મેટિની

વિવેચકની વગોવણી. દર્શકોની વધામણી

રિવ્યુમાં વખોડી નાખવામાં આવેલી ફિલ્મને પ્રેક્ષકોનો પારાવાર પ્રેમ મળે એનાં અનેક ઉદાહરણમાં વિધુ વિનોદ ચોપડાની ‘બારહવી ફેલ’નો રસપ્રદ ઉમેરો થયો છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

‘શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું ખેંચે ગામ ભણી’ કહેવતનો એક અર્થ છે બે વિરુદ્ધ દિશામાં વર્તન થાય તેવી પરિસ્થિતિ. હિન્દી જ નહીં, કોઈ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એને સમકક્ષ ‘વિવેચક તાણે ફ્લોપ ભણી, દર્શક તાણે હિટ ભણી’ કહેવત લાગુ થાય એવાં અનેક ઉદાહરણો જોવા મળે છે.

ફિલ્મ રિલીઝ પૂર્વે એ જોવાનો લ્હાવો મેળવનાર વિવેચક કહે ‘રહેવા દ્યો’ ત્યારે ફિલ્મ રસિયાઓ કોરસમાં ’જોવા દ્યો’ની હાકલ કરે એના અનેક ઉદાહરણો ફિલ્મ ઈતિહાસના ચોપડે નોંધાયા છે.
આ અનોખા કલેક્શનમાં હવે વિધુ વિનોદ ચોપરાની ‘બારહવી ફેલ’નો ઉમેરો થયો છે. ૨૦૨૩માં રિલીઝ થયેલી આ ફિલ્મ ૨૦ કરોડના અંદાજિત બજેટ સામે ૭૦ કરોડનો વકરો (આ નફાની રકમ નથી) કરવામાં
સફળ રહી એવું આધારભૂત અહેવાલ કહે છે. બિઝનેસમાં આજકાલ જેનો મહિમા ગવાય છે એ ‘રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ’ (ગુજરાતી વેપારીની ભાષામાં વળતર) આ ફિલ્મમાં ૨૫૦ ટકાનું થયું, જે શાહરુખ ખાનની ‘પઠાન’ અને ‘જવાન’ના કલેક્શનના વગાડવામાં આવેલા ઢોલ – નગારા – અને બ્યુગલથી ઘણું વધારે છે. જો કે, એની એક સીટી પણ કોઈ ખૂણેખાંચરે વાગી હશે તો પણ ઘોંઘાટમાં દબાઈ ગઈ હશે.

ખેર, વિધુ વિનોદ ચોપડાએ તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં ‘બારહવી ફેલ’ ફિલ્મના વિવેચન સંદર્ભે પોતાની પત્ની અનુપમા ચોપડા સામે આંગળી ચીંધતા વિવેચક – પ્રેક્ષકોના દ્રષ્ટિ ભ્રમ પર વધુ એક વાર પ્રકાશ પડ્યો છે.

અનુરાગ પાઠકના પુસ્તક પર આધારિત વિનોદ ચોપડાની ફિલ્મ ‘બારહવી ફેલ’ મનોજકુમાર નામના શખ્સની કથા છે , જે કારમી ગરીબી સામે ઝઝૂમી આઈપીએસ ઓફિસર બનવામાં કઈ રીતે સફળતા
મેળવે છે.

વિધુ વિનોદ ચોપડા નિર્મિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં મનોજ કુમારનો રોલ અચ્છા અભિનેતાનું લેબલ મેળવનાર વિક્રાંત મેસીએ કર્યો છે. તાજેતરમાં ફિલ્મની સફળતા મનાવવા વિનોદ ચોપડાએ એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં એમણે કરેલી એક વાત ફિલ્મ વિવેચન અને દર્શકના પ્રતિભાવ વિશે ઘણું કહી જાય છે.

મિસ્ટર ચોપડાના શબ્દો છે કે બરાબર ૧૦૦ દિવસ પહેલા આજે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં જ ‘બારહવી ફેલ’નો પ્રથમ શો થયો હતો. આજે ફિલ્મની વાત નીકળે ત્યારે સૌ પ્રથમ આંકડાનો ઉલ્લેખ મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ ફિલ્મ બનાવવા પાછળનો હેતુ – મકસદ શું છે? ‘હું જ્યારે આ ફિલ્મ બનાવી રહ્યો હતો ત્યારે મારી પત્ની સહિત અનેક લોકો એમને આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવાને બદલે સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની શિખામણ – ભલામણ કરી હતી.’

વિધુ વિનોદ ચોપરાનાં પત્ની અનુપમા ચોપરા ભારતીય તેમજ વિદેશી ફિલ્મોના ઊંડા અભ્યાસુ છે. એમણે ફિલ્મઉદ્યોગ સંબંધિત લખેલાં પુસ્તકોને બહોળો આવકાર મળ્યો છે. અખબાર તેમજ ડિજિટલ મીડિયામાં કલાકાર – ફિલ્મમેકર સહિત અનેક લોકોના એમણે લીધેલા ઈન્ટરવ્યૂ માહિતી સભર હોવા ઉપરાંત સમજણ વધારનાર પણ હોય છે. એમણે લખેલા ફિલ્મનારિવ્યુ પણ ગંભીરતાથી લેવામાં આવે છે.

