શું ‘ટાઇટેનિક’માં જેક બચી શકત ખરો?
મોડર્ન સિનેમાના સૌથી મોટા સવાલનું વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
વિશ્ર્વ આખાને પસંદ હોય એવી ફિલ્મ્સમાંની એક એટલે ’ટાઇટેનિક’ (૧૯૯૭). હકીકતમાં બનેલી એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના, તેનું અવ્વલ સિનેમેટિક નિરૂપણ અને હૃદયસ્પર્શી પ્રેમ વાર્તા. આ ચીજોના સરવાળાએ ‘ટાઇટેનિક’ને ઓલટાઇમ હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ બનાવી દીધી હતી. આ જ પ્રેમને કારણે ફિલ્મના કલાઈમેક્સમાં થતા નાયક જેકના મૃત્યુથી લોકોને ખૂબ જ દુ:ખ થયું હતું. ત્યારથી લઈને આજ સુધી જેક પણ રોઝની સાથે બચી જ શકે તેમ હતો એમ કહેનાર એક મોટો દર્શકવર્ગ છે. નાયકનું મૃત્યુ ન થવું જોઈએ એમ ફક્ત લાગણીવશ વાતો નહીં, પણ જેક કઈ રીતે બચી શકે એની થિયરી સુધ્ધાં ચર્ચાતી રહી છે. મોડર્ન સિનેમા અને પોપ કલ્ચરનો આ કદાચ સૌથી મોટો સવાલ છે કે જેક ‘ટાઇટેનિક’માં બચી શકત કે નહીં? લોકોનું કહેવું છે કે આખું જહાજ જ્યારે તૂટી પડે છે ત્યારે પાણીમાં બચવા પ્રયત્ન કરતા જેક અને રોઝને જે તરતો દરવાજો મળે છે તેના ઉપર સમય પસાર કરીને રોઝ સાથે જેક પણ બચાવ ટીમની રાહ જોઇને બચી જ શકત. એ દરવાજા ઉપર જેક સમાઈ શકે તેટલી જગ્યા હતી જ. ચાલો થોડું વિશ્ર્લેષણ કરીએ અને વૈજ્ઞાનિક રીતે સાચા જવાબ સુધી પહોંચીએ કે દર્શકોની આ મનપસંદ થિયરીમાં કેટલી સચ્ચાઈ છે.
આટલા વર્ષોમાં ફિલ્મના દિગ્દર્શક જેમ્સ કેમરોન અને કાસ્ટ લિયોનાર્દો ડી કેપ્રિયો અને કેટ વિન્સલેટને અનેક વખત આ સવાલ કરાયો છે કે શું સાચે જેકનું મરવું જરૂરી હતું? શું સાચે જેક ન બચી શકત? કેટનું કહેવું છે કે જો જેક એ લાકડા પર રહ્યો હોત તો રોઝ કોઈ પણ પ્રકારે બચી ન શકત.’ જેમ્સ કેમરોને પણ એમ કહ્યા કર્યું છે કે ‘હજુ લોકો એના પર જ અટક્યા છે? જોકે હું ખુશ છું કે ફિલ્મ જ લોકોને એટલી અસરકારક લાગી છે કે તેઓ જેકના મૃત્યુને અંગત ગણે છે. પણ જેકનું મૃત્યુ નિશ્ચિત જ હતું. એ વગર ફિલ્મનો અંત અર્થવિહીન હોત.’
વારંવાર ચર્ચાતો આ સવાલ ૨૦૧૨માં જ્યારે શીપના ડૂબવાની ૧૦૦મી વર્ષગાંઠે ‘ટાઇટેનિક’ ૩ડીમાં રિલીઝ કરવામાં આવી ત્યારે વધુ ઠોસ સ્વરૂપે પૂછવામાં આવ્યો. ડિસ્કવરી ચેનલના ’મિથબસ્ટર્સ’ નામના શોમાં હોસ્ટ્સ એડમ અને જેમીએ શું સાચે જ જેક બચી શકે તેમ નહોતો એ ચકાસવા માટે અલગ-અલગ પ્રયોગ કરીને જવાબ મેળવવાની કોશિશ કરી. તેમનાં એક પરીક્ષણ પ્રમાણે રોઝ જો પોતાનું લાઈફ જેકેટ દરવાજા સાથે બાંધી દે તો તેની મદદથી દરવાજાની ક્ષમતા એટલી થઈ જાત કે જેક અને રોઝ બંને દરવાજા ઉપર રહી શકત. બીજું એ કે અતિશય ઠંડા પાણીમાં રહેવાથી હાઇપરથર્મીયા થઈને મૃત્યુ થવાની શકયતા રહે. ‘મિથબસ્ટર્સ’માં એક સામાન્ય માણસ કેટલો વખત ઠંડા પાણીમાં સર્વાઇવ કરી શકે એના આધારે જયારે જેક અને રોઝ પાણીમાં આવે છે ત્યાંથી રોઝને રેસ્ક્યૂ કરવામાં આવે છે ત્યાં સુધીના સમયને માપીને પણ એમ નક્કી કરવામાં આવ્યું કે જેક બચી શકત. પણ આ પ્રયોગો પછી પણ સાચે જ એ પરિસ્થિતિમાં જેકની માનસિક સાથે શારીરિક ક્ષમતાનું માપ તમે કઈ રીતે ગણો એ સવાલ તો બાકી જ રહે છે.
વિખ્યાત એસ્ટ્રોફિઝિસીસ્ટ નીલ ડગ્રાસ ટાયસનનું કહેવું છે કે જેકની જિજીવિષા પર પણ સવાલ થવો જોઈએ. તમે એકથી વધુ વખત અલગ-અલગ રીતે પ્રયત્ન તો કરો જ ને. આ તો એક વખતના પ્રયાસમાં જેકને લાગ્યું કે લાકડું ડૂબી જશે એટલે તેણે માંડી જ વાળ્યું. તમારી સર્વાઇવલ ઇન્સ્ટિંકટ આનાથી ક્યાંય ગણી વધુ હોય.’ લિયોનાર્દો ડી કેપ્રિયોની એક ફિલ્મના કો-સ્ટાર્સ માર્ગો રોબી અને બ્રાડ પીટ સાથે પણ લિયોનાર્દોની હાજરીમાં એક ઇન્ટરવ્યૂમાં આ વિશે વાત નીકળી હતી. માર્ગોએ ત્યારે જેક બચી જાત એ વાત પર સહમતી દર્શાવી હતી. જયારે બ્રાડે લિયોનાર્દોને જ પૂછી લીધું હતું કે તું રોઝ સાથે બચી જાત, નહીં? પણ લિયોનાર્દોએ જવાબમાં નો કમેન્ટ જ કહ્યું હતું. તે પણ શું કરે? આટલાં વર્ષોથી આ સવાલ તેમની ટીમનો પીછો કરી રહ્યો છે.
પણ આ સવાલનો જવાબ ૨૫ વર્ષ પછી જેમ્સ કેમરોને પોતે વ્યવસ્થિત રીતે આપવાનું નક્કી કર્યું નેશનલ જ્યોગ્રાફિકના ટીવી સ્પેશ્યલ ટાઇટેનિક: ૨૫ યર્સ લેટર વિથ જેમ્સ કેમરોન’ કાર્યક્રમમાં. અનેક લોકોએ પોતાની રીતે આ સવાલનો જવાબ મેળવવા પ્રયોગો કર્યા પણ આ વર્ષની શરૂઆતમાં દિગ્દર્શક જેમ્સે પોતે આ સવાલ પર પૂર્ણવિરામ મૂક્યો છે. એ કાર્યક્રમમાં જેમ્સ કેમરોન અને વૈજ્ઞાનિકોની ટીમે બે સ્ટન્ટ ડબલ્સને પસંદ કર્યા અને એક સ્વિમિંગ પૂલમાં ફિલ્મની વાર્તામાં છે એ જ પ્રમાણે બધું સેટઅપ કર્યું. સ્ટન્ટ ડબલ્સના બોડી વેઇટથી માંડીને લાકડાનો આકાર, વજન અને પાણીના તાપમાન સુધીનું બધું જ જેમનું તેમ તૈયાર કરવામાં આવ્યું. એ પછી જેક અને રોઝ બંને એ પરિસ્થિતિમાં લાઇફબોટ્સ આવે ત્યાં સુધી બચી શકત કે નહીં તેનો વૈજ્ઞાનિક રીતે જવાબ મેળવવા માટે ચાર અલગ-અલગ સ્થિતિ તપાસવા માટે ચાર પ્રયોગ કરવામાં આવ્યા. સૌથી પહેલા પ્રયોગમાં બંનેના શરીરના વધુ ભાગને પાણીમાં રાખવામાં આવ્યા. થીજી જવાય એટલા જીવલેણ પાણીના કારણે એ નિષ્કર્ષ નીકળ્યો કે જેક મૃત્યુ પામત. એ પછી બંનેને અડધા લાકડાની ઉપર અને અડધા પાણીમાં રાખવામાં આવ્યા જેમાં ઉપરના ભાગમાં ધ્રુજારી અને થોડી ગરમી મળવાથી જેક બચી શકત એવી સંભાવના દેખાઈ.
