જેનો આ તહેવાર તે સૌની તૈયારી, સિનેમા કહે ભાઈ સૌની હો વારી!
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
લિવિંગ રૂમમાં ઓફિસના મિત્રોની મહેફિલ જામી છે. દારૂ પીવાઈ રહ્યો છે. સ્ટાર્ટર પીરસાઈ રહ્યું છે. ઘરનો પુરુષ બ્રિજેશ જોરજોરથી મિત્રો સાથે હસી રહ્યો છે. અંદર રસોડામાં બહાર મિજબાની માણી રહેલા પુરુષોની પત્નીઓ રસોડાની અસહ્ય ગરમીમાં પણ બહાર થતી મોજમાં વધારો કરવા માટે જમવાનું બનાવી રહી છે. ઘરની સ્ત્રી મંજુને રસોઈ કરતાં- કરતાં અંદરની સ્ત્રીઓની સરભરા પણ કરવાની છે, બીજા રૂમમાં રમી રહેલા બાળકો લિવિંગ રૂમમાં જઈને ખલેલ ન પહોંચાડે એનું ધ્યાન પણ રાખવાનું છે, બહાર કુલરમાં પાણી નાખીને ત્યાંની ઠંડક જળવાઈ રહે એ પછી રસોડા માટે માળિયામાંથી જૂનો ટેબલ ફેન બ્રિજેશની મદદ માંગ્યા પછી પણ જાતે ઉતારવાનો છે અને રાંધતા રાંધતા દાઝી જવાય તો ફૂંક પણ જાતે જ મારવાની છે!
Also read: કવર સ્ટોરી: હિન્દી – ગુજરાતી ફિલ્મઉદ્યોગે રજની સરને અનુસરવું જોઈએ
આ દૃશ્ય છે ૨૦૧૭માં આવેલી નીરજ ઘેવાન દિગ્દર્શિત શોર્ટ ફિલ્મ ‘જ્યુસ’નું. ફિલ્મનો અંત અકલ્પનિય પણ સંતોષકારક છે. જોકે, ભયંકર અસંતોષજનક સ્થિતિ તો છે આ દૃશ્ય. દિવાળી જેવા તહેવારોમાં આપણા ઘરોમાં આવું જ કંઈક ઉપરોકત દૃશ્ય વર્ષોથી જોવા મળે છે. પરિવારના જ સભ્યો હોઈને કદાચ એ તરફ આપણું ધ્યાન ન જાય કે પછી ધ્યાન જાય તો પણ તેને અવગણીએ, પણ મોટાભાગના ઘરોમાં હજુ એવી સ્થિતિ છે કે તહેવાર એટલે તો માત્ર સ્ત્રીની જ જવાબદારી. મિત્રોની સાંજની સામાન્ય બેઠકમાં પણ ઘરની સ્ત્રી રાત થાય ત્યાં સુધીમાં અતિશય થાકી જતી હોય છે તો તહેવારમાં તો તે જાણે અશ્રુ-સ્વેદ-રક્ત સે લથપથ જ જોવા મળે. સ્ત્રીની આ હાલત પાછળ જવાબદાર હોય છે એ દરેક બેઠક અને તહેવાર પાછળ થતી બધી જ તૈયારીમાં તેની એકલીની શારીરિક – માનસિક મહેનત.
દિવાળીમાં ઘરની સાફસફાઈ, વસ્તુઓની ગોઠવણ, નવી ચીજોની ખરીદી, નાસ્તા અને મીઠાઈની રસોઈ, બાળકોને તૈયાર કરવાની અને દરેક ટાણે નવીન રાંધવાની જવાબદારીમાંથી કેટલું કામ સ્ત્રી કરે છે ને કેટલું પુરુષ એ પ્રશ્ર્ન ઘર અને સમાજની સ્થિતિ જોઈને ખુદને પૂછશો તો પુરુષ હશો તો શરમ આવશે ને સ્ત્રી હશો તોતો કદાચ આ વાંચી રહેલા પુરુષને રસોડામાંથી પાણીનો ગ્લાસ આપતા હો એવું પણ બની શકે. દરેક ભારતીય તહેવાર સંયુક્તપણે ઊજવવાની જ પ્રથાનો હિસ્સો છે તો પછી કેમ ઘરની સ્ત્રીને ઉજવણીના બદલે ફક્ત એની તૈયારી કરવામાં જ લાગ્યા રહેવાનું? અને તહેવારમાં જ એવી હાલત હોય છે તો બાકીની ઉજવણીમાં તો તેનાથી પણ વધુ ચિંતાજનક દૃશ્ય હોવાનું ને?
Also read: ફ્લૅશ બૅક : પ્રદીપ કુમાર ઓછી પ્રતિભા, મોટી પ્રતિમા
અનુભવ સિંહા દિગ્દર્શિત ફિલ્મ ‘થપ્પડ’ (૨૦૨૦)માં અમૃતા એના પતિના કામ અને સફળતા માટે ઘરનું બધું જ કામ સંભાળે છે અને પતિ માટે જ રાખેલી એક પાર્ટીમાં ઘરે કેટલાય મહેમાનો વચ્ચે પતિ પોતાના કામના ગુસ્સામાં અમૃતાને થપ્પડ મારી દે છે. પતિ માફી માંગે છે, પણ અત્યંત આઘાતમાં અમૃતા એક ગહન સવાલ પૂછે છે : આ એક થપ્પડ પણ તેં મારી જ કેમ શકે? વાત ઘર અને પરિવાર માટે દરેક પ્રસંગ અને તહેવારે થાકતી-ભાગતી સ્ત્રીના માન અને અપમાનની છે.
હમણાં જ રિ-રિલીઝ થયેલી રાહી અનિલ બર્વે દિગ્દર્શિત ફિલ્મ ‘તુમ્બાડ’માં પતિ વિનાયક સોનાની લાલચમાં ગામ જાય છે અને કેટલાય દિવસ સુધી ઘરે પાછો આવતો નથી. ઘરમાં ખાવાનું નથી એટલે જીવનનિર્વાહ માટે પત્ની વૈદેહી બ્રાહ્મણીના હાથે પીસેલા લોટની જાહેરાત સાથે ઘંટી ચલાવે છે. પતિ આવીને પત્નીને ઘર ચલાવતા અને કમાતા જોઈને એના પર હાથ ઉપાડે છે. એ જોઈને સહેજે સવાલ થાય કે બંને રીતે ઘર ચલાવી જાણતી ભારતીય સ્ત્રી પર હાથ ઊઠાવવાની પરવાનગી પુરુષને આપે છે કોણ? પણ આ સમાજે પુરુષને સમજણ આપ્યા અને આવ્યા પછી પણ જવાબદારી અવગણવાનો એક વિચિત્ર હક આપ્યો છે.
રાહુલ રીજી નાયર દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ ‘ઓત્તામુરી વેલીચમ’ (૨૦૧૭) કે જે ‘લાઈટ ઈન ધ રૂમ’ના નામે પણ રિલીઝ થઈ છે એ પણ કંઈક આવી જ વાત કરે છે. ઇલેક્ટ્રિશ્યન પતિને રૂમમાં અવનવી ડિઝાઈનવાળી રંગબેરંગી લાઈટ લગાવવાનો શોખ છે. રાતે એ લાઇટમાં ઊંઘી ન શકતી પત્ની વિરોધ કરે તો એના શરીર પર ઈજાના નિશાન પડે છે. તેજ અને પ્રકાશના આ દિવાળીના તહેવારમાં ઘરની દીવાલો પર તો ઝગમગતા દીવા હોય, પણ ઘરની અંદર અંધારું હોય તો શું કામનું?
સિનેમા સમાજનો ધારદાર અરીસો છે. આવા તો અનેક દૃશ્યો છે આપણી ફિલ્મ્સમાં કે જેમાં સ્ત્રીના હિસ્સામાં સહયોગ નહીં, ફક્ત ઉપયોગ લખાયો છે એટલે જ દિવાળી જેવા તહેવારો એ યાદ કરાવવા આવે છે કે ઘર સૌનું, તહેવાર સૌનો તો તેની ઉજવણીની તૈયારીમાં મદદ પણ સૌની જ એકસરખી જ હોવી જોઈએ!