મેટિની

ફોકસ : સિને વર્લ્ડ V/S અંડર વર્લ્ડ ધમકી- હુમલા ને વસૂલીની માયાનગરી…!

-ડી. જે. નંદન

તાજેતરમાં, 18મી સપ્ટેમ્બર 2024ના રોજ, સલમાન ખાનના પિતા અને બોલીવૂડના પ્રખ્યાત લેખક સલીમ ખાન મોર્નિંગ વોક કર્યા પછી બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પર રોડના કિનારે બેંચ પર બેઠા હતા. તે જ સમયે તેની સામેથી એક સ્કૂટર પસાર થયું અને થોડે દૂર ગયા બાદ સ્કૂટર યુ-ટર્ન લઈને તેની તરફ આવ્યું. આ સ્કૂટર 28-30 વર્ષનો યુવક ચલાવી રહ્યો હતો અને પાછળની સીટ પર બુરખો પહેરેલી એક મહિલા બેઠી હતી.

સ્કૂટી સલીમ ખાન પાસે આવીને રુકી અને પાછળ બુરખો પહેરીને બેઠેલી મહિલાએ કહ્યું, ‘સાવધાન રહેજો… નહીં તો લોરેન્સને કહું કે?’ આ પછી સ્કૂટી, જે પૂરી રીતે બંધ પણ નહોતી થઈ ઝડપથી ચાલી ગઇ, પરંતુ સ્કૂટર અને સ્કૂટર પર સવાર પુરુષ અને મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયાં હતાં.

સ્કૂટીનો નંબર 7444 હતો. આ પછી એ જ થયું જે થવું જોઈતું હતું. સલીમ ખાને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં જઈને તેને ધમકી આપનાર આ મહિલા વિશે ફરિયાદ નોંધાવી અને તરત જ પોલીસે સીસીટીવી કેમેરા દ્વારા આ સ્કૂટી સવાર કપલની ધરપકડ કરી. આ પંક્તિઓ લખાય ત્યાં સુધીમાં બંને પોલીસ કસ્ટડીમાં હતાં અને સલીમ ખાનને આ ધમકી શા માટે આપી તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

છ મહિનામાં સલમાન ખાન અથવા તેના પરિવારના કોઈપણ સભ્યો માટે આ બીજી ધમકી હતી. નોંધનીય છે કે આ પહેલા 14મી એપ્રિલ 2024ના રોજ બે અજાણ્યા શખ્સોએ ગેલેક્સી એપાર્ટમેન્ટના પહેલા માળે (જ્યાં સલમાન ખાન તેના આખા પરિવાર સાથે રહે છે) પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને જ્યારે ગેલેક્સીના સુરક્ષાકર્મીઓએ આ હુમલાખોરો પર વળતો ગોળીબાર કર્યો તો તેઓ ત્યાંથી રફૂચક્કર થઈ ગયા.

હકીકતમાં, 14મી એપ્રિલના રોજ વહેલી સવારે સલમાન ખાનના ઘરના પહેલા માળે ગોળીબાર કરનારા બે બાઇક સવારોમાં પાછળની સીટ પર બેઠેલો વ્યક્તિ ગોળીબાર કરી રહ્યો હતો અને બાઇક ચલાવી રહેલા વ્યક્તિએ બાઇક સ્ટાર્ટ જ રાખી હતી, જેવું એમને લાગ્યું કે સલમાનના ઘરના સુરક્ષાકર્મીઓએ પ્રતિક્રિયા આપી, બાઇક ચલાવનારે તરત જ એક્સિલરેટર દબાવ્યું અને જ્યાં સુધીમાં સલમાનના ઘરના સુરક્ષાકર્મીઓ બહાર આવ્યા, ત્યાં સુધીમાં હુમલાખોરો રફુચક્કર થઈ ગયા.

પરંતુ મુંબઈ પોલીસની તત્પરતાને કારણે આ ગુનાહિત ષડયંત્ર માટે ટૂંક સમયમાં જ તે બે જ નહીં પરંતુ કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પહેલી મે, 2024ના રોજ ધરપકડ કરાયેલા આ છ લોકોમાંથી અનુજ થાપન નામના હુમલાખોરે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી, બાકીના પાંચ લોકો હજુ પણ જેલમાં બંધ છે.

બોલીવૂડમાં ‘ભાઇ’ જેવા તાકતવર સંબોધનથી બોલાવાતા સલમાન ખાન અને તેના પરિવાર પર અંડરવર્લ્ડ વારંવાર હુમલો કરી રહ્યું છે, ત્યારે જાણી શકાય છે કે બોલીવૂડના સામાન્ય સ્ટાર્સ અને પ્રખ્યાત હસ્તીઓનું શું થતું હશે?
આ કોઈ નવો ટ્રેન્ડ નથી. સત્ય તો એ છે કે છેલ્લી સદીના 80ના દાયકાથી અંડરવર્લ્ડની ધમકીઓ, છેડતી અને હુમલાઓ અને હત્યાઓની આ તલવાર બોલીવૂડ સ્ટાર્સ અને પ્રખ્યાત બિઝનેસમેન લોકો પર સતત લટકતી રહી છે. જો કે તે પહેલા પણ અંડરવર્લ્ડ બોલીવૂડ સ્ટાર્સ પર પોતાની પકડ ચુસ્ત કરતું રહ્યું છે.

કરીમ લાલાથી લઈને હાજી મસ્તાન સુધી, તેઓએ બોલીવૂડ સ્ટાર્સ અને મોટા ફિલ્મ નિર્માતાઓને ધમકીઓથી પોતાના ઈશારે નચાવ્યા છે. પરંતુ મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમની સલ્તનતની પછી આ બધું માત્ર ધમકીઓ પૂરતું સીમિત ન હતું, અંડરવર્લ્ડનો આ ડર હુમલા અને હત્યાની ધમકીઓથી પણ આગળ વધી ગયો છે. જે બાદ બોલીવૂડ સ્ટાર્સ અને બિઝનેસમેન ખરેખર ભયના છાયામાં જીવવા માટે મજબૂર બન્યા છે.

Also Read – કરના થા ઈનકાર, મગર ઇકરાર…

એમાં કોઈ શંકા નથી કે બોલીવૂડ અને અંડરવર્લ્ડ વચ્ચેના સંબંધ જૂના છે, પરંતુ ઓગસ્ટ 1997માં જ્યારે ધમકીઓ આપીને અંડરવર્લ્ડે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ટાયકૂન ગુલશન કુમારની ભર બપોરે હત્યા કરી દીધી, જેણે માયાનગરીને હચમચાવી દીધી હતી.

આ હત્યા બાદ ગેંગસ્ટરે સ્પષ્ટપણે કહ્યું કે, ‘હાર માની લો અને જે કહેવામાં આવે છે તે સંપૂર્ણપણે સ્વીકારો. નહીં તો દુનિયામાંથી તમારું પત્તું કટ થઈ જશે. હકીકતમાં, બોલીવૂડમાં ગુલશન કુમારની હત્યા પછી, અંડરવર્લ્ડના ડરનો અર્થ જ બદલાયો નથી, પરંતુ સેલિબ્રિટીઓ તેમની અંગત સુરક્ષાના નામે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવા લાગ્યા. આમ છતાં ન તો અંડરવર્લ્ડની ધમકીઓ બંધ થઈ કે ન તો તેમની સામે કોઈ કાર્યવાહી થઈ. આમ છતાં બોલીવૂડ સ્ટાર્સ અને બિઝનેસમેનના માથા પરથી ક્યારેય ડર અને આતંકની તલવાર હટી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button