‘કોડ મંત્ર’: આ નાટકના ગૅ્રન્ડ રિહર્સલની સંખ્યા સાંભળશો તો પડી જશો
તખ્તાની પેલે પાર -વિપુલ વિઠ્ઠલાણી
શ્રીમતી કોકિલાબેન, શ્રીમતી નીતાબેન અને શ્રી મુકેશભાઇ અંબાણી તેમ જ રૂપાબેન અને લાલુભાઇ શાહ સાથે ‘કોડ મંત્ર’ પરિવાર.
(ગયા શુક્રવારે કોડ મંત્ર નાટકની માંડેલી વાતો હવે આગળ)
ભરતે તો હજુ અભિમન્યુની જેમ કોઠાઓ પાર કરવાની શરૂઆત જ કરી હતી. એની ખરી કસોટી તો ત્યારબાદ શરૂ થઈ હતી.
એક દિવસ રિહર્સલમાં રાજુભાઈએ કહ્યું, “મારે તખ્તા પર પરેડ બતાવવી છે જેના માટે મારે બીજા ૨૫ છોકરાઓ જોઈશે. આ સાંભળતાંવેંત ભરત એના ત્રણ ધબકારા ચૂકી ગયો હતો. એને હતું કે ૪-૫ સૈનિકોથી કામ ચાલી જશે, પણ ૨૫? એ મૂંઝાઈ ગયો કે આટલા બધા છોકરાઓ લાવવા ક્યાંથી? પણ એને ખાતરી હતી કે રાજુભાઈએ કહ્યું છે તો નાટકના સારા માટે જ કહ્યું હશે એટલે એ છોકરાઓ શોધવા નીકળી પડ્યો. એવામાં ક્યાંકથી ખબર પડતાં એક સવારે એ પહોંચી ગયો સીધો અંધેરી, ભારતીય વિદ્યા ભવન અને ત્યાં જઈ એનસીસી કૅડેટ્સના ઉપરી અધકારીને મળી એમને આખી વાત અને પોતાની સમસ્યા જણાવી. એ અધિકારીએ વૅલેન્ટીન ફર્નાન્ડીસ નામના એમના એક વિદ્યાર્થીનો નંબર આપતા કહ્યું, “આ તમને જરૂર મદદ કરશે. ફર્નાન્ડીસ સાથે કેટકેટલાય ફૉલો-અપ બાદ પણ એ મુલાકાત ગોઠવવામાં ગલ્લાંતલ્લાં કરી રહ્યો હતો. રાજુભાઈને થયું ભરત ગપગોળા ચલાવી રહ્યો છે એટલે એમણે એક દિવસ રિહર્સલ પત્યા બાદ ભરતને કહી દીધું કે, “કાલે આ બધા આવવાના હોય તો ઠીક છે બાકી હું રિહર્સલ અહીંથી જ બંધ કરું છું. ભરતની હાલત તો કાપો તો લોહી ના નીકળે જેવી થઈ ગઈ. બીજા દિવસે ભરતે ફર્નાન્ડીસને રીતસરની કાકલૂદી કરવી પડી. સાંજે ચાર વાગ્યાનો સમય નક્કી કર્યા બાદ પણ ફર્નાન્ડીસ તરફથી “અભી આ રહા હૂઁ… બસ પહોંચતા હી હૂઁ… રસ્તે મી હી હૂઁ… જેવા ઉડાઉ જવાબો મળવાથી ભરતને લાગ્યું પત્યું, રાજુભાઈ આજે ચોક્કસ ના પાડી દેશે. આટલા દિવસની મહેનત અને રૂપિયા બધું પાણીમાં ગયું… પણ રાત્રે દસ વાગ્યે જ્યારે ફર્નાન્ડીસ રિહર્સલમાં પહોંચ્યો ત્યારે ભરતને હાશકારો થયો રાજુભાઈને વિશ્ર્વાસ બેઠો કે ભરત ગપ્પાં નહોતો મારી રહ્યો.