વિનોદ ચોપડાએ વાત આગળ વધારતા કહે છે કે ‘વિનોદ, તારી અને વિક્રાંતની (ફિલ્મનો હીરો) આ ફિલ્મ જોવા ચકલી સુધ્ધાં નહીં ફરકે….’ અનુપમા એમને એમ પણ કહ્યું કે મારો હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ નાતો નથી રહ્યો. (જેનો અર્થ એમ થાય કે આજકાલ શું ચાલી રહ્યું છે એની મિસ્ટર ચોપડાને ગતાગમ નથી.) વાત આટલેથી અટકી નહીં. ફિલ્મ બિઝનેસ પર બિલોરી કાચથી નજર રાખતી ટ્રેડ એજન્સીઓનું કહેવું હતું કે ‘આ ફિલ્મ બે લાખના કલેક્શનથી શરૂઆત કરશે અને વધુમાં વધુ ત્રીસેક કરોડનું કલેક્શન કરવામાં સફળ રહી શકે છે. દરેકે દરેક વ્યક્તિ મને ગભરાવી રહી હતી.’

જો કે, પોતાની ફિલ્મમાં પારાવાર શ્રદ્ધા ધરાવનારા વિધુ વિનોદ ચોપડાએ ફિલ્મના નિર્માણ અને દિગ્દર્શન ઉપરાંત એનું માર્કેટિંગ પોતાના બાહુબળથી કરીને એને રિલીઝ કરી… ‘ફિલ્મની શરૂઆત ધીમી થઈ, પણ ઇટ્સ ઓકે. આજે ફિલ્મ ક્યાં પહોંચી ગઈ છે એ જુઓ’
વિનોદ ચોપડાની આ વાત પૂરી થઈ પછી ઓડિટોરિયમમાં તાળીઓનો ગડગડાટ થયો જેની ગુંજ દૂર દૂર સુધી વિવેચક બિરાદરી નાકાનો પર અથડાઈ હશે.

આ કાર્યક્રમમાં અનુપમા ચોપડા પણ હાજર હતાં. વિચારો રજૂ કરવા એમને આમંત્રણ આપવામાં આવતા એમણે કહ્યું કે ‘વિનોદની વાત સાચી છે. થિયેટરમાં આ ફિલ્મ જોવા કોણ આવશે એ મને નથી સમજાતું એમ મેં કહ્યું હતું. એટલે આજે હું જાહેરમાંકહુંછું કે હું ખોટી હતી અને તું -વિનોદ, આજે સાચો સાબિત થયો છે.’
ટૂંકમાં ‘બારહવી ફેલ’ને અનુપમા ચોપડાએ પરીક્ષા પહેલાં જ નાપાસ જાહેર કરી,પણ દર્શકોએ એને ડિસ્ટિંકશનઆપી દીધું.

‘બારહવી ફેલ’ની આ સફળતાની મહત્તા સમજવા બીજી કેટલીક વાતો પર ધ્યાન આપવુંજોઈએ, જેમ કે ‘જવાન’ દેશભરમાં ૫૫૦૦ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી, જ્યારે ‘બારહવી ફેલ’ લગભગ એના ૧૦મા ભાગના થિયેટર – ૬૦૦ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી. શાહરુખની ફિલ્મોના માર્કેટિંગ માટે તો આખી ઓર્કેસ્ટ્રા મેદાનમાં ઉતરીહતી અને વિક્રાંત મેસીની ફિલ્મના માર્કેટિંગમાં લગભગ વન – મેન શો જેવી અવસ્થા હતી. અલબત્ત, ‘વિવેચકને કશી ભાન નથી પડતી’ એમ કહી એમને ઉતારી પાડવાનો મુદ્દલેય પ્રયાસ કે ઈચ્છા નથી. ફિલ્મ પત્રકારત્વની કારકિર્દી દરમિયાન ઈકબાલ મસૂદ, ખાલિદ મોહમ્મદ, તરણ આદર્શ સહિત કેટલાક ફિલ્મના વિવેચક અને ઊંડા અભ્યાસુઓ પાસેથી ઘણું જાણવા – સમજવા – શીખવા મળ્યું છે એ નિર્વિવાદ છે. વાત એટલી જ છે કે વિવેચકની ફૂટપટ્ટી અને દર્શક માઈબાપની ફૂટપટ્ટીનો મેળ ભાગ્યે જ ખાતો હોય છે. અનેકવાર વિવેચક જેની સામે આંગળી ચીંધે છે એમાંની અનેક વાત વિચારવા જેવી હોય છે, પણ એમાંથી કઈ અને કેટલી વાત ધ્યાન પર લેવી એ નિર્ણય તો દર્શકો જ કરતા હોય છે. ફિલ્મની વ્યાવસાયિક સફળતા – નિષ્ફળતા કઈ હદે દર્શક પર નિર્ભર છે એનું વિલક્ષણ ઉદાહરણ છે ‘આદિપુરુષ’. આ ફિલ્મ પર દર્શકો એ હદે રોષે ભરાયા અને એવી ટીકા કરી કે વિવેચન વાંચ્યા વિના ફિલ્મ જોતા દર્શકોએ આ ફિલ્મ જોવાનું માંડી વાળ્યું. ક્ધઝ્યુમર ઈઝ કિંગ – ‘ગ્રાહક જ રાજા છે’ એ નિયમ ફિલ્મ બિઝનેસને પણ લાગુ પડે છે.
અમુક ઉદાહરણ એવા છે, જેમાં ફિલ્મની કથા જે મૂળકથા કે નવલકથા પર આધારિત હોય એ સર્જક ફિલ્મના નિરૂપણથી ખુશ ન હોય. બે ઉદાહરણ જોઈએ. ‘પિગ્મેલિયન’ના સંસ્કરણ ‘સંતુ રંગીલી’ તેમજ વાર્તાસંગ્રહો અને નવલકથાના જાણીતા સર્જક મધુ રાયની ‘કિમ્બ્લ રેવનસ્વુડ’ પર આધારિત આશુતોષ ગોવારીકરએ ‘વોટ્સ યોર રાશિ’ બનાવી હતી ત્યારે મૂળ નવલકથામાં છૂટછાટ લઈ બનાવવામાં આવેલી ફિલ્મથી લેખક ખુશ નહીં હોવાના અહેવાલ પ્રગટ થયા હતા અને જે નવલકથામાં પારો અને ચંદ્રમુખી એકમેકની સામે ક્યારેય નથી આવ્યા, પણ સંજય લીલા ભણસાલીએ ‘દેવદાસ’માં બંનેનો મેળાપ કરાવ્યો એ અંગે સ્વર્ગીય શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય પ્રતિક્રિયા તો હોય જ નહીં. ‘વોટ્સ યોર રાશિ’ સુપરફ્લોપ હતી- જ્યારે ‘દેવદાસ’ને જબરદસ્ત સફળતા મળી હતી.

