દેશપ્રેમના બદલાયેલા દીદાર
૧૫ ઓગસ્ટ અને એની આસપાસના દિવસોમાં રિલીઝ થતી દેશભક્તિ કે રાષ્ટ્રવાદનું લેબલ ધરાવતી ફિલ્મોનું સ્વરૂપ ઘણું બદલાઈ ગયું છે.
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
શર્વરી વાઘ અને જોન અબ્રાહમ ‘વેદા’માં
૧૫ ઓગસ્ટ..
ભારતનો સ્વાતંત્ર્ય દિન. એ દિવસે ટેલિવિઝન પર દેશભક્તિની જૂની – નવી ફિલ્મોનું સતત પ્રસારણ થાય.
‘દૂર હટો અય દુનિયાવાલો, હિન્દોસ્તાં હમારા હૈ’, ‘નન્હા મુન્ના રાહી હૂં દેસ કા સિપાહી હૂં, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ’ સહિત અનેક ગીત વાતવરણમાં ગુંજવા લાગે. થિયેટરમાં દેશભક્તિ – રાષ્ટ્રવાદનું નિરૂપણ કરતી ફિલ્મો રિલીઝ કરવામાં આવે. રાષ્ટ્રપ્રેમ કેન્દ્રમાં હોય એવી ફિલ્મ બનાવી ૧૫ ઓગસ્ટ આસપાસ રિલીઝ કરવાથી બોક્સ ઓફિસ પર સારી સફળતા મેળવી શકાય એવું ગણિત મુકવામાં આવતું હોય છે.
જોકે, છેલ્લાં ૨૪ વર્ષમાં – દેશભક્તિ અને રાષ્ટ્રવાદની ફિલ્મોની રજૂઆતમાં નોંધપાત્ર ફરક જોવા મળ્યો છે. બહાદુરી – શૂરાતન અને વિજયગાથાના યુદ્ધ વૃતાન્ત ધરાવતી ફિલ્મોને બદલે હવે દેશનું ગૌરવ વધારતી કોઈ ઘટના અથવા કોઈ વિરલ વ્યક્તિત્વની અનોખી સિદ્ધિમાં નાટ્યાત્મકતા ઉમેરી દેશપ્રેમ અને દેશાભિમાનને ઉજાગર કરતી ફિલ્મ રજૂ કરવાને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે.
આવતા ગુરુવારે ૧૫ ઓગસ્ટ છે . એ દિવસે જોન અબ્રાહમ, શર્વરી વાઘ અને તમન્ના ભાટિયાની ‘વેદા’ રિલીઝ થઈ રહી છે. ‘વેદા’ એક્શન થ્રિલર સોશિયલ ડ્રામા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફિલ્મમાં જોન અબ્રાહમ ફરજ પરથી બરતરફ કરવામાં આવેલા સૈનિકના રોલમાં છે , જે દલિત યુવતી (શર્વરી વાઘ)ને સામાજિક અન્યાય સામે લડવાની તાલીમ આપે છે. ટૂંકમાં એક એવું વ્યક્તિત્વ જે સામાજિક દૂષણ દૂર કરી રાષ્ટ્રીય ગૌરવ સ્થાપિત કરે છે એની વાત છે.
છેલ્લા ૨૪ વર્ષ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રવાદની બદલાયેલી ફિલ્મોનું આ એક વધુ ઉદાહરણ છે. એક આશ્ર્ચર્યની વાત એ છે કે ‘બેબી’ (૨૦૧૫)થી લઈ ‘સરફિરા’ (૨૦૨૪) સુધી નિયમિતપણે દેશનું ગૌરવ વધારતી ઘટના કે વ્યક્તિગત સિદ્ધિને કેન્દ્રમાં રાખી બનેલી વિવિધ ફિલ્મોમાં નજરે પડેલા અક્ષય કુમારની આ વખતે ૧૫ ઓગસ્ટ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, પણ એ કોમેડી થ્રિલર છે. ૧૫ ઓગસ્ટના દિવસે રિલીઝ થનારી અન્ય બે ફિલ્મ છે ‘સ્ત્રી ૨’ જે હોરર કોમેડી છે અને બીજી છે ‘સાબરમતી રિપોર્ટ’ જે ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના દિવસે સાબરમતી એક્સપ્રેસમાં બનેલી ગોઝારી ઘટનાની પાર્શ્ર્વભૂમિ પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ દેશદાઝ વ્યક્ત કરવાનો અલગ ચહેરો એવી દલીલ થઈ શકે છે. આ નવી વ્યાખ્યામાં ફિટ બેસે એવી ’ઈમરજન્સી’ અને ‘સ્કાયફોર્સ’ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની છે.
દેશભક્તિ – રાષ્ટ્રવાદની બદલાયેલી ફિલ્મોનો ચિતાર જાણીએ તો
એક સમય હતો જ્યારે શૌર્યગાથા, બલિદાન અને વિજયપતાકાનું મિશ્રણ ધરાવતી યુદ્ધ કેન્દ્રમાં હોય એવી ફિલ્મ દેશભક્તિ કે દેશદાઝ દર્શાવતી ફિલ્મનું લેબલ ધરાવતી હતી. ’હકીકત’, ’લલકાર’ કે પછી મનોજ કુમારની ‘ઉપકાર’ જેવી ફિલ્મોના દોર પછી સની દેઓલની ‘બોર્ડર’ કે ‘ગદર એક પ્રેમકથા’માં દુશ્મનનો સામી છાતીએ મુકાબલો કરવાની કથાને પ્રાધાન્ય હતું. મનોજ કુમારની ‘શહીદ’ અને સની – બોબી દેઓલની ‘૨૩ માર્ચ ૧૦૩૧: શહીદ’ તેમજ અજય દેવગનની ‘ધ લેજન્ડ ભગતસિંહ’ એના અન્ય સશક્ત ઉદાહરણ છે.