રાજુભાઈએ ફર્નાન્ડીસને વાર્તા સમજાવતાં કહ્યું, “મારે એક સરખી હાઈટના પચીસ છોકરાઓ જોઈએ છે, જે બીજાં કામો કરતાં નાટકને પ્રાધાન્ય આપી દરેક શૉમાં હાજર રહે. બે દિવસ રહીને ફર્નાન્ડીસ એનસીસીના ૪૦ છોકરાઓ લઈને રિહર્સલમાં પહોંચી ગયો એમાં તો ભરતની સગાઈ હોય એમ આખો હૉલ ભરાઈ ગયો. એ ૪૦ છોકરાઓમાંથી છટણી કરતાં રાજુભાઈએ એક સરખી ઊંચાઈ ધરાવતા પચ્ચીસ છોકરાઓ ચૂંટી કાઢ્યા અને ૧૫-૧૭ કલાકારો સહિત ૪૦-૪૨ જણનું મોટું રાવણું તૈયાર કર્યું. ત્યારબાદ રિહર્સલ તો જાણે કે આગળ વધવા જ લાગ્યાં હતાં પણ વીડિયો ગેમમાં જેમ રાજકુમારની સામે એક પછી એક રાક્ષસો આવ્યા કરતા હોય છે એમ ભરત સામે પણ એક પછી એક સમસ્યાઓ આવવાની ચાલું થઈ ગઈ હતી. જોકે એ સામી છાતીએ મહાત કરવા તૈયાર જ હતો.
આજની તારીખમાં રિહર્સલમાં ચ્હા-નાસ્તાનો રોજનો ખર્ચો ૭૦૦-૯૦૦ રૂપિયા સહેજે થઈ જતો હોય છે પણ આ વાત છે ૨૦૧૫ની. ચાર ક્રિકેટ ટીમ જેટલા મોટાં નટચમૂ માટે રોજ ૪,૦૦૦ રૂપિયાના તો માત્ર વડા-પાંઉ જ આવતાં અને ચ્હાનું બિલ ૩,૦૦૦નું આવતું. સવારથી એનસીસીની કડક ટ્રેઇનિંગ બાદ રિહર્સલમાં આવતા છોકરાઓ એવા ભૂખ્યા ડાંસ થતા કે એમને ના પણ ના પડાય. ભરત તો મસ્તીમાં એ બધા સિપાહીઓને નાના રાક્ષસ કહીને જ બોલાવતો. કલાકાર-કસબીઓને ખવડાવા પીવડાવામાં સહેજ પણ કચાશ ન રાખનારા ભરતને રોજ મનમાં ખૂંચ્યા કરતું કે એ વડા-પાંઉથી આગળ વધી જ નહોતો શકતો. રોજ મૂંગા મોઢે વડા-પાંઉથી ચલાવી લેનાર ટીમ માટે ફાઇનલી એક દિવસ ભરતે ગ્રૅન્ડ રિહર્સલમાં મિસળ-પાંઉ મગાવ્યાં તો એનું બિલ દસ હજાર થઈ ગયું હતું. અને એક દિવસ બધા માટે પાંઉ-ભાજી મગાવ્યાં તો એનું બિલ તો છેક બાવીસ હજાર પર પહોંચી ગયું હતું. ૬૦ જણની ટીમ માટે ભરત ૭૫ જણનું ખાવાનું મગાવતો તોયે ઓછું પડતું હતું.
આ તો થઈ નાસ્તો-પાણીની વાત. હવે કરીએ ગ્રૅન્ડ રિહર્સલની વાત. નૉર્મલી નાટકનાં રિહર્સલ એકાદ મહિનો ચાલે અને ત્યારબાદ બે કે ત્રણ ગ્રૅન્ડ રિહર્સલ (જી.આર.) થાય. (ગ્રૅન્ડ રિહર્સલની પ્રક્રિયા એટલે આખા દિવસ માટે સભાગૃહ ભાડે લઈ સેટ, લાઇટ, મ્યુઝિક, કોસ્ચ્યુમ અને પ્રૉપર્ટી સાથે રિહર્સલ કરવામાં આવે જેથી બધા જ કલાકાર-કસબીઓ માટે બધું સરળ અને અનુકૂળ થઈ જાય) પણ અહીં તો રિહર્સલ જ બે મહિના સુધી ચાલ્યાં હતાં અને ગ્રૅન્ડ રિહર્સલની સંખ્યા સાંભળશો તો પડી જ જશો. આ નાટકનાં ત્રણ નહીં, ચાર નહીં પણ ૧૮ જી.આર. થયાં હતાં. જી હા, બરાબર જ વાંચ્યું તમે, ૧૮ જી.આર! સવા મહિનો આખા આખા દિવસનાં રિહર્સલ પછી છ દિવસ તો માત્ર પહેલા અંકનાં જ જી.આર. થયાં હતાં. ત્યારબાદ સાદા હૉલમાં બીજા અંકનાં રિહર્સલ કરી છ દિવસ બીજા અંકના જી.આર. થયાં. પછી પાછાં સાદા હોલમાં રિહર્સલ કરી ફાઇનલી પાછાં છ દિવસ આખાં નાટકનાં જી.આર. થયાં હતાં. રંગભૂમિના ઇતિહાસમાં આ પહેલું અને કદાચ છેલ્લું નાટક હશે જેનાં આટલાં જી.આર. થયાં હોય. (જોકે ભરત, સ્નેહા અને રાજુની ત્રિપુટી કંઇ પણ કરવા સમર્થ છે. ભવિષ્યમાં તેઓ સચિન તેંડુલકરની જેમ પોતે જ પોતાનો જ રેકૉર્ડ તોડે તો નવાઈ નહીં)
જી.આર. પછી હવે કોસ્ચ્યુમની વાત કરીશ તો તમે છક્ક થઈ જશો. ૧૫ કલાકારોને તૈયાર કરવાના હતા એના બદલે ૪૦ કલાકારોને તૈયાર કરવાનો વારો આવ્યો હતો. સિપાહીને તૈયાર કરવા માટે એની રાઇફલ, કૅપ, બૂટ, યુનિફૉર્મ, બિલ્લો, બેલ્ટ આ બધું ગણીને કુલ ખર્ચ હતો ૧૩ હજાર રૂપિયા. એક મિનિટ… ૧૩ હજાર ટોટલ નહીં, ૧૩ હજાર તો માત્ર એક જ સિપાહીને તૈયાર કરવાનો ખર્ચ હતો. આવા તો ૨૫ સિપાહીઓ હતા. અને બીજા ૧૫ કલાકારોને તૈયાર કરવાનો ખર્ચ તો પાછો અલગ જ. તદુપરાંત સેટ અને બૅકસ્ટેજવાળા કસબીઓને પણ સૈનિકનો જ ગણવેશ આપવામાં આવ્યો હતો એટલે એ બધાનો ખર્ચો તો છોગામાં જ. આના પરથી અંદાજો લગાવી શકાય કે આ નાટકમાં માત્ર કોસ્ચ્યુમનો જ ખર્ચો કેટલો થયો હશે. અંધેરીમાં નવરંગ થિયેટરની સામે જે મુસ્લિમ કારીગરને ત્રીસ રાઇફલ અને આઠ એ.કે. ૪૭ બનાવવાનો ઑર્ડર આપ્યો હતો એ કારીગર જ્યારે ડીલિવરી આપવા આવ્યો ત્યારે એના હાથ-પગ સતત ધ્રૂજતા હતા અને ડીલિવરી લેતા ભરતના પણ.
કોસ્ચ્યુમ પછી હવે આવીએ સેટની વાત પર. નાટકમાં નૉર્મલી ત્રણથી પાંચ લાખનો સેટ બનતો હોય છે, પણ આ નાટકનો સેટ બનાવવામાં પાંચેક લાખ તો માત્ર વૅસ્ટેજમાં જ ગયા હતા. એનાં કેટલાંક ઉદાહરણો જોઈએ તો, રાજુભાઈને નાટકમાં સ્ટેજ પર મધ્યમાં સવા છ ફીટનું લોખંડનું એક મોટું પ્લૅટફૉર્મ જોઈતું હતું, જેની ઉપર પણ નાટક ભજવાતું અને નીચે પણ. પણ એની ઉપર ઊભો રહીને કલાકાર ભજવે તો બાલ્કનીમાં લોકોને એ દેખાશે કે નહીં એની અવઢવ હતી. છેવટે તાત્કાલિક એ પ્લૅટફૉર્મ બનાવડાવી સ્પેશ્યલી એક દિવસ માટે માટુંગાનું ચૌહાણ ઑડિટોરિયમ ભાડે લઈ એના સ્ટેજ પર એ પ્લૅટફૉર્મ લગાવી જોયું તો શક સાચો નીકળ્યો. બાલ્કનીમાંથી જુઓ તો કલાકારોનાં માથાં કપાઈ જતાં હતાં એટલે એ આખું પ્લૅટફૉર્મ રીજેક્ટ કરી ૪ ફીટનું પ્લૅટફૉર્મ બનાવવાનું નક્કી થયું. હવે આટલો અખતરો કર્યો એમાં જ એક દિવસમાં ૫૦ હજાર રૂપિયા ઘૂસી ગયા હતા.
બીજું, નાટકમાં એક દૃશ્ય એવું હતું જેમાં બે સિપાહીઓ સુરંગમાંથી સંવાદો બોલતા પસાર થતા હોય છે. એ માટે રાજુભાઈને સ્ટેજ પર એક સુરંગ જોઈતી હતી જેમાં લાઇટ્સ પણ ગોઠવવાની હતી જેથી પ્રેક્ષકોને બરાબર દેખાય. એ સુરંગ બનાવવાનો ખર્ચો ૨૪ હજાર રૂપિયા હતો એટલે સેટ ડિઝાઇનર પ્રસાદ વાલાવલકર અને સેટ એક્ઝિક્યુટર પ્રવીણ ભોસલેએ સુરંગ બનાવવા જતા પહેલા ભરત સાથે ક્ધફર્મ કર્યું કે નક્કી એની જરૂર છે જ ને? કારણ કે એ બનાવવાના બધા જ રૂપિયા ઍડવાન્સમાં આપવા પડે એમ હતું. ભરતે રાજુભાઈને પૂછ્યું તો એમણે કહ્યું, “સીન ઑલરેડી સેટ થઈ ગયો છે એટલે જોઈશે જ. ભરતે સુરંગનું પૂરું પૅમેન્ટ ઍડવાન્સમાં ચૂકવી દીધું અને સુરંગ બનવાની ચાલું થઈ ગઈ. બે દિવસ પછી સુરંગ તૈયાર થઈને આવવાની હતી ત્યારે ભરત એ જોવા માટે સખત ઉત્સુક હતો, પણ એ દિવસે સવારે રાજુભાઈએ પૈસા બચાવવાના આશયથી ભરતને કહ્યું, “અરે ભાઈ, સુરંગ બનાવવાનો ખોટો ખર્ચો નહીં કરતો, કારણ કે મેં એ દૃશ્ય કાઢી નાખ્યું છે. (આટલું બોલી તેઓ નીકળી ગયા, પણ એમને ખબર નહોતી કે ભરતે ૨૪ હજાર રૂપિયાનું ઑલરેડી નાહી નાખ્યું છે) જોકે આ સાંભળીને ભરતનાં પેટનું પાણી પણ નહોતું હલ્યું, કારણ કે એને ખબર હતી કે ૪૦ કલાકારોને એકલા હાથે સંભાળતા રાજુભાઈ કેવા તણાવોમાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ કશું જ બદઇરાદાપૂર્વક નહોતા કરી રહ્યા. અને સુંદર આકાર લેતું નાટક જ્યારે છેલ્લા તબક્કે પહોંચી રહ્યું હોય ત્યારે ખોટો રઘવાટ કરીને બધું બગાડવાનો કોઈ અર્થ નહોતો. એ જાણતો હતો કે આવું તો હજુ ઘણું આવશે, અને આવ્યું જ…
આપણે જ્યારે નાટક જોયું ત્યારે દરેક સીનનું ફર્નિચર એક સરખું હતું, પણ પહેલાં એવું નહોતું. પહેલાં દરેક સીનનું ફર્નિચર અલગ અલગ હતું, પણ ગ્રૅન્ડ રિહર્સલમાં જોયું કે આટલા બધા સીનનું ફર્નિચર બદલવા અને એને રાખવા માટે વિંગ (એન્ટ્રી-એક્ઝિટ માટે તખ્તાની બન્ને બાજુનો ભાગ)માં જગ્યા જ નહોતી. ત્યાં તો ઑલરેડી ૫૫ કલાકાર-કસબીઓ સતત અવરજવર કરી રહ્યા હતા. રાજુભાઈ અસમંજસમાં હતા કે હવે ભરતને કઈ રીતે સમજાવું કે આટલું બધું ફર્નિચર વૅસ્ટ જશે, પણ ભરતે પરિસ્થિતિ પારખી સામે ચાલીને રાજુભાઈને કહ્યું કે, “તમે બીજી બધી ચિંતાઓ છોડી માત્ર રિલેક્સ થઈને કામ કરો ભાઈ. રાજુભાઈએ દરેક સીનનું ફર્નિચર એક સરખું રાખી માત્ર એની પોઝિશન જ બદલી નાટક આગળ ધપાવ્યું. બાકીનું ફર્નિચર તો વૅસ્ટ ગયું જ પણ આમ ધીરે ધીરે કરતાં પાંચેક લાખ માત્ર સેટમાં જ વેડફાઇ ગયા હતા.
ભરતને હતું કે સામાન્યપણે ૭-૮ લાખમાં તૈયાર થઈ જતું નાટક આ વખતે કદાચ ૧૨-૧૩ લાખની ટોટલ પ્રોડક્શન કૉસ્ટ પર આવીને અટકશે પણ ના, અહીં તો ખર્ચાઓ અટકવાનું નામ જ નહોતા લેતા. બધો જ ખર્ચો ત્રણ ગણો થઈ ગયો હતો. ૧૫ લાખ તો એક મહિનામાં આંખના પલકારામાં ખર્ચાઈ ગયેલા.
રોજ રાત પડે અને ભરતને ઊંઘમાં એક જ પ્રશ્ર્ન સતાવતો કે, આજ તો સચવાઈ ગઈ પણ કાલનો ખાડો પૂરવા હવે રૂપિયા કાઢવા ક્યાંથી? એટલે રોજ સવાર પડે અને ભરત રૂપિયાની વ્યવસ્થા કરવા નીકળી પડતો. ઓળખીતાંપારખીતાંઓ પાસેથી ૫-૧૫ હજારને બદલે એકએક દોઢદોઢ લાખ ઉધાર લેતા પહેલા એ દરેકને વચન આપતો કે બે મહિનામાં પાછા ચૂકવી દઈશ (અને ચૂકવી પણ દીધેલા). ૧૫ લાખ લઈને કોડ મંત્ર બનાવવા નીકળેલા ભરતના પહેલા શૉ પહેલા જ ૩૫ લાખ ખર્ચાઈ ગયા હતા. રાજ કપૂરે ‘મેરા નામ જોકર’ અને મનોજ કુમારે ‘ક્રાંતિ’ બનાવતી વખતે ઘર-ઝવેરાત બધું જ દાવ પર લગાવી દીધું હતું એમ ભરતનું બધું દાવ પર લાગી ગયું હતું. અને આટલું મોટું જોખમ લેવા પાછળનાં મુખ્ય કારણો હતાં, ભરતનો વાર્તા, સ્નેહાની કલમ, રાજુભાઈના નેતૃત્વ અને કલાકારોના પરફૉર્મન્સ પરનો વિશ્ર્વાસ. જોકે નટરાજાની મહેરબાનીથી આખી ટીમની મહેનત રંગ લાવી અને નાટક સુપર-હિટ થઈ ગયું. પણ ધારો કે નાટક ઓગણીસ-વીસ ગયું હોત તો પોતે કાયમ માટે રસ્તા પર આવી ગયો હોત એ વિચારથી ભરત આજે પણ કાંપી
ઊઠે છે.