હોલિવૂડમાં પણ આવાં ઉદાહરણ ગયા વર્ષે જોવા મળ્યા. વીડિયો ગેમ સિરીઝ પર આધારિતFive Nights at Freddy’s ફિલ્મ રિલીઝ થઈ ત્યારે વિવેચકોએ ઉતારી પાડી, પણ દર્શકોએ એને માથે ચડાવી રીતસરના નાચ્યા અને ૨૦ મિલિયન ડૉલરના ખર્ચે બનેલી ફિલ્મ ૨૯૪ મિલિયન ડૉલરનો વકરો કરવામાં સફળ રહી હતી. બીજું ઉદાહરણ છે Meg 2: The Trench ફિલ્મનું. ટોચના વિવેચકો – પ્રકાશન દ્વારા વખોડવામાં આવેલીઆ ફિલ્મને દર્શકોએ આવકારી હતી. ૧૪૦ મિલિયન ડૉલરના ખર્ચે બનેલી ફિલ્મ ૩૯૭ મિલિયન ડૉલરનો વકરો કરવામાં સફળ રહી હતી.
બીજી તરફ Are You There God? It’s Me, Margarets તેમ જ Joy Ride એવી ફિલ્મો છે, જેને વિવેચકોએ હૈયા સરસી ચાંપી જ્યારે દર્શકોએ મોં મચકોડ્યું. બંને ફિલ્મ ફ્લોપ થઈ હતી. તેમ જ
સો વાતની એક વાત એટલી જ કે વિવેચક ફિલ્મ મૂલવવાનું કામ નિષ્ઠાથી કર્યા કરે એ જરૂરી છે, કારણ કે ઊંડા અભ્યાસથી કરવામાં આવેલા વિવેચનથી ફિલ્મ હિટ – ફ્લોપ જાય એ ગૌણ બાબત છે, પણ વિવેચક શ્રીમાન ચોપડાએ જે વાત કરી એ ફિલ્મના મકસદ – હેતુ સામે આંગળી ચીંધવાની મહત્ત્વની જવાબદારી અદા કરે છે. ફિલ્મ માત્ર મનોરંજન – ટાઈમપાસ માટે જોવી છે કે એ જોઈને એમાંથી કંઈક મેળવવું છે એ નક્કી કરવાનો દર્શકોનો અબાધિત અધિકાર છે અને રહેશે એ પણ એટલી જ સાચી વાત છે.

એ જ રીતે, દેવ આનંદની ફિલ્મ ‘ગાઈડ’થી એના લેખક આર.કે. નારાયણ બહુ નારાજ હતા. એમણે તો ફિલ્મની ઝાટકણી કાઢ્તો એક લેખ એ વખતના વિખ્યાત સાપ્તાહિક ‘લાઈફ’માં લખ્યો હતો: ‘મીસગાઈડેડ ગાઈડ’ ! અલબત્ત, ‘ગાઈડ્’ ને વિવેચકો અને દર્શકોએ એક સરખી વધાવીને એને બોક્સ ઓફિસ પર સુપર હીટ સાબિત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો