‘પુષ્પા 2: ધ રાઈઝ’ એના આઈકોનિક ડાયલોગ ‘મૈં પુષ્પા, પુષ્પા રાજ, મૈં ઝુકેગા નહીં, સાલા!’ને યથાર્થ ઠેરવી બૉક્સ ઑફિસ પર 10 ગિયરની ગાડી અગિયારમા ગિયરમાં ભાગે એમ બૉક્સ ઑફિસ પર સૂસવાટા વેગે ભાગી રહી છે.
પહેલા 19 દિવસમાં (23મી ડિસેમ્બર સુધીમાં) 1600 કરોડનું બૉક્સ ઑફિસ કલેક્શન! દયા ભાભીની સ્ટાઈલમાં કહીએ તો ‘ઓ મા! માતાજી!’ આંખો પહોળી થઈ ફાટી જાય એવા આ કલેક્શનની એક ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે 1600 કરોડના કલેક્શનમાંથી 670 કરોડ તો હિન્દીમાં ડબ થયેલી ફિલ્મના છે. મતલબ કે શાહરૂખ, સલમાન, રાજકુમાર રાવ, આલિયા ભટ્ટ ઈત્યાદિની ફિલ્મો જોતા દર્શકો અલ્લુ અર્જુનને પણ માથે ચડાવી નાચી રહ્યા છે.
હવે એક ચોંકી જવાય એવી વાત. આ ફિલ્મ મૂળે તેલુગુમાં બની છે. 19 દિવસ પછી એ ભાષામાં ફિલ્મનું કલેક્શન હતું 310 કરોડ મતલબ કે હિન્દી કરતાં અડધાથી પણ ઓછું. હા, એ વાત ખરી કે તેલુગુ વર્ઝન માત્ર આંધ્ર અને તેલંગાણા પૂરતું જ સીમિત હોય અને એટલે દર્શકોની સંખ્યા હિન્દી ભાષા કરતાં ઓછી હોય.
જોકે, વાત અહીં હિન્દી ફિલ્મના દર્શકોને સાઉથની ડબ ફિલ્મો માટે પારાવાર લાગણીની છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે ‘પુષ્પા-2’ સાઉથની અન્ય ત્રણ ભાષા (તમિલ, મલયાલમ અને કન્નડ)માં પણ રિલીઝ થઈ છે.
19 દિવસના અંતે તમિલ વર્ઝનનું કલેક્શન છે 54 કરોડ રૂપિયા. એ જ તામિલનાડુ જ્યાં આ વર્ષે ‘ધ ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઈમ’ ફિલ્મનું કલેક્શન 450 કરોડ હતું,
ગયા વર્ષે રજનીકાંતની ‘જેલર’ 600 કરોડ પર પહોંચી હતી. મલયાલમ વર્ઝનમાં ફિલ્મનું કલેક્શન હતું 14 કરોડ અને કન્નડ ભાષામાં 7.5 કરોડ. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અધધ કલેક્શન માટે પ્રખ્યાત નથી, પણ આ વર્ષે ‘મંજુમલ બોય્ઝ’ 240 કરોડ અને ‘આવેશમ’ 155 કરોડ મેળવવામાં સફળ રહી હતી.
કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘કેજીએફ’ની બંને ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર કેવી કમાલ કરી હતી એ વાત હજી ભુલાઈ નથી. આમ તેલુગુ સિવાયની સાઉથની ત્રણ ભાષામાં પણ કરોડોનાં કલેક્શન સહજ ગણાય છે ત્યારે ‘પુષ્પા-2’નાં મલયાલમ અને કન્નડ વર્ઝનનાં કલેક્શન એના કુલ વકરા સામે પરચૂરણ જેવા લાગે છે. અને એ જ ફિલ્મ હિન્દી ડબ વર્ઝનમાં ‘તા થૈયા તા થૈયા હો’ કરે છે. હવે તો હિન્દી ફિલ્મો પણ સાઉથની ચારેય ભાષામાં ડબ કરી રિલીઝ કરવામાં આવે છે. આ વર્ષની ધૂઆંધાર સફળ ફિલ્મ ‘સ્ત્રી-2’ના કલેક્શનને સમજીએ.
માન્યતા પ્રાપ્ત માહિતી અનુસાર રાજકુમાર રાવ-શ્રદ્ધા કપૂરની ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન 874 કરોડ હતું, જેમાં 740 કરોડ ઘરઆંગણે અને 134 કરોડ વિદેશમાં વકરો. આંકડાઓની આ માયાજાળમાં નોંધવાની વાત એ છે કે સ્વદેશના 740 કરોડ કલેક્શનમાં 670 કરોડ હિન્દી વર્ઝનના છે. એનો અર્થ થયો કે સાઉથની ચાર ભાષામાં ડબ થયેલી ‘સ્ત્રી-2’નું કલેક્શન માત્ર 70 કરોડ રૂપિયા….! સાઉથની ફિલ્મ ‘પુષ્પા-2’ને હિન્દીમાં બખ્ખાં, બત્રીસ પકવાન અને હિન્દી ફિલ્મને સાઉથમાં ફક્ત ચા-પાણી.
રણબીર કપૂરની ‘એનિમલ’નું ઉદાહરણ જોઈએ. કુલ કલેક્શન 917 કરોડ (ઘરઆંગણે 662 કરોડ અને વિદેશમાં 255 કરોડ) હતું. આમાંથી હિન્દીમાં 602 કરોડ અને સાઉથની ચાર ભાષામાં મળી ઑન્લી 62 કરોડ. શાહરૂખની તુફાની સફળતા મેળવનાર ‘જવાન’નું ટોટલ કલેક્શન 1100 કરોડ. ઘરઆંગણે 750 કરોડ, વિદેશમાં 350 કરોડ. સ્વદેશના 750 કરોડમાંથી 677 કરોડ હિન્દી વર્ઝનના અને સાઉથની ચાર ભાષાનું કલેક્શન ફક્ત અને ફક્ત 73 કરોડ રૂપિયા.
આંકડાની આ ઈન્દ્રજાળમાં ન અટવાઈએ તો પણ એ વાત સ્વીકારીએ કે ‘પુષ્પા-2’ તેમ જ અન્ય સાઉથની ફિલ્મોને હિન્દી ફિલ્મ જોનારો દર્શક જે આવકાર આપે છે એની સામે હિન્દી ફિલ્મોને સાઉથના ચારેચાર ભાષાના પ્રદેશમાં સાવ મોળો – ફિક્કો આવકાર મળે છે.
તમે (સાઉથની ફિલ્મો) લઈ ગયા અને અમે (હિન્દી ફિલ્મો) રહી ગયા જેવો ઘાટ થયો. આના બે અર્થ નીકળે. એક તો એ કે સાઉથની ફિલ્મો હિન્દી ફિલ્મો જોનારા દર્શકોને ખૂબ પ્રભાવિત કરે છે, જ્યારે હિન્દી ફિલ્મો માટે સાઉથના દર્શકોમાં વિશેષ રુચિ નથી.
બીજો અર્થ એ કરી શકાય કે હિન્દી ફિલ્મો જોતા દર્શકોનું ચિત્તતંત્ર વિશાળ હોય છે અને એટલે એ ‘સ્ત્રી-2’, ‘ગદર-2’, ‘જવાન’, ‘પઠાન’, ’એનિમલ’ને માણે છે અને ‘પુષ્પા-2’, ‘પુષ્પા’, ‘કેજીએફ-1 અને 2’, ‘કાંતારા’, ‘આરઆરઆર’, ‘સલાર’ અને ‘બાહુબલી’ને પણ બહોળો આવકાર આપે છે. બીજી તરફ્, સાઉથના દર્શકોની રુચિ સીમિત હોય છે. હિન્દી ફિલ્મો તમિળ, તેલુગુ કે પછી મલયાલમ – કન્નડ ભાષામાં ડબ કરી રિલીઝ કરવામાં આવ્યા બાદ મળતા આર્થિક વળતર વિશે જાણવા દસેક વર્ષ પાછળ જઈએ.
