મેટિની

નાના બજેટનો મોટો હીરો

કવર સ્ટોરી – હેમા શાસ્ત્રી

નજીવા રોલથી શરૂઆત કરનાર રાજકુમાર રાવ હવે ઓછી મૂડીએ ફિલ્મ બનાવતા ફિલ્મમેકરોના લિસ્ટમાં આગળના ક્રમે છે.

રાકેશ ઓમપ્રકાશ મહેરાની રંગ દે બસંતી' અને રામગોપાલ વર્માનીરણ’ ફિલ્મના અલપઝલપ રોલ સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગલાં કરનાર અફલાતૂન અભિનેતા રાજકુમાર રાવની કારકિર્દીએ વળાંક લીધો `લવ, સેક્સ ઔર ધોખા’ (2010) ફિલ્મથી.

જોકે, વાત ગુડ એક્ટરથી આગળ નહોતી વધી રહી. ક્વીન',ન્યુટન’, બરેલી કી બરફી',સિટીલાઈટ્સ’ વગેરે ફિલ્મમાં અભિનયની બેસુમાર પ્રશંસા થઈ. અનેક લોકોએ પીઠ થાબડી, પણ રૂપેરી પરદાના આ ધંધામાં માત્ર કામની ક્વોલિટી નથી ચાલતી. વાજાં વગાડવા ક્વોન્ટિટી પણ જોઈએ.
2018માં આવેલી હોરર કોમેડી `સ્ત્રી’ની સફળતાએ રાજકુમાર રાવની કરિયર માટે ટોનિક સાબિત થઈ.

પ્રતિભાશાળી અભિનેતા હોવા ઉપરાંત નાના શહેરના નાયકના મોટા કૂદકા જેવી કથાવસ્તુ ધરાવતી ફિલ્મોના ચોકઠામાં રાજકુમાર રાવ બંધબેસતો છે. આ વર્ષે અત્યાર સુધીમાં એની બે ફિલ્મ રિલીઝ થઈ છે શ્રીકાંત' અનેમિસ્ટર એન્ડ મિસિસ માહી’. નાના બજેટની આ બંને ફિલ્મ ઠીક ઠીક કમાણી કરવામાં સફળ રહી છે. રાજકુમાર રાવ નાના બજેટમાં ફિલ્મ બનાવતા નિર્માતોના ગણિતમાં ફિટ બેસે છે અને એટલે ડિમાન્ડમાં પણ છે. પેશ છે એની આગામી ફિલ્મોની ઝલક.

વિકી વિદ્યા કો વો વાલા વીડિયો
આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થનારી આ ફિલ્મ બે કારણસર બહુ ગાજી છે. પહેલું અને જોરદાર કારણ છે એમાં રાજકુમાર રાવની હિરોઈન તૃપ્તિ ડિમરી છે. છેલ્લાં સાતેક વરસથી ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહેલી આ અભિનેત્રી વિશેષ ધ્યાન ખેંચવામાં સફળ નહોતી થઈ. જોકે, રણબીર કપૂરની એનિમલ' પછી ચિત્ર સાવ બદલાઈ ગયું છે.છે કોણ આ અભિનેત્રી?’ જેવા સવાલનો જવાબ મેળવી નિર્માતાઓમાં એને સાઈન કરવા ઉત્સુકતા જોવા મળી રહી છે.

રાજકુમાર રાવને તૃપ્તિની હાજરીનો ફાયદો થશે, કારણ કે ખાસ એને જોવા માટે એક દર્શક વર્ગ જરૂર થિયેટરમાં આવશે. બીજું કારણ છે ગોવિંદાની ખુદગર્જ' ફિલ્મનું હિટ સોન્ગમયસે મીના સે ના સાકી સે ના પૈમાનેસે, દિલ બહલતાહૈ મેરા આપ કે આને સે’ ગીત પર હીરો – હિરોઈને પરફોર્મ કર્યું. ફિલ્મનું ટાઇટલ પણ કુતૂહલ જગાવનાં છે. આ ત્રણેય રસાયણ ફિલ્મ વધુ ઉત્સુકતા જગાડશે ને સરવાળે રાજકુમાર રાવનું પલડું ભારે કરશે.

સ્ત્રી -2
31 ઓગસ્ટ, 2018ના દિવસે રિલીઝ થયેલી હોરર કોમેડી `સ્ત્રી’ને જબરદસ્ત સફળતા મળી હતી. રાજકુમાર રાવ – શ્રદ્ધા કપૂરની આ ફિલ્મનો અંત સિક્વલની સંભાવના વ્યક્ત કરનારો હતો. સિક્વલમાં શ્રદ્ધા કપૂરના પાત્ર પર વધુ ફોકસ હશે એવું માનવામાં આવે છે, પણ રાજકુમાર રાવ એવો અભિનેતા છે જે કોઈ પણ પાત્રને ઉજળું બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે. અગાઉ સિક્વલ પહેલી જ ફિલ્મના દિવસે (31 ઓગસ્ટે) રિલીઝ કરવાની ગણતરી હતી, પણ હવે 15 ઓગસ્ટના દિવસે પધારશે.