સેટની હજી એક વિશિષ્ટતા કહું. ઘણીવાર નાટકના ઉપરાછાપરી બે પ્રયોગો હોય ત્યારે નિર્માતા બે સેટ તૈયાર રાખતા હોય છે, જેથી એક શૉ પતાવીને ટીમ બીજાં થિયેટર પર પહોંચે ત્યારે ત્યાં સેટ ગોઠવાઈને તૈયાર જ હોય, પણ આ નાટકમાં એ શક્ય નહોતું, કારણ કે આ નાટકનો સેટ એવો બન્યો હતો કે એ ખાસ સેટ વગર નાટક ક્યારેય ભજવી જ ના શકાય. અને ભરત જો બીજો સેટ બનાવવા ગયો પણ હોત તો એના ૧૨-૧૫ લાખ બીજા ખર્ચાઈ જાત. માત્ર તેજપાલથી ઠાકરે સુધી ભજવવાની ધારણા સાથે શરૂ થયેલા આ નાટકે આખા દેશમાં પ્રયોગો ભજવ્યા અને એ પણ માત્ર એક જ સેટ સાથે. એટલે નાટક દેશના જે ખૂણે જતું ત્યાં આખી ટીમ સાથે એ જ સેટ પણ જતો. (આ વાંચી જૂની ફિલ્મ ‘કારવાં’નું દૃશ્ય યાદ આવી ગયું હોય તો સ્માઇલ આપજો)
જેમ કે આપણે સહુ જાણીએ છીએ કે નાટકની સમાપ્તિ બાદ કલાકારોનો પાત્ર પરિચય આપવામાં આવતો હોય છે, પણ આ નાટક વખતે ગુજરાતી તખ્તા પર પહેલીવાર એવું બન્યું હતું કે રાજુ જોશીએ નાટકની સાથે કર્ટન કૉલ પણ કૉરિયોગ્રાફ કરવો પડ્યો હતો જેથી સ્ટેજ પર કોઈપણ પ્રકારની ટિચામણ વગર ૬૦ જણની ટીમની ઓળખાણ સુઘડ રીતે આપી શકાય.
ત્રીજી ઘંટડી
નાટકે આગળ જતાં ૨૦૦ કરતાં વધારે પ્રયોગો ભજવ્યા હતા, પણ મારમાર ચાલતું નાટક અચાનક જ બંધ કરી દેવાનું એક મુખ્ય કારણ હતું એ જ નાટકના એક કલાકાર રાજેશ સોનીનું અકાળે મૃત્યુ. મુખ્યત્વે જે.ડી.ની સિરિયલ્સ લખતો રાજેશ આ નાટકમાં પ્રતાપભાઈના મિત્રનો રોલ કરતો હતો. નાટકના બસો શૉની ઉજવણી વખતે રાજેશે કોડ મંત્ર નાટક પર એક સુંદર કવિતા લખી હતી જે લોકોને આજે પણ યાદ છે, પણ એક રાત્રે એણે અચાનક જ આ દુનિયામાંથી અણધારી એક્ઝિટ લઈ લીધી અને આખી ટીમમાં સોંપો પડી ગયો. એના રિપ્લેસમેન્ટ સાથે અમુક શૉ ભજવાયા પણ સમગ્ર ટીમને એની ગેરહાજરી સતત સાલવી રહી હતી. એટલે ખાસ્સા એવા પ્રૉફિટમાં દોડતું નાટક ભરતે રાતોરાત બંધ કરી દીધું. અમુક મહિનાઓ બાદ આ જ નાટક મરાઠી ભાષામાં ભજવાયું હતું અને ત્યાં એના પોણા ત્રણસો કરતાં વધારે પ્રયોગો થયા હતા.
ઉપરોક્ત માહિતીઓ નામી નિર્માતા ભરત ઠક્કર સાથે વાતો કરતાં મળી.
Viththlani saheb, adbhut article
As usual you are great
We had missed code mantra in gujarati but saw in marathi