ કપૂરની ‘બોબી’માં ‘પ્રેમ નામ હૈ મેરા… પ્રેમ ચોપડા’, ‘કાલીચરણ’ માં ‘સારા શહેર મુજે લોઈનકે નામ સે જાનતા હૈ’ અને હા ‘મેરે કરણ અર્જુન આયેંગે’ તેમ જ ‘મોગેમ્બો ખુશ હુઆ’ કે જરા ભૂતકાળમાં જઈએ તો રાજ કુમારનો ‘જિનકે અપને ઘર શિશે કે હોં વો દૂસરોં પર પત્થર નહીં ફેંકા કરતે’…. ઈત્યાદિ ઈત્યાદિ.

આવા બીજા અનેક ઉદાહરણ હિન્દી ફિલ્મોનો ઇતિહાસ ઉખેળતાં જોવા મળે. આ ઢગલામાં ૧૯૭૫માં રિલીઝ થયેલી ‘ઝિંદા દિલ’ ફિલ્મની એ સમયે ધૂમ લોકપ્રિયતાને વરેલી પંચ લાઈન ’ઢક્કન ખોલ કે’ સહેજ દબાઈ ગઈ છે. એ ડાયલોગ પોતાની આગવી સ્ટાઈલમાં બોલનારા એક્ટર સી. એ. દુબે – ચંદ્રશેખર દુબેની બુધવારે જન્મ શતાબ્દી (બર્થ- ડેટ: ૦૪/૦૯/૧૯૨૪) છે એ નિમિત્તે આગવી અદાકારીથી ઘણા નોંધપાત્ર રોલ કરવા છતાં ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયેલા આ અભિનેતાનું સ્મરણ કરી એમના જીવનની મજેદાર વાત જાણવાની દરેક કલા રસિકની ફરજ છે.

દુબૈજી વિશે જાણ્યા પછી એમના માટે લગાવ થયો હોય તો યુટ્યુબ પર એમના પરફોર્મન્સ જોવાની તસ્દી લેજો અને એ ગમે તો મનોમન એમનું અભિવાદન કરજો, કલાનું ઉદ્યાન મ્હોરી ઉઠશે.

સી. એસ. દુબે – ચંદ્રશેખર દુબેનો જન્મ ૪ સપ્ટેમ્બર, ૧૯૨૪નાદિવસે મધ્ય પ્રદેશનાએક નાનકડા શહેરમાં થયો હતો. કિશોરાવસ્થા આઝાદીની લડતના સમયમાં પાંગરી. એ સમયે અનેક યુવાન ગાંધીજીથી પ્રભાવિત થયા હતા એમ ૧૮ વર્ષના દુબેને પણ સ્વાતંત્ર્ય લડતમાં યથાશક્તિ યોગદાન આપવાની ચાનક ચડી. ગાંધીજીના ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયા અને માભોમની આઝાદી માટે જેલનીહવા પણ ખાઈ આવ્યા.

૧૯૪૭માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યા પછી ફિલ્મોમાં નસીબ અજમાવવા અનેક લોકોએ મુંબઇનો રસ્તો પકડ્યો, જેમાં ચંદ્રશેખર દુબેનો પણ સમાવેશ હતો. અલબત્ત , અભિનયનો સમ ખાવા પૂરતો પણ અનુભવ ગાંઠે ન હોવાથી ફિલ્મમેકર અમિયા ચક્રવર્તીની ઓફિસમાં શરૂઆતમાં ચપરાસી અને પછી એમની ફિલ્મોમાં પ્રોડક્શન મેનેજર તરીકે કામ કર્યું. અલબત્ત, નીતિન બોઝની ‘મશાલ’ અને બિમલ રોયની ‘માં’ જેવી ફિલ્મમાં કામ મળ્યું પણ કોઈએ નોંધ ન લીધી. અમિયા ચક્રવર્તી નવોદિતોને તક આપવામાં માનતા હતા. દિલીપ કુમારની પહેલી ફિલ્મ ‘જ્વાર ભાટા’ના ડિરેક્ટર મિસ્ટર ચક્રવર્તી જ હતા. ઉષાકિરણને હીરોઈન બનવાની તક એમણે જ આપી હતી. જોકે, એમાં અંગત સંબંધો કામ કરી ગયા હતા.