બે પ્રયોગના અંતે જેમ્સ કેમરોને પણ કહેવું પડ્યું કે જેક કદાચ કલાકો સુધી જીવી શકત. પણ આ પ્રયોગોમાં ટાઇટેનિક જહાજ ડૂબતી વખતે મુસાફરોને અહીંથી તહીં ભાગવામાં અને બચવાના પ્રયત્નોમાં જે શારીરિક શ્રમ પડ્યો એ કારકની કમી હતી એટલે બચેલી બંને પ્રાયોગિક સ્થિતિમાં એ આખી પ્રક્રિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આખરી સ્થિતિમાં તો ફેન્સની પ્રચલિત થિયરી મુજબ રોઝ જેકને લાઈફ જેકેટ આપી દે તો શું થાય એ પણ તપાસવામાં આવ્યું. એ રીતે છેલ્લા પ્રયોગો પ્રમાણે પણ જેકની એ ગોઝારી ઘટનામાં જીવિત રહેવાની શક્યતા સૌને પરિણામમાં દેખાય છે અને જેમ્સ કેમરોન પણ તેનો સ્વીકાર કરે છે.
તો ફિલ્મના ૨૫ વર્ષે આ કાર્યક્રમના વૈજ્ઞાનિક જવાબથી ફિલ્મ અને ખાસ તો જેકના હિતચિંતક આપણે સૌ દર્શકોએ એમ માની લેવાનું કે ફાઇનલી નક્કી થઈ ગયું છે કે જેક જીવી શકત? શું હવે આપણે જેક માટેનું દુ:ખ મનમાં ઓછું રાખીશું તો ચાલશે? ના, એવું નથી. જેમ્સ કેમરોન વૈજ્ઞાનિક પાસા સિવાય પણ એક બીજા એટલા જ કે એનાથી પણ વધુ મહત્વના પાસાની વાત કરે છે. એ પાસું એટલે જેકનો પ્રેમ.
જેમ્સ કેમરોન પ્રયોગોના અંતે તર્કબદ્ધ વાત કરતા કહે છે કે હા, જેક કદાચ જીવી જાત. પણ તમે જેકના દ્રષ્ટિકોણથી જોશો તો સમજાશે કે તે એવું કશું જ કરવા નહોતો માંગતો જે રોઝના જીવ પર જોખમ ઊભું કરે. તેના પાત્રમાં આ ચીજ ૧૦૦ ટકા દેખાય છે. તેના પોતાના બચવાની થોડા ટકાની સંભાવના સામે રોઝને એક ટકો પણ હાનિ પહોંચવાની સ્થિતિ દેખાત તો તે એ ન કરત. અહીં વાત ફક્ત વસ્તુની નથી, વ્યક્તિત્વની પણ છે. જેક માટે જીજીવિષાથી વધુ વહાલી રોઝ હતી. તેની બચવાની કોશિશમાં વજન વધતા લાકડાને અસ્થિર થતા જોઈને તેણે પોતાનો જીવ આપીને પણ પોતાના પ્રેમને જીવંત રાખવાનો નિર્ધાર કર્યો હતો.’
મતલબ જેક એ લાકડા પર સમાઈ શકત કે નહીં તેના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તે એ લાકડા પર સમાવા ઈચ્છતો જ નહોતો!
લાસ્ટ શોટ
જેના પર રહીને રોઝ બચી જાય છે એ હકીકતે કોઈ દરવાજાનો ટુકડો નહોતો, પણ એ શીપના ફર્સ્ટ ક્લાસ લાઉન્જની પેનલનો હિસ્સો હતો.’
- જેમ્સ કેમરોન