મેટિની

કવર સ્ટોરી: હોલિવૂડનો અખતરો હવે હિન્દીમાં…

  • હેમા શાસ્ત્રી

હાઉસફુલ 5, હોલિવૂડ ફિલ્મ CLUE

ફિલ્મ ઈન્ડસ્ટ્રી બદલાવ ઝંખે છે. શું, કેવો અને કઈ રીતે એનું અર્થઘટન દરેક ફિલ્મમેકર પોતપોતાની રીતે કરે છે. આજે રિલીઝ થઈ રહેલી સાજીદ નડિયાદવાલા નિર્મિત હાઉસફુલ ફ્રેન્ચાઈઝીની પાંચમી ફિલ્મ ‘હાઉસફુલ 5’માં એક નવી કેડી કંડારવાની કોશિશ થઈ રહી છે. આ ફિલ્મ બે જુદા જુદા અંત સાથે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હિન્દી જ નહીં, ભારતીય સિનેમા જગતમાં ઈતિહાસ સર્જાઈ રહ્યો છે. દર્શકોને પહેલી વાર બે અંત ધરાવતી ફિલ્મ જોવાનો વિકલ્પ મળશે – ‘હાઉસફુલ 5એ’ અને ‘હાઉસફુલ 5બી’.

અમુક થિયેટરમાં એક એન્ડ ધરાવતી ફિલ્મ રિલીઝ કરવામાં આવશે, જ્યારે અન્ય કેટલાંક થિયેટરમાં અલગ જ અંત ધરાવતી ફિલ્મ જોવા મળશે.

ભારતીય દર્શકો માટે આ અનુભવ અલાયદો હશે, પણ આજથી 40 વર્ષ પહેલાં હોલિવૂડમાં આવો અખતરો કરવામાં આવ્યો હતો. તમે જો અંગ્રેજી ફિલ્મોના શોખીન હશો તો એક્ટર એડી મર્ફીના નામથી પરિચિત હશો. એડી મર્ફીની અત્યંત સફળ રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘COMING TO AMERICA’ નું ડિરેક્શન જોન લેન્ડિસ નામના લેખક – નિર્માતા – દિગ્દર્શકે કર્યું હતું. 1985માં રિલીઝ થયેલી CLUE ફિલ્મમાં લેન્ડિસ સહ લેખક હતા. ફિલ્મની વાર્તા CLUE નામની મર્ડર મિસ્ટ્રી અમેરિકન બોર્ડ ગેમ (લ્યુડો કે સાપસીડી જેવી) પર આધારિત હતી. બોર્ડ ગેમની માફક ફિલ્મમાં પણ વિવિધ અંત હતા. ત્રણ જુદા જુદા એન્ડિંગવાળી આગાથા ક્રિસ્ટીની ‘ખૂન કોણ ેકર્યું’નો તંતુ ધરાવતી CLUE q ફિલ્મ અલગ અલગ થિયેટરમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. અમુક થિયેટર દ્વારા કયા અંતવાળી ફિલ્મ દેખાડવામાં આવશે એની રૂપરેખા પણ આપવામાં આવી હતી. જોકે, ફિલ્મને મિશ્ર પ્રતિભાવ મળ્યા હતા અને બોક્સ ઓફિસ પર એનું પરફોર્મન્સ કંગાળ સાબિત થયું હતું. 15 મિલિયન ડોલરના બજેટમાં બનેલી CLUE માત્ર 14.6 મિલિયન ડૉલરનો વકરો કરી શકી હતી. જોન લેન્ડિસનું માનવું હતું કે દર્શકોને એક ફિલ્મ બહુ ગમશે અને એટલે અન્ય અંતવાળી ફિલ્મ જોવાની પણ ઈચ્છા રાખશે. હકીકતમાં એવું થયું કે કયા એન્ડિંગવાળી ફિલ્મ જોવી એ જ મોટા ભાગના સિને રસિકો નક્કી ન કરી શક્યા અને અંતે એક પણ ફિલ્મ જોવા થિયેટરમાં ગયા જ નહીં…!

અલબત્ત, ફિલ્મની વાર્તા અહીં પૂરી નથી થતી. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા કેટલીક ફિલ્મોના ઉદાહરણ જોવા મળે છે, જે રિલીઝ વખતે બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હોય, પણ પછી એ કલ્ટ ફિલ્મ (કેટલાક સમય પછી નવા દર્શક વર્ગમાં લોકપ્રિયતા મેળવનાર ફિલ્મ) સાબિત થઈ હોય. ‘જાને ભી દો યારો’ કે ‘અંદાજ અપના અપના’ એના ઉડીને આંખે વળગે એવા ઉદાહરણ છે. 1985ની CLUE પણ પાછળથી કલ્ટ ક્લાસિક સાબિત થઈ.

