મેટિની

સિક્વલમાં અભિનેત્રીઓનું કાસ્ટિંગ આઉચ !

સફળ ફિલ્મ્સના બીજા ભાગમાં અભિનેત્રીઓને કેમ કાસ્ટ કરવામાં નથી આવતી?

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

લાંબા સમયથી પાછળ ઠેલાતી બોની કપૂર નિર્મિત, અમિત શર્મા દિગ્દર્શિત અને અજય દેવગણ-પ્રિયામણી અભિનીત ફિલ્મ ‘મેદાન’ ૧૦ એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રચાર દરમિયાન બોની કપૂરે તેની બીજી એક ફિલ્મની વાત પણ કરી. એ ફિલ્મ એટલે ૨૦૦૫માં રિલીઝ થયેલી અનીસ બઝમી દિગ્દર્શિત ‘નો એન્ટ્રી’. બોની કપૂરે કહ્યું કે ફાઈનલી તેની સિક્વલ પર પણ અમે કામ કરી રહ્યા છીએ. એ ડિરેક્ટ અનીસ બઝમી જ કરશે અને તેનું પ્રોડક્શન વર્ક મોટાભાગે ચાલુ વર્ષના ડિસેમ્બર મહિનાથી શરૂ થશે. ફિલ્મની કાસ્ટમાં સામેલ છે વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજિત દોસાંજ. આ ઉપરાંત ફિલ્મમાં ૧૦ જેટલી અભિનેત્રી પણ હશે.’ સિનેમા જગતમાં સિક્વલ્સનો ટ્રેન્ડ વર્ષોથી ચાલતો આવ્યો છે. સિક્વલ એટલે કોઈ ફિલ્મ સફળ થાય એટલે તેનો બનાવવામાં આવતો બીજો ભાગ. મુખ્યત્વે સિક્વલમાં મૂળ ફિલ્મની વાર્તા આગળ વધે અથવા તો એ જ થીમ અને જોનરને જાળવી રાખીને કોઈ નવી જ વાર્તા પરથી બીજો ભાગ બને, પણ ભારતીય સિક્વલ ફિલ્મ્સની યાદી જોઈએ તો એમાં એક ચીજ ખાસ ધ્યાન આપવા જેવી લાગે. એ એટલે કે મોટાભાગે કોઈ પણ ફિલ્મની સિક્વલ આવે ત્યારે તેમાં અભિનેત્રી/અભિનેત્રીઓ બદલાઈ જતી હોય છે.
‘નો એન્ટ્રી’ની સિક્વલની વાત કરીએ તો બોની કપૂરે એવું પણ કહ્યું કે અનિલ કપૂર આ કાસ્ટિંગથી નારાજ છે. એને પણ સિક્વલમાં કામ કરવું છે, પણ વાર્તા એવી છે કે ‘એના કાસ્ટિંગ માટે સ્કોપ નથી.’ મૂળ ફિલ્મમાંઅનિલ કપૂર અને ફરદીન ખાન ઉપરાંત સલમાન ખાન પણ હતો.

વર્ષોથી આ સિક્વલ પાછળ ઠેલાતી રહી એ પાછળ સલમાનની તારીખોના પ્રશ્ર્નનો મુદ્દો પણ સમાચારોમાં ચમકતો રહ્યો છે. મતલબ કે સિક્વલમાં પુરુષ કલાકારો બદલાય છતાં એમને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે કે એમના માટે રાહ જોવામાં આવી છે, જેમ કે ‘હેરાફેરી ૩’ની છેલ્લી જાહેરાતમાં અક્ષય કુમાર ફિલ્મમાં ન હોવાની વાત મીડિયા અને દર્શકોમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની હતી. જયારે અભિનેત્રીઓને તો કાસ્ટિંગ ફ્રેશ લાગે એ માટે જાણીજોઈને બદલવામાં આવે છે તેના ઘણા ઉદાહરણ છે.