2015માં રાજશ્રી પ્રોડક્શન્સની ‘પ્રેમ રતન ધન પાયો’ રિલીઝ થઈ હતી. ફિલ્મ ટ્રેડની માહિતી અનુસાર દક્ષિણ ભારતના 563 સ્ક્રીનમાં તમિળ, તેલુગુ અને હિન્દી એમ ત્રણ ભાષામાં પ્રદર્શિત થઈ હતી. તામિલનાડુના 102 સ્ક્રીનમાંથી 65 થિયેટરમાં ‘પ્રેમ રતન…’ રિલીઝ કરવામાં આવી હતી. તેલુગુમાં પણ ડબ કરવામાં આવી હતી.
માહિતી અનુસાર તમિળ વર્ઝનનો પહેલા દિવસનો વકરો ફક્ત 25 લાખ રૂપિયા હતો, જ્યારે આંધ્ર અને તેલંગાણામાં રિલીઝ થયેલા તેલુગુ વર્ઝનનું કલેક્શન હતું ત્રણેક કરોડ રૂપિયા. એની સામે હિન્દી વર્ઝનનો પહેલા દિવસનો વકરો હતો 39 કરોડ રૂપિયા. કલેક્શનમાં સાઉથની ‘ગરીબાઈ’ ઊડીને આંખે વળગે છે.
જોકે, સાઉથની ભાષામાં હિન્દી ફિલ્મ ડબ કર્યા પછી કમાણીમાં કંગાળ રહેવા છતાં બોલિવૂડ નિર્માતા દક્ષિણાયન વિસરતા નથી. રણબીર કપૂર – આલિયા ભટ્ટની ‘બ્રહ્માસ્ત્ર’નું સ્વદેશમાં કલેક્શન હતું 230 કરોડ જેમાં સાઉથની બે ભાષા તમિલ અને તેલુગુનું કુલ યોગદાન હતું 20 કરોડ રૂપિયા. આવાં અન્ય ઉદાહરણ પણ હશે.
હિન્દી ફિલ્મો માટે સાઉથમાં જોવા મળતી ઉદાસીનતા અંગે ફિલ્મ બિઝનેસના અભ્યાસુઓની દલીલ જાણવા જેવી અને સમજવા જેવી છે. એમનું કહેવું છે કે ‘હિન્દી ફિલ્મો સાઉથની ભાષામાં ડબ કરવામાં આવ્યા પછી એની રિલીઝ મર્યાદિત હોય છે. હિન્દી ફિલ્મો આમેય દક્ષિણ ભારતની જનતાને બહુ સ્પર્શતી નથી.
Also Read – ‘રોટલી’: માણસને મેળવવા માટે દોડાવે ને પચાવવા માટે પણ..!
બીજું કારણ એ પણ આપવામાં આવે છે કે ‘જવાન’, ‘પઠાન’ પ્રકારની કમર્શિયલ ફિલ્મો સાઉથમાં નિયમિત ધોરણે બનતી હોવાથી એની એમને નવાઈ નથી. સાઉથની જે ફિલ્મો હિન્દીમાં ડબ થાય છે એવી ફિલ્મો હિન્દી ફિલ્મોના દર્શક માટે નવો અને આકર્ષક અનુભવ છે. ‘મૈં ઝુકેગા નહીં, સાલા’ એમને મોજ કરાવે છે ને સાથે સાથે દિલ-દિમાગને સ્પર્શે પણ છે તો શું એનો અર્થ એવો થાય કે ‘સરકટા અને વો આયેગા’ (સ્ત્રી-2) કે પછી પિતા માટે કોઈ પણ હદે જઈ શકતો પુત્ર (એનિમલ) જેવી વાર્તા માટે સાઉથના દર્શકોમાં આકર્ષણ નથી? જવાબ જાતે નક્કી કરી લેવો.
(નોંધ: લેખમાં આપેલી આંકડાકીય માહિતીમાં વત્તાઓછા હોઈ શકે છે, પણ મુખ્ય મુદ્દો સાઉથની હિન્દીમાં ડબ કરેલી ફિલ્મનાં કલેક્શન અને સાઉથની ચાર ભાષામાં ડબ થયેલી હિન્દી ફિલ્મનાં કલેક્શનમાં રહેલી ભયંકર અસમાનતા સામે આંગળી ચીંધવાનો છે.)