દુબે પાસે અભિનયનો નજીવો અનુભવ હતો, પણ એમનો અવાજ અનેએમની બોલવાની લઢણ ડિરેક્ટરને પસંદ પડી ગઈ હતી. અમિયા ચક્રવર્તી પહેલી વાર નિર્માતા – દિગ્દર્શક બન્યા દિલીપ કુમારની ‘દાગ’થી અને એમાં દુબેને એક નાનકડો રોલ આપ્યો. વિશેષ મહત્ત્વ નહીં ધરાવતા આ પાત્રને દુબેએ જે રીતે સાકાર કર્યું એ મિસ્ટર ચક્રવર્તીને ગમી ગયું. કારકિર્દીના પ્રારંભમાં જ સી. એસ. દુબેને એમના મનગમતા ચરિત્ર અભિનેતા કનૈયાલાલ સાથે કામ કરવાની તક મળી. દુબે એમની શૈલી અને અદાકારીથી અત્યંત પ્રભાવિત થયા હોવા જોઈએ, કારણ કે પછી અનેક ફિલ્મોમાં દુબેજી કનૈયાલાલ ભજવતા એવા પાત્રમાં જોવા મળ્યા. ‘દાગ’નું નિર્માણ અને દિગ્દર્શન કર્યા પછી અમિયા ચક્રવર્તી ‘પતિતા’ (દેવ આનંદ અને ઉષા કિરણ) માટે કલાકારોની પસંદગી કરી રહ્યા હતા ત્યારે ભીકુ ચાચાના પાત્ર માટે એમને સી. એસ. દુબેને ચમકાવવાનોવિચાર આવ્યો અને પડદા પાછળના કસબી, પડદા પરના નિયમિત કલાકાર બની ગયા.

‘પતિતા’ના એક સીનમાં રાધા (ઉષા કિરણ)ને ઘરમાંથી હાંકી કાઢવા આવેલા ખંધા ભીકુ ચાચા (સી. એસ. દુબે) પ્રભાવ પાડી ગયા અને હિન્દી ફિલ્મમાં એમના પગ જામી ગયા. ફિલ્મ જોતી વખતે ભીકુ ચાચામાં કનૈયાલાલની શૈલીનો પ્રભાવ ઊડીને આંખે વળગે છે. ‘દાગ’ માં દુબેનું કામ જોયા પછી કનૈયાલાલનેબદલે આ કલાકારને ચાન્સ આપવા જેવોછે એવી ગાંઠ અમિયા ચક્રવર્તીએ જરૂર વાળી હશે.
૧૯૬૦ના દાયકામા ંશમ્મી કપૂર આર્થિક રીતે ન પરવડતાહોય એવા મ્યુઝિકલ હિટ ફિલ્મો બનાવનાર ફિલ્મ મેકરો વિશ્ર્વજીતનેલેતા અને ૧૯૮૦ના દાયકામાં અમિતાભ બચ્ચનને લેવાનું બજેટ ન હોય એવા ફિલ્મ મેકરો મિથુન ચક્રવર્તીથી સંતોષ માની લેતા હતા એ જ રીતે કનૈયાલાલ ન પોસાતા હોય એ લોકો સી. એસ. દુબેને કામ આપવા લાગ્યા. ‘પતિતા’ પછી ઘૃણાસ્પદ પાત્ર માટે દુબેજીના દરવાજાનીડોરબેલ રણકવા લાગી.

૧૯૫૫માં અમિયા ચક્રવર્તીની જ ‘સીમા’ આવી. ફિલ્મ પર પ્રશંસાના ફૂલોનો વરસાદ થયો અને ૧૯ વર્ષની નૂતનને લાજવાબ અભિનયના કારણે શ્રેષ્ઠ અભિનેત્રીનો પહેલો ‘ફિલ્મફેર’ એવોર્ડ આ ફિલ્મ માટે મળ્યો હતો. ‘શોલે’ના કાલિયા વિજુ ખોટેની બહેન શુભા ખોટેની કારકિર્દીની શરૂઆત આ ફિલ્મથી થઈ હતી અને ફિલ્મના ગીત – સંગીત (શૈલેન્દ્ર, હસરત જયપુરી – શંકર જયકિશન)ને અદ્ભુત લોકપ્રિયતા મળી હતી. કે. સી. દુબે પણ નઠારા માણસનો રોલ કરી મેદાન મારી ગયા અને કરિયરની ગાડી ટોપ ગિયરમાં આવી ગઈ. (ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો