મેટિની

ક્લેપ એન્ડ કટ..! : આમિરની ફિલ્મ ‘ઝમીન’ પર ઊતરી ગઈ!

-સિદ્ધાર્થ છાયા

બોલિવૂડવાળા હોલિવૂડની ફિલ્મોની બેધડક કોપી કરે છે એ કોઈ નવી વાત નથી. હા, ઘણાં બોલિવૂડ ફિલ્મ મેકર્સ તેને ‘ઇન્સ્પિરેશન’ કહીને પોતાને કોપીના આરોપથી દૂર રાખવાનો પ્રયાસ જરૂર કરતા હોય છે, પરંતુ આમિર ખાને અત્યાર સુધી એની આવનારી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ એ કોપી નહીં, પરંતુ ઇન્સ્પિરેશન છે એવું કશું કહ્યું નથી.

વાત એમ છે કે હમણાં બે દિવસ પહેલાં ‘સિ.ઝ.પ.’ (સિતારે ઝમીન પર) નું ટ્રેલર જોવા મળ્યું. આ ટ્રેલર જોઇને ઘણા બધા લોકોને થયું કે હાશ, હવે આપણને કોઈ નવા વિષય પર ફિલ્મ જોવા મળશે. વળી ટ્રેલર હતું પણ ઇમ્પ્રેસિવ , પણ કેટલાક ખણખોદિયા નવરા થોડા બેસી રહે? ખોતરકામ કરતાં ખ્યાલ આવ્યો કે આમિરની આ ‘સિ.ઝ.પ.’ એ ફક્ત બે વર્ષ અગાઉ આવેલી હોલિવુડ ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ની બેઠ્ઠી કોપી છે! એટલું જ નહીં, ફિલ્મનું ઈમ્પ્રેસ કરનારું ટ્રેલર પણ ‘ચેમ્પિયન્સ’ના ટ્રેલરની બેઠ્ઠી કોપી છે! હવે આ ‘ચેમ્પિયન્સ’ ખુદ જોકે એ જ નામથી બનેલી સ્પેનિશ ફિલ્મની ઓફિશિયલ રિ-મેક છે, પણ આમિરમિયાંએ પોતાની આ ફિલ્મ રિ-મેક હોવાનો ઉલ્લેખ અત્યાર સુધી તો ક્યાંય નથી કર્યો.

આમિર અને એના પ્રોડક્શન હાઉસના લોકોએ શું વિચાર્યું હશે? સમીક્ષકો- દર્શકોને વળી શું ખબર પડવાની? હકીકતમાં કોવિડ દરમિયાન લોકોને એટલી બધી ઇન્ટરનેશનલ ફિલ્મો જોવાની આદત પડી ગઈ છે કે એમના ધ્યાનમાંથી ‘ચેમ્પિયન્સ’ છટકે ખરી?!

વળી, ‘ઓપરેશન સિંદૂર ’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનારા તુર્કીના રાષ્ટ્રપતિ સાથે આમિરના નજીકના સંબંધ પણ આ ફિલ્મની સફળતા ઉપર હવે ઝળુંબી રહ્યા છે. ક્યાંક ‘સિ.ઝ.પ.’ એમાં અટવાઈને ફ્લોપ તો નહીં જાયને?
‘રામ-લખન’ ફરી એકવાર પડદા પર સાથે…

ઘણાં સમયથી જે ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની રાહ જોવાઈ રહી છે તે શાહરૂખ ખાનની ‘કિંગ’ને લઈને એક મોટી ખબર આવી છે કે આ ફિલ્મમાં જેકી શ્રોફ અને અનિલ કપૂર બંને એકસાથે જોવા મળશે…. અનીલ કપૂરને તો ‘કિંગ ’ માટે અગાઉથી જ સાઈન કરી લેવામાં આવ્યો હતો, પરંતુ જેકી શ્રોફને એમાં હમણાં જ સાઈન કરવામાં આવ્યો છે.

ફિલ્મજગતના ‘ખબરી’ મુજબ ફિલ્મ ‘કિંગ’ એ મોટા માફિયા અને એની દીકરી વચ્ચેના સંબંધની વાર્તા છે. શાહરૂખ ખાન એ માફિયાની ભૂમિકા ભજવી રહ્યો છે અને અનિલ કપૂર એના સિનિયર હેન્ડલરની ભૂમિકામાં છે. જેકી શ્રોફ આ ફિલ્મમાં કયો રોલ કરશે એ વિશે હજી કોઈ ખબર બહાર આવ્યા નથી, પરંતુ ગઈ પેઢીના ચાહકો માટે તો એટલું જ પૂરતું છે કે રામ અને લખન ત્રીસ વર્ષ બાદ એક સાથે સ્ક્રિન શેર કરતા જોવા મળશે. જોઈએ હવે આ રામ- લખનની જોડી ‘કિંગ’ ઉપર કેટલી ભારે પડે છે!

ભાઈજાન બોલ્યા ને ‘એ ફસા…!’

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ઘણી બધી સેલિબ્રિટીઝનું પાણી મપાઈ ગયું છે. ભારતની સેના પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાંઓ ઉપર હુમલો કરી રહી હતી ત્યારે મોટાભાગના બોલિવૂડે મૌન સેવવાનું પસંદ કર્યું હતું. આ વાત સામાન્ય પ્રજાને બિલકુલ ગમી નથી. આ તમામમાં સલમાન ખાન પણ હવે પ્રજાની નજરમાં આવી ગયો છે. સમગ્ર ઓપરેશન વખતે કશું જ ન બોલનાર સલમાન ખાને જ્યારે કહેવાતા ‘યુદ્ધવિરામ’ના સમાચાર આવ્યા ત્યારે ઉપરવાળાનો આભાર કરતી પોસ્ટ ‘એક્સ’ પર વહેતી કરી. આપણા સૈનિકો પોતાનો જીવ જોખમમાં મૂકીને દુશ્મન દેશને પાઠ ભણાવતા હોય ત્યારે એમના માટે ઉત્સાહપ્રેરક બે શબ્દો ન બોલનાર સલમાને જેવો યુદ્ધવિરામ થયો કે પ્રભુનો પાડ માન્યો એ વાત કરોડો ભારતવાસીઓને ખૂંચી ગઈ. આ પછી પ્રજાનો રોષ જોઈને ભાઈજાને એ પોસ્ટ ડિલિટ કરવી પડી.

આપણ વાંચો:  સાત્વિકમ શિવમઃ કર્મ એવાં કરો કે ફળ ભોગવતાં ‘તક’ મળે, ‘તકલીફ’ નહીં…

ફક્ત સલમાન જ નહીં, બાકીના બે ખાન અને બીજા અનેક ફિલ્મ સેલેબ્સ પણ યુદ્ધવિરામ પહેલાં અને પછી પણ બિલકુલ મૌન સેવી રહ્યા છે. કોઇપણ મુદ્દે પોતાનો મત જાહેર કરવા દોડી જતા આ લોકો વિરુદ્ધ હવે એમના ચાહકો કઈ રીતે પોતાનો રોષ ઉતારે છે એ જોવાનું રહ્યું. …

કટ એન્ડ ઓકે..
પાકિસ્તાની એક્ટર ફવાદ ખાને પાકિસ્તાન પરની ભારતીય સેનાની એક્શનને ‘શરમજનક’ ગણાવી પછી ‘અનુપમા’ રૂપાલી ગાંગુલીની જલદ પ્રતિક્રિયા:

‘ના…તારું ભારતીય ફિલ્મોમાં કામ કરવું એ અમારા માટે વધુ શરમજનક હતું!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button