થોડા દિવસ અગાઉ જ અડલ્ટ કોમેડી ‘ફ્રેન્ચાઈઝ મસ્તી’ના ચોથા ભાગની જાહેરાત કરવામાં આવી છે. આગળના ત્રણે ભાગના પુરુષ કલાકારો વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાની ચોથા ભાગમાં પણ છે અને એમને ફિલ્મની જાહેરાતનો હિસ્સો પણ બનાવવામાં આવ્યા છે, જયારે અભિનેત્રીઓ હજુ ફાઇનલ નથી. એ ચોક્કસ બદલાશે. અરે! બદલાશે શું? આના પહેલાંના ત્રણે ભાગમાં અભિનેત્રીઓ અલગ-અલગ જ હતી. પહેલા ભાગમાં લારાદત્તા, જેનિલિયા ડિસોઝા દેશમુખ, તારા શર્મા અને અમૃતા રાવ હતાં. જયારે સિક્વલ ‘ગ્રાન્ડ મસ્તી’ (૨૦૧૩ અને એ પછીની ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ (૨૦૧૬)માં પહેલાંની ફિલ્મ્સમાંથી એકપણ અભિનેત્રીને કાસ્ટ નહોતી કરવામાં આવી. આની સામે દલીલ એ થઈ શકે કે એ તો ફિલ્મની વાર્તામાં સાતત્યતા ક્યાં છે, એ જ પાત્રોની વાત ક્યાં આગળ વધી રહી છે કે નવી અભિનેત્રીઓનું કાસ્ટિંગ ન કરી શકાય? તો આ જ મુદ્દાના આધારે અભિનેતાઓ પણ તો બદલી શકે ને, અથવા તો અભિનેત્રીઓ એ જ રહી શકે.

કોમેડી ફિલ્મ ફ્રેન્ચાઈઝમાં આ ચીજ વધુ જોવા મળે છે. ‘હાઉસફુલ’માં પણ અભિનેતાઓ નહીં, અભિનેત્રીઓ જ બદલાયેલી જોવા મળે છે. અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ રિલીઝ થયેલા ચારેય ભાગમાં છે, જયારે એમની સામેની અભિનેત્રીઓ બદલાતી રહી છે. ‘હાઉસફુલ’ જેવી જ કોમેડી ‘ફ્રેન્ચાઈઝ,’ ‘ગોલમાલ’નું ઉદાહરણ પણ આવું જ છે. અહીં પણ મેલ લીડ એક્ટર્સ મૂળ ફિલ્મ પછીની સિક્વલ્સમાં જોવા મળે છે, પણ અભિનેત્રીઓ બદલાતી રહી છે. હા, કરીના કપૂર ખાન બીજા અને ત્રીજા બંને ભાગમાં છે. પણ ચોથા ભાગમાં એના સ્થાને પણ પરિણીતી ચોપરાનું કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

આયુષમાન ખુરાના અભિનીત અને રાજ શાંડિલ્ય દિગ્દર્શિત ‘ડ્રિમ ગર્લ’માં પણ આ જ વાતનું પુનરાવર્તન જોવા મળે છે. પહેલા ભાગની અભિનેત્રી નુશરત ભરૂચાના બદલે બીજા ભાગમાં આપણને અનન્યા પાંડે જોવા મળે છે.

આ પ્રકારના કાસ્ટિંગને લઈને મીડિયા સાથેની મુલાકાતોમાં અભિનેત્રીઓની નારાજગી પણ જોવા મળતી હોય છે. નુશરત ભરૂચાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને ખબર નથી કે મને બીજા ભાગમાં કેમ કાસ્ટ કરવામાં નથી આવી. કોઈ લોજીક કે જવાબ નથી મળતો મારા એ ફિલ્મમાં ન હોવાનો…. હું માણસ છું, સ્વાભાવિક છે મને દુ:ખ થાય. પણ આ એમનો નિર્ણય છે, કશો વાંધો નહીં. મને એ ટીમ પ્રત્યે પ્રેમ છે, બીજી વખત કામ કરવા મળ્યું હોત તો ખુશી થાત.