‘હાઉસફુલ 5’ એકથી વધુ અંત સાથે રજૂ કરવાનો આઈડિયા નિર્માતા સાજીદ નડિયાદવાલાનો છે. નિર્માતાએ હોલિવૂડની ફિલ્મ CLUE જોઈ છે કે નહીં એ આપણે નથી જાણતા, પણ એક ઈન્ટરવ્યૂમાં એમણે સ્પષ્ટતા કરી છે કે ‘વિવિધ અંત ધરાવતી અને દર્શકોને અલગ અલગ અનુભવ કરાવતી ફિલ્મ બનાવવાનો વિચાર મારા મનમાં ત્રીસેક વર્ષથી ઘુમરાઈ રહ્યો હતો. મારે ‘હાઉસફુલ 5’ કોમેડી થ્રિલર બનાવવી હતી અને આ જ ફિલ્મ વિવિધ એન્ડ સાથેની ફિલ્મ બનાવી શકાય એ વાત મારા મગજમાં બેસી ગઈ અને એટલે આ અખતરો કર્યો છે.’

એક આલીશાન ક્રૂઝ પર ચિત્રપટનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. અબોજાપતિના વારસદાર હોવાનો દાવો કરતા ત્રણ પુરુષ વ્યક્તિની ફરતે કથા આકાર લે છે, પણ જ્યારે જહાજ પર મર્ડર થાય છે ત્યારે વાર્તા અણધાર્યો વળાંક લે છે. રસપ્રદ વાત એ છે કે બંને ફિલ્મમાં હત્યારો અલગ અલગ છે. ટૂંકમાં સરખી વાર્તા, એક સરખા કલાકાર પણ બંને ફિલ્મનો ક્લાઈમેક્સ અને અંત જુદા. સાજીદ નડિયાદવાલાની કથા પરથી તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મનું ડિરેક્શન તરુણ મનસુખાનીએ કર્યું છે, જેણે કરણ જોહર નિર્મિત ફન ફિલ્મ ‘દોસ્તાના’નું ડિરેક્શન કર્યું હતું.

સ્ટોરી ટેલિંગમાં નવો ચીલો ચાતરવાનો દાવો કરતી આ ફિલ્મને દર્શકોનો કેવો આવકાર મળે છે એ તો સમય જ કહેશે. અલબત્ત, હિન્દી ફિલ્મના ઈતિહાસમાં એવી કેટલીક ફિલ્મો બની છે જેના બે અંત શૂટ કરીને રાખવામાં આવ્યા હતા, પણ રિલીઝ એક જ એન્ડવાળી થઈ હતી અને જો એને જાકારો મળે તો બીજા અંતવાળી ફિલ્મ રિલીઝ કરવી એવી ગણતરી મૂકવામાં આવી હતી.

આપણ વાંચો:  સાત્વિકમ શિવમઃ જેની ભાષામાં ‘સભ્યતા’… એનાં જ જીવનમાં ‘ભવ્યતા!’

આની વાત કરતાં તરત યાદ આવે છે આમિર ખાન – જુહી ચાવલાની મન્સૂર ખાન દિગ્દર્શિત ‘કયામત સે કયામત તક’. વાત એમ હતી કે મન્સૂરના પિતાશ્રી અને પ્રખ્યાત ફિલ્મમેકર નાસિર હુસેન હેપ્પી એન્ડિંગ ઇચ્છતા હતા, જ્યારે મન્સૂર ખાન દુ:ખદ અંતની તરફેણમાં હતા. બાપ – બેટા વચ્ચે ઉગ્ર દલીલો થઈ અને અંતે સુખાંત ક્લાઈમેક્સ પણ શૂટ કરવામાં આવ્યો. જો દુ:ખાંત ફિલ્મને જાકારો મળે તો સુખાંત સાથેની ફિલ્મ રિલીઝ કરવી એવી સમજૂતી પિતા – પુત્રમાં થઈ. સેડ એન્ડ (આમિર અને જુહી બંને મૃત્યુ પામે છે)વાળી ફિલ્મ રિલીઝ કરવામાં આવી અને એને જબરદસ્ત આવકાર મળતા સુખાંત ફિલ્મ કાયમ માટે ડબ્બામાં બંધ થઈ ગઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button