એકવીસમી સદીમાં યુદ્ધ વૃતાન્ત ફિલ્મની બદલે વિશિષ્ટ કામગીરી – સાહસ કરનારી વ્યક્તિ કે ભારતીય તરીકે આપણે ગૌરવ લઈ શકીએ એવી ઘટના કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવતી ફિલ્મ દેશપ્રેમ, દેશ માટેના ગૌરવનું પ્રતીક બની ગઈ છે.
ફિલ્મ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની દલીલ છે કે ‘સ્વાતંત્ર્ય લડતમાં શું થયું, કેટલા યુદ્ધ થયા એની ઘણી ફિલ્મો આવી ગઈ છે. લોકો એનાથી ધરાઈ ગયા છે. હવે વ્યક્તિ વિશેષ કે કોઈ વિશિષ્ટ ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વ્યક્તિની અનન્ય સિદ્ધિ કે ઘટના છેવટે તો દેશના વિકાસમાં જ નિમિત્ત બનતા હોય છે ને.’
એક્શન ફિલ્મોથી કોમેડી ફિલ્મો તરફ વળેલા અક્ષય કુમારે દેશભક્તિની ફિલ્મોની નવી ફોર્મ્યુલા અપનાવી શરૂઆતમાં ખાસ્સી સફળતા પણ મેળવી હતી. લશ્કરી ગણવેશ પહેરી યુદ્ધમોરચે લડવાને બદલે અનન્ય કાર્ય કે મિશન પાર પાડતા પાત્રો ભજવી અક્ષયે ચીલો ચાતર્યો. ‘બેબી’, ‘હોલીડે: અ સોલ્જર ઈઝ નેવર ઓફ ડ્યુટી’, ‘એરલિફ્ટ’, ‘ગોલ્ડ’, ‘પેડમેન’, ‘કેસરી’, ‘મિશન મંગલ’ આંખ સામે તરવરી ઊઠે છે.
આ ઉપરાંત , ‘ન્યુટન’માં લોકશાહીના મૂલ્યોનું જતન કરવા મથતો રાજકુમાર રાવ, ભારત – પાકિસ્તાન યુદ્ધની પાર્શ્ર્વભૂમિ પર દુશ્મન દેશમાં જાસૂસી કરવા લગ્નનો હથિયાર તરીકે ઉપયોગ કરતી ‘રાઝી’ની આલિયા ભટ્ટ, ભારત પરમાણુ રાષ્ટ્ર બન્યું એ ઐતિહાસિક ક્ષણનું પ્રતિબિંબ ઝીલતી જોન અબ્રાહમની ‘પરમાણુ’ પણ રાષ્ટ્રપ્રેમની ફિલ્મોનો નવો ફાલ છે. અજય દેવગન અને કંગના રનૌટે અનુક્રમે ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ અને ‘મણિકર્ણિકા: ‘ઝાંસી કી રાની’માં દેશદાઝના ઈતિહાસના ભવ્ય પ્રકરણ ઉખેળ્યા. ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ અને ‘મિશન મંગલ’માં અક્ષય ઉપરાંત સન્નારી ગણ (વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન) અંગત સિદ્ધિના પ્રતીક હતા.
આ બદલાવ અંગે ‘મિશન મંગલ’ની અભિનેત્રી કીર્તિ કુલ્હારીની પ્રતિક્રિયા ઘણું કહી જાય છે. કીર્તિનું કહેવું છે : ‘સિનેમા ઘણું સશક્ત માધ્યમ છે. યુદ્ધની કથાના માધ્યમથી દેશભક્તિ દર્શાવવાને બદલે જો દેશ માટે કંઈક કરી છૂટતા લોકોની કથા લોકોને વધુ અપીલ કરે છે. દેશપ્રેમ કેવળ યુદ્ધમોરચે લડાઈ કરીને જ વ્યક્ત થાય એવું નથી. બીજા ઘણા રસ્તા છે. કોઈને પરાજીત કરીને જ વિજય મેળવી શકાય એવું નથી. વિષમ પરિસ્થિતિમાંથી સાંગોપાંગ પાર નીકળવું એ પણ વિજય જ છે. આ પ્રકારની ફિલ્મોમાં મનુષ્યનું સામર્થ્ય પ્રગટ થાય છે.’
અલબત્ત, આની સાથે યુદ્ધસ્ય કથા રમ્યા: અને સ્વાતંત્ર્ય માટેની લડતની ફિલ્મોનો દોર પણ ચાલુ રહ્યો. વિકી કૌશલની ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ અને ‘સરદાર ઉધમ સિંહ’ રજૂ થઈ. પાકિસ્તાન સામેના યુદ્ધની ‘પિપ્પા’ અને કારગિલ યુદ્ધના શૂરવીર વિક્રમ બત્રાની શૌર્ય ગાથા દર્શાવતી ’શેરશાહ’ પણ આવી.
અલબત્ત, યુદ્ધમાં બહાદુરી – શૂરાતન કેન્દ્રમાં રાખીને બનેલી દેશભક્તિની ફિલ્મોના દોર પછી માનવ સિદ્ધિ દ્વારા દેશપ્રેમ વ્યક્ત કરતી કથાઓ દમદાર હશે અને દર્શકોને એમાં પોતીકાપણું લાગશે ત્યાં સુધી એ દોરની ફિલ્મો બનતી રહેશે એવું ફિલ્મ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું માનવું છે.