સાચી વાત છે, આખરે પૈસા તો પ્રોડ્યુસરે રોકવાના છે, ફિલ્મ તો એમણે બનાવવાની છે, તો કાસ્ટિંગ માટે એમને પૂરતો અધિકાર છે, પણ આ એક પેટર્ન જોવા મળે છે કે મોટાભાગે સિક્વલમાં અભિનેત્રીઓને જ બદલવામાં આવે છે. આ પાછળ હીરોને વધુ પ્રાધાન્ય આપવાનું કલ્ચર અને પ્રોડ્યુસર્સની મેલ આર્ટિસ્ટ્સની વધુ કમાણી કરાવી આપવાની ક્ષમતા હોવાની વિચારધારા પણ કામ કરતી હોઈ શકે. એ જ કારણ છે કે મુખ્ય ભૂમિકામાં અભિનેતાઓ અભિનેત્રીઓની સરખામણીએ વધુ વર્ષો કામ કરતા હોય છે અને સરવાળે મોટી ઉંમરના અભિનેતાઓના નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે કજોડાં સર્જાતા હોય છે. એવા પણ કિસ્સાઓ બનતા હોય છે કે એક સમયે લારા દત્તા જેવી અભિનેત્રી ‘અંદાજ’ જેવી ફિલ્મમાં અક્ષય કુમાર સામે મુખ્ય અભિનેત્રી હોય અને થોડાં વર્ષોમાં ‘સિંઘ ઇઝ બ્લિન્ગ’ જેવી ફિલ્મમાં સપોર્ટિંગ રોલમાં હોય અને મુખ્ય અભિનેત્રી હોય એમી જેક્સન.

સિક્વલમાં અભિનેત્રી બદલાયાના ‘બાઘી’, ‘ક્યા કૂલ હૈ હમ’, ‘ધમાલ’, ‘મુન્નાભાઈ’, ‘મર્ડર’, ‘સત્યમેવ જયતે’, ‘યમલા પગલા દીવાના’ જેવી અનેક ફ્રેન્ચાઈઝના કિસ્સાઓ છે. જો કે આની સામે ‘બંટી ઔર બબલી’ અને ‘પ્યાર કા પંચનામા’ જેવા એવા પણ કિસ્સાઓ છે કે જેમાં અભિનેત્રીઓ નહીં, અભિનેતાઓ બદલાયા છે.

‘બંટી ઔર બબલી ૨’માં રાની મુખર્જી છે જયારે પહેલા ભાગનો અભિનેતા અભિષેક બચ્ચન નથી. ‘પ્યાર કા પંચનામા ૨’માં નુશરત ભરૂચા, ઇશિતા રાજ શર્મા અને સોનાલી સેહગલ છે જયારે પહેલા ભાગના ત્રણ અભિનેતાઓમાંથી દિવ્યેન્દુ અને રાયો એસ બખીર્તા નથી, પણ ‘જોલી એલએલબી’ કે ‘વેલકમ’ કે ‘ભૂલભૂલૈયા’ જેવી ફિલ્મ્સમાં અભિનેતા બદલાય ત્યારે આ વાતની દરેક જગ્યા પર ચર્ચા થતી હોય છે. નિર્માતાઓ અને દર્શકો માટે મેલ આર્ટિસ્ટ્સ એના એ જ હોય એનો મતલબ એ કે કાસ્ટિંગ એ જ છે, પણ અભિનેત્રીઓ બદલાય એ વાત પર ચર્ચા ઓછી થતી હોય છે.

લાસ્ટ શોટ
‘સિંઘમ રિટર્ન્સ’માં તો પહેલી ફિલ્મની વાર્તા આગળ વધે છે, છતાં કોઈ જ તાર્કિક સ્પષ્ટીકરણ વિના સિક્વલમાં કાજલ અગ્રવાલના સ્થાને કરીના કપૂર ખાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button