સ્વાગત હૈ
આ ફિલ્મને આવકારવા રાજકુમાર રાવના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ માટે ખુદ અભિનેતા ઘણી આશા બાંધી બેઠો છે. ફિલ્મનું દિગ્દર્શન હંસલ મહેતાએ કર્યું છે. ટિપિકલ મસાલા હિન્દી ફિલ્મ મેકિગને બદલે વેગળી વાટ પકડનારા મિસ્ટર મહેતાને `શાહિદ’ માટે શ્રેષ્ઠ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ એનાયત થયો હતો અને આ જ ફિલ્મ માટે રાજકુમાર રાવને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ડિરેક્ટર – એક્ટરની જોડી અર્થપૂર્ણ ફિલ્મો માટે જાણીતી છે. આ વખતે પણ ઉમદા ફિલ્મ આપશે એવી આશા અસ્થાને નથી.

ભૂલચૂક માફ
નાનકડા શહેરની પાર્શ્વભૂમિ ધરાવતી રોમેન્ટિક કોમેડીનું શૂટિગ તાજેતરમાં વારાણસીમાં શરૂ થયું હતું. આ ફિલ્મમાં રાજકુમાર રાવની હિરોઈન છે `જબ વી મેટ’માં કરીના કપૂરની કઝીનનો રોલ કરનારી વામિકા ગબ્બી. સાઉથની ફિલ્મો અને ખાસ તો પંજાબી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવનારી આ અભિનેત્રીનો ગ્લેમરસ અવતાર રાજકુમાર રાવ સાથે કેવો લાગે છે એ જોવાનું રહે છે.

ભેડિયા- 2
હોરર કોમેડીના દોરની આ ફિલ્મ બે વર્ષ
પહેલા આવેલી વણ ધવનની `ભેડિયા’ની સિક્વલ છે. પહેલી ફિલ્મની મુખ્ય જોડી વણ ધવન – ક્રિતિ સેનન સિક્વલમાં
પણ છે. રાજકુમાર

રાવ કેમિયો તરીકે ઓળખાતા અલપઝલપ રોલમાં છે. જોકે, ઘણી વાર મહેમાન કલાકાર મુખ્ય કલાકાર કરતાં વધુ ધ્યાન ખેંચવામાં સફળ રહેતા હોય છે. ધ્યાન ખેંચવાની રાજકુમાર રાવ પાસે કેવી આવડત છે એ સહુ કોઈ જાણે છે.

હિટ: ધ થર્ડ કેસ
સાઉથની કેટલીક ફિલ્મ મૂળ નામ જાળવી રાખે તેમજ એ જ દિગ્દર્શક બનાવે એવો આગ્રહ હવે વધી રહ્યો છે. 2022માં આવેલી હિટ: ધ ફર્સ્ટ કેસ' એનો દાખલો છે. 2020ની તેલુગુ ફિલ્મહિટ: ધ ફર્સ્ટ કેસના લેખક – દિગ્દર્શક શૈલેશ કોલાનુ હતા અને હિન્દી ફિલ્મમાં પણ બંને જવાબદારી એમણે જ પાર પાડી હતી. તેલુગુમાં સફળ થયેલી ફિલ્મ હિન્દીમાં ફ્લોપ થઈ હતી, પણ રાજકુમાર રાવની એક્ટિંગની તારીફના તોરણ બંધાયાં હતાં. 2022માં તેલુગુ સિક્વલ રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર ફાંકડી સફળતા મળ્યા બાદ હિન્દીમાં પણ સિક્વલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હિન્દી સિક્વલનું શું થયું ખબર ન પડી, પણ તેલુગુમાં `હિટ: ધ થર્ડ કેસ’ બની રહી છે અને હિન્દીમાં પણ બનાવવાની અને એમાં રાજકુમાર રાવને ચમકાવવાની યોજના છે.

ઈમલી
અનુરાગ બસુની આ ફિલ્મની ઘોષણા તો છેક 2018માં કરવામાં આવી હતી. લીડ પર માટે રાજકુમાર રાવ – કંગના રનોટને સાઈન કરવામાં આવ્યા હતા. જોકે, પછી કોઈ કારણસર ફિલ્મમાંથી કંગનાના નામની બાદબાકી થઈ ગઈ હતી. દીપિકા પાદુકોણનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ અભિનેત્રી ત્યારે વ્યસ્ત હોવાથી વાત આગળ ન વધી. દરમિયાન અનુરાગ લુડો' બનાવવામાં બીઝી થઈ ગયો અનેઈમલી’ ખાટી થઈ ગઈ. જોકે, મેટ્રો ઈન દિનો' રિલીઝ થયા પછી અનુરાગ બસુઈમલી’ શરૂ કરવા ધારે છે. હિરોઈન કોણ હશે એ નક્કી નથી, પણ હીરો તો રાજકુમાર રાવ